દેશની પ્રથમ મહિલા કુલી, એકલે હાથે પોતાના ત્રણ બાળકોને ઉછેરી રહી છે…

હજારો પડકારો બાદ, હજારો મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ જ્યારે કોઈ સફળતા મેળવે છે ત્યારે તે વ્યક્તિ લોકો માટે રોલમોડેલ બની જાય છે. પણ જ્યારે આ પડકારો તેમજ મુશ્કેલીઓનો સામનો એક એકલી સ્ત્રીએ કરવાનો હોય છે ત્યારે તે બધું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તેવી જ એક મહિલા વિષે આજના લેખમાં વાત કરવા જઈ રહ્યા છે જેના જીવનમાં અચાનક દુઃખનો પહાડ તુટી પડ્યો. પતિના અવસાન બાદ બાળકોના ઉછેરની જવાબદારી તેના માથા પર આવી પડી. તેમ છતાં તેણે હાર ન માની. આજે કુલી બનીને તે માત્ર પોતાનું ઘર જ નથી ચલાવી રહી પણ સમાજમાં એક ઉદાહરણ પણ પુરૂ પાડી રહી છે.

30 વર્ષની સંધ્યા મરાવી મધ્યપ્રદેશના કુંડમની રહેનારી છે. સંધ્યાના ઘરમાં તેમના ત્રણ બાળકો ઉપરાંત તેમની વૃદ્ધ સાસુ પણ રહે છે. સમગ્ર કુટુંબની જવાબદારી સંધ્યાના ખભા પર છે. અને આ જવાબદારીને સંધ્યા સંપૂર્ણ જુસ્સા સાથે નિભાવી રહી છે. પોતાનું કુટુંબ ચલાવવા માટે તે મધ્યપ્રદેશના કટની રેલ્વે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. સંધ્યાને જ્યારે પણ કોઈ સ્ટેશન પર કુલી તરીકે જુએ છે ત્યારે ચકીત થઈ જાય છે કારણ કે આવું પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું કે કોઈ મહીલા કુલીનું કામ કરી રહી હોય. સંધ્યા શક્યતઃ દેશની પ્રથમ મહિલા કુલી હશે.

સંધ્યાને આ પગલું પોતાના પતિ ભોલારામના મૃત્યુ બાદ ઉઠાવવું પડ્યું. વાસ્તવમાં 22 ઓક્ટોબર 2016ના રોજ તેમના પતિનું લાંબી બીમારી બાદ મૃત્યુ થઈ ગયું. આ કસમયનાં મૃત્યુથી સંધ્યા પર દુઃખનો પહાડ તુટી પડ્યો. તેમના પતિ કુલી હતા અને તેમને ખબર પડી કે તેમના કારણે તેણીને તેના પતિનું કામ મળી શકે તેમ છે. ત્યાર બાદ પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્યને ખાતર તેણે પણ કુલી બનવાનો નિર્ણય લઈ લીધો.ત્યારથી સંધ્યા રોજ 270 કિલોમીટરની સફર ખેડી કટની સ્ટેશન પર જાય છે. પહેલાં તેમને પોતાના ગામના કુંડમથી 24 કિમી દૂર આવેલા જબલપુર સ્ટેશન પર જવું પડતું હતું અને પછી ત્યાંથી તે કટની સ્ટેશન પહોંચતી હતી. જાન્યુઆરી 2017થી રોજ આ જ રીતે સંધ્યા બીજાનો સામાન ઉઠાવી પોતાનું જીવન પસાર કરી રહી છે. કટની સ્ટેશનમાં 45 કુલીઓમાં સંધ્યા એકલી જ મહિલા કુલી છે. આખો દિવસ કામ કર્યા બાદ સંધ્યા સાંજે ઘરે પાછી આવી બાળકો માટે ખાવાનું પણ બનાવે છે.
સંધ્યાને ત્રણ નાના બાળકો છે, સાહિલ (8 વર્ષ), હર્ષિત (6 વર્ષ) અને પાયલ (4 વર્ષ). તે પોતાના ત્રણે બાળકોને ખુબ ભણાવવા માગે છે. તેમનું સ્વપ્ન છે કે તેમના બાળકો મોટા થઈને આર્મી ઓફિસર બને. સંધ્યાની મદદ માટે કેટલાક લોકો સામે આવી રહ્યા છે. સોશિયલ મિડિયા દ્વરા મોહાલીના રાજકુમારને જ્યારે સંધ્યા વિષે ખબર પડી ત્યારે તેમણે સંધ્યાને 10 હજાર રૂપિયાનો ચેક મોકલ્યો હતો.
સંધ્યાના આત્મવિશ્વાસને સાચે જ એક સેલ્યુટ કરવાનું મન થાય છે, તેમણે એક સ્ત્રીની તાકાતને માત્ર બતાવી નથી પણ અન્ય કરોડો સ્ત્રીઓ માટે તેણી એક પ્રેરણાસ્રોત પણ બની છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર

સલામ મહિલાને, દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી