થાબડી પેંડા – હવે વારે તહેવારે બહારથી પેંડા લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો આ સરળ રીતે…

મિત્રો, તહેવાર કોઈપણ હોય મીઠાઈ અને પેંડા તો આપણને જોઈએ જ, આમ તો ઘણી જગ્યાઓએ મળતા પેંડા પ્રખ્યાત હોય છે પણ આજે હું તમને ઘરે તમે જાતે જ બનાવી શકશો આ ફેમસ અને ટેસ્ટી થાબડી પેંડા, આ રેસીપીના અંતમાં વિડીઓ પણ આપેલ છે જોવાનું ચુકતા નહિ. પેંડા ઘણી બધી રીતે બને છે જેમાંના એક અને સૌને ખુબ જ ભાવતા થાબડી પેંડા બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. ખુબજ ઈઝી છે અને વધારે ઇન્ગ્રેડિએન્ટ્સની પણ જરૂર પડતી નથી, તો તમે પણ ઘરે જ બનાવીને તમારા પ્યારા ભાઈને ખવડાવજો.

સામગ્રી :

Ø 500 મિલી વધુ ફેટવાળું દૂધ

Ø 1/2 કપ ખાંડ

Ø 1/2 ટેબલ સ્પૂન ઘી

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

Ø ચપટી એલચી પાવડર

Ø થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :

1) થાબડી પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં મોટા બર્નર પર દૂધ ગરમ કરવા મુકો. દૂધ ફૂલ ફેટવાળું લેવું જેથી પેંડા સરસ કણીદાર બને.મેં અમુલ ગોલ્ડ લીધું છે પણ આપણે કોઈપણ વધુ ફેટવાળું દૂધ લઈ શકીએ સ્ટવની ફ્લેમ મીડીયમથી થોડી વધુ રાખી સતત હલાવતા રહીને દૂધને ઉકાળો.

2) પેંડાને ડાર્ક બ્રાઉન ( ચોકલેટી ). કલર આપવા માટે ખાંડને કેરેમલાઈઝ કરીશું. ખાંડને કેરેમલાઈઝ કરવા માટે નાના બર્નર પર ખાંડને મેલ્ટ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને સતત હલાવતા રહીને ખાંડને મેલ્ટ થવા દો. આપણે પાણીનું એકપણ ટીપું નાખ્યા વગર ખાંડને મેલ્ટ થવા દેવાની છે. ખાંડ પીગળીને લીકવીડ થઈ જાય એટલે તરત જ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.

3) આ બાજુ એટલી વારમાં દૂધમાં પણ ઉભરો આવી જશે. હવે સ્ટવની ફ્લેમ ધીમી કરીને તેમાં પીગળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

4) પેંડાને સરસ દાણેદાર બનાવવા માટે 3 થી 4 મિનિટ પછી તેમાં અડધી ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરો. સતત હલાવતા જ રહો અને સ્ટવની ફ્લેમ વધારી દો. લીંબુનો રસ નાખ્યા બાદ થોડીવારમાં દૂધનું ટેક્ચર કર્ડલ થઈ જશે.

5) થોડીવારમાં તો ઘણું ખરું દૂધ બળી જાય છે અને કન્સીસ્ટન્સી થીક થઈ જાય છે. હવે તેમાં અડધી ટેબલ સ્પૂન ઘી ઉમેરો, ઘી નાંખવાથી પેંડાનો રીચ ટેસ્ટ આવે છે અને સાથે શાઈની ટેક્ચર આવે છે.

6) બધું જ દૂધ બળી ગયા બાદ સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને ચપટી એલચી પાવડર નાંખી મિક્સ કરી લો. સ્ટીલની પ્લેટમાં કાઢી સહેજ ઠંડુ થવા દો.

7) સહેજ ઠંડુ પડી ગયા બાદ નાનકડા પેંડા વાળી લો, મુઠીમાં લઈ મસળીને પેંડા વાળવાથી સરસ શેઈપ આપી શકાય. મનપસંદકોઈપણ શેઈપ આપી ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો.

8) તો મિત્રો, તૈયાર છે થાબડી પેંડા તો આ રક્ષાબંધન પર હાથથી બનાવીને ભાઈનું મોં મીઠું જરૂર કરાવજો.ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ, બહાર મળતા પેંડા જેવા જ બને છે.

નોંધ : દૂધ બળી જાય કે તરતજ સ્ટવની ફ્લેમ ઓફ કરી સ્ટીલની પ્લેટમાં લઈ લો. જો દૂધ બળી ગયા બાદ થોડો વધુ ટાઈમ સ્ટવ પર રહી જાય તો પેંડા કડક થઈ શકે છે, માટે દૂધ બળી ગયા બાદ તરત જ સ્ટવ ઑફ કરી દેવો.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો.