પ્રેમની વસંત બારેમાસ – તેણે ફક્ત મોબાઇલ નંબર માગ્યોને મે પ્રેમમાં આખુ જીવન સમર્પિત કરી દિધુ…

સાંજનો સમય હોવાથી મંદિરમાં આરતી થઇ રહી છે અને નગારા, ઝાલરનો અવાજ સંભળાઇ રહ્યો છે. પક્ષીઓ પાછા પોતાના માળામાં પરત આવી રહ્યા છે. ખેડુત સહિતના ગ્રામજનો ઘર તરફ આવી રહ્યા છે. પિતાને ઘરે આવતા જોઇને રસ્તા પર રમતા બાળકો પણ ખુશ થઇ જાય છે પરંતુ એક દિકરીના માતા વારંવાર ઘરની બહાર આવીની નજર ચારેબાજુ દૌડાવી રહી છે અને કોઇને શોધી રહી હોય છે. થોડીવારમાં જ ગામમાં બસ આવે છે અને દિકરીની માતાના મનને શાંતિ મળે છે.

માતાએ કહ્યુ, તૃપ્તિ કેમ આજે બસ મોડી આવી? મને તો તારી બહુ જ ચિંતા થતી હતી. તમે મારી ખોટી ચિંતા કર્યા કરો છો. હું થોડી એકલી શહેરમાં ભણવા જવ છું. મારી સાથે આપણા ગામની બીજી ઘણી બહેનમણીઓ હોય છે તેમ તૃપ્તિએ તેની માતાને કહ્યુ. હું તારીમા છુ ને એટલે મને તારી ચિંતા તો રહ્યા જ કરે બેટા તેમ તૃપ્તિને તેની માતાએ કહ્યુ. તૃપ્તિ ઘરે આવીને હાથ પગ ધોઇને ભગવાનની પુજા અર્ચના કરીને પરીવાર સાથે ભોજન કરવા બેસે છે. આજે તો તૃપ્તિના ભાવતા ભોજન બનાવવામાં આવેલા હોવાથી તૃપ્તિ ખુબ ખુશ થઇ જાય છે અને વાતો કરતા કરતા ભોજન આરોગી રહી છે.

જમતી વખતે ટીવી પર સમાચાર જોવાની ટેવ હોવાથી તૃપ્તિ આજે પણ ટીવી ચાલુ કરીને જ જમી રહી છે. અચાનક જ તૃપ્તિની નજર એક સમાચાર સ્થિત થઇ જાય છે. તેની કોલેજમાં સાથે અભ્યાસ કરતા નમનના સમાચાર તે ટીવી પર જોઇ રહી છે. નમન દવાખાનામાં લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક સ્વૈચ્છીક રક્તદાતા શોધી આપે છે અને દર્દીની જરૂરીયાત મુજબ લોહી મેળવી આપે છે. નમનની આવી નિસ્વાર્થ સેવા જોઇને તૃપ્તિ હરખાઇ જાય છે અને તેની માતાને કહે છે કે ટીવીમાં જે છોકરો દર્દીઓને લોહી મેળવવા માટે મદદ કરી રહ્યો છે તે અમારી કોલેજમાં ભણે છે.

ખુબ સારો અને સેવાભાવી છોકરો છે. તે બસ ભણવાનું અને લોકોની સેવા કરવાનું કામ કર્યા કરે છે. સારૂ કહેવાય હો, બાકી આજકાલના કોલેજના છોકરાઓ તો મૌજ શોખ અને હરવા ફરવામાંથી ક્યાં નવરા રડે છે તેમ તૃપ્તિની માતાએ કીધુ. તૃપ્તિ અને તેની માતા વચ્ચે આવી વાતચીત થઇ રહી હોય છે અને ટીવી પર આવતો કાર્યક્રમ પુરો થાય છે. તૃપ્તિ જમીને સુઇ જાય છે અને સવારે વહેલી ઉઠીને કોલેજ જવા માટે તૈયાર થઇ જાય છે.

તૃપ્તિ જેવી કોલેજ પહોચે છે ત્યારે જુએ છે કે નમન કોલોજ કેમ્પસમાં આમ તેમ દૌડ્યા કરે છે. તૃપ્તિ નમન સુધી પહોચે તે પહેલા જ નમન એક યુવકને સાથે લઇને કોલેજની બહાર નીકળે છે. તૃપ્તિ કઇ સમજી શકતી નથી કે આ બધુ શુ થઇ રહ્યુ છે. એકાદ કલાક જેટલો સમય વિત્યા પછી નમન યુવકને સાથે લઇને પાછો કોલેજ આવે છે. પેલો યુવક તો ક્લાસરૂમમાં ભણવા માટે આવી જાય છે પરંતુ નમન ક્લાસરૂમમાં આવવાના બદલે કોલેજ કેમ્પસમાં જ બેસી રહે છે. તૃપ્તિ નમન સાથે ગયેલા યુવક પાસે જાય છે અને પુછે છે કે નમન ક્યા ગયો?

તમે બન્ને ક્યાં ગયા હતા? યુવકે કહ્યુ કે સરકારી દવાખાનામાં લાવવામાં આવેલ ગરીબ દર્દીને તાત્કાલીક લોહીની જરૂરીયાત હતી અને બ્લડ બેન્કવાળા લોહીની સામે લોહી માંગતા હોવાથી નમન મને લઇ સાથે લઇ ગયો હતો એટલે મે દવાખાનામાં જઇને રક્તદાન કર્યુ અને દરીદ્રનારાયણની સેવામાં હું નમન સાથે સહભાગી બન્યો છું. યુવકની આ વાત સાંભળીને તૃપ્તિ ખુબ જ ખુશ થઇ જાય છે અને તે ક્લાસરૂમમાંથી સીધી બહાર નિકળીને કોલેજ કેમ્પસમાં બેઠેલા નમન પાસે પહોચી જાય છે. તૃપ્તિ પહોચે છે ત્યારે નમન ની ચારેબાજુ યુવક યુવતીઓ ગોઠવાય ગયેલા હોય છે.

નમન બધા યુવક યુવતીઓના નામ, સરનામુ, મોબાઇલ નંબર અને બ્લડ ગૃપ સહિતની માહીતી એકઠી કરી રહ્યો છે. તૃપ્તિને જોઇને નમન કહે છે કે તૃપ્તિ તારી વિગત તો લખાવ. તારો મોબાઇલ નંબર તો આપ. તૃપ્તિ એક નજરે નમન સામે જોયા કરે છે અને પોતાની જરૂરી વિગતો નમનને આપતી જાય છે. તૃપ્તિ કહે છે કે નમન તારો કાર્યક્રમ મેં ટીવીમાં જોયો હતો. તું ખુબ જ સારૂ સેવાનું કામ કરી રહ્યો છું. તે આપણી કોલેજનું નામ રોશન કર્યુ છે. આ સાંભળીને નમન કહે છે કે મે ક્યાં તને સેવાનું કામ કરવાની ના પાડી છે. તું પણ સેવાના કામમાં મારી સાથે જોડાઇ શકે છે.

તૃપ્તિ અને નમન બન્ને હસી પડે છે અને તૃપ્તિ નમન તરફ આકર્ષાય છે. તૃપ્તિ નમન સાથે દિલ ખોલીને વાતો કરે છે. કોલેજ છુટવાનો સમય થતા તૃપ્તિ નમનને કહે છે કે તું તો બહુ સેવાભાવી વ્યક્તિ છે એટલે તારે મારી એક સેવા કરવી પડશે. નમને કીધુ કે એરે તારી તો કઇ સેવા કરવી પડશે? મારી બસ આવવાનો સમય થઇ ગયો છે અને મેને કોઇ બસ સ્ટેન્ડ સુધી મુકી જાય તો બસ મળી જશે નહિતર એક કલાક સુધી બીજી બસની રાહ જોવી પડશે તેમ તૃપ્તિએ કહ્યુ. બીજુ તો તને કોણ મુકવા આવે, હું જ તને મુકી જવ છુ તેમ નમને કહ્યુ.

નમન અને તૃપ્તિ બાઇક પર બસ સ્ટેન્ડ પહોચે છે અને એકબીજા સાથે આંખોમાં આખો મેળવીને સંવાદ કર્યા કરે છે. તૃપ્તિ અને નમન વાતોમાં એટલા મસગુલ થઇ જાય છે કે બસ સ્ટેન્ડ પર આવી ગયા પછી પણ તૃપ્તિની બે બસ આવીને જતી રહે છે છતાં પણ ખબર પડતી નથી. જ્યારે ત્રીજી બસ આવે છે અને બસમાંથી તૃપ્તિની બહેન પણ તેને બોલાવે છે ત્યારે તૃપ્તિને બસ આવી હોવાની જાણ થાય છે અને તે નમન સામે જોઇને પ્રેમથી મકલાતી મલકાતી બસમાં બેસે છે. નમન પણ તૃપ્તિની તરફ જોયા કરે છે અને તૃપ્તિને મનોમન પ્રેમ કરવા લાગે છે.

તૃપ્તિ બસમાં બેસીને પણ સતત નમન વિશે વિચાર્યા કરે છે. ઘરે પહોચીને પણ તૃપ્તિ આજે પરીવારના સભ્યો સાથે બહુ વાતચીત નથી કરતી અને જમીને તરત જ પથારીમાં જાય છે પરંતુ તૃપ્તિને ઉંઘ આવતી નથી અને તેને ચારેબાજુ નમન જ દેખાય છે. તો બીજી બાજુ નમન પણ સતત તૃપ્તિના વિચારોમાં ખોવાયેલો રહે છે. બીજા દિવસે સવારે તૃપ્તિ બસમાંથી બસ સ્ટેન્ડમાં ઉતરે તે પહેલા નમન ત્યા પહોચી જાય છે અને તૃપ્તિની રાહ જોયા કરે છે.

થોડીવારમાં તૃપ્તિની બસ આવે છે અને એકબીજાને જોઇને બન્ને હરખાઇ જાય છે. તૃપ્તિએ કીધુ કે કેમ નમન આજે બસ સ્ટેન્ડમાં આવવુ પડ્યુ? કોઇને લોહીની જરૂર પડી છે કે શુ? ના ભાઇ ના, આ તો અહિથી પસાર થતો હતો અને તને જોઇ એટલે થોડો સમય રોકાઇ ગયો તેમ નમને કહ્યુ. કાલે તો તે મોબાઇલ નંબર માગ્યોને આજે તું અહિયા પહોચી ગયો. કાલે પાછો મારા ઘરે ન પહોચી જતો તેમ તૃપ્તિએ હસીને કહ્યુ. તારા દિલમાં પહોચી ગયા પછી મારે બીજે ક્યાય જવાની જરૂર જ નથી તેમ નમને કહ્યુ. નમન અને તૃપ્તિ પ્રેમનો એકરાર કરે છે અને સાથે હરવા ફરવા જાય છે.

બન્ને સાથે મળીને પ્રેમની વાતોની સાથે સેવાના કામ પણ કરતા રહે છે. નમનને કહ્યુ કે તૃપ્તિ તું મારા જીવનમાં આવી એટલે મારી શક્તિ બમણી થઇ ગઇ છે અને આપણે બન્ને સાથે મળીને અનેક સેવા કાર્યો કરી શકીશુ. પ્રેમમાં પડ્યા પછી પણ નમનના સેવાના સ્વભાવમાં પરીવર્તન આવતું નથી. થોડો સમય સાથે રહ્યા પછી નમન અને તૃપ્તિ લગ્ન કરીને ઘર સંસારની શરૂઆત કરે છે. લગ્ન કર્યા પછી બન્ને સાથે મળીને સેવાકાર્ય કરવા માટે સંસ્થાની શરૂઆત કરવાનું વિચારે છે અને નમને તૃપ્તિને કહ્યુ કે આપણા બન્નેનો મોબાઇલ નંબર પત્રિકામાં લખશુ ને? તૃપ્તિએ કહ્યુ કે, પહેલા પણ તે મારો મોબાઇલ નંબર માગ્યો હતો અને મે આપ્યો હતો. મે તો મોબાઇલ નંબર જ નહી તારા માટે આખુ જીવન સમર્પિત કરી દીધુ છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ