જાણીતા ધનકુબેરોના જીવનની અજાણી વાતો – તમે નહિ જ જાણતા હો !

ધ્યાન વિજ્ઞાન અનુસાર ધ્યાન કરવાથી સંખ્યાબંધ માનસિક તથા શારીરિક આરોગ્યને લગતા ફાયદા થાય છે. બ્રિજવોટર એસોસિયેટ્સના સ્થાપક રે ડેલિયોએ જણાવ્યું છે કે “મારી સફળતામાં મારા જીવનની અન્ય કોઇ પણ બાબત કરતા ધ્યાનનો સૌથી વધુ હિસ્સો છે.” આવું માનનારા ડેલિયો એકલા નથી. ટ્વિટર તથા સ્ક્વેર, બન્ને કંપનીના CEO જેક ડોરસી તેમજ મિડીયા મોગલ ઓપ્રાહ વિનફ્રેના કહેવા મુજબ તેઓ દરરોજ ધ્યાન કરે છે.

દાનવૃત્તિ બ્લૂમબર્ગ મીડિયાના સ્થાપક અને CEO માઇકલ બ્લૂમબર્ગ સહિતના કેટલાક અબજોપતિઓએ પુષ્કળ દાન આપ્યું છે. બ્લૂમબર્ગે પોતાના જીવન દરમિયાન 3 અબજ ડોલરનું દાન કર્યું છે. વોરેન બફેટ અને બિલ તથા મિલીન્ડા ગેટ્સે ગિવિંગ પ્લેજની રચના કરી છે, જેનો હેતુ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોને તેમના જીવનકાળ દરમિયાન અથવા તેમના વસિયતનામામાં સખાવતી કાર્યોમાં પોતાની સંપત્તિનો અડધા કરતા વધુ હિસ્સો આપવા માટે આમંત્રિત કરે છે. કેટલાક લોકોએ પોતાની સંપત્તિના 99 ટકા કરતા વધુ હિસ્સાનું દાન આપવા માટે સોગંદ લીધા છે.

વહેલા ઊઠવું સૌથી ધનવાન લોકો સવારે વહેલા ઊઠતા હોય છે. વર્જિન ગ્રૂપના સ્થાપક રિચાર્ડ બ્રાન્સન પોતાનું કામકાજ શરૂ કરતા પૂર્વે કસરત કરવા માટે સવારે 5.45 કલાકે ઊઠે છે. ધનવાન લોકોના જીવનના પાંચ વર્ષ સુધી કરેલા અભ્યાસમાં લેખક થોમસ સી. કોરલીને જણાયું છે કે લગભગ 50 ટકા ધનાઢ્ય લોકો પોતાની કામગીરી શરૂ થાય તેના ત્રણ કલાક પહેલાં ઉઠી જાય છે.

સંયમિત ખર્ચ માત્ર પોતાના બેન્ક ખાતામાં અબજો નાણાં હોવાનો એ મતલબ ોનથી કે ધનાઢ્ય લોકો વધારે ખર્ચ કરતા હોય છે. હકીકતમાં વિશ્વના સૌથી ધનાઢ્ય લોકો પૈકીના કેટલાક કરકસરયુક્ત રીતે જીવવાનું પસંદ કરે છે. એન્ટરપ્રેન્યોર વેબસાઇટમાં મુરે ન્યૂલેન્ડ્સ લખે છે કે, “વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટન વર્ષ 1979માં ફોર્ડ F150 પિકઅપ ટ્રક હંકારતા હતાં. માર્ક ઝુકરબર્ગ માત્ર $30,000ની એન્ટ્રી લેવલની સેડાનની માલિકી ધરાવે છે અને બિલ ગેટ્સ વર્ષો સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સમાં ઉડાન ભરવા બદલ પ્રખ્યાત હતાં.”

વાંચન વિશ્વના અતિ સફળ લોકો પૈકીના ઘણાં વાંચનના બંધાણી છે. વર્ષ 2015માં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે પ્રત્યેક બે સપ્તાહે એક પુસ્તક વાંચવાનો નિશ્ચય કર્યો હતો. ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ એલન મસ્કને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે રોકેટનું નિર્માણ કરતા શીખ્યા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “હું પુસ્તકો વાંચું છું.”

કસરત અત્યંત સફળ લોકો પોતાની જાતને ફક્ત ઓફિસમાં જ પૂરી રાખતા નથી. તેઓ શારીરિક રીતે પણ ચુસ્ત રહે છે. શાર્ક ટેન્ક ઇન્વેસ્ટર અને ડેલાસ મેવરિક્સના માલિક માર્ક ક્યુબન સપ્તાહના છ થી સાત દિવસ રોજ ઓછામાં ઓછાં એક કલાક કાર્ડિયો કસરત કરે છે.

સંકલન : દીપેન પટેલ
સાભાર : આઈ એમ ગુજરાત

ટીપ્પણી