જલ્સા કરોને જેંતીલાલ

ધ ઊટી – નવલકથા ભાગ 5 અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડી જવાની હતી, એવાં-એવાં અણધાર્યા વળાંકો તેના જીવનમાં આવવાનાં હતાં

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખિલેશ દીક્ષિતે જણાવ્યા મુજબ પોતાની (ડિજિટેક સોફ્ટવેર કંપની)નાં નવા સોફ્ટવેર “મેગા – ઈ” ની લોન્ચિંગ ઇવેન્ટ માટે ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે, જે માટે દીક્ષિતે સી.ઈ.ઓ ઓફ ડિજિટેક સોફ્ટવેર કંપનીના નામે અગાવ થી જ ફલાઇટ ટીકીટ બુક કરાવેલ હતી, જે તેણે અખિલેશને આપી હતી…)

ત્યારબાદ અખિલેશ પોતાની ઓફિસમાં આવ્યો, ખુરશી પર બેસીને ગ્લાસમાં રહેલ પાણી પીધું, અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય, તેમ પોતાના શૂટના ખિસ્સા ફંગોળવા લાગ્યો, અને થોડીવાર પછી પોતાના ખિસ્સામાંથી દિક્ષિતે આપેલ ટીકીટ બહાર કાઢી અને તેની વિગતો જોવા લાગ્યો, જેમાં લખેલ હતું, “સ્પાઈસ જેટ એર-વે” મુસાફરીની તારીખ – 7 માર્ચ, ફલાઇટ સમય : સવારનાં 7 કલાક (મુંબઈથી કોઈમ્બતુર), આથી અખિલેશે પોતાના મોબાઈલમાં એક દિવસ અગાવનું રિમાઇન્ડર ગોઠવી દીધું.

ત્યારબાદ અખિલેશે ટેબલ પર પડેલ મોબાઈલ ઉઠાવ્યો અને દીક્ષિતને કોલ કર્યો, “હા ! અખિલેશ બોલ…!” – દીક્ષિત કોલ રિસીવ કરીને બોલ્યો.

“હેલો ! દીક્ષિત,આપણાં સોફ્ટવેરનો લોન્ચિંગ પ્રોગ્રામ 8 તારીખથી ઊટીમાં શરૂ થશે…ઓકે…અને આજે 5 તારીખ તો થઈ અને 7 તારીખે મારી ઊટી જવા માટેની ફલાઇટ છે, તો મારી પાસે આ પ્રોગ્રામની તૈયારી કરવા માટે માત્ર એક જ દિવસ વધે છે, જો તને પ્રોબ્લમ ન હોય તો..? હું આવતી કાલની રજા રાખું, જેથી કરીને હું આ પ્રોગ્રામની વ્યવસ્થિત તૈયારી કરી શકુ…??” – અખિલેશ મૂંઝાતા અવાજમાં બોલ્યો.

“ડોન્ટ વરી ! અખિલેશ ! તું તમ તારે કાલે નહીં આવતો ઓફિસે…હું તારું જે કંઈ અહીંનું પેન્ડિંગ કામ છે, તે અન્ય કર્મચારી પાસે કરાવી લઈશ, અને તું અહીંની બિલ્કુલ ચિંતા કરીશ નહીં, બસ તું આ પ્રોગ્રામમાં ગ્રાન્ડ સક્સેસ અપાવજે…!” “સ્યોર ! હું આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે દિવસ- રાત એક કરી દઈશ, અને જરૂરથી આપણી કંપનીને સફળતા અપાવીશ…!” – અખિલેશ વિશ્વાસ ભરેલા અવાજમાં બોલ્યો. “આથી જ આ પ્રોગ્રામ માટે મેં આખી કંપનીમાંથી તારી પસંદગી કરેલ છે, જેમાં તું ચોક્કસ પાર ઉતરીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે.” “થેન્ક યુ ! દીક્ષિત…અને હા કોઈમ્બતુર પહોંચીને પછી મારે ઊટી કેવી રીતે જવાનું છે..?”

“અખિલેશ ! તું 7 તારીખે સવારે 7 વાગ્યે ફલાઈટમાં બેસીસ એટલે તું સવારે 10 વાગ્યાની આસપાસ કોઈમ્બતુર પહોંચી જઈશ અને કોઈમ્બતુર એર પોર્ટ પર તને આપણી કંપનીની કાર પીક-અપ કરવાં માટે અગાવથી જ આવી ગઈ હશે, કોઈમ્બતુરથી ઊટીનો રસ્તો 3 કલાક જેવો છે, જે તને બપોરે 1 વાગ્યાની આસપાસ ઊટી પહોંચાડશે, અને ઊટીમાં આપણી આ આખી ઇવેન્ટ “સીટી પેલેસ બીચ રિસોર્ટ”માં એરેન્જ કરેલ છે, માટે સાતમી તારીખનો એક દિવસ આરામ અને અન્ય તૈયારી કરવા માટે મળી રહેશે, બાકીની આખી ઇવેન્ટ તેને જે ફાઈલ આપી તેમાં મેન્શન કરેલ છે જ તે, તેમ છતાંપણ તને કંઈ કન્ફ્યુઝન લાગે તો મને કોલ કરજે..!” – દીક્ષિતે શાંતિપૂર્વક અખિલેશને બધી વિગતો જણાવી.

“ઓકે ! દીક્ષિત, થેન્ક યુ વેરી મચ, ફોર સોલ્વ માય ડાઉટ…” – અખિલેશે દીક્ષિતનો આભાર માની કોલ ડિસ્કનેક્ટ કર્યો. ત્યારબાદ, અખિલેશ ફરી પાછા પોતાનાં કામમાં અને ફાઈલોમાં ખોવાઈ ગયો, અને પોતાનું જે પેંડીગ કામ હતું, એ પૂરું કરવામાં લાગી ગયો, એવામાં ક્યાં પાંચ વાગી ગયાં એ ખ્યાલ ના રહ્યો, તેમ છતાં પણ અખિલેશ એક કલાક વધારે રોકાયને બધું જ પેન્ડિંગ કામ પૂરું કરી નાખ્યું, અને છ વાગ્યાની આસપાસ પોતાનાં ફ્લેટ પર જવા માટે રવાના થયો.

ત્યારબાદ બીજે દિવસે અખિલશે પોતાનાં ફ્લેટ પર રહીને, દીક્ષિતે આપેલ “મેગા – ઈ સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ વાળી ફાઇલની સ્ટડી કરી, અને પોતાને જે કંઈ પ્રેઝન્ટેશન કરવાનું હતું તે તૈયાર કર્યું, અને આખે-આખી ઇવેન્ટનો એજન્ડા પોતાનાં મગજમાં ફિટ કરી લીધો, પોતાની બેગ કપડાં અને જરૂરી વસ્તુઓ વગેરે યાદ કરી કરીને પેક કરી.

7 તારીખે સવારે

અખિલેશનાં ફ્લેટથી મુંબઈ એરપોર્ટ થોડુક દૂર હોવાથી, પોતે સવારે ચા- નાસ્તો કરીને સવારનાં 5:30 કલાકે મુંબઈ એરપોર્ટ જવા માટે, પોતે અગાવથી બુક કરેલ કેબ દ્વારા મુંબઈ એરપોર્ટ જવા માટે રવાનાં થયો, કેબમાં બેઠા-બેઠાં તેણે પોતાના ફોનમાંથી દીક્ષિતને કોલ કર્યો. “હેલો ! દીક્ષિત ! હું મારા ફ્લેટથી મુંબઈ એરપોર્ટ જવા માટે રવાનાં થઈ ગયો છું.!”

“સરસ ! બધી વસ્તુ તે યાદ કરીને લઈ લીધી’ને..?? અને હા આજે તે કંપનીમાં રજા રાખી હોવાથી તારી પાસે આખો દિવસ હતો, તો હું આશા રાખું છું કે તને આ ઇવેન્ટ માટેની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી ગયો હશે….?” “હા ! ચોક્કસ! મેં બધી વસ્તુઓ યાદ કરીને લઈ લીધી છે, અને આ આખી ઇવેન્ટની સંપૂર્ણ તૈયારી મેં કરી લીધી છે, માટે તું ચિંતા ના કરીશ, તું તારું બધું જ કોન્સન્ટ્રેશન અત્યારે તારી દીકરી આર્યાની તબીયતનું ધ્યાન રાખવાં પર આપજે….!”

“થેન્ક યુ ! અખિલેશ” – દીક્ષિત ભાવુક બનતા બોલ્યો. “એમાં ! થેન્ક યુ ની કોઈ જરૂર નહીં, આર્યા મારા માટે પણ દીકરી સમાન જ છે, અને હું એવું ઈચ્છું છું કે તું એક સફળ બીઝનેસમેન તો છો જ તે, પણ હવે એક સફળ આદર્શ પિતા પણ બને..!” “થેન્ક યુ ! વેરી મચ ! અખિલેશ ! જો તું કદાચ મારી સાથે હાલ ન હોત તો મારી શું હાલત થાત, એ વિચારીને જ મારૂ હૃદય કબૂતરની માફક ફફડવા માંડે છે….!”

“ડોન્ટ વરી ! દીક્ષિત ! આવા સમયે એક મિત્ર જો બીજા મિત્રને કામમાં નહીં આવે તો કોણ કામમાં આવશે, જે મિત્ર આવા કપરા કે મુશ્કેલ સમય કે પરિસ્થિતિમાં પોતાના મિત્રને મદદ ના કરે કે કામમાં ના આવે એ પણ એક દુશ્મન સમાન જ ગણાય..! એવાં મિત્ર કરતાં તો પથ્થર સારો એ કંઈક તો કામમાં આવે….!”

“અખિલેશ ! ભગવાન કે કુદરતે આપણી દોસ્તીની બે-બે વાર પરીક્ષા લીધી છે…એકવાર જ્યારે આપણે ભણતાં હતા અને મારું એક્સિડન્ટ થયું ત્યારે, અને હાલ અત્યારે, જેમાં તું બને વાર સફળતાપૂર્વક પાસ થઈ ગયો, હું આ માટે ભગવાનનો તો આભરી છું જ તે પણ એ પહેલાં તારો આભારી છું.” – આટલું બોલતાં દીક્ષિતની આંખોના ખૂણા ભીના થઈ ગયાં.

“અરે ! દીક્ષિત ! ડોન્ટ વરી, તે પણ હું જ્યારે તારી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે સિલેક્ટ થઈને આવ્યો, ત્યારે તે એકવાર પણ મારા ડોક્યુમેન્ટ કે ફાઈલ જોઈ નથી, જો તને મારા પર આટલો બધો વિશ્વાસ હોય તો હું કેવી રીતે તારો વિશ્વાસ તોડી શકુ….?? મારા માટે એકદમ અજાણ્યા એવાં મુંબઈમાં રહેવા માટે તે એકપણ પ્રશ્ન પૂછ્યા વગર જ 3 બી.એચ.કે ફ્લેટ આપી દીધો, તારા પરિવારમાં મને એક સ્થાન આપ્યું, મારે જ્યારે નોકરી એટલે કે આવકની જરૂર હતી ત્યારે તે નોકરી આપી….આમ તે પણ મારા માટે કંઈ ઓછું નહીં કર્યું….માટે વારંવાર મને થેન્ક યુ કહીને શરમાવીશ નહીં….” – આટલું બોલતાની સાથે અખિલેશ પણ ભાવુક બની ગયો.

જાણે વર્ષોથી સુકાયેલ કોઈ નદીમાં અચાનક ઘોડાપુર આવે, અને તેમાં જેવી રીતે ઊંચા-ઊંચા મોજા ઉછળે, તેમ અખિલેશ અને દીક્ષિતનાં હૃદયમાં મિત્રતા રૂપી નદીમાં લાગણીનાં ઊંચા-ઊંચા મોજા ઊછળી રહ્યાં હતાં, આ બંનેની મિત્રતા જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કૃષ્ણ અને સુદામા ફરીથી એકબીજાના મિત્ર બનીને આ ધરતી પર અવતર્યા હોય.

“સારું ! ચાલ ! ત્યારે હેપી જર્ની, અને “મેગા-ઈ” સોફ્ટવેરની લોન્ચિંગ ઇવેન્ટ સક્સેસફૂલ થાય તે માટે બેસ્ટ ઓફ લક…” “ઓકે ! થેન્ક યુ ! દીક્ષિત…!” “ઓકે ! બાય એન્ડ ટેક કેર ! અખિલેશ…!” “બાય ! દીક્ષિત…!” – આટલું બોલી અખિલેશે કોલ ડિસ્કનેક્ટ કર્યો. એકાદ કલાકમાં અખિલેશ મુંબઈ એરપોર્ટ પર પહોંચી ગયો, જ્યાં બધી ફોર્માંલીટી પુરી કરીને લગભગ 6:30 કલાકે પોતાની ટીકીટ જે ફલાઈટમાં (સ્પાઇસજેટ)બુક હતી તેમાં બેસી ગયો.

ત્યારબાદ ફલાઈટ બરાબર સવારનાં 7 વાગ્યાંના ટકોરે ઊપડી, અખિલેશે પોતાની સીટ પર બેસીને આ પ્રોગ્રામ કેવી રીતે સક્સેસફૂલ બનાવવો તેના માટેની સ્ટ્રેટેજી વિચારવા લાગ્યો, અને પોતાના લેપટોપમાં રહેલા બધાં જ પ્રેઝન્ટેશન એકવાર જોઈ લીધાં, અને પોતાને જે પ્રેઝન્ટેશન કરવાનું હતું તે તેને પોતાના તેજ અને શાંતીર મગજમાં ફીટ કરી દીધું, લગભગ એકાદ કલાક બાદ અખિલેશે પોતાનું લેપટોપ બંધ કરી દીધું.

આખા દિવસની દોડાદોડી, થાક, અને રાતે પૂરતી ઊંઘ ન થવાને લીધે, અખિલેશને ક્યારે ઊંઘ આવી ગઈ, તે ખ્યાલ ના રહ્યો, અને અખિલેશ પોતાની સીટ પર એકદમ રીલેક્ષ થઈને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, પરંતુ અખિલેશ એ બાબતથી એકદમ અજાણ હતો કે આ તેની છેલ્લી ઊંઘ હશે, જે તે શાંતિપૂર્વક લઈ રહ્યો હશે, કારણ કે હવે આવનાર દિવસોમાં અખિલેશની ઊંઘ કાયમિક માટે ઉડી જવાની હતી, એવાં-એવાં અણધાર્યા વળાંકો તેના જીવનમાં આવવાનાં હતાં, જે તેને શાંતિથી ઊંઘવા નહીં દે…!

અખિલેશને ફલાઈટમાં એટલી ગાઢ ઊંઘ આવી જાય છે, અને જ્યારે તેની આંખો ખુલે છે, અને કાંડમાં પહેરલ ઘડિયાળમાં નજર કરે છે, તો સવારનાં નવ કલાકને દસ મિનિટ પર ઘડિયાળના કાંટા નજરે પડે છે, આથી અખિલેશ પોતાની સીટ પરથી ઉભો થઈને ફ્રેશ થવા માટે વોશરૂમ તરફ જાય છે, આખા દિવસનો એટલો બધો થાક લાગ્યો હતો, કે સવારના 9 કેમ વાગી ગયાં તે અખિલેશને ખ્યાલ જ ના રહ્યો.

થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને પોતાની સીટ પર આવીને પાછો બેસી જાય છે, અખિલેશ આમ તો હોશિયાર હતો જ અને દીક્ષિતે સોંપેલ કામ કે જવાબદારી પણ પોતે સફળતાપૂર્વક અને કોઈપણ પ્રકારની ફરિયાદ વગર પાર પાડી શકવા માટે સક્ષમ હતો, પરંતુ આટલી મોટી જવાબદારી પોતાના ખભા પર પહેલીવાર આવેલ હોવાને લીધે, પોતે થોડોક ડર અને મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

અખિલેશે પછી પોતાના મનને મનાવતા વિચાર્યું કે “રસ્તા પર ચાલતા કે કોઈ કામ વગર જ વ્યર્થ જ બેસેલા કોઈ વ્યક્તિને સફળતા કે નિષ્ફળતા મળવાની કંઈ ચિંતા હોતી નથી, જે લોકો કામ કરે તેને જ સફળતા કે નિષ્ફળતા મળવાની બીક કે ચિંતા હોય છે, પરંતુ જો નિષ્ફળતાને દૂર કરવી હોય તો આપણા દ્વારા કરવામાં આવતાં દરેક કામમાં પુરે-પૂરું સમર્પણ હોવું જરૂરી છે, તેમ છતાં જો નિષ્ફળતા મળશે તો તે કંઈક તો શીખડાવીને જ જશે, કે કઈ ખામી કે ક્ષતિને કારણે આપણે નિષ્ફળ થયાં,જે બીજા મોકા વખતે આપણાં માટે સફળ થવાનો રસ્તો વધારે સરળ બનાવી આપે છે.”

એટલીવારમાં ફલાઇટ કોઈમ્બતુર એરપોર્ટ પર લેન્ડ થઈ, સૌ કોઈ મુસાફરો ફલાઈટમાં જેટલી શાંતિથી બેસેલા હતાં, એટલી જ ઝડપથી એરપોર્ટ માંથી બહાર નીકળવા માટે ઉતાવળ કરવા લાગ્યાં, જાણે આજનાં સમયનો માણસ એક મશીન હોય તેવી રીતે પોતાના કાયમિક નક્કી શિડયુલમાં ફરી પાછા ફિટ થઈને, અને ફરી પાછો આ મેકેનિકલ દુનિયામાં વ્યસ્ત બની જવાનો હોય એવું લાગી રહ્યું હતું….કદાચ અખિલેશ પણ એમનો જ કોઈ એક વ્યક્તિ હોઈ શકે.

અખિલેશ પણ પોતાની બેગ લઈને, કાનમાંથી હેન્ડસ ફ્રી બહાર કાઢી, પોતાનું સૂટ સરખુ કરતાં-કરતાં ઉભો થયો, અને બધાં મુસાફરોની માફક એરપોર્ટની બહાર તરફ જવાની દિશામાં ચાલવા લાગ્યો. અખિલેશે એરપોર્ટની ટીકીટ બારી પાસે આવીને દીક્ષિતને કોલ કર્યો…

“હેલો ! ગુડ મોર્નિંગ… દીક્ષિત.” “વેરી ગુડ મોર્નિંગ ! અખિલેશ…!” – દીક્ષિતે જવાબ આપ્યો. “પહોંચી ગયો કંપનીએ….?” “હા ! ડિયર…ક્યારનો પહોંચી ગયો…!” “કેમ ? ક્યારનો એટલે…?” “હું આજે કંપનીમાં સવારનાં સાત વાગ્યાનો આવી ગયો છું..” “કેમ ! આટલું બધું વહેલું…? બધું બરાબર તો છે ને…?” – અખિલશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હા ! બધું બરાબર જ છે…એ તો બે ત્રણ દિવસ પછી મારે આર્યા માટે થોડી દોડા- દોડી રહેવાની હોવાથી, મેં વિચાર્યું કે મારું જે કાંઈ પેન્ડિંગ વર્ક છે એ વહેલી તકે પૂરું કરી નાખું..તો હું આર્યાને શાંતિથી પૂરતો સમય આપી શકુ..!” – દીક્ષિતે અખિલેશને સમજાવતા કહ્યું. “ખુબ ! સરસ વિચાર્યું તે દીક્ષિત…” “એ બધું તો ઠીક છે..તું કોઈમ્બતુર પહોંચ્યો કે નહીં…” “હા ! બસ જો હાલ હું કોઈમ્બતુર એરપોર્ટ પર જ છું..!” “તો ! કેવી રહી સી.ઈ.ઓ સાહેબ તમારી જર્ની…??” – દીક્ષિતે મજાક કરતા પૂછ્યું.

“અરે ! યાર ! જર્નીની શું વાત કરું…આખા દિવસનો થાક જ એટલો બધો લાગ્યો હતો કે જર્ની ક્યારે શરૂ થઈ અને ક્યારે પુરી થઈ એ ખબર જ ના પડી…!” “સરસ ! સાંભળ…ત્યાં આપણી કંપનીની કાર આવી ગયેલ છે, મારી હમણાં જ ડ્રાઈવર સાથે વાત થઈ, તે સી.સી.ઓ ઓફ ડિજિટેક કંપનીનું ટેગ લઈને ત્યાં જ ઉભો હશે…!” “ઓકે ! થેન્ક યુ..!” “ઓકે! મારી કંઈ જરૂર જણાય તો કોલ કરજે મને…ચાલ..બાય…ટેક કેર..!” “ઓકે ! બાય દીક્ષિત…!”

ત્યારબાદ અખિલેશે કોલ ડિસ્કનેક્ટ કર્યો, અને અખિલેશની નજરો પેલા ડ્રાઈવરને શોધવા માટે મથામણ કરવાં લાગી, એવામાં તેનું ધ્યાન એક ડ્રાઇવર પર પડ્યું, જેના હાથમાં એક ટેગબોર્ડ હતું જેમાં લખેલ હતું..”સી.ઈ.ઓ ઓફ ડિજિટેક કંપની” આથી અખિલેશ તે ડ્રાઇવર તરફ ઈશારો કરીને જણાવ્યું કે તેનાં હાથમાં જે નામનું ટેગબોર્ડ છે, પોતે જ તે વ્યક્તિ છે, આથી પેલો ડ્રાઇવર દોડીને અખિલેશની નજીક આવી ગયો, અને અખિલેશની ટ્રોલીબેગ અને બીજો સામાન ઊંચકી લીધો…અને અખિલેશનું કોઈમ્બતુરમાં શાબ્દિક સ્વાગત કર્યું.

ત્યારબાદ અખિલેશ ડ્રાઇવરની પાછળ-પાછળ ચાલે છે, એરપોર્ટની બહાર નીકળીને પેલો ડ્રાઇવર પાર્કિગમાં રાખેલ કાર લેવા માટે જાય છે, અને થોડી જ વારમાં તે અખિલેશ જ્યાં ઉભો હતો, ત્યાં ઇનોવા કાર લઈને આવે છે, અને કારની ડેકી ખોલીને તેમાં સામાન મૂકે છે, અને કારનો દરવાજો ખોલીને અખિલેશને કહે છે..

“પ્લીઝ ! વેલકમ સર !” “સ્યોર ! થેન્ક યુ” – આટલું બોલી અખિલેશ કારમાં બેસે છે. કારમાં બેસતાંની સાથે અખિલેશ પોતાનું લેપટોપ સ્ટાર્ટ કરીને તેમાં સેવ કરેલ પ્રેઝન્ટેશન અને ઇવેન્ટનો એજન્ડા જોવામાં વ્યસ્ત થઈ જાય છે, લગભગ અડધી કે પોણી કલાક બાદ અખિલેશ પોતાનું લેપટોપમાં બંધ કરીને ફરિપાછું બેગમાં મૂકી દે છે…..!

એવાંમાં અખિલેશનું ધ્યાન રોડની આજુબાજુ જાય છે, આજુબાજુના દ્રશ્યો જોઈને અખિલેશ એકદમ આનંદિત થઈ જાય છે, એકદમ લીલુંછમ જંગલ… જંગલમાં કોઈપણ મનુષ્યની બીક કે ડર વગર મુક્તપણે વિચરતા વન્ય પ્રાણીઓ,.. વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને તેનો સુમધુર ખિલખિલાટ સાંભળતા એવું લાગે કે કોઈ સંગીતકાર જાણે કર્ણપ્રિય સુર રેલાવી રહ્યો હોય,…..સૂરજના આછા – આછાં કિરણો જંગલની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં,…..મન મુકીને રસ્તાને અડકીને ખળ-ખળ કરીને વહેતી નદીઓ,…..

વળાંકોથી ભરેલા અને ઉંચા-નીચા રસ્તાઓ, જાણે કાર રોડ પર નહીં પરંતુ કોઈ તોફાની દરિયામાં જેવી રીતે હોડી ઉપર-નીચે થાય, તેવી જ રીતે હાલ અખિલેશ જે કારમાં બેસેલ હતો, તે કાર ચડાવ -ઉતાર ભરેલા રસ્તાને કારણે હોડીની જેમ જ હાલક -ડોલક થતી હતી, જેનો અખિલેશને એક અનેરો આનંદ ઉઠાવી રહ્યો હતો, જાણે કોઈ બાળકને પ્રવાસમાં લઈ જઈએ અને તે જેવી રીતે આતુરતા અને ઉત્સુકતાથી જેવી રીતે બારીની બહાર જોવે, તેવી જ રીતે અખિલેશ પણ પોતાનો હોદ્દા કે પોતાનો રૂઆબ વગેરે ભૂલીને એક નાના બાળકની માફફ કારની બારીની બહાર ડોકિયા કરી રહ્યો હતો.

આથી અખિલેશે વિચાર્યું કે પોતે લેપટોપમાં જે હાલમાં એકાદ કલાક જેવો સમય વિતાવ્યો, તેના કરતાં જો તેણે કુદરતના આ સૌંદર્યને માણવામાં વિતાવ્યો હોત તો સારું થયું હોત, પરંતુ કોઈપણ વ્યક્તિ જેમ વીતી ગયેલા સમયને પાછો નથી લાવી શકતો, તેવી જ રીતે અખિલેશે પણ હતાશ થતા વિચાર્યું કે પોતે હાલ જે કુદરતી સૌંદર્યનાં દર્શન કરીને આનંદ અને સ્ફૂર્તિ અનુભવી રહ્યો હતો, તે પણ તેના માટે કોઈ લ્હાવાથી કાંઈ કમ ન હતું, જાણે આખો દિવસ કોમ્પ્યુટરોની વચ્ચે ઘેરાયેલા અખિલેશ એકાએક કોઈ અલગ દુનિયામાં આવી ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો, તેને લાગ્યું કે જેવી રીતે આપણે આખો દિવસ મોબાઈલ વાપરીને રાત્રે આપણે તેને ચાર્જ કરીએ છીએ તેવી જ રીતે દરેક મનુષ્યે પણ પોતાની લાઇફમાં અમુક સમયાંતરે આવી કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા કે હિલ સ્ટેશનની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ, જેથી મોબાઈલ રૂપી આપણું શરીર કુદરતી સૌંદર્યથી ભરેલ નજારો કે દ્રશ્ય જોઈને તાજગી અને સ્ફૂર્તિથી ચાર્જ થઈ જાય.

“સાહેબ ! ઊટી પહેલીવાર આવો છો…?” – મૌન તોડતાં ડ્રાઇવર બોલ્યો. “હા” “સાહેબ! જો તમે તમારી લાઈફમાં દેશ-વિદેશ ગમે ત્યાં, ગમે તેટલું ફર્યા હોઉં, પરંતુ જો ઊટી નથી ફર્યા તો તે બધું જ વ્યર્થ છે…” “એવું…? એવું તો શું ખાસ છે…ઊટીમાં…?” – અખિલેશે નવાઈ સાથે ડ્રાઇવરને પ્રશ્ન પૂછ્યો.

“સાહેબ ! મારૂં નામ હનીફ છે, અને હું નાનો-મોટો પણ ઊટીમાં જ થયો, આમ કહો તો મારું બાળપણ, યુવાની ઊટીમાં જ વિત્યાં છે અને કદાચ ઘડપણ પણ ઊટીમાં જ પસાર થાય તો એમાં કાંઈ નવાઈ નહીં, હું ઊટીમાં ફરવા આવતાં ટુરિસ્ટોને આખું ઊટી ફેરવું છું (ઊટી સાઇટ સીન), મને હોટલ સીટી પેલેસમાંથી કોલ આવ્યો હતો કે તારે 7 તારીખે કોઈમ્બતુર મુંબઈની એક કંપની માલિક આવવાનાં છે, અને તારે તેને પીક-અપ કરવાં માટે એમનીજ કંપનીની કાર લઈને જવાનું છે, માટે તે દિવસ અને બાકીનાં દસ દિવસ કોઈ ટુર પ્લાન ના કરતો, આથી મેં આ દરમિયાન કોઈ ટુરનું બુકિંગ કરેલ નથી.”

“ઓહ ! સરસ ! તો તું ઊટીની ગલીએ ગલીઓથી વાકેફ હોઇશ ને….?” – અખિલશેને રસ પડી રહ્યો હોય તેમ આતુરતાથી પૂછ્યું.

“હા ! સાહેબ ! તમે ઊટી જેટલું ફરો…જેટલું રોકાવ એટલો સમય ઓછો પડે તેવું છે, ઊટીમાં જોવા લાયક જગ્યાઓ જ એટલી બધી છે કે કલાકો, દિવસો, કે અઠવાડિયું ક્યાં પસાર થઈ જાય એ જ ખબર ના પડે….જેમાં ઘણાં બધાં સ્થળો જોવાલાયક અને માણવાલાયક છે જેમાં ખાસ કરીને………ઊટી બોટનીકલ ગાર્ડન…ઊટી રોઝ ગાર્ડન…મુરુગન ટેમ્પલ,…નિલિગીર માઉન્ટેન ટ્રેન (ટોય ટ્રેન)…..વેક્ષ મ્યુઝિયમ….પાયકાર લેક….એવેલેન્સ લેક….ઇમરલેન્ડ લેક….ઉપર ભવાની લેક….દોડાબેટા પીક (ડુંગર)….કેટી વેલી વ્યુ….ટી મ્યુઝિયમ, બાગ અને ફેક્ટરી….સેઈન્ટ સ્ટેફન ચર્ચ….થન્ડર વર્ડ પાર્ક અને મ્યુઝિયમ અને ટાઇગર હિલ….આ ઉપરાંત આવી ઘણી બધી જગ્યાઓ છે, સાહેબ એ બધાનું લિસ્ટ તો ખૂબ જ લાંબુ થાય એમ છે….!” – હનીફ ઊટીના મોટાભાગના આકર્ષણો જણાવતા બોલ્યો.

આ સાંભળીને અખિલેશે મનોમન આ બધાં માંથી શક્ય હોય તેટલી જગ્યાની મુલાકાત લેવાનું વિચાર્યું હોય, તેવી રીતે હનીફને પૂછ્યું. “આ બધાં જ સ્થળોની મુલાકાત કરવા માટે ઓછામાં ઓછા કેટલાં દિવસ થાય…?” “સાહેબ ! જો તમારે ઊટીનાં મુખ્ય આકર્ષણો વ્યવસ્થિત જોવા હોય તો ઓછામાં ઓછા પાંચ દિવસ…તો જોઈએ જ…” – હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો. “અને હા…પેલી ટ્રેનનું શું નામ જણાવ્યું તમેં….?” – અખિલેશે ઉત્સાહપૂર્વક પૂછ્યું.

“સાહેબ ! નીલગીરી માઉન્ટેઈન ટ્રેન જેને ટોય ટ્રેન તરીકે પણ ઓળખવમાં આવે છે….આ ટ્રેન વર્ષો જૂની છે, જે અંગ્રેજ લોકોએ વિકસાવેલ હતી, જે નીલગીરી પર્વતમાળાઓની વચ્ચેથી પસાર થાય છે, તે તમને કુદરતી સૌંદર્ય કે કુદરતના ખોળે ફરવાનો આનંદ અપાવશે, જાણે તમે હવાઈ મુસાફરી કરતાં હો તેવો અનુભવ કરશો….જો તમે આખું ઊટી ફર્યા હોવ અને આ નીલગીરી માઉન્ટેઈન ટ્રેનની મુસાફરી ના કરી હોય, તો તમારી ટ્રીપ અધૂરી હોય તેવું લાગશે…એકવાર આ ટ્રેનમાં મુસાફરી કરવાનો લાહવો કે આનંદ મેળવવા જેવો છે….!” – હનીફ વખાણ કરતા બોલ્યો.

“હા ! ચોક્કસ પણ હું પહેલા આ નીલગીરી માઉન્ટેઈન ટ્રેનની મુલાકાત તો ચોક્કસ લઈશ જ તે…” – હનીફે કરેલા ટ્રેનના વખાણ સાંભળીને અખિલેશ મક્કમ મને બોલ્યો. વાતો-વાતોમાં ક્યારે ઊટી આવી ગયું એ ખબર જ ના પડી, ત્યારબાદ હનીફે ઇનોવા કાર ” ધ સીટી પેલેસ હોટેલ અને રિસોર્ટ” ની બહાર ઉભી રાખી, ત્યારબાદ અખિલેશનો સામાન ઉતારી, હનીફ કાર પાર્કિગમાં કાર પાર્ક કરવા માટે ગયો, અને થોડી જ વારમાં કાર પાર્ક કરીને અખિલેશ પાસે આવ્યો.

ત્યારબાદ હનીફ અખિલેશને હોટલની અંદર લઈ જાય છે, અને રીસેપ્શન કાઉન્ટર બેસેલા રિસેપનીસસ્ટને અખિલેશની ઓળખાણ કરાવે છે, આથી રિસેપનીસસ્ટ અખિલેશ માટે અગાવથી બુકિંગ થયેલ ડીલક્ષ રૂમની ચાવી આપે છે…અને રૂમ સર્વિસ વાળા પ્યુન અખિલેશનો સામાન તેના રૂમમાં પહોંચાડે છે.

“સાહેબ ! આ મારૂં વિઝીટિંગ કાર્ડ છે, જેમાં મારો મોબાઈલ નંબર લખેલ છે, આજ થી માંડીને આવતાં દસ દિવસ સુધી હું જ તમારો ડ્રાઇવર રહીશ…..તમારે જ્યારે પણ હોટલ બહાર કે કોઈપણ જગ્યાએ કે સ્થળે જવાનું હોય ત્યારે મને કોલ કરજો હું દસ જ મિનિટમાં હાજર થઈ જઈશ..!” – હનીફ પોતાનું વિઝીટિંગ કાર્ડ અને “ઊટી ધ ટુર ગાઈડ” નામની એક નાનકડી બુક (જેમાં ઊટી વિશેની બધી જ માહિતી હતી…જે હનીફ પોતાની કારમાં આવતાં બધાં ટુરિસ્ટોને વાંચવા માટે આપતો હતો) અખિલેશને આપતાં બોલ્યો.

“સરસ ! હનીફ ! મને તારી સાથે ફરવું ગમશે….એટલે કે મને તારો સ્વભાવ ગમ્યો માટે મને મજા આવશે…” “સારૂ ! સાહેબ ! હું હવે રજા લઉ..તો…??” “હા ! ચોક્કસ….પણ હું જ્યારે પણ ફ્રિ પડીશ ત્યારે હું તને ચોક્કસથી કોલ કરીશ…” “ચોક્કસ ! સાહેબ !” – આટલું બોલી હનીફ અખિલેશની રજા લઈને પોતાના ઘર તરફ જવા માટે રવાના થાય છે.

ત્યારબાદ અખિલેશ દીક્ષિતને કોલ કરીને હોટલ પર પ્હોંચી ગયાની જાણ કરી દે છે, ત્યારબાદ અખિલેશ બપોરનો લંચ ત્યાં હોટલ પર કરીને, પોતાના રૂમમાં જઈને થોડોક આરામ કરે છે, અને પછી જે જગ્યાએ (હોલમાં) પોતાની કંપનીની ઇવેન્ટ હતી, તેની તૈયારી જોવા માટે રાઉન્ડ લગાવવા જાય છે, જ્યાં તેની જ કંપનીના અન્ય કર્મચારી પણ મળે છે, જેમાં હાઉસ કિપિંગ કર્મચારીઓ પણ હતાં, જે લોકોએ ખુબજ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઇવેન્ટને અનુરૂપ હોલ ડેકોરેટ કરી નાખ્યો હતો, જેમાં બધી સુવિધાઓની પણ ગોઠવણી કરેલ હતી, આથી અખિલેશ એ બધાનાં કામથી ખુશ થઈને તે બધાનાં કામને પ્રસંશા કરીને બિરદાવે છે…..!

પછી અખિલેશ પોતાના રૂમમાં જાય છે અને ઘડિયાળમાં નજર કરે છે, ત્યારે સાંજના 5 વાગ્યાં હતાં.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version