જો આ ચેતવણી માની હોત તો આજે ટાઇટેનિક ન ડૂબ્યું હોત, ટાઇટેનિકની એવી વાતો જે આજે પણ છે અજાણ

શું તમને ટાઈટેનિક ફિલ્મ ખુબ ગમી હતી ? તો જાણો આ જહાજની અજાણી રસપ્રદ વાતો

ટાઇટેનિકની ખાસિયતો

image source

ટાઈટેનિકનો ઇતિહાસ એક ઉંડા કૂવા જેવો છે તેને ડૂબ્યાને આટલા વર્ષો થયાં તેમ છતાં તેના વિષે એવી એવી બાબતો બહાર આવે છે કે જેને આજ પહેલા ક્યારેય જાણવામાં નહોતી આવી. તમને જણાવી દઈએ કે હાલ ચાઈનામાં અદલ ટાઈટેનિક જેવું જ જહાજ બની રહ્યું છે.

ટાઈટેનિક ડૂબી ગયાને એક સદી ઉપર થઈ ગયું તેમ છતાં તેના વિવાદો તેમજ તેની રહસ્યમયી વાતો અત્યાર સુધી બંધ નથી થઈ. આરએમએસ ટાઈટેનિક એક વખતે દુનિયાનું સૌથી મોટું જહાજ હતું, જેની લંબાઈ 269 મીટર હતી. હાલ દુનિયાનું સૌથી મોટું જહાજ છે હાર્મોની ઓફધ સીઝ જે ટાઈટેનીક કરતાં સો મીટર વધારે વિશાળ છે તેની લંબાઈ છે 362.12 મીટર.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે ટાઈટેનિકની ઉંચાઈ 11 માળ જેટલી હતી. હવે જ્યારે ક્યારેય પણ તમે કોઈ અગિયાર માળની બિલ્ડીંગ આગળ ઉભા રહો ત્યારે ટાઈટેનિકને યાદ કરજો અને વિચાર જો કે ટાઇટેનિક આટલું ઉંચું જહાજ હતું. અને માત્ર તેટલું જે નહીં પણ તેની લંબાઈ પણ કોઈ નાનકડા શહેર જેટલી હતી.

આ વિશાળ જહાજને ચલાવવા માટે દીવસના 600 ટન કોલસા બાળવા પડતા હતા. જેમાં 176 જણની ટીમ કામે લાગતી. 24 કલાકમાં આ બળીને રાખ થઈ જતાં કોલસાની 100 ટન રાખને દરિયામાં ઉલેચી દેવામાં આવતી.

image source

ટાઈટેનિક ફિલ્મ જે કોઈએ જોઈ હશે તેમને ખ્યાલ હશે કે આ વિશાળ જહાજ અંદરથી અત્યંત સુંદર હતું. તેનું ઇન્ટીરીયર લંડનની રીટ્ઝ હોટેલથી ઇન્સ્પાયર હતું. અને આ હોટેલની જેમ ટાઈટેનિકમાં પણ જીમ, પુલ, ટર્કીશ બાથ, ફર્સ્ટક્લાસ પેસેન્જરના કુતરાઓ માટેના નાનકડા ઘર, અને એક સ્ક્વોશ કોર્ટ પણ હતા. આ બધી જ ખાસીયતો આ જહાજમાં ઉમેરવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં પણ ટાઈટેનિક પોતાનું ખુદનું ઓનબોર્ડ ન્યુઝ પેપર પણ ધરાવતું હતું.

ટાઈટેનિકનું બાંધકામ 26 મહિનામાં કરવામાં આવ્યું હતું જે દરમિયાન 246 લોકો ઘવાયા હતા અને 2 લોકોના મૃત્યુ પણ થયા હતા.

image source

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ટાઈટેનિકનું જે મુખ્ય એન્કર હતું તે એટલું વજનદાર હતું કે તેને લાવવામાં 20 ઘોડાઓનો ઉપયોગ કરવો પડ્યો હતો.

જ્યારે પહેલીવાર એટલે કે 31 મે, 1911માં આ જહાજ દરિયામાં તરતુ મુકવામાં હતું ત્યારે માત્ર તેને જોવા જ 100,000 લોકોની જનમેદની ભેગી થઈ હતી.

ટાઈટેનિકનો કુલ સ્ટાફ 885 લોકોનો હતો જેમાંથી સ્ત્રીઓની સંખ્યા માત્ર 23 જ હતી.

image source

ફર્સ્ટક્લાસ પેસેંજરને વિશિષ્ટ સગવડો

આ જહાજ પર ફર્સ્ટક્લાસ પેસેન્જરને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામા આવતી. માત્ર ફર્સ્ટક્લાસ પેસેન્જર માટે જ જહાજ પર 20000 બોટલ બીયર, 1500 બોટલ વાઈન અને 8000 સીગાર રાખવામાં આવ્યા હતા.

ફર્સ્ટ ક્લાસ પેસેન્જરને 352 ગીતોવાળી પુસ્તીકા આપવામાં આવી હતી. અને જહાજ પરના સંગિતકારોએ તે દરેક ગીતને મ્યુઝિક સાથે યાદ કરીને રાખવાનું રહેતું હતું. કોઈ પણ દીવસે ફર્સ્ટક્લાસનો પેસેન્જર કોઈ પણ ગીતની ફરમાઈશ કરી શકતો.

ટાઈટેનીકની સૌથી નાની મુસાફર

image source

ટાઈટેનીકના હાદસામાંથી બચી ગયેલી મિલિવિના ડીન બચી ગયેલા યાત્રીઓમાં સૌથી નાની હતી. તેણીનો જન્મ 1912 અને મૃત્યુ 2009માં થયું હતું. ટાઇટેનિકની મુસાફરી દરમિયાન તેણી અમુક મહિનાની જ હતી.

ડૂબ્યા બાદ પણ જહાજમાંની કેટલીક વસ્તુઓ તેમની તેમજ રહી હતી

image source

તમને જણાવી દઈએ કે ટાઈટેનિક ડૂબી ગયાના 73 વર્ષ બાદ તેને કાટમાળ સંશોધકોના હાથે લાગ્યો હતો. અને અહીં જે સરસ રીતે ગોઠવાઈને પડેલી ડીશો છે તે ટાઈટેનિક સાથે જ દરિયાના પેટાળમાં દટાઈ ગઈ હતી પણ તેની શોધ થયા બાદ તે આ જ રીતે ત્યાં પડેલી જોવા મળી હતી.

ક્ષમતાં કરતાં ઓછી લાઈફ બોટના કારણે સેંકડો યાત્રાળુઓ ડૂબી ગયા હતા

જો તમને ખ્યાલ હોય તો ફિલ્મ ટાઈટેનિકમાં તેની હીરોઈન જહાજના બિલ્ડરને કહેતી સાંભળી હશે કે ડેક પર તો બીજી ઘણી બધી લાઈફબોટ આવી શકે તેમ હતી તો પછી તેમણે વધારે લાઈફબોટ કેમ નહોતી રાખી ? પણ આ એક ડાયલોગ માત્ર નથી પણ ટાઈટેનિક સાથે જોડાયેલી હકીકત પણ કંઈક તેવી જ છે. તેમાં કુલ 64 લાઈફબોટ લઈ જવાની ક્ષમતા હતી તેમ છતાં તેમાં માત્ર 20 જ લાઈફબોટ રાખવામાં આવી હતી. જો આ બધી જ લાઈફબોટ જહાજ પર હાજર હોત અને તેને તેની પુરી ક્ષમતાથી ભરવામાં આવી હોત તો આટલી મોટી જાનહાની ટળી શકી હોત.

જહાજનો સૌથી ધનવાન વ્યક્તિ પણ પોતાનો જીવ નહોતો બચાવી શક્યો

image source

ટાઈટેનીક પર જોહ્ન જેકોબ એસ્ટોર 4 નામનો સૌથી ધનવાન વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો. તે વખતે તેની મિલકત 85 મિલિયન ડોલરની હતી જે આજની તારીખમાં 200 કરોડ અમેરિકન ડોલર ગણી શકાય. તે પણ ટાઈટેનીકની સાથે જ દરિયામાં ગરકાવ થઈ ગયો હતો.

30 એન્જિનિયરોએ આપી હતી કુરબાની

image source

ટાઈટેનિક જેવા વિશાળ જહાજ પર કુલ 30 એન્જિનિયરો રાખવામા આવ્યા હતા જેમાંથી એક પણ બચી નહોતા શક્યા. કારણ કે તેમણે વધારેમાં વધારે યાત્રીઓને ડૂબતા બચાવવા માટે પાવરને એકધારો ચાલુ રાખવો પડે તેમ હતો અને માટે જ તેમણે ત્યાં રોકાવું પડ્યું. તેમણે પોતાના યાત્રીઓ માટે પોતાની જાતને કુરબાન કરી દીધી હતી.

ટાઈટેનિક જહાજ કરતાં ટાઇટેનિક ફિલ્મ મોંઘી હતી 

image source

ટાઇટેનિક ફિલ્મનું નિર્માણ કરવા પાછળ 2000લાખ અમેરિકન ડોલર ખર્ચવામા આવ્યા હતા. જો કે તેમાંથી તેમને હજારો કરોડો ડોલર ઉપજ્યા હતા.

ટાઇટેનિક જહાજ પરની ફર્સ્ટક્લાસ ટિકીટની રેંજમાં પણ ઘણો તફાવત હતો. તેમાં એક બર્થવાળી સીટના 150 ડોલર હતાં જે આજની મોંઘવારી પ્રમાણે 1700 ડોલર હતાં તેની સામે એક આખા સ્વીટ માટે મુસાફરે 4350 ડોલર ચુકવવા પડ્યા હતા. જે આજની મોંઘવારી પ્રમાણે 50000 ડોલર કરતાં પણ વધારે હતા.

જ્યારે સેકન્ડ અને થર્ડ ક્લાસમાં મુસાફરી કરતાં મુસાફરોએ અનુક્રમે 60 અને 30 ડોલર ચુકવ્યા હતા.

image source

જેક અને રોઝ એ તો માત્ર ઘડી કાઢવામાં આવેલા ચરિત્રો છે

ટાઈટેનિક ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં જેક અને રોઝના પ્રેમને લોકોએ ખુબ પસંદ કર્યો હતો અને ફિલ્મના અંતે જેકના મૃત્યુએ લોકોને ખુબ રડાવ્યા પણ હતાં. પણ આ બન્ને ચરિત્ર ઘડી કાઢવામાં આવ્યા હતાં. જોકે તેમની પ્રેમકથા ટાઇટેનિકમાં મુસાફરી કરતાં એક પ્રેમી જોડાથી પ્રેરાઈને લેવામાં આવી હતી. જેમાં યુવતિનું નામ હતું કેટ ફ્લોરેન્સ ફિલિપ્સ અને યુવકનું નામ હતું સેમ્યુઅલ મોરલે.

જીંદાદીલ પેસેન્જર

image source

ટાઈટેનિકના ફર્સ્ટક્લાસ પેસેંજરોમાં એક અમેરિકન બિઝનેસમેન પણ હતો જેનું નામ હતું બેંજામીન ગુગેનહેઈમ. તેને ખ્યાલ આવી ગયો હતો કે જહાજ ડૂબવા જઈ રહ્યું છે ત્યારે તેણે નાસીપાસ થયા વગર તે રાત્રે પોતે અને પોતાના મદદનીશે પોતે લાવેલા ઉત્તમોત્તમ વસ્ત્રોમાં સજ્જ થવાનું નક્કી કર્યું. જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું ત્યારે તે બન્ને ખુરશી પર આરામથી બેઠા બેઠા બ્રાન્ડીના જામ લઈ રહ્યા હતા. છેલ્લે તેમને તે જ રીતે જોવામા આવ્યા હતા.

નસીબની બલિહારી

ટાઈટેનિકમાં મુસાફરી કરવા માટે સેંકડો લોકો આતુર હતાં. ઘણા બધાએ તેની ટીકીટ પણ કઢાવી હતી પણ કેટલાક તેમાં મુસાફરી નહોતા કરી શક્યા. જેમાંના એક હતા મિલ્ટન એસ હર્શે, આ હર્શે એટલે હાલ જે આપણે હર્શીસની ચોકલેટ, ચોકલેટ સ્પ્રેડ વિગેરે ખાઈએ છીએ તેના ફાઉન્ડર. દરેકના નસીબમાં કંઈક અલગ જ લખ્યું હોય છે જે થઈને જ રહે છે.

image source

પણ આ બે જણ જેના નામ હતા ગુગ્લીલ્મ માર્કોની અને આલ્ફ્રેડ ગ્વિને વેન્ડર્બીટ તેટલા નસીબદાર નહોતાં. કારણ કે તેમણે ટાઈટેનિકની ટીકીટ તો લીધી હતી પણ તેમાં તેમણે મુસાફરી નહતી કરી પણ ત્યાર બાદ ત્રણ વર્ષે તેમણે આરએમએસ લુસીટેનિયામાં દરિયાઈ પ્રવાસ કર્યો હતો જે પણ અકસ્માતનો ભોગ બન્યું અને તેઓ તે જહાજની સાથે જ ડૂબી ગયા.

image source

1912ની સાલની 14 કે 15 એપ્રિલની રાત્રીએ ટાઈટેનિક એક વિશાળકાય હિમશિલા સાથે અથડાયું હતું. આ હિમશિલા 100 ફૂટ ઉંચી હતી અને તે ગ્રીનલેન્ડની કોઈ હીમનદીથી છુટ્ટી પડીને અહીં સુધી પહોંચી હતી. અને ટાઈટેનિકની સફર દરમિયાન તેમને છ વાર રસ્તામાં હિમશિલા આવશે તેની ચેતવણી આપવા છતાં તે છેવટે તો ટકરાઈને જ રહ્યું. આ ભયંકર અકસ્માતમાં સેંકડો જીંદગીઓ ગુમાવવીપડી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ ઇનવેસ્ટિગેશનના અહેવાલ પ્રમણે આ અકસ્માતમાં 1517 લોકો માર્યા ગયા હતા જો કે બ્રિટિશ ઇનવેસ્ટીગેશનનાં આંકડામાં થોડો ફરક છે. સમુદ્રના ઇતિહાસનો આ અત્યંત ભયંકર અકસ્માત હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ