જલ્સા કરોને જેંતીલાલ

તેણે બે વખત જોયાં હતાં પાછાં જતાં પગલાંં; હવે તેની પરત ફરવાની આશા પણ મૂકી દીધી હતી…

પદસંચાર

“મેં તો તાળું મારીને ચાવી છુપાવી મૂકી છે. મજાલ છે કોઈની કે તોડી તો શું દરવાજા સુધી આવીને ખખડાવી પણ શકે!”

“એવું ન ચાલે ડિયર. જોજેને, કોઈક તો એવો લાઈફમાં આવશે જ જે દરવાજો તોડીને છેક તારા દિલના ખૂણેખૂણામાં પહોંચી જાશે અને તું તેને ના પણ નહીં પાડે.”

“ના હવે એવાં પગલાં પડાવવાના સપનાં જોવાનું મેં મૂકી દીધું છે સમી. તુંય પ્લીઝ યાદ ન અપાવ.”

બાળપણમાં થતી મોટાં થઈને લગ્ન પછીની ગૃહપ્રવેશની બહેનપણીઓની વાતોમાં મીલન કહેતી; “હું તો પહેલાં મારા દિલમાં તેના પગલાં પડાવીશ પછી તેના ઘરમાં પગલાં પાડીશ.” આ સહેલીઓની વાતો સ્કુલ – કોલેજનો સમય વીતાવીને આગળ વધી ગઈ હતી.

નાની બેનની સગાઈના પ્રસંગે ઘણાં વર્ષે પિયરના ગામમાં આવેલી સહેલીને મીલને પોતાના ઘરે જ રોકી રાખી હતી. મક્કમતાથી કહી તો દીધું મીલને; અને સમીતાએ પણ તેની હથેળી પર હાથ રાખીને આમ આશા મૂકી ન દેવાની સલાહ આપી દીધી.

સમીતા, મીલન અને રાજન સાથે વિતાવેલ કોલેજના એ રોમાંચિત દિવસો અને છૂટા પડ્યા પછીના દિવસોની પહેલી સાક્ષી હતી. કોલેજના અંત સુધીમાં તો પરિવારે મીલનની સગાઈ કરાવી મૂકી શૈલેષ સાથે. હજુ નાની બહેન અમીનું તો હાઈસ્કુલનું ભણતર પણ પૂરું નહોતું થયું, મીલન માટે સમીતા જ આરણકારણ હતી. એની હમરાઝ અને હમદર્દ. મીલને રાજનને ભૂલી જઈને પોતાની જુદી જ સાંસારિક દુનિયા રચવાનું નક્કી કરી દીધું. બે દીકરીઓના પ્રેમાળ અને સમજુ માતાપિતાની હૂંફ ખોવા ન ઇચ્છતી દીકરો થઈને પડખે અડીખમ ઊભવાનું પ્રણ લઈ બેઠેલ મીલને હસતે મોંએ પાછું વળીને ક્યારેય ન જોવાનું નિશ્ચિત કરી લીધું. આવા સમયે સમીતાનો તેને ખૂબ જ સાથ મળ્યો જેને ટેકે તે વધુ મજબૂત બની.

એક સાંજે હજુ વેવિશાળ થયાને મહિનો જ થયો હતો અને લગ્નની તૈયારીઓ હોંશભેર બંને પારિવારોમાં ચાલુ હતી એવાંમાં નવયુગલ પરિવારની અનુમતિથી બહાર ફરવા ગયાં હ્તાં. એકબીજાને વધુ ઓળખી શકશે, સારી રીતે સમજી શકશે, નવાં સ્વપ્નો સેવી શકશે એવા અરમાનો લઈને મીલન પહોંચી હતી; બાંધણીનો સુતરાઉ આસમાની વાદળી કૂર્તો – ચૂડીદાર અને લીલી સોનેરી કોરવાળી ઓઢણી પહેરીને. નાજૂક ક્ષણને તેની નમણી આભા ઔર સોહામણી કરી રહી હતી. શહેરની ફરતે વચ્ચોવચ્ચ આવેલ તળાવની પાળીએ ફરવું એ તે શહેરના લોકોને ખૂબ ગમતું. એજ રીતે મીલન તેના મમ્મી પપ્પા અને બહેન સાથે કેટલીય રજાઓની સાંજ અહીં જ ગાળી હશે. બાળપણમાં અહીં ફરવા આવવું અને આજે મુગ્ધ થઈ મુક્ત રીતે વાત કરવા, મળવા પોતાના ભાવિ પતિને મળવા આવવા વચ્ચેના ભેદને તે સ્પસ્ટ રીતે પારખી શકતી હતી.

Sunset Beach Sea Sand Man Lighting Footprints

તે થોડી વહેલી પહોંચી તેની સ્કુટી પર અને પાર્કિંગ પાસે જ રાહ જોતી ઊભી રહી. સાંજના આથમતા પોરે તળાવનું પાણી ચમકતું હતું. હળવી હવાનો સાથ હતો. એના મનને રાહત મળી જ્યારે બાઈક પર સવાર થઈને શૈલેષ આવ્યો. તેની સ્કુટી પાસે જ ઊભો રહીને બાઈક પાર્ક કર્યું. બંનેએ સ્મિતની આપ – લે કરી અને તળાવની ફરતે ચાલવાનો ઇશારો કર્યો.

“તમને ખબર, નાનપણથી રવિવારની સાંજે હું, અમી અને મમ્મી – પપ્પા અચૂક આવીએ. અહીં.” મીલને વાતની શરુઆત જ કરી અને બંને પરિવારની વાતો કરીને એકબીજાની ઓળખને પાકી કરવાનો પ્રયત્ન કર્યો. મીલનને લાગ્યું આજ સમય છે કે મારે કહી દેવું જોઈએ કે મારે પ્રેમ હતો કોલેજમાં. સમીતાએ તો ચોખ્ખી ના જ પાડી હતી કશું જ કહેવાની. પણ વિધાતાના લેખમાં કંઈક જુદું લખાયું હશે કે સમીતા માટે અમેરિકાથી માંગું આવ્યું અને તેના પરિવારે તેના ઘડિયાંલગ્ન કરીને દસ જ દિવસમાં પારકી કરી. આ સમયે હવે સૌથી વધુ એકલતા અનુભવતી હોય તો તે હતી મીલન. તેને થયું કે પતિના રૂપમાં તે એક સાચા મિત્રને મેળવી શકશે. અને તેણે શરૂ કરી નિખાલસતા સભર વાત.

ક્ષણિક કંઈજ ન બોલેલ શૈલેષ અચાનક થોભી ગયો. ત્યારે સંધ્યાએ તેના નારંગી રંગોને સંકેલીને ઢળતી સાંજના ભૂખરા રંગો વિખેર્યા હતા આસમાનમાં. ગ્રે ટીશર્ટ અને કાળું પેન્ટ પહેરેલ શૈલેષ તેની બાઈક તરફ વળ્યો. મીલન પણ પાછળ પાછળ ચાલી. તેણીએ ઝડપ વધારી પણ બાઈક સુધી પહોંચી ન શકી. તેને ફકત દેખાતા રહ્યા શૈલેષના કાળી ઝાંય પકડી રહેલાં આઘાં જતાં પગલાં…

ઘરે માંડ હિમ્મત કરીને પહોંચેલ મીલનને દરવાજે જ માએ ખખડાવી. “હવે બેઠી રે’જે કુંવારી. કોણે કહ્યું હતું બધું જાહેર કરી દેવાનું?” કશું જ ન સમજેલી મીલન પિતા પાસે પહોંચી. પિતાએ વાત કરી કે શૈલેષકુમારના પિતાનો ફોન હતો એમને સગપણ ફોગ કરવું છે.

“શું નિખાલસ અને નિર્મળ પ્રેમ ભરી મૈત્રી ભાવિ પતિ સાથે ન ઇચ્છી શકાય?” મીલનને પોતાની ભૂલને ક્યારેય સુધારી નહીં શકવાની ખાત્રી થઈ જ્યારે બીજે જ દિવસે તેના ઘરે સગાઈમાં ચડાવેલ દાગીનો પાછો મંગાવ્યો અને શૈલેષને આપેલ અછોડો – વીંટી ઘરે પાછી આવી.

મીલને બહેન અને મમ્મી – પપ્પાને કહી દીધું, જે થાય એ સારા જ માટેને? મેં કોઈ ખોટું કામ કર્યું નથી. પોતે જૂની લાગણી ભૂલી જઈને આગળ વધવા તો તૈયાર જ હતી. થયું કે જણાવી દઉં થનાર પતિને, એ મિત્ર બનીને સમજી શકશે. પણ આ શું? સમજવું તો દૂર એ તો સાંભળવાયે તૈયાર નહોતો. મીલને, સતત એકલપંથે આત્મમંથન કર્યું. નોકરી કરતી થઈ. પગભર થઈ. ખરેખર તો એને સાબિત પણ ન કરવું પડ્યું કે તે દીકરા સમાન છે. ઇશ્વરની નિયતિએ તેના પ્રારબ્ધમાં જ કંઈક આવું લખ્યું છે એમ માનીને તેણે ક્યારેય ન તો રાજનનો સંપર્ક કરવા વિચાર્યું કે ન શૈલેષને ફરી મળવાનો પ્રયત્ન કર્યો. તેણે જોયા હતા બે વખત પાછા ફરતા પગલાં.

છેલ્લી પરિક્ષાઓના દિવસોમાં બંને સહેલીઓ કેન્ટિનમાં એમની રોજિંદી બેઠકે ચિંતિત ચહેરે બેઠેલ જોઈને. સમીતાને પોતાના હોઠે આંગળી અડાડી ચૂપ રહેવાનો રાજને ઇશારો કર્યો. સાવ નજીક આવીને રાજને મીલનની આંખો બીડી પાછળથી. તે ચોંકી, ઊઠી જઈને સહેજ ગભરાઈને ઊંચે સાદે બોલી, “રાજન, આજ પછી મને ભૂલી જા. નાહી લે મારા નામનું.”  અચાનક આ રીતે તાડૂકીને મીલન તરફથી બોલાયેલા શબ્દો રાજનથી સહન ન થયા એ કંઈજ દલીલ કે હરફ ઉચ્ચાર્યા વિના જતો રહ્યો. એ જાણતો હતો કેટલાક દિવસ પહેલાં મીલને જ એને સગાઈની વાતો ચાલે છે એમ કહ્યું હતું. સગાઈ થઈ ગઈ એવું મીલન કહી શકે એમ જ નહોતી. તેનો બળાપો આમ જ નીકળી ગયો અને રાજન પણ તેના જીવનમાંથી હંમેશ માટે ચૂપચાપ ચાલ્યો ગયો.

રાજનનો સાથ અને આંખોએ કરેલો સ્પર્શ મીલનને માટે એક કાયમી સંભારણું બની રહ્યો. એ દિવસે તેણે કંઈક બીજું કહ્યું હોત તો? પોતાની નજીક આવીને ઊભેલા પ્રેમીના પગરવ એ પારખી ગઈ હોત તો? એ ગુસ્સે ન થઈ હોત તો? એવા કેટલાય પ્રશ્નો કોલેજથી ઘર સુધી પહોંચતાં તેણે જાતને અને સમીતાને પૂછ્યા હતા. નિરુત્તર હતી તે એ સમયે અને શૈલેષના જવા સમયે પણ તે આમ જ નિઃશબ્દ હતી.

વેઈટરે તેમને ટેબલ પર બે આઈસ્ક્રીમના કપ મૂક્યા ત્યારે બંનેને સભાનતા આવી કે તેઓ અમીની સગાઈના પ્રસંગમાં છે. તરત બંને હસી પડી. વર્ષો પહેલાં બેસતી એમ મજબૂત પકડેલા હાથોની પકડ છૂટી.

“મીલુ, તને ક્યારે સમજાશે કે કોઈ તારી આટલી નજીક આવીને જતું પણ રહ્યું, જો આઈસ્ક્રીમના કપ પીગળે છે, ચાલ ખાઈ લઈએ…. મને તો ભૂખ લાગી ગઈ છે હવે, હો. કેટલી ગરમી છે અહીં.”

“ઓ, મીસીઝ સમીતા. ધી એન.આર.આઈ. તમે બે પાંચ વર્ષ અમેરિકા શું જઈ આવ્યાં અહીં તમને ગરમી લાગે છે એમ?” બંને સખીઓ સ્ટેજ પર નવયુગલને હસીને સૌનું અભિવાદન કરતાં જોઈ રહી.

પાછાં જતી વખતે સમીતાએ ફરી તેના મનને ઢંઢોળી જોયું, “ચાલ, હવે ચાવી શોધીને હાથવગી કરી લે, જોજે કોઈક તો પગલાં તારી તરફ પણ વળશે. તું ધ્યાન રાખજે, હો…”

“મારે નથી જોવાં, કહ્યું ને…” મીલન મોં ફેરવ ઊભી રહી.
“અલી, ક્યારેક તો…”
“ના હવે ક્યારેય નહીં.”
“કોને છેતરે છે?”

“મેં કોઈને જ છેતર્યા નહીં, એજ મારી ભૂલ હતીને?” મીલન સાવ ધીમા અવાજે બોલી.

સમીતાની સામું ભીની આંખે મૌન જોઈ રહી. સમીતાએ મીલનને ભેટીને ત્યાંથી વિદાય લીધી. ફરી એકલી પડી ગયેલી મીલનને પ્રસંગમાં જતાં – આવતાં પગલાંઓ જ દેખાતાં રહ્યાં.

વાર્તાકારઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

Exit mobile version