એક તસવીરના કારણે નોકરી છોડવી પડી…અરવિંદ રાઠોડ વાંચો તેમના જીવનની રસપ્રદ વાતો…

ગુજરાતી આર્ટિસ્ટ – અરવિંદ રાઠોડ

જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવોજ દબદબો અરવિંદ રાઠોડે ભોગવ્યો છે. આજે 77 વર્ષે પણ એક્ટિંગમાં અડીખમ આ કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો! આશરે અઢીસો જેટલી ફિલ્મો, અઢળક નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કરનારા અરવિંદભાઈ પોતાની સ્મૃતિઓ વાગોળે છે:

અભિનય, બાળપણનો પ્રેમઅમે રતન પોળ-નાગોરી પોળમાં રહીએ. પિતાજી દરજી કામ કરે, લેડીઝ સ્પેશિયલિસ્ટ. એટલે બાળપણમાં મારે પણ દુકાને જવું પડે. કપડાંનું કટિંગ, ઇસ્ત્રી જેવાં કામ હું પણ કરું. પણ, મને બેજ શોખ. એક, એક્ટિંગનો અને સારાંમાં સારાં કપડાં-સૂટ પહેરવાનો. સ્કૂલમાં પણ હું પ્રાર્થના ગવડાવું, નાટકોમાં ભાગ લઉં. મ્યુઝિક શીખું. પણ, પિતાજીને આ પસંદ નહીં એટલે બપોર પછી સીધું દુકાને પહોંચી જવાનું. એ સમયે એક વખત મેન્ડોલિન શીખવાનો પ્રયત્ન પણ કર્યો, પણ ખૂબ માર પડ્યો. પરિવારમાં સૌથી મોટો હું અને મારાથી નાની ચાર બહેનો. મને ગાવાનો ખૂબ શોખ. એ સમયે કૉલેજના છોકરાઓ આવે અને પોળમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવે. તેમાં યોજાતાં શેરી નાટકોમાં ભાગ લેવા હું પણ ગયો. મારી ઉંમર આશરે દસેક વર્ષની. તેમાં નટુ-ગટુનું નાટક ચાલતું. પણ, નટુનું પાત્ર નિભાવતો છોકરો બરોબર નહોતો કરતો એટલે મને એ ડાયલોગ બોલવા કહ્યું. મારા આરોહ-અવરોહ તેમને ગમ્યા અને મને એ પાત્ર નિભાવવા કહ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ અને એક્ટિંગ એ મારો પહેલો પ્રેમ એટલે બની ગઈ. હું એ લાગણી ક્યારેય છુપાવી ન શક્યો. કૉલેજમાં યુથ ફેસ્ટિવલ્સમાં ભાગ લેતો. સમયાંતરે જ્યારે મને અભિનયમાં ઇનામ મળ્યું અને મારા પિતાને પણ સ્ટેજ પર બેસાડ્યા. ત્યારે તેમની મારા અને એક્ટિંગ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો.

રમત રમતમાં શીખી ફોટોગ્રાફીહું પોળમાં રહેતો ત્યારે મારો એક મિત્ર હતો, સનત. તેના પરિવારનું ફોટોગ્રાફીનું કામ હતું. એટલે એમ કહોને કે અમે નાનપણમાં તેના સ્ટુડિયોમાં જ રમતા. એટલુંજ નહીં, મિત્રદાવે તેના સ્ટુડિયોમાં પોતાં કરવાથી માંડીને રોલ ડેવલપ કરવા સહિતનું કામ કરતા. આમને આમ રમત રમતમાં ફોટોગ્રાફી આવડી ગઈ. આવીજ રીતે એક અખબારમાં ફોટો જર્નલિસ્ટ તરીકેની નોકરી પણ મળી ગઈ. બીજી તરફ, મારું નાટકોનું કામ કાજ ચાલતું હતું.

અપ-ટુ-ડેટ કપડાંનો શોખ મદદરૂપ થતોમને બાળપણથી જ અપ-ટુ-ડેટ કપડાં પહેરવાનો શોખ હતો. એ સમયે ઇન્ડસ્ટ્રીમાં કદાચ હું એકમાત્ર ફોટોગ્રાફર હતો, જે સૂટ પહેરતો. એટલું જ નહીં, કપડાં વ્યવસ્થિત રાખવાનો આ શોખ મને મારા કામમાં પણ ખૂબ મદદરૂપ થયો.

જેમકે, મોરારજી દેસાઈ આવવાના હોય, તો હું ખાદીના કપડાં પહેરીને જઉં, જવાહરલાલ નેહરુ આવવાના હોય, તો હું કાળી શેરવાની પહેરીને જઉં. આનાથી એક ફાયદો એ થતો કે તેમનું ધ્યાન તરત મારા તરફ ખેંચાતું અને મારે જેવી

તસવીરો જોઈતી હોય, એ સરળતાથી મળી રહેતી!

બનાવટી નામ + એક શરત = નોકરી ગુમાવીથોડા સમય પછી મને ફિલ્મ ફોટો જર્નલિસ્ટ તરીકે મુંબઈ મોકલાયો, તો એવી શરત કરવામાં આવી કે મારે ફોટોગ્રાફી સિવાય કોઈ કામ નહીં કરવાનું. એવી લેખિત બાંહેધરી લેવામાં આવી. સામા પક્ષે મને માતબર વળતર પણ ચૂકવાતું. દરમિયાન, એક વખત અરુણા ઇરાની અભિનીત નાટક ‘મોટા ઘરની વહુ’ લૉન્ચ કરવાનું હતું અને તેનો હીરો રિપ્લેસ કરવાનો હતો. એટલે અરુણાજીના પિતા ફરદુનજીએ મને બોલાવ્યો. હું એ સમયે મરાઠા મંદિરમાં ફિલ્મ ફેર એવૉર્ડનું કવરેજ કરવા જતો હતો. તેમણે મને એ નાટકમાં અભિનય કરવા કહ્યું. મેં મારી શરત વિશે જણાવ્યું, તો તેમણે મને નામ બદલીને અભિનય કરવા કહ્યું. આખરે મેં રાજેશ કુમાર નામથી એ નાટક કર્યું અને એ હિટ થઈ ગયું. થોડા સમય પછી ‘સ્ક્રીન’માં અમારો ફોટો છપાયો અને મારી શરત મુજબ મારે નોકરી છોડવી પડી. જોકે, રાજેશ કુમાર નામથી મેં 12 વર્ષ નાટકો કર્યાં. અને રાજ કુમાર રિવોલ્વર લઈને મને શોધતા રહ્યા

ફિલ્મોના એ જમાનામાં કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીનાં લગ્ન થાય તો તેમને મળતા કામને અસર પહોંચતી. (અભિનેત્રીઓની બાબતમાં આજે પણ આવું જ છે) તેવામાં મને રાજ કુમારનાં લગ્ન એક એરહોસ્ટેસ સાથે થયાની ખબર પડી. મેં તેના વિશેની તમામ માહિતી એકઠી કરી. એ છોકરી એર હોસ્ટેસ હતી અને ત્રણ વર્ષ સુધી તેમનો અફેર ચાલ્યો. મેં તેઓ કેવી રીતે મળ્યા થી માંડીને છેક સુધીની તમામ ઘટનાઓની વિગતો છાપી. એ સમયે રાજ કુમારનો દબદબો અને તેમની છાપ સનકી એક્ટર તરીકેની. તેમના ઘરે છ-છ વિશાળ કૂતરાં આંટા મારતા હોય અને ભલભલા ડાયરેક્ટર્સ પણ તેમના ઘરે જતા ડરે. તેવામાં તેમને આ સમાચાર વિશે ખબર પડતાં જ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. એક જમાનામાં રાજ કુમાર પોલીસ ઑફિસર હતા અને રિવોલ્વર પણ રાખતા. એટલે જો હું તેમના હાથમાં આવું તો મને ભડાકે દેવા પણ તૈયાર જ હતા.આ સ્ટોરીની સિરીઝ ચલાવી. સામે બીજા અખબારે મારી સ્ટોરી ખોટી હોવાના સમાચાર છાપ્યા. દરમિયાન, એક દિવસ મેં એવું લખ્યું કે મારી પાસે રાજ કુમારના લગ્નની તસવીર છે. આ લગ્નની જાણ તેમના પીએ અને ફોટોગ્રાફર શીવાય કોઈને નહોતી. તો પછી વાત બહાર કેવી રીતે ગઈ! તેમણે પોતાના પીએને ખખડાવી નાખ્યો એટલું જ નહીં, ફોટોગ્રાફરને પણ બોલાવીને માર માર્યો. આ સમાચાર વાંચીને તરત જ તેમનો પીએ મારા ઘરે આવ્યો અને મને તસવીર વિશે પૂછવા માંડ્યો. મારે તેને તસવીર કેવી રીતે બતાવવી?! હવે બન્યું એવું કે એ સમયે આર.કે. નૈય્યર અને સાધનાનાં લગ્ન થયાં હતાં. જેની તસવીરો મેં લીધી હતી. તેમની ઊંચાઈ પણ રાજ કુમાર જેટલી જ. એટલે મારી પાસે તેની નેગેટિવ હતી. મેં તેને એ નેગેટિવ બતાવી અને તે માની ગયો. તેણે ઘરે જઈને રાજ કુમારને વાત કરી. ત્યાર પછી રાજ કુમાર ટાઢા પડ્યા અને બીજા સપ્તાહથી બંને અખબારોમાં એ સ્ટોરી આવતી બંધ થઈ.

મુગલ-એ-આઝમ અને એપ્રિલ ફૂલની રમત

કે. આસિફ દ્વારા બનાવાયેલી મુગલ-એ-આઝમનું નિર્માણ શાપુરજી-પાલોનજીના પ્રોડક્શન હાઉસ દ્વારા કરાયું હતું. એક વખત મેં એવી સ્ટોરી કરી, જેમાં પૃથ્વી રાજ કપૂર, રાજ કપૂર, નરગિસ, શશિ કપૂર સહિતના કલાકારો બાદશાહી પોશાકમાં હોય તેવી તસવીરો સાથે લખ્યું કે આ તમામ કલાકારોને લઈને મુગલ-એ-આઝમ બનાવાઈ રહી છે. શાપુરજી-પાલોનજી અમારા પર ગુસ્સે ભરાયા અને અખબારને નોટિસ મોકલી. મને તેમની ઑફિસે બોલાવી ખૂબ ખખડાવ્યો. એ સમયે તેમના વકીલ મુંબઈના સૌથી મોટા વકીલ હતા. જેમના નામથી જ ભલભલા પોતાનો કેસ પાછો ખેંચી લેતા. અમે મુંબઈ ગયા તેમને મળ્યા અને અમારી વાત પર મક્કમ રહ્યા. બીજા અઠવાડિયે ફરીથી સ્ટોરી લખી, જેમાં ખુલાસો હતો કે એ સમાચાર એપ્રિલ ફૂલ તરીકે છાપ્યા હતા અને એપ્રિલ ફૂલ માટે આવા કોઈ અંકુશો હોતા નથી. અને આ રીતે આ સમગ્ર પ્રકરણનો અંત આવ્યો.

રાઇટિંગ ઓન ધ વૉલ

આ લગભગ 65-66ના સમયની વાત છે. એક તરફ દિલીપ કુમાર સાયરાબાનુના લગ્નની વાતો ચાલતી હતી. બીજી તરફ, રાજેન્દ્ર કુમાર અને સાયરાબાનુ એક ફિલ્મમાં કામ કરતાં હતાં. તેમનાં વિશેની પણ જોરદાર ચર્ચાઓ હતી. દરમિયાન, એક વખત મારે તેમના સ્ટુડિયોમાં જવાનું થયું. ત્યાં વરસાદી માહોલમાં ગીતનું શૂટિંગ ચાલતું હતું. ચારે તરફ સ્પ્રિંકલ થતા હતા. રાજેન્દ્ર કુમાર અને સાયરાબાનુ બંને પલળેલાં હતાં. દરમિયાન, રાજેન્દ્ર કુમારનો સેક્રેટરી કોઈ દસ્તાવેજ લઈને આવ્યો. જેના પર તેમની સહી જોઈતી હતી. એ વખતે સાયરાબાનુ એ તેમના ખભે ટુવાલ ઢાંક્યો હતો અને રાજેન્દ્ર કુમારે તેમના ખભે કાગળ મૂકીને તેના પર સહી કરી. એ વખતથી ફિલ્મ ફેરમાં મારું એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફીચર શરૂ કરાયું હતું, ‘ફોટોગ્રાફ ઑફ ફોર્ટનાઇટ’. જેમાં એ તસવીર સૌપહેલી છપાઈ અને એ ફીચર હિટ થઈ ગયું.

દિલીપ કુમાર-સાયરાને કચકડે કંડારનાર એક લવીર

નોકરી ગુમાવ્યા પછી મેં બીજા મેગેઝિન્સમાં કામ શરૂ કર્યું. ત્યારે બદરી કાચવાલા પારસ, ફિલ્મ કેસરી અને રસ નટરાજ નામથી ગુજરાતી, મરાઠી અને હિંદી માં ત્રણ અલગ અલગ મેગેઝિન બહાર પાડતા. તેમણે મને એક્સ્લુઝિવ ફોટો માટે કહ્યું. બન્યું એવું કે, દિલીપ કુમાર-સાયરાબાનુના નિકાહ હતાં. લગભગ સવાસોથી દોઢસો ફોટોગ્રાફર આવ્યા હતા. પણ, અપેક્ષા કરતાં સંખ્યા ખૂબ વધી ગઈ અને વિધિ સાયરાબાનુના બેડરૂમમાં યોજાઈ. જ્યાં માત્ર ઇન્ડસ્ટ્રીના જાણીતા પચાસેક લોકોનેજ જવાની છૂટ હતી. કોઈ બહારની વ્યક્તિ ઉપર ન પહોંચી જાય એટલા માટે નીચે રાજ કુમાર ઊભા હતા. દરમિયાન, નીચેના ઓરડામાં સાયરાના દાદી નસીરબાનુનો બુરખો પડ્યો હતો. મેં એ પહેર્યો, મારા બૂટ કેમેરાની બેગમાં નાખ્યા અને ઉપર પહોંચી ગયો. ત્યાં સ્ટાર ઍન્ડ સ્ટાઇલ નામના દેવ્યાની ચૌબલ નામનાં એક મહિલા પત્રકાર પણ હતાં. જેમણે મને પકડી પાડ્યો. અનેક અડચણો અને તેમને મનામણાં કરીને આખરે મેં લગભગ બે રોલ ક્લિક કર્યા. બદરી કાચવાલાએ મારો ફોટો પણ માગ્યો અને છેલ્લા પાને આ તમામ તસવીરોની સાથે મારો ફોટો છાપીને લખ્યું કે ‘જાંબાઝ છબિકાર ગુજરાતનું રતન’. બીજા દિવસે જ્યારે એ ફોટો છપાયો, ત્યારે દિલીપ સા’બએ બદરી કાચવાલાને કહ્યું કે આ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ.

જ્યારે જૉકરે જિંદગી બદલી નાખી…
આ લગભગ 1968ની વાત છે. મુંબઈમાં હું ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતો હતો. એટલે રોજનો એવો નિયમ કે સાંજે આર.કે. સ્ટુડિયોની ઑફિસે જવાનું. ત્યાંથી તમામ પ્રેસનોટ અને ફ્રી પબ્લિસિટી માટે શૂટિંગની તસવીરો મળતી. દરમિયાન, એક દિવસ સવારે આઠ વાગ્યે હું જ્યાં રૂમ રાખીને રહેતો ત્યાં આર કે સ્ટુડિયોનો માણસ આવ્યો અને કહ્યું કે રાજ કપૂરના પીએ વી.પી. સાઠે મને બોલાવે છે. તેમણે મને ત્રણ ચાર સૂટ સાથે લાવવા કહ્યું. એ સમયે ઇન્ડસ્ટ્રીમાં હું એકમાત્ર એવો ફોટોગ્રાફર હતો, જે કાયમ સૂટ પહેરીને ફોટોગ્રાફી કરતો. રાજ કપૂર મને ઓળખતા. બપોરના સમયે રાજ કપૂર આવ્યા અને મારા ખભે હાથ મૂકીને કહ્યું, ‘તુમ ‘જૉકર…’ મેં કામ કર રહે હો.’ અને જાણે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ! તેઓ મને પોતાની એસી કૉટેજમાં લઈ ગયા અને તેમના પર્સનલ મેક-અપ મેન પાસે મારો મેક-અપ કરાવી મને સીન સમજાવ્યો. એ સીનમાં જ્યારે પોતાની ફિલ્મ માટે હિરોઇન શોધતા રાજેન્દ્ર કુમાર પદ્મિનીને મળે છે. ત્યારે રાજેન્દ્ર કુમાર સાથે ઓળખાણ કરાવવા પદ્મિની રાજ કપૂરને બોલાવે છે. આ સમયે ફોટોગ્રાફર તરીકે મારે રાજ કપૂરને ધક્કો મારવાનો હતો અને સિંગલ ટેકમાં અમે એ સીન ઑકે કર્યો. મને યાદ છે, એ ફિલ્મમાં પ્રાણ સહિતના કલાકારો હતા, પણ ફિલ્મમાં તેમનો એક પણ સીન નથી. આ શીવાય અનેક કલાકારોના સીન એડિટ થઈ ગયા છે, પણ મારો એ સીન આજે પણ ફિલ્મમાં મોજૂદ છે. એ મારી પહેલી ફિલ્મ, જે મારા માટે આજીવન સંભારણું બની ગયું.
ભાદરે અપાવી ઓળખ

‘જૉકર…’ પછી જયા બચ્ચન સાથે મારી એક ફિલ્મ આવી હતી. પણ, સંજોગો વશાત્ એ ફિલ્મ ત્યારે રિલીઝ ન થઈ શકી. ત્યાર પછી ‘બદનામ ફરિશ્તે’, ‘કોરા કાગઝ’, ‘જ્હોની ઉસકા નામ’ જેવી ફિલ્મો કરીને હું ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો. શરૂઆતમાં‘જેસલ તોરલ’ અને ‘હોથલ પદમણી’ જેવી હિટ ફિલ્મો કર્યા પછી મને રવિન્દ્ર દવે એ ‘ભાદર તારા વહેતા પાણી’ ફિલ્મ આપી. તેમાં મારું જેઠાનું પાત્ર ખાસ્સું પ્રખ્યાત થયું અને ત્યાર પછી મેં ક્યારેય પાછું વળીને નથી જોયું.

જ્યારે કેટલાંય કાચાં મકાન પાકાં બન્યાં

આ 80ના દાયકાની વાત છે. ફિલ્મ આવી હતી ‘પંખીનો માળો’. જેમાં મેં કેશુ કાતરિયાનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં રાજીવ, જયશ્રી ટી, અસરાની જેવા એ સમયના જાણીતા કલાકારો હતા. ફિલ્મ જ્યારે થિયેટરમાં આવી ત્યારે તેની ટિકિટ 2 રૂપિયા 40 પૈસા હતી. ધીમે ધીમે એ ફિલ્મ લોકોને એટલી પસંદ પડી કે 25મા અઠવાડિયેપહોંચી, ત્યારે એક ટિકિટનો કાળા બજારનો ભાવ 40 રૂપિયા થઈ ગયો હતો. મને યાદ છે, ફિલ્મની સિલ્વરજ્યુબિલી વીકની ઉજવણી વખતે મને લેવા માટે ખાસ મર્સિડીઝ કાર રાખવામાં આવી હતી અને જ્યાં સુધી હું કેશુ કાતરિયાનો ડાયલોગ ન બોલ્યો, ત્યાં સુધી મને થિયેટરમાં નહોતો જવા દેવાયો. જેવા અમે થિયેટરમાં પ્રવેશ્યા કે તરત 15-20 લોકોનું ટોળું મને ઘેરી વળ્યું. થિયેટરના માલિકે મને તેમની ઓળખ આપી કે તે બધા ટિકિટ બ્લેક કરનારાઓ છે અને મને હાર પહેરાવવા માગે છે. મને હાર પહેરાવતાની સાથે ગળગળા સ્વરે એક વ્યક્તિએ મને કહ્યું કે, ‘બાપ, તમારા કારણે આજે અમારા લિંપણના ઘર વાળી દીવાલો પાકી થશે. તમે અમારે ઘરે એક વાત ચા પીવા આવો.’ આ ઘટના યાદ આવે છે, ત્યારે જીવનમાં અનેરા સંતોષનો અનુભવ થાય છે.

બે સીનને વધારીને ચૌદ સીન કરવા પડ્યા

અરુણ ભટ્ટ સાથે મેં આશરે 15-17 ગુજરાતી ફિલ્મો બનાવી હશે, પણ એક-બેને બાદ કરતાં મોટા ભાગની ફિલ્મોમાં મારું મુખ્ય પાત્ર હતું. ખાસ કરીને ‘લોહીની સગાઈ’ માં મારે લોજના મેનેજરનું કૉમિક પાત્ર નિભાવવાનું હતું. જે માત્ર બે સીન પૂરતું હતું. પણ, મારો અભિનય જોતાં એ વાર્તામાં ફેરફારો કરવા પડ્યા અને એ પાત્રના વધારીને બેમાંથી ચૌદ સીન કરવા પડ્યા.

એ જાહોજલાલી આજે શક્ય નથી

મેં આશરે બસ્સોથી અઢીસો જેટલી ફિલ્મ, અનેક નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યું છે. સરકાર તરફથી અનેક એવૉર્ડ્ઝ મેળવ્યા છે. પણ, જ્યારે કાળા બજાર કરનારાઓ આવીને ગળગળા થઈ જાય કે ફિલ્મનો ડાયલોગ બોલ્યા વિના ભીડ આગળ ન વધવા દે, તો એ દર્શકોનો પ્રેમ છે, જે કમાવો ખૂબ અઘરો છે. આજે કોઈ પણ કલાકાર માટે દર્શકોનો એ પ્રેમ, એ જાહોજલાલી કદાચ શક્ય નથી લાગતી. આજે ફિલ્મો બને છે, પણ એક અડધા કલાકની ધારાવાહિકને અઢી કલાક ખેંચી હોય તેવી લાગે છે. વાર્તાનો અભાવ દેખાય છે. આ બધું જોતા લાગે કે અમે જે જાહોજલાલી ભોગવી એ આજે શક્ય નથી લાગતી.

પદ્મા આજે પણ મારી આસપાસ છેમારા અનેપદ્મા(રાણી) વચ્ચે શું નાતો રહ્યો છે, તેની વ્યાખ્યા હું કદાચ ક્યારેય ન આપી શકું. મારા માટે મા કહો, બહેન કહો, પત્ની કહો… જે કહો તે છે, પદ્માએ બધુંજ હતી. પણ, એટલું ખરું કે તેના વિના આજે હું જ્યાં છું ત્યાં આ અરવિંદ રાઠોડ ન હોત. અમે અનેક ફિલ્મોમાં મા-દીકરાના રોલ પણ કર્યા છે. અમે લગભગ 42 વર્ષ સાથે ગાળ્યાં છે. મારા માટે તે પ્રેરણા સ્રોત હતી, ઊર્જા હતી, આજે પણ છે. 77 વર્ષની ઉંમરે પણ હું જો ઊર્જાથી કામ કરી શકું છું, તો તેનું એકમાત્ર કારણ પદ્માજ છે. મારું ઘર એ આજેય ‘પમીનું ઘર’ છે. આજેય મને એવું લાગે છે કે તે ક્યાંકને ક્યાંક મારી આસપાસજ છે.

લેખન સંકલન : અમિત રાડિયા, દિવ્ય ભાસ્કર

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી