થુલી ના પાલક વાળા પુડલા – ફાડા ના સુપર હેલ્ધી પુડલા બનાવ્યા ??

ચણા ના લોટ ના , ઘઉં ના લોટ ના , તીખા , ગળ્યા ઘણા પુડલા બનાવ્યા … ફાડા ના સુપર હેલ્ધી પુડલા બનાવ્યા ?? મને એક friend એ શીખવ્યા છે આ પુડલા , આજે આપ પણ ટ્રાય કરજો.

મૂળ ઘઉં ના ફાડા – થુલી અને પાલક માંથી બનતા આ સ્વાદિષ્ટ પુડલા હેલ્થી તો છે જ પણ સાથે સાથે diet recipe પણ છે. કેલરી બહુ ઓછી હોવાથી weight ઓછું કરવા માંગતા મિત્રો એ જરૂર થી ટ્રાય કરવું.. ચાલો જોઈએ રીત.

સામગ્રી ::

• 1 વાડકો ઘઉં ના નાના ફાડા -થુલી

• 1 નાની પણી પાલક

• 2 થી 3 લીલા મરચા

• આદુ નો નાનો કટકો

• મીઠું

• 1/2 ચમચી જીરા નો ભૂકો

• 2 ચમચી ઘઉં નો લોટ

• 2 ચમચી ચણા નો લોટ

• 3 ચમચી દહીં

• તેલ

રીત ::


સૌ પ્રથમ થુલી ને એકદમ ગરમ પાણી માં 4 થી 5 કલાક માટે પલાળી દો. આમ કરવા થી થુલી ફુલશે અને એકદમ સોફ્ટ થઈ જશે. પાલક ને ધોઈ સાફ કરી લો. કડાય માં 2 થી 3 ટીપાં ઘી લઈ , પાલક , લીલા મરચા અને આદુ ને સાંતળી લો. થોડું ઠંડુ થવા દો. ઠંડુ પડે એટલે પલાળેલી થુલી , blanched પાલક મિક્સ કરી મિક્સર માં એકદમ સ્મૂધ વાટી લો. થુલી માં પાણી નો ભાગ હોવાથી પાણી ની જરૂર નહીં પડે. બાઉલ માં આ વાટેલું મિશ્રણ કાઢી લો. હવે એમાં મીઠું , જીરા નો ભૂકો , ચણા નો લોટ , ઘઉં નો લોટ અને દહીં ઉમેરો. દહીં ફેટેલું ઉમેરવું. સરસ મિક્સ કરી 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રાખી દો. આમ કરવા થી કદાચ લોટ નો કોઈ ગાંઠો રહી ગયો હોય તો સરસ મિક્સ રહી જશે. બેટર ની consistency મિડિયમ રાખવી. બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ નહીં. નોનસ્ટિક તવો ગરમ કરો. બેટર ને પાતળું પાથરો. સાઈડ પર થોડા ટીપા તેલ રેડો. તેલ નહિ પણ ઉમેરો તો ચાલશે. સાઈડ પર કડક થાય એટલે પુડલા ને ઉથલાવી થોડો કડક થવા દો. ગરમ ગરમ પીરસો.. તૈયાર છે થુલી ના પાલક વાળા પુડલા..
નોંધ :

• તેલ ના બદલે ઘી વાપરી શકાય.

• પાલક ના હોય તો કોથમીર પણ ચાલે.

• થુલી પલાળતી વખતે સાથે ઓટ્સ પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.