ઇન્તેઝાર – તે લગ્નની વાત કરવા જવાનો જ હતો ને આવી ગઈ પ્રેમિકાના લગ્નની કંકોત્રી… અંત ચુકતા નહિ…

*”જીવી શકું કેમ હું તને યાદ કર્યા વિના,*

*પાંપણ કદી રહી શકે મટકું માર્યા વિના”*

સુરતથી રાજકોટ જવા માટે રાત્રે દસ વાગ્યે કંપનીના મેનેજીંગ ડિરેકટર આકાશને લઇને નીકળેલી વેગનઆર એકઘારી સ્પીડમાં જતી હતી. ઘીમે ઘીમે જુના ગીત વાગતા હતા. આકાશ પાછળ બેઠો હતો. ડ્રાઇવર કાર ચલાવતાં ચલાવતાં ઘીમે ઘીમે ગીતના શબ્દો ગુનગુનાવતો હતો. આકાશ આંખ બંધ કરીને બેઠો હતો. ડ્રાઇવરને થયું કે સર સુઇ ગયા આમ પણ આકાશસરને ટ્રાવેલીંગમાં નિંદર આવે છે, તે કાયમ રસ્તામાં સુઇ જાય છે, તેમ વિચારીને ડ્રાઇવરે ટેપ બંધ કરી દીઘુ.

આકાશે આંખ ખોલીને કહ્યું, “કેમ ગીત બંધ કરી દીધું..? ભલે ચાલુ રહ્યુ, ગીત સારુ છે.” ડ્રાઇવરે ફરીથી ગીત ચાલું કર્યુ. બેતાબ પિકચયનું ‘જબ હમ જવાં હોંગે..’ ગીત ચાલતું હતું. તે ગીત પુરૂ થયું એટલે આકાશે ડ્રાઇવરને ફરીથી તે જ ગીત વગાડવા કહ્યું. ડ્રાઇવરને નવાઇ લાગી. આકાશ આંખ બંધ કરીને ગીત સાંભળતો હતો. તેની આંખ સામે સની દેઓલ અને અમૃતાસીંગની જગ્યાએ આકાશ અને ધરતી આવી ગયા. તે કેટલાય વર્ષ પાછળ ચાલ્યો ગયો. 

આકાશ નાનો હતો ત્યારે રાજકોટમાં રહેતો હતો. ધરતી તેની બાજુમાં જ રહેતી હતી. બન્ને એક જ સ્કૂલમાં ભણતા હતા. સાથે જ રિક્ષામાં જતાં, ઘરે આવીને સાથે જ લેશન કરતા અને સાથે જ રમતાં બન્નેના ઘર વચ્ચે એક જ કુટુંબના હોય તેવો જ સંબંધ હતો રમતા રમતા કયારે મોટા થઇ ગયા , ખબર જ ન પડી. એક દિવસ ધોધમાર વરસાદમાં નહાતા નહાતા આકાશે ધરતીને બુમ પાડી ધરતીએ આવવાની ના પાડી, આકાશ ન માન્યો, ધરતીનો હાથ પકડીને વરસાદમાં લઇ ગયો.

ધરતીએ આછા ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો વરસાદમાં ભીના થયેલા શરીર પર ચોંટેલા ડ્રેસમાંથી ઉભરતા તેના સીના તરફ નજર પડતા આકાશ મુગ્ધતાથી તેને જોઇ રહ્યો આજ પહેલે તેણે કયારેય ધરતીને આ નજરે જોઇ ન હતી આજે પહેલીવાર તેને પોતે છોકરો અને ધરતી છોકરી હોવાનો અહેસાસ થયો ધરતી શરમાઇને ઘરમાં દોડી ગઇ તે દિવસ પછી જયારે ધરતી આકાશને મળતી ત્યારે શરમાઇ જતી આકાશની નજર સામેથી ભીની થયેલી ધરતીનું રૂપ ખસતું ન હતું.

તેના દિલમાં પહેલીવાર ધરતી માટે સ્પંદન ઉઠયા તેને પ્રેમ કહેવાય કે નહી તે હજી સમજી શકે તે પહેલા તેના પિતાની બદલી અમદાવાદ થતાં તે બધા અમદાવાદ ચાલ્યાં ગયા. જવાના આગલા દિવસે આકાશ અને ધરતીએ સાથે બેસીને બેતાબ જોયું અને હાથ પકડીને જબ હમ જવાં હોંગે… ગીત ગાતા ગાતા છૂટા પડયાં.

અમદાવાદ આવીને ધરતીના કુટુંબ સાથેનો સંપર્ક ઓછો થતો ગયો પણ જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમ તેમ ધરતી પ્રત્યેની સંવેદના પ્રેમનું રૂપ લેવા લાગી. રોજ સુતી વખતે ધરતીના વિચાર કરવા, તેના સપના જોવા અને ઊઠીને ધરતીને યાદ કરવી એ આકાશની આદત બની ગઇ હતી એમ.બી.એ થયા પછી આકાશ સારી કંપનીમાં નોકરીએ લાગી ગયો તે હજી વિચારતો હતો કે ઘરમાં ધરતી વિશે પોતાની લાગણીની વાત કયારે કરવી ? ત્યાં તો ધરતીના લગ્નની કંકોત્રી મળી.

આકાશને આઘાત લાગ્યો પણ પોતાની અવ્યકત લાગણી તેણે પોતાના દિલમાં જ દબાવી દીઘી લગ્નમાં જવાની ઇચ્છા પણ ન થઇ. તેના ઘરમાંથી તેને લગ્ન માટે દબાણ થવા લાગ્યુ, પણ તેને લગ્ન કરવાની ઇચ્છા ન થઇ. તે બધી છોકરીઓમાં ધરતીને શોધતો. તેની આંખ સામે વરસાદમાં ભીની થયેલી ધરતી જ તરવરતી હતી તેણે લગ્ન ન કર્યા ઘરના દબાણથી બચવા સુરત બદલી કરાવી લીઘી ધરતી કે તેના કુટુંબ વિશે પછી કોઇ જાણકારી રહી નહી રાજકોટ છોડયા પછી તે કયારેય ત્યાં ગયો નહી

આજે લગભગ 20 વર્ષ પછી નવી ઓફિસના ઉદ્ધાટનમાં હાજર રહેવું જરૂરી હોવાથી તે જતો હતો જેમ જેમ રાજકોટ નજીક આવતું ગયું તેમ તેમ ધરતીની યાદ વધુ તીવ્રતાથી આવવા લાગી. રાજકોટ પહોંચીને રાજકોટની જમીન પર પગ મૂકતા જ ધરતીની યાદોએ તેને ધેરી લીઘો. જાણે હવામાં ધરતીની ખૂશ્બુ હતી. જેમ તેમ મનને મનાવીને ઓફિસ પહોંચ્યો. 

ઓફિસનું કામ પૂરૂં કરીને મગજ ઘણી ના પાડતું રહ્યું, પણ તેના મન સામે મગજનું કંઇ ન ચાલ્યું અને તેના પગ આપમેળે જ તેના જુના ઘર તરફ ચાલ્યા ગયા ધરતી લગ્ન પછી કયાં હતી ? તેના માતા-પિતા કયાં હશે? તેની કોઇ વાતની જાણકારી ન હતી છતાં તે જુના ઘર પાસે આવ્યો જુના ઘર પાસે ઘણું બધું બદલાઇ ગયું હતું અજાણ્યા ચહેરા વચ્ચે બાળપણના કોઇ જાણીતા ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરતો તે આમથી તેમ ફરતો રહ્યો, અચાનક તેને તેના બાળપણનો મિત્ર વિનોદ મળી ગયો થોડી આડીઅવળી વાત પછી તેણે જણાવ્યું કે ધરતીએ તો લગ્ન કર્યા જ નથી.

લગ્નના દિવસે શું થયું તે કંઇ ખબર નથી, પણ અચાનક લગ્ન કેન્સલ થયાં અને ધરતી હજી પણ તે જ ઘરમાં રહે છે સાંભળીને આકાશ દોડી ગયો ધરતીના ઘર પાસે જઇને જોયું તો બારીમાં તે ઊભી હતી. 20-20 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં તે ધરતીને ઓળખી ગયો. ધરતી પણ તેને જોઇને દોડતી નીચે આવી બન્ને એકબીજાની સામે જોતાં રહ્યાં.

ધરતીએ જણાવ્યુ કે, માતા-પિતાની મરજીથી લગ્ન નકકી તો થયાં હતા પણ જે શરીર પર તારી નજર સૌથી પહેલા પડી હતી, જે નજરે મને છોકરી હોવાનો અહેસાસ કરાવેલ તે નજર હું ભુલી શકી નથી. અને લગ્નના દિવસે જ મેં લગ્ન કરવાની ના પાડી દીઘી આકાશ કંઇ બોલી ન શકયો. બન્નેનો પ્રેમ જોઇને વાદળ પણ વરસી પડયાં. વરસાદમાં પલરતા આકાશે તેનો હાથ પકડીને પોતાના સીનામાં જકડી લીઘી. બન્નેના ગાલ પરથી ટપકતું પાણી વરસાદનું હતું કે આંસુનું તે ખબર ન પડી…

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ