કેટલા સપના જોયા હતા એણે પોતાના ભવિષ્યના પણ લગ્ન પછી થયું આવું કે એકદિવસ ના બનવાનું બની ગયું…

જીણી જીણી ટપકી વાળી રંગબેરંગી સાડીઓથી એનો આખો કબાટ ભરેલો હતો.. લાલ-ગુલાબી-પીળો-જાંબલી-કેસરી ને આસમાની.. બધા જ રંગ જોવા મળે એના કબાટમાં.. પણ સાડીના રંગોમાં વિવિધતા પસંદ કરનારી ઝાંઝરીને સાડીની ભાત તો એકસરખી જ જોઈએ.. બધી સાડીમાં જીણી જીણી ટપકી..

નાનપણથી જ એને આ ટપકી વાળી વસ્તુઓ બહુ ગમતી.. એમાય એક દિવસ જ્યારે એના બાપુ શહેરથી એની માં માટે આવી છીદરી લાવેલા ત્યારે તો એ સાવ ગાંડી જ થઇ ગયેલી.. “એ માં.. આ ભાત કેવી સરસ લાગે છે નહિ?? ઓલી પોપટ વાળી ને મોર વાળી ભાત કરતા તો ઘણીય સારી.. જીણી ટીપકી વાળી ભાત.. તું આ ફેરે નવરાતમાં માતાજીની પૂજા કરતી વખતે આ સાડી પેરજે હો ને.. હું તને ઓલો ખજૂરી ચોટલો વાળી દઈશ.. મીના આમની કોરે શેરથી આવી ને તો ત્યાંથી શીખીને આય્વી છે..!!” ને ગોમતીએ હસતા હસતા એની ઝાંઝરીને બકી કરી લીધેલી..

ગોમતીનો વર કાનો શેરમાં નોકરી કરતો હતો.. જમવાનું સવારે ગોમતી બાંધીને જ આપે.. પાંચ વાગ્યાનો નીકળી જાય તે શેરમાં આઠ વાગ્યે પહોચે.. પછી સાંજે આઠ વાગ્યે નીકળીને અગિયાર વાગ્યે ઘેર આવે.. મહિનાના પાંચ હજાર રૂપિયા મળતા.. અહી ગામમાં બાપ-દાદાનું જુનું ખોરડું હતું એટલે એ ક્યાય બીજે જવા નહોતો માગતો.. ઉપરથી શેરના ખર્ચમાં મકાન ભાડે લઈને બૈરીને ને છોકરીને રાખવા પોસાય એમ નહોતા એને.. કાનો ભલે ગામડાનો હતો પણ એનામાં શેરના મરદ કરતા વધારે બુદ્ધિ ને સમજણ હતા. પેલી દીકરી ઝાંઝરીનો જનમ થયો એ દિ’ એણે તેની વહુ ગોમતીને કીધું હતું કે..

“બસ હવે.. ગોમતીગૌરી.. હવે બીજું એકેય જ્ણવાનું નથ.. આપણી આ ઝાંઝરી જ સાત ખોટના છોકરાની ગરજ પૂરી કરસે. મારા પગારમાં આપણને બે છોકરાવ ઉછેરવા પોસાય એમ નથ.. જે’દિ પગાર વધશે એ દિ બીજું છોકરું કરવાનું વિચારસું..” ને ગોમતી છક થઇ ગયેલી.. એને યાદ આવી ગયું એની માને એક છોકરો નહોતો આવતો એટલે દસ બાળક જણવા પડેલા.. અગિયારમો દીકરો આયવો એ પછી એના બાપાએ એની માંને હખ લેવા દીધુ હતું..

પોતાને આવો સમજુ વર મળ્યો છે એ જાણીને એ તો માતાજીને ઘડી ઘડી નમતી રહેતી. કાનાએ અને ગોમતીએ પેલા જ નક્કી કરેલું કે દીકરી આવે તો ઝાંઝરી ને દીકરો આવે તો કિશન નામ રાખવું. કાનો પોતે બધુય સહન કરી લે પણ એની બૈરી અને છોકરીને કોઈ વસ્તુની અછત ના વર્તાવા દે.. દર શનિવારે શેરથી આવે ત્યારે શનિવારીમાંથી ગોમતી અને ઝાંઝરી માટે કંઇક ને કંઇક લેતો આવે.. આ ફેર આ છીદરી લઈને આવેલો.. ગોમતી હાટુ છીદરી ને ઝાંઝરી હાટુ મસ્ત મજાના ડાયમંડ વાળા ઉંચી એડીના સેન્ડલ લાવેલો.. પણ ઝાંઝરી તો છીદરીમાં જ મોહી પડેલી. ઘડી ઘડી એની માંના કબાટમાંથી છીદરી કાઢીને પોતે પહેરીને રમવા લાગતી..

એની નાનકડી કપડામાંથી બનાવેલી ઢીંગલીની ગોદડી આ છીદરી હતી.. એના ફળિયામાં ખાટલાની ઉપર ચાર દાંડી લગાવીને છાંયડો કરવાય એ આ છીદરી જ વાપરતી.. વળી ક્યારેક ગોમતી ને કાનો ઘેર નાં હોય તો પોતે ગોમતીની જેમ ગુજરાતી સાડી પહેરીને આ છીદરીમાં મહાલતી.. પોતાને કાચમાં જોઈ રહેતી.. ને પછી ગોમતી પૂરે એમ સેંથો પુરતી.. જયારે જ્યારે ઝાંઝરી સેંથો પૂરે ત્યારે હમેશા વિચારતી કે પોતાના વરનેય તે પોતાની હાટુ આવી છીદરી લાવવાનું કહેશે.. ને આવું વિચારીને મલકાઈ ઉઠતી..!!

કાનાએ એના ગામની નિશાળમાં ઝાંઝરીને ભણવા બેસાડી હતી.. એના ગામમાં કોઈ છોકરી બારમાં સુધી ના ભણે.. પણ આ કાનાની દીકરી બારમું ભણી અને એય પાછી એની નિશાળમાં સો છોકરાઓની સામે એનો પેલો નંબર આવ્યો.. જે’દિ એનો પેલો નંબર આવ્યો એ’દિ એણે કાનાને કહ્યું,
“બાપુ, શેરમાં ભણવા જાવું છે મારે.. આપણે આહીં તો કોલેજ નથ.. ને મારે બીએ કરીને બીએડ કરવું છે.. ટીચર બનવું છે.. મેં બધીય તપાસ કરી લીધી છ. હું દિવસે ભણવા જાઈશ ને સાંજ પડતા છોકરાઓને ટ્યુસન કરાવીસ.. તમારા પર જરાય ભાર નહિ રે..!! જાવ બાપુ??” ગોમતી ને કાનો બેય એકમેકની સામે જોઈ રહ્યા.. કાનાએ ધીરેથી આગળ આવીને તેની દીકરીને બકી કરી લીધી..

“મારી ઝાંઝરી.. મોટી થઇ ગઈ.. દીકરા આ બધુય તારા હાટુ તો છે.. તાર ખાતર હું કમાવ છું.. તું ભણવાની ના પાડી દેત તો મને દુખ થાત.. પણ આજ તે ભણવાનું કહ્યું એ સાંભળીને મને બહુ હરખ થીયો.. કાલ તું મારી ભેગી શેરમાં આવજે.. આપણે તપાસ કરી આવસુ..!!”
ને ઝાંઝરી ખુશ થઇ ગયેલી.. જે’દિ એને શેરમાં જાવાનું હતું તે’દિ એણે પોતાની માં પાસે એની છીદરી માગેલી, “માં.. મને તારી છીદરી આલીસ?? હું પેરીસ નઈ.. પણ એ મારી જોડે હસે ને તો મન લાગસે કે મારી માં કોરે છે મારી..!!” પાંચ વરસ જૂની એ છીદરી હવે સહેજ ઘસાઈ ગયેલી.. પણ ઝાંઝરી માટે તો એ અમુલ્ય હતી.. એની માંની યાદ તરીકે એ છીદરી લઈને શેરમાં ભણવા ગઈ..

સમય પસાર થતો ગયો.. ઝાંઝરી સાંજે દસેક જેટલા છોકરાઓને ટ્યુશન કરાવતી.. હવે કાનાએ શેરમાં મકાન ભાડે લઇ લીધું હતું. ગોમતી સિલાઈકામ કરતી ને ઝાંઝરી ટ્યુશન કરાવતી. એમાં એક છઠા ધોરણમાં ભણતો નિજ એની પાસે ટ્યુશન માટે આવતો હતો.. નિજને રોજ લેવા મુકવા એક ફૂટડો છોકરો આવતો.. નિજ પાસેથી ઝાંઝરીને ખબર પડી કે એ નિજના કાકા હતા.. ચોવીસ વરસનો એ યુવાન નમન ઝાંઝરીને ગમવા લાગ્યો હતો.. નમન સાથે થોડી ઓળખાણ થતા તે બંને થોડા સમયમાં તો મિત્રો બની ગયેલા..!!

જોતજોતામાં ત્રણ વર્ષ પસાર થઇ ગયા.. ગુજરાતી વિષય સાથે બી.એ પૂરું કરીને હવે ઝાંઝરી બી.એડ કરી રહી હતી.. કાનાને હવે શેરમાં થોડી સારી જગ્યાએ કામ મળ્યું હતું. ઘર વ્યવસ્થિત ચાલતું હતું.. એક દિવસ અચાનક જ ઝાંઝરીએ કાનાને અને ગોમતીને પાસે બેસાડ્યા અને કહ્યું,
“માં.. બાપુ.. એક વાત કેવી છે તમને.. નમનને તમે ઓળખો છો ને.. નિજના કાકા.. રોજ આહીં આવે છ. એની આંય શેરમાં મોટી દુકાન છે.. સારું ઘર છે.. ને લોકો પણ સારા છે..

બાપુ, હું એને પ્રેમ કરું છું.. ને એ પણ મને પ્રેમ કરે છે.. મારે એની હારે લગન કરવા છ બાપુ..!!!!” કાનાને પહેલા તો વિશ્વાસ જ નાં થયો કે આ ઝાંઝરી શું બોલે છે.. પછી જરીક ભાન આવતા ઝાંઝરીને પૂછ્યું, “દીકરી શેરના છોકરા હારે લગન કરી સકીસ?? હું તો તાર ખુસીમાં ખુસ છું.. પણ એ તને અમાર જેટલો પ્રેમ આપસે??” ઝાંઝરીએ સહેજ હરખાઈને જવાબ આપ્યો, “હા બાપુ.. ઈ મન બવ પ્રેમ કરે છ..!! એના ભાભીને ફોટોય બતાઈવો છ મારો.. ને ઇના ઘેર વાત કરવાનો છ..” “હારું તંયે. કાલ ઇના બાપુને મળવા જઈસ..!!”

ને આ સાંભળતા જ ઝાંઝરી ખુશીની મારી તેના બાપુને વળગી પડી..બીજા જ દિવસે કાનો નમનના પિતાજી અનુરાગભાઈને મળી આવ્યો. બજારમાં સારું નામ હતું એમનું.. કાનાને લાગ્યું કે જાણે કોઈનીય ઈચ્છા નથી કે ઝાંઝરી પરણીને એમના ઘરમાં આવે પણ નાછૂટકે પરાણે બધા સંબંધ સ્વીકારતા હતા..!! તેણે પોતાની દીકરીને આ વાત કહેવાની, સમજાવવાની કોશિશ કરી.. પણ આખરે તેની દીકરીના પ્રેમ ખાતર તેને હાર માનવી પડી..
ને નમન અને ઝાંઝરી થોડા જ સમયમાં પરણી ગયા..!!

લગ્ન પછીની એ પહેલી સવાર હતી.. સવારમાં છ વાગ્યામાં ઝાંઝરી જાગી ગયેલી.. નમન તો હજુ સુતો હતો.. તેને સહેજ વહાલ કરી તે નાહીને તૈયાર થઇ.. પહેલા દિવસે તેણે તેના મમીની છીદરી પહેરી હતી. આમ તો એ છીદરી બાર વર્ષ જૂની હતી પણ લગ્ન પહેલા ઝાંઝરીએ તેને ડાઈ કરાવી રંગ સહેજ બદલાવી નાખ્યો હતો.. ને પાછી સરસ મજાની ટીકી વાળી બોર્ડર પણ મુકાવી હતી.. તેની માંએ બ્લાઉઝ પણ સરસ ડિઝાઈનર જેવું જ સીવી દીધેલું.. ને તેથી જ લગ્ન બાદની પહેલી સવારે પોતાની મનપસંદ છીદરી સિવાય બીજું કઈ પહેરવાનો એને વિચાર જ ના આવ્યો..!
તૈયાર થઈને જેવી ઝાંઝરી નીચે ઉતરી કે હોલમાં હાજર તેના ભાભી ને સાસુએ તેને જોઇને જરા મોં મચકોડ્યું.. હજુ તો તે કંઇ સમજવા જાય તે પહેલા જ તેની સાડી પર અછડતી નજર નાખી તે બંને સાસુ-વહુએ એક્બીજાની સામે જોયું ને પછી ખડખડાટ હસવા લાગ્યા.. ઝાંઝરીને આ જોઈ સહેજ નવાઈ લાગી.. તેમની નજીક જઈને તેણે પૂછ્યું,

“શું વાત છે મમી? ભાભી??”

અદિતિભાભીએ તેને જવાબ આપતા કહ્યું, “ક્યાં જમાનામાં જીવે છે ઝાંઝરી?? આવી સાડી કોણ પહેરે?? આપણા ઘરની કામવાળી દુર્ગા પણ આનાથી વધારે સારી સાડી પહેરીને આવે છે.. ને તું આજે તારા લગ્ન પછીની પહેલી જ સવારે આવી સાડી પહેરીને આવી?? મારા દિયરજીને ખબર પડશે ને તો આજ ને આજ ઘરે પાછી મૂકી આવશે તને.. હા.. હા.. હા.. કેમ મમી સાચી વાત ને??”ને ઝાંઝરીના સાસુ હસી પડ્યા..એ પછી એ બંને તેમની કિટી પાર્ટીની વાતોમાં પરોવાઈ ગયા અને ઝાંઝરી મૂંઝવણમાં..

લગ્નના અઠવાડિયા પહેલાની એ રાત ઝાંઝરીને યાદ આવી ગઈ.. કાનો હવે મહીને પંદરેક હજાર જેવું કમાતો હતો.. ગોમતી પણ બેએક હજારની મદદ કરતી અને ઝાંઝરી પણ દસેક હજાર કમાતી હતી.. લગ્નસ્થળ તેઓએ સુંદર પસંદ કર્યું હતું.. લોન લઈને પણ છોકરા વાળાને નીચું ના જોવું પડે તેવી જગ્યા પસંદ કરેલી.. ઝાંઝરીએ પોતાના કપડા પર પણ ખાસ્સો ખર્ચો કરેલો.. પણ એક વાત સામાન્ય હતી તેના કપડામાં.. તેણે લગ્ન પછી પહેરવા ફક્ત સાડીઓ જ લીધેલી.. અને એ પણ બધી છીદરી..!!! જીણી જીણી ટીપકી વાળી.. જેવી ગોમતી માટે વર્ષો પહેલા શનિવારીમાંથી કાનો લઇ આવ્યો હતો.. જે ઝાંઝરીના બાળપણની યાદ હતી.. બાળપણથી જ ઝાંઝરીએ વિચારી રાખેલું કે તે લગ્ન પછી આ છીદરી જ પહેરશે.. ને એટલે જ લગ્નની ખરીદી કરતી વખતે તેણે દરેક રંગમાં છીદરી લીધી હતી..!! એ રાતે ગોમતીએ તેને કહેલું,

“હે મારી મીઠડી.. તી આ હંધીય છીદરી કુમારને ગોઠશે?? ઈમને તો ડિઝાઈનર સાડી ગમે ને.. આ તો હાવ જૂની ભાતની છે..!!” “ભલે ને માં.. મને ખબર છે.. પણ નમનને મારું હંધુય ગોઠશે.. તું ચંત્યા ના કર..!! તાર જમાઈ બવ હારો છ..!! ઈને મારી આ ગામડાની બોલી હામેય વાંધો નથ ને..!!” ને એ વાત યાદ આવતા જ ઝાંઝરી દોડીને ઓરડામાં ગઈ.. નમનને પોતે પહેરેલી છીદરી બતાડવા..!!
નમન જાગી ગયો હતો.. અચાનક ઝાંઝરીને ઓરડામાં જોઈ પહેલા તો તેના ચહેરા પર સહેજ મુસ્કાન આવી ગઈ પણ જેવી તેના કપડા પર નજર ગઈ કે મો બગડી ગયું.. ઝાંઝરીને સંબોધીને તે બોલ્યો,

“હેલ મેન.. ઝાંઝરી.. આ શું પહેર્યું છે તે??? આવી જુનવાણી સાડી કેમ પહેરી છે??? પ્લીઝ ફોર ગોડ સેઈક.. આ કાઢ ને બીજી સારી સાડી પહેર.. આજે મારા ફ્રેન્ડસ ને આપણા સંબંધીઓ તને જોવા-મળવા આવવાના છે..” “પણ નમન..” “પણ-બણ કઈ નહિ.. સાડી બદલ.. ને હા કાલથી ગૃમીંગ ક્લાસમાં રજીસ્ટર કરાવી લેજે.. યુ હેવ ટુ ચેન્જ યોરસેલ્ફ..!!” “નમન.. તમને તો હું આવી જ ગમતી હતી ને..??” “ત્યારે હું તને પટાવતો હતો.. ને પ્લસ ત્યારે તું મારી વાઈફ નહોતી.. અત્યારે તું મારી વાઈફ છે ને મને રીપ્રેઝન્ટ કરે છે..!!” ઝાંઝરી આ સાંભળીને હબક ખાઈ ગઈ.. પહેલા જ દિવસે નમનનું આવું બદલાયેલું સ્વરૂપ જોવા મળશે તેવો તો તેને અંદાજ પણ નહોતો..

“નમન.. એટલે મારી કોઈ ઓળખ નઈ?? હું હવે ફક્ત મિસિસ નમન છું??? ઝાંઝરી નઈ?? જેને તમે પ્રેમ કર્યો’તો એ ઝાંઝરી નઈ??”
નમન વધારે ચિડાઈ ગયો.. “જો ઝાંઝરી હું જવાબ દેવાના મૂડમાં નથી પ્લીઝ ઓકે. જેટલું કહ્યું છે એટલું કર..” “નમન મારી પાસે હંધીય સાડી આવી જ ભાત વાળી છે.” “ઓહ ગુડનેસ.. જા ભાભીની સાડી લઇ લે.. અને જલ્દી ચેન્જ કર..” આટલું કહીને નમન તરત જ બાથરૂમમાં જતો રહ્યો..
ઝાંઝરી ત્યાં ને ત્યાં ખોડાઈ રહી.. ઘડીક એની છીદરી સામે તો ઘડીક એના કપાળમાં ધીમે ધીમે બાઝી રહેલા પરસેવાની બુંદોને જોતી રહી.. એ બુંદ પણ આવી ટપકી જેવી જ લાગતી હતી..!!

દિવસો પસાર થતા ગયા એમ ઝાંઝરી માટે ત્યાં રહેવું વધુ ને વધુ કઠીન બનતું ગયું.. ક્યારેક પાસ્તા બનાવતા નાં આવડે એટલે વઢ ખાવી પડતી તો ક્યારેક વળી તેની ગામડી બોલી બોલવાને લીધે વઢ ખાવી પડતી.. તો ક્યારેક વળી ભૂલથીય છીદરી પહેરી લે તો આવી જ બનતું.. ગૃમીંગ ના ક્લાસમાં તેને કંટાળો આવી રહ્યો હતો.. તેનો જુનો વિદ્યાર્થી અને હવે ભત્રીજો બની ગયેલો નિજ હોસ્ટેલમાં ચાલ્યો ગયેલો એટલે આખો દિવસ તે એકલી રહેતી. તેના સસરા તો જાણે તેની સામેય ના આવતા.. જેઠજી ધંધામાંથી ઊંચા નાં આવતા.. સાસુ ને જેઠાણી આખો દિવસ ક્લબમાં બીઝી રહેતા..
એક વર્ષ પસાર થઇ ગયું..

એક દિવસ સવારના પહોરમાં તેને અચાનક ઉબકા આવવા લાગ્યા ને ઉલટીઓ શરુ થઇ ગઈ.. ડોક્ટરને બતાવ્યા બાદ ખબર પડી કે તેને બીજો મહિનો જઈ રહ્યો હતો.. તેના આનંદની સીમા નહોતી.. પણ ઘરમાં કોઈનેય આ વાતથી ફરક ના પડ્યો.. જેમ તેની ઉપેક્ષા પહેલા થતી હતી તેમજ હજી પણ થઇ રહી હતી.. જેમ જેમ ડીલીવરીની તારીખ નજીક આવતી જતી હતી તેમ તેમ તેનો જીવ કળીએ કળીએ કપાઈ રહ્યો હતો.. ઘરમાં કોઈનેય તેના માં બનવાનો હરખ નહોતો કે નોહ્તો કોઈ વાતથી ફરક પડતો.. તેના માં-બાપ ને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો પણ હવે ઝાંઝરીને હરખ નહોતો..

નવમો મહિનો બેસી ગયો હતો. હવે ગમે ત્યારે બાળક આવી શકે તેમ હતું.. તે રાત્રે ઓરડામાં તેણે નમનને સંબોધીને કહ્યું, “નમન.. પ્લીઝ કાલે છીદરી પહેરું?? મન બવ ઈચ્છા છે એ પહેરવાની.. કેટલાય વખતથી નથ પેરી..” ને કંટાળેલો, થાકેલો નમન પલંગમાંથી ઉભો થયો.. તેના ચહેરા પર ચિડીયાપણું હતું. હાથમાં છીદરી પકડીને ઉભેલી ઝાંઝરીને તેણે એક ફડાકો જીકી દીધો.. એટલી જોરથી તેણે ઝાંઝરીને થપ્પડ મારી હતી કે તેના હોઠ પાસેથી લોહી વહેવા લાગેલું.. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા..!!!! ગુસ્સામાં ભાન ગુમાવી બેઠેલો નમન બોલવા લાગ્યો,

“મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી તને પરણ્યો ને એ.. મારું જીવન નરક જેવું બનાવી દીધું છે.. તું ને તારી આ છીદરી.. શું દાટ્યું છે હે આ સાડીમાં?? એવો તે કેવો તને ગાંડો શોખ છે??? તારા વર કરતા, એના સ્વાભિમાન કરતાય વધારે વહાલી છે ને તને આ છીદરી?? ભૂલ તારી માંની જ છે.. પોતાની દીકરીને આવી સાડી કોણ આપે હે?? સાલી.. જો તારા પેટમાં મારું બાળક ના હોત ને તો આજ ને આજ તને કાઢી મૂકી હોત. જીવતર બગાડ્યું તે તો મારું..”

ને ગુસ્સામાં હાથ પછાડતો પછાડતો નમન ત્યાંથી ચાલ્યો ગયો.. ને નવ મહીને ગર્ભવતી એવી ઝાંઝરી ત્યાં બેસીને રડવા લાગી.. બીજા દિવસે સવારમાં તેની ઊંઘ ઉડી ત્યારે પલંગ ખાલી હતો.. પોતાને ત્યાં જ દીવાલ પાસે બેઠા બેઠા જ ઊંઘ આવી ગયેલી.. તે જાગીને બાથરૂમમાં ગઈ કે તરત તેને દુખાવો શરુ થયો.. તેની રાડ સાંભળીને તેના સાસુ ત્યાં આવ્યા.. કોઈ પ્રકારની લાગણી દાખવ્યા વગર, જાણે તે અછૂત હોય તેમ તેને સહેજ અડકીને ઉભી કરી ને પલંગ પર બેસાડીને એમ્બ્યુલન્સ બોલાવી..

બે કલાક બાદ સૌ હોસ્પીટલમાં હતા.. નમન પણ આવી પહોચેલો.. પણ હજુ ગુસ્સામાં જ હતો.. તેની એક નજરને તરસતી ઝાંઝરી સામે તેણે ધિક્કારથી જોયું.. ને ઝાંઝરી જાણે સુનમુન થઇ ગઈ..!! એકાદ કલાકમાં જ બધાને ખબર પડી કે ઝાંઝરીએ દીકરીને જનમ આપ્યો છે.. ને આ સાંભળી થોડો ઘણો હરખ બધાને થયો.. ઝાંઝરી કોઈને પસંદ નહોતી પણ તેની દીકરીમાં લોહી તો નમનનું પણ હતું ને.. બસ એ જ યાદ કરીને સૌએ એ નાની બાળકીને વધાવી લીધી ને ઝાંઝરીને આ જોઈ સંતોષ મળ્યો..

બે દિવસ પછી એ ઘરે પહોચી ત્યારે તેના આવવાથી કોઈને ખાસ ફરક પડ્યો હોય તેવું તેને ના લાગ્યું.. પોતાના ઓરડામાં જઈ તે કાનાને અને ગોમતીને યાદ કરવા લાગી.. તે બંને ગામડે હતા.. એટલે તેમને ફોનથી જ દીકરી આવ્યાના સમાચાર તેણે આપી દીધા.. નાનકડી બાળકી અત્યારે સાસુમા પાસે હતી.. સાસુમાને પોતાની દીકરી માટે કોઈ પૂર્વગ્રહ નહોતો તે આ બે દિવસમાં ઝાંઝરીને જાણ થઇ ચુકી હતી..

તે પોતાના કબાટ નજીક ગઈ.. ને એ બધી છીદરીને જોવામાં પરોવાઈ ગઈ.. કેટકેટલી યાદો આ છીદરી સાથે જોડાયેલી હતી.. અગણિત સ્મૃતિ અને વહાલ વરસતું હતું જાણે એ નિર્જીવ છીદરીમાંથી.. તેની માં અને કાનો ત્યાં આસપાસ હોવાનો ઝાંઝરીને ભાસ થઇ રહ્યો હતો.. તેણે તેની માએ આપેલ સિવાયની બધી છીદરી એક બાજુ ભેગી કરી.. ડ્રેસિંગ ટેબલના ખાનામાંથી માચીસ ઉઠાવ્યું અને એ બધી સાડીઓને સળગાવી..!!! એ સળગતી સાડીઓને જોઇને તેનો જીવ પણ સળગી રહ્યો હતો..

“મમી.. હવે ઓલીને બુમ પાડોને.. લાગે છે બાળકીને તેની માં જોઈએ છે..” રડતી બાળકીને જોઇને અદિતિભાભીએ તેના સાસુને સંબોધીને કહ્યું..
નીચેથી બુમો પાડવા છતાય ઝાંઝરીએ જવાબ નાં આપ્યો.. બંનેને નવાઈ લાગતા ઉપર ચડ્યા.. જોયું તો દરવાજો અધખુલ્લો હતો.. સહેજ ધક્કો માર્યો અને સામેનું દ્રશ્ય જોઇને તે બંને અવાક થઇ ગયા..

એક બાજુ ભડભડ સાડીઓ બળતી હતી ને બીજી બાજુ ઝાંઝરીએ તેની માએ આપેલ છીદરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.. પંખે લટકી ગઈ હતી..
અદિતિએ આ દ્રશ્ય જોઈ રાડ પાડી કે નીચેથી નમન, તેનો ભાઈ અને તેના સસરા દોડતા આવ્યા.. ઝાંઝરીને આ હાલતમાં જોઈ નમન હબકી ગયો.. તેની માંની ગોદમાં રહેલી બાળકીનું રુદન ચાલુ જ હતું.. ઝાંઝરી પાસે જઈ નમને તેને નીચે ઉતારી.. ને અચાનક તેની નજર ઓશિકા પાસે ગઈ.. ત્યાં એક નાનકડી ચીઠી પડી હતી..

“બસ હવે મારી દીકરીને હું છીદરી નહિ આપું.. મારી સાથે જ બધી છીદરીને પણ હું લેતી જાવ છું.. વારસામાં એને મારું કઈ નહિ મળે.. મારી માંએ કરેલી ભૂલ હું નઈ કરું. માએ મને આપેલી છીદરી સાથે હું મારી જિંદગી અહી પૂરી કરું છું..
આપણી દીકરીને સાચવજો..” ને નમન આ વાંચીને જમીન પર ઢગલો થઇ ગયો.. ઘડીક એક તરફ ભડકે બળતી છીદરીના ઢગલાને તો ઘડીક છીદરી વીંટીને મોતની ગોદમાં સુતેલી ઝાંઝરીને જોઈ રહ્યો..!!!

લેખક : આયુષી સેલાણી

ઓહ ખુબ દુખદ અંત, આજે પણ આવા ઘણાં લોકો આપણી આસપાસ જ જોવા મળે છે આપણે જરૂરત છે ફક્ત તેમને ઓળખવાની.