ગુજરાતનું એક ગામ જ્યાં વસતા હતા 60 કરોડપતિઓ, જૈન ધર્મના તિર્થકર નેમિનાથનું ચમત્કારીક મંદિર….

ગુજરાતનાં આ ગામમાં વસતા હતા 60 કરોડપતિઓ, જ્યાં છે આવેલું છે જૈન ધર્મના તિર્થકર નેમિનાથનું ચમત્કારીક મંદિર

ગુજરાતમાં જૈન ધર્મના અનેક ધર્મસ્થાનો આવેલા છે અને જૈન ધર્મ પણ સારો એવો ફેલાયેલો છે. તેમ ગુજરાતમાં આવેલા અનેક જૈન તીર્થોમાં બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર છે અને બીજું બનાસકાંઠા જીલ્લામાં થરાદ તાલુકામાં આવેલ તીર્થ ભોરોલ છે. અહીં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ 76 સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા દર્શનીય છે. થરાદ તાલુકા મથકથી ૧૭ કી.મી.દુર આવેલ આ ભોરોલ તીર્થ જૈનોના બાવીસમાં તીર્થકર ભગવાન નેમીનાથનું તીર્થ છે.

દંતકથા અનુસાર માનવામાં આવે છે કે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું અને પીપલપુર નામે ઓળખાતું આ સ્થળ પર 60 કરોડપતિઓ વસતા હોવાનો ઉલ્લેખ થયેલો છે. નેમીનાથ ભગવાનની શાસનાધિષ્ઠાત્રી શ્રી અંબિકા દેવીની મુર્તિ અહી સંવત ૧૩૫૫ માં પ્રતિષ્ઠિત થઇ હોય જણાય છે. આ તીર્થ પાવન ધરતી ઉપર 500 મુનિઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યુ હતું.

તીર્થકર ભગવાન નેમીનાથ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇ ભાઇ હતા. તેઓ દ્વારકામાં રહેતા હતા અને પછી ગિરનાર ગયેલા એમ જૈન દંતકથા કહે છે. અગીયારથી સોળમાં સૈકા દરમ્યાન આ જગ્યા પર પાંચ માઇલના ધેરાવામાં પીપલપુર પટટણ નામે આબાદ નગરી હતી. અહિ સ્થાપિત કરાયેલી શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ પ્રતિમા જૈનકરો માટે આસ્થાનું કિરણ છે.

પ્રાચીનકાળમાં આ તીર્થ પીપલપુર-પાટણ , પીપલગ્રામ વગેરે નામોથી વિખ્યાત હતું. અહીંની જમીનમાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રાચીન પ્રતિમાઓ અને અવશેષો પણ આ તીર્થની પ્રાચીનતાની ખાતરી આપે છે. એક સમયે અહીં અનેક જૈન મંદિરો અને જૈન શ્રાવકોનાં નિવાસસ્થાનો હતાં. તેમજ 15 મી સદી સુધી આ તીર્થ ભારે જાહોજલાલી ધરાવતું હશે એમ લાગે છે.

મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. દર વર્ષે કારતક અને ચૈત્ર મહિનાની પૂનમે અહીં મેળો ભરાય છે. આ તીર્થના મંદિરની બીજી બધી જ પ્રતિમાઓ જમીનમાંથી પ્રાપ્ત થયેલી. રાજા સપ્રતિ કાળની મનોરમ અને અખંડ પ્રતિમાઓ છે. આ શ્રી પુણ્યતિલકસૂરીશ્વરજી ઉપદેશથી વિ.સં. 1302 માં શ્રીમાલ શેઠ પૂંજાશાહે શહેરની બહાર 1444 સ્તંભોવાળું 72 દેવકુલિકાઓવાળું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. અગાઉ વિ.સં. 1261 માં શ્રી જયપ્રભસૂરીશ્વરજી દ્વારા નેમિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે.

આમ શેઠ પૂંજાશાહે વિશાળ મંદિર બંધાવ્યું તે પહેલાં આ તીર્થ અસ્તિત્વમાં હોવું જોઈએ. વિ.સં. 1922 ના ભાદરવા સુદ ત્રીજના દિવસે એક તૂટેલા જીર્ણ તળાવનો ટેકરો ખોદતા શ્યામ વર્ણની શ્રી નેમિનાથ ભગવાનની અખંડ પ્રતિમા મળી આવી હતી, જે આજે ભોરોલના મંદિરમાં સ્થાપિત કરી છે. જૈનો અને જૈનેતરો બંને શ્રદ્ધાપૂર્વક એમની ઉપાસના કરે છે.

આ સાથે અહિં અન્ય 32 પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઇ છે. અહીં અત્યંત સુંદર, દર્શનીય 24 જિનાલય નવા બનાવવામાં આવ્યા છે. વિ.સં. 2052 માં અહીં નેમિનાથ પ્રભુ તેમ જ સુવર્ણમય અત્યંત કલાત્મક ચિંતામણિ પાર્શ્વનાથજીની બિમ્બોની ઐતિહાસિક પ્રતિષ્ઠા થઇ. નાગરાજાએ 5 દિવસ નિરાહાર રહી પાર્શ્વનાથ પ્રભુને સાનિધ્ય દીધું જેને હજારો લોકોએ જોયું.

જૈન ધર્મના લોકો માટે અતિ મહત્વ ધરાવતા આ તીર્થમાં રહેવાની પણ ઉત્તમ સગવડ માટે બે ધર્મશાળા કાર્યરત છે, તેમજ અહિં વર્ષ દરમ્યાન આવતા ભાવિ ભક્તોને જમાડવા ભોજનાલય પણ કાર્યરત રાખવામાં આવ્યું છે. કારતક મહિનામાં ભરાતા મેળામાં અહિં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે. અને ભગવાન નેમિનાથના દર્શનની સાથે કુદરતી શૌંદર્યનો પણ લ્હાવો લે છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

તો મિત્રો તમે પણ એકવાર ભગવાન નેમીનાથના દર્શનનો લ્હાવો જરૂર લેજો…શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે.