જલ્સા કરોને જેંતીલાલ

થેલેસેમિયા ગ્રસ્ત રિદ્ધી માંગી રહી છે મદદ, માતા ફક્ત ૧૦ ધોરણ ભણેલી છે… આપણા સુરતની છે આ દિકરી…

થેલેસેમિયા ગ્રસ્ત રિદ્ધી, જોમ જુસ્સાથી ભરપુર.

થેલેસેમિયા ગ્રસ્ત રિદ્ધિ ચૌહાણનો જુસ્સો જોઈ ભલભલી વ્યક્તિને નવજીવન મળી જાય ! રિદ્ધિ ચૌહાણ એક 10 વર્ષિય બાળકી છે જે થેલેસેમિયાના રોગથી પિડાય છે. સૌ પ્રથમ તો આ રોગ વિષે થોડી જાણકારી મેળવી લઈએ કે થેલેસેમિયા છે શું ?

થેલેસેમિયા એક એવી બિમારી છે જેમાં શરીર લોહી ઉત્પન્ન કરી શકતું નથી. અને શરીરમાં યોગ્ય લોહીના પ્રમાણને જાળવી રાખવા માટે બહારના લોહીની જરૂર પડે છે. શરીરનો રંગ પીળો પડી જાય છે. શરીરને વારંવાર નવું લોહી ચડાવવું પડે છે. શરીરમાં લોહીની સતત ઉણપના કારણે હાડકાની તકલીફ રહે છે. વારંવાર નવું લોહી ચડાવવાથી શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધી જાય છે અને તેની વળી બીજી આડ અસર છે અને તેની પણ સાથે સાથે સારવાર કરાવવી પડે છે. અને આ સારવાર માટે ડોક્ટરની સલાહ પ્રમાણે ચોક્કસ ઇન્જેક્શન્સ લેવા ફરજિયાત હોય છે.


જો આ રોગની યોગ્ય સમય પર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો રોગીનો જીવ જોખમાય છે. અને આ એક ખર્ચાળ સારવાર છે. હવે તમે એ તો જાણી જ લીધું કે થેલેસિમિયા કેટલો ગંભીર અને ખર્ચાળ રોગ છે. માટે તમે રિદ્ધિની વ્યથા તેમજ પીડાથી પણ સારી રીતે વાકેફ થઈ ગયા હશો.

રિદ્ધી સુરતમાં રહેતી એક દસ વર્ષીય બાળકી છે. રિદ્ધિની માતા હેમલતા ચૌહાણના લગ્ન 2008માં થયા હતા અને રિદ્ધિનો જન્મ 2010માં થયો હતો તેણીના જન્મના ત્રણ મહિના બાદ જ તેણીને થેલેસેમિયા બીમારી થઈ હોવાનું નીદાન થયું અને તેણીના પિતાએ તેણીની માતાને છુટ્ટાછેડા આપી દીધા. આમ, તેણીની માતા એકલે હાથે પોતાની જીવ સમી બાળકીનું જીવન બચાવી રાખવા લડત આપી રહી છે.

રિદ્ધિ ત્રણ વર્ષની હતી ત્યારથી તેણીનું થેલેસિમિયા મેજરનું નિદાન થયું છે. અને ત્યારથી તેણીને દર મહિને એક યુનિટ રક્તની જરૂર પડે છે જેથી કરીને તેના શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે. અને આમ કરવાથી તેના શરીરમાં આયર્નનું પ્રમાણ વધી જાય છે અને તે પ્રમાણને અંકુશમાં રાખવા માટે તેણીને બીજી દવાઓની જરૂર પડે છે જે ઘણી જ ખર્ચાળ છે. જે તેણીના પરિવારને પોસાય તેમ નથી. રિદ્ધીએ આ રોગની સામે આજીવન લડત આપતા રહેવાની છે. તે જરા પણ હાર માની શકે તેમ નથી.

તેના પિતાના તરછોડ્યા બાદ તે અને તેણીની માતા તેની નાનીના ઘરે રહે છે. દર મહિને તેણીની આ સારવાર પાછળ લગભગ 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. જે કોઈ પણ સામાન્ય અરે ઉચ્ચ મધ્યમવર્ગિય પરિવારને પણ પોસાય તેવો નથી. અને જેમ જેમ તેણી મોટી થતી જશે તેમ તેમ આ ખર્ચાઓ પણ તેના શરીરની જરૂરિયાત પ્રમાણે વધતા જશે. તેણીનો પરિવાર આ ખર્ચાને પહોંચી નથી વળતો. માટે તેણીની માતાએ સોશિયલ મિડિયાના માધ્યમથી મદદ માંગવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે.

આજે યુ ટ્યુબ પર રિદ્ધિ પોતાની એક ચેનલ ધરાવે છે જે તેણીની માતા દ્વારા શરૂ કરવામાં આવી છે આજે તેના 1.28 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબર છે. તેણીની માતા હેમલતા ચૌહાણ માત્ર દસ ધોરણ જ ભણેલી છે. પણ પોતાની જીવસમી બાળકીને બચાવવા માટે તેણી અથાગ પ્રયાસ કરી રહી છે અને તેના પ્રયાસ રૂપે જ આ યુ ટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ચેનલ પર 158 વિડિયોઝ અપલોડ કરવામાં આવી ચુક્યા છે. તેમાં રિદ્ધિ સામાજીક ઘટનાઓ તેમજ સમસ્યાઓ પર આધારિત મુદ્ધાઓ પર વિડિયો બનાવી અપલોડ કરે છે. તેણીની વિડિયોને અત્યાર સુધીમાં 62 લાખથી પણ વધારે વ્યુઝ મળી ચુક્યા છે. આ ઉપરાંત રિદ્ધિ ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલોઅર્સ ધરાવે છે.

નાનકડી રીદ્ધીનો જીવન જીવવાનો જુસ્સો ગમે તેવા નિરાશ માણસમાં પણ આશા જગાવનારો છે.

આપણે સામાન્ય માણસો એવું વિચારતા હોઈએ છીએ કે આટલા લોકો તો લોહી આપે છે હું નહીં આપું તો શું ફરક પડી જશે. પણ તમને ખબર નથી કે તમારું લોહી કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવનારું હોય છે. અને તમારા આ એક પ્રયાસથી એક આખો પરિવાર જીવંત બની શકે છે. માટે રક્તદાન કરો. તેનાથી તમને કોઈ જ નુકસાન નહીં થાય પણ બીજી બાજુ કોઈકનો જીવ બચી જશે અને તેમાં જ માણસનું પરંમસુખ રહેલું છે.

Exit mobile version