દેશી તવા પિઝા – બહારના પીઝા જયારે પણ બાળકો ખાવાની ઈચ્છા જણાવે ત્યારે તમે જ બનાવી આપો આ ટેસ્ટી પીઝા…

મિત્રો, આજકાલની ભાગદોડભરી હેક્ટીક લાઈફના કારણે લોકોમાં જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવાનો ક્રેજ દિવસેને દિવસે વધતો જાય છે. બહારનું ફૂડ દેખાવમાં ખુબ જ આકર્ષક અને ટેમ્પટિંગ તેમજ સ્વાદમાં પણ સ્પાઈસી અને ટેસ્ટી હોવાથી લોકો બહારનું ફૂડ ખુબ ખાય છે. પણ શું આવું બજારુ ફૂડ હેલ્ધી અને હાઈજેનિક હોઈ શકે ખરું ? શું તે ફ્રેશ હોઈ શકે ? શું તેને બનાવવા માટે શરીર માટે જોખમી એવા કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્ઝ ના યુઝ કર્યા હોય ? આટલું વિચાર્યા પછી તો એમ જ થાય કે, લાઈફ ગમે તેટલી હેક્ટિક કેમ ના હોય, અવનવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડીશ ઘરમાં જ બનાવીને સર્વ કરવી જોઈએ.

મિત્રો, બાળકો બહારનું જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાની જીદ કરતા હોય છે પણ જો ઘરે જ થોડા ચેન્જીસ કરીને ડીશ બનાવીએ તો જરૂર ખાશે. તો આજે હું દેશી સ્ટાઈલથી અને કાઠિયાવાડી સ્વાદને ધ્યાનમાં રાખીને પિઝા બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે સરસ જેવો જ ટેસ્ટી બનશે અને બધાને ખુબ ભાવશે, અને સાથે હેલ્ધી અને હાઈજેનિક તો ખરો જ. પિઝા બેઝ બનાવવા માટે મેં ઘરે દળેલો ઘઉંનો લોટ યુઝ કર્યો છે જે આ ડિશને હેલ્ધી બનાવે છે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો દેશી તવા પિઝા.

સામગ્રી :

* 1/2 કપ ઘઉંનો કરકરો લોટ

* 1 કપ બારીક સમારેલા ટમેટા

* 1 કપ બારીક સમારેલા કાંદા

* થોડી ઝીણી સમારેલી કોથમીર

* 1 કેપ્સિકમ

* 3 ટેબલ સ્પૂન આદુ, લસણ, મરચાની પેસ્ટ ( 15 કળી લસણ, 1 ઇંચ આદુ, 4-5 મરચા )
* 1/2 ચમચી લસણ અને લાલ મરચા પાવડરની પેસ્ટ

* ચપટી હિંગ

* 1/2 ટેબલ સ્પૂન હળદર

* 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

* 4 થી 5 ટેબલ સ્પૂન ટોમેટો કેચપ

* 4 ટેબલ સ્પૂન દેશી ઘી

* 2 ચીઝ ક્યુબ

* મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌ પ્રથમ આપણે પિઝા બેઇઝ તૈયાર કરીશું. પિઝા બેઇઝ બનાવવા માટે ઘઉંના લોટમાં ચપટી મીઠું નાખો, તેમાં અડધી ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરો અને એક ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ આપો. આદુ-લસણ-મરચાની પેસ્ટ આપણા બેઇઝને ટેસ્ટફૂલ બનાવે છે, તેમજ ઘીનું મોણ ક્રિસ્પી અને રિચ ટેસ્ટ આપે છે. બધું જ બરાબર મિક્સ કરીને કઠણ લોટ તૈયાર કરી લો. લુવા લઈને ભાખરીઓ વણી લો, પિઝા બેઇઝ જેવો શેઈપ આપવા મોલ્ડ અથવા ઢાંકણથી પરફેક્ટ ગોળ શેઈપ આપો.
2) એક પેનમાં ઘી નાખીને ધીમા તાપે પિઝા બેઇઝ શેકી લો. પ્રેસ કરીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે શેકવાથી બેઇઝ ખુબ જ ક્રિસ્પી બને છે.
3) પિઝા માટેનો મસાલો તૈયાર કરવા એક પેનમાં બાકીનું ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. એક મિનિટ પછી તેમાં હિંગ, હળદર અને લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બારીક કાપેલા કાંદા અને ટમેટા ઉમેરી મિક્સ કરો. થોડું મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ સુધી ચડવા દો. વચ્ચે – વચ્ચે બરાબર હલાવતા રહો. કાંદા અને ટમેટા બરાબર ચડી જાય એટલે તેમાં ટોમેટો કેચપ ઉમેરી મિક્સ કરી લો. પિઝા માટેનો મસાલો તૈયાર છે, સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.
4) પિઝા બેઇઝ પર લસણની ચટણી(પેસ્ટ) લગાઓ. આ રીતે લગાવેલ ચટણી પિઝાને ખુબ જ સ્પાઈસી અને ટેસ્ટી બનાવે છે. બેઇઝને ચાર સરખા પીસીઝમાં કટ કરી તેના પર મસાલો નાખી સ્પ્રેડ કરી લો. ત્યારબાદ તેના પર ચીઝ ખમણીને નાખો. લાંબા કાપેલા કાંદા અને કેપ્સિકમ તેમજ કોથમીરથી ગાર્નિશ કરી લો.
5) ઉપરથી ટોમેટો કેચપ નાખી ગરમા-ગરમ સર્વ કરો.
મિત્રો, તૈયાર છે દેશી તવા પિઝા, જે બહાર મળતા પિઝાથી સ્વાદમાં યુનિક છે છતાં પણ ખુબ જ ટેસ્ટફૂલ બને છે. ઇન્ગ્રેડિયન્ટ તરીકે લીધેલ લસણની ચટણી સરસ સ્વાદ આપે છે તો જરૂર બનાવો, ખાવો અને ખવડાવો હેલ્ધી અને હાઈજેનિક દેશી તવા પિઝા.

નોંધ :

ચીઝ નાખ્યા પછી એકાદ મિનિટ માટે, સ્લો ફ્લેમ રાખી તવામાં એક સાઈડ શેકી શકાય છે. જેથી ચીઝ પીગળે છે જે બહાર મળતા પિઝા જેવો જ પિઝો દેખાય છે.
ટેસ્ટ વેરિયેશન માટે પિઝા પાર બાફેલા મકાઈ દાણા, પાઈનેપલના ટુકડા તેમજ મનપસંદ વેજિટેબલ્સ લઇ શકાય. મરી પાવડર પણ સારો લાગે.
મસાલો બનાવતી વખતે ટોમેટો કેચપ વધારે નાખવો હોય તો નાખી શકાય.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :