ફોન કોલ – તેના પતિને નથી કોઈ સાથે અફેર એવી હવે તેને ખાતરી થઇ ગઈ હતી પણ હકીકત કાંઈક અલગ જ છે, અંત ચુકતા નહીં…

*”લીલાછમ સ્પર્શને પાળ્યો અમે,*

*ભોળપણમાં થોર પંપાળ્યો અમે*

શિવાની મુંઝવણમાં હતી આજે પાછો કોઇનો ફોન આવ્યો હતો અને તેના પતિ રિતેષ વિશે કહ્યું હતું કે, તેને તેની સેક્રેટરી ડોલી સાથે અફેર છે, રોજ બપોરે બે થી ત્રણ વાગ્યા સુઘી ઓફિસમાં રિસેષના સમયે ડોલી સાથે કેબીનમાં પુરાય છે.

શિવાની અને રિતેષના લગ્નને પાંચ વર્ષ થયા હતા રિતેષ તેને ખૂબ ચાહતો હતો. તેનું ધ્યાન રાખતો હતો. આટલા વર્ષમાં શિવાનીને કયારેય એવું નથી લાગ્યું કે રિતેષને બીજા સાથે અફેર હોય. પણ હમણાં થોડા દિવસથી તે ઓફિસેથી મોડો આવતો હતો, વારંવાર કામનું બહાનું કરીને એક – બે દિવસ બહારગામ જતો, એટલે શિવાનીએ હસતાં હસતાં એકવાર પુછયું હતું કે, “ખરેખર કામ માટે જ જાવ છો ને..? બીજું કંઇ ચકકર નથી ને…?” રિતેષે પણ પ્રેમથી જવાબ આપ્યો હતો કે, “તારા પ્રેમમાં એટલો પાગલ છું કે બીજે કયાંય જવાનો વિચાર જ નથી આવતો”

એકવાર શિવાનીને ફોન આવ્યો અને કહ્યું કે રિતેષને તેની સેક્રેટરી સાથે અફેર છે. શિવાનીને વિશ્ર્વાસ જ ન આવ્યો. પણ બે-ત્રણ વખત ફોન આવ્યા, એટલે રિતેષને વાત કરી. રિતેષે તેને પોતાની તરફ ખેંચી, તેને બાહોંમાં ભરીને કહ્યું, “જો મારી આંખમાં તું જ દેખાય છે ને…? તેવી જ રીતે મારા દિલમાં પણ તું જ છો”

રિતેષની આ અદા પર શિવાની હસી પડી. પછી તેણે આગળ કંઇ પુછયુ નહી. આજે ફરી ફોન આવ્યો કે, હું તમારો હિતેચ્છુ છું, રિતેષ તમારી સાથે વિશ્ર્વાસધાત કરે છે, ઓફિસે જઇને જોઇ આવો, આજે પણ તે તેની સેક્રેટરી સાથે જ છે.

શિવાનીએ બહુ વિચાર કર્યો, પછી તે રિતેષની ઓફિસે ગઇ, જઇને સીઘી તેની કેબીનમાં ગઇ.જોયું તો રિતેષ એકલો હતો. શિવાનીને જોઇને તેને આશ્ર્ચર્ય થયું. શિવાની કંઇ બોલી નહી. તેણે ડોલીને બોલાવવા કહ્યું, તો ખબર પડી કે ડોલી તો છેલ્લા ત્રણ દિવસથી રજા પર છે. શિવાનીને અફસોસ થયો અને તે પાછી વળી ગઇ. સાંજે રિતેષ ઘરે આવ્યો ત્યારે તેની નારાજગી દુર કરવા શિવાનીને ઘણી મહેનત કરવી પડી.

પાછું એક અઠવાડીયું એમ જ વીતી ગયું પાછો એક દિવસ ફોન આવ્યો કે રિતેષ ડોલીને લઇને મલબાર હોટલના રૂમ નંબર 501માં ગયો છે. સ્ત્રીનું મન… ફરી પાછી મનમાં શંકા ગઇ. તે હોટલના રૂમ નંબર 501 આગળ પહોંચી રૂમની બહાર ઓફિસનો એક માણસ ઉભો હતો તેણે કહ્યું કે સાહેબે કોઇને અંદર જવાની ના પાડી છે. આ વાતથી શિવાનીની શંકા વધારે મજબુત બની. તે બારણાને ધકકો મારીને અંદર ગઇ જઇને જોયું તો રિતેષ સાથૈ બીજે ત્રણ-ચાર પુરૂષો હતા બધા કોઇ પ્રોજેકટ પર ચર્ચા કરતા હતા જાણે બિઝનેશ મિટિંગ ચાલતી હોય તેવું લાગ્યું.

બધા શિવાનીની સામે જોતા રહ્યા. રિતેષે ખુબ જ ગુસ્સામાં જોયું એટલે શિવાની કંઇ જ બોલ્યા વગર પાછી ચાલી ગઇ. સાંજે રિતેષ આવ્યો, તેણે ગુસ્સાથી શિવાનીને કહ્યું, “તને હજી મારા પર શંકા છે .??? કોઇ અજાણ્યા ફોન પર તને વધારે વિશ્ર્વાસ છે ??? એટલે તું મારી તપાસ કરવા હોટલમાં આવી ગઇ?? બધા સામેમારી આબરું શું રહી??” શિવાનીને બહુ અફસોસ થયો. આ વખતે રિતેષને મનાવતા તેને આખી રાત ઓછી પડી.

પાછા થોડા દિવસ નીકળી ગયા રિતેષને કામ માટે બહારગામ જવાનું થયું. શિવાનીએ સાથે જવાનું કહ્યુ, પણ રિતેષે ના પાડી. રિતેષ ગયો પછી બીજા દિવસે ફરી ફોન આવ્યો અને કહ્યું કે “રિતેષ કોઇ કામ માટે બહારગામ નથી ગયો. તે તો ડોલીને લઇને જલસા કરવા ગયો છે.”

શિવાનીએ ફોન કરનારને ધમકાવતાં કહ્યું કે, “તમારી વાત દરેક વખતે ખોટી સાબિત થઇ છે.. મને રિતેષ પર પૂરેપૂરો વિશ્ર્વાસ છે.. હવે આવો ફોન ન કરવો” તેમ કહીને શિવાનીએ ફોન મુકી દીધો. બીજે દિવસે ફરીથી ફોન આવ્યો. શિવાનીનું મન પાછું વિચારમાં ચડયું. તેને થયું કે પોતે કેટલી વખત કહ્યું પણ મને ના લઇ ગયો. શું ખરેખર ડોલી સાથે ગઇ હશે ?? પણ બીજી મિનિટે તેને થયું કે પોતે કેટલીવાર ખોટી પડી છે.. હવે શંકા રાખીને તપાસ કરવા જઇશ તો રિતેષ ફરી નારાજ થઇ જશે. તે આખો દિવસ વિચારતી રહી.

મનમાં થતું હતું કે, આ છેલ્લી વખત જોઇ આવુ.. સ્ત્રીનું મન… એકવાર વિચાર આવે પછી તે કરે ત્યારે જ શાંત થાય. શિવાની પણ સ્ત્રી જ હતી…. અને પત્ની પણ…, તેના પતિના જીવનમાં બીજી સ્ત્રીનો વિચાર પણ તેને ધ્રૃજાવી દેતો હતો. બહુ વિચાર કરીને અંતે તે ગઇ. રિતેષ કયાં ઉતર્યો છે તે રિતેષે તેને જણાવ્યું જ હતું.તે સીઘી ત્યાં જ પહોંચી ગઇ. હોટલમાં જોયું તો રિતેષ એકલો હતો.

હોટલમાં પૂછયું તો પણ કહ્યું કે, તે એકલો જ આવ્યો હતો. તેને હજી શંકા હતી. તેણે રિતેષની ઓફિસમાં ફોન કરીને ડોલી વિશે પૂછયું તો ખબર પડી કે ડોલી તો ઓફિસમાં જ હતી. તેની આવી શંકાથી રિતેષ બહુ જ નારાજ થયો આ વખતે તેને મનાવવા માટે શિવાનીને બહુ વાર લાગી. કેટલી માફી માંગી,કેટલી વિનંતી કરી, કેટલા આંસુ અને કેટલી રાતોની લલચામણી ઓફર પછીતે માન્યો. પછી શિવાનીએ તેને પ્રોમિસ આપ્યુ કે, હવે ગમે તેનો ફોન આવશે… તો પણ તે શંકા નહી કરે…

થોડા દિવસ પછી એ જ મલબારના રૂમ નંબર 501માં ફૂલોથી આચ્છાદિત ડબલ બેડ પર રિતેષ તેની બાહોંમાં સમાયેલી ડોલીના ગોરા શરીર પર અડપલાં કરી કહેતો હતો, ” ડાર્લિંગ મારી ચાલ કેવી લાગી ??? મેં જ શિવાનીને ફોન કરાવ્યા હતા.. અને મેં જ તેને દર વખતે ખોટી પાડીને તેના મનમાં અફસોસ ઉત્પન્ન કરાવ્યો હતો. હવે શિવાનીને મારા પર એટલો વિશ્ર્વાસ છે કે કોઇના ફોનથી તે વિચલીત નહી થાય, હવે કોઇ ચિંતા નથી, હવે તે મારા પર વિશ્ર્વાસ મુકીને કહ્યાગરી પત્ની બનીને રહેશે… અને આપણે જલસા કરીશું.” ડોલી ખીલખીલાટ હસતા તેને વળગી પડી… અને રિતેષ તેના પર વરસી પડયો..

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ