તારે આખો દિવસ ઘરે બીજું કરવાનું પણ શું? જો તમને પણ આવો સવાલ પૂછવામાં આવે છે તો આ વાર્તા તમારી માટે જ છે…

“આરતી તને કહ્યું હતું કે એ લાલ ફાઈલ કેટલી મહત્વની છે ! આળસની પણ કોઈ હદ હોય ?”

” આળસ ? હું આળસી છું કબીર ? “

” બીજું શું ? એક ફાઈલ સાચવીને ન રાખી શકાય ? “

” કબીર કેટલીવાર કહું કે ફાઈલ અહીજ આ ડ્રોવરમાંજ સાચવીને રાખી હતી . “

” તો પછી ઘરમાંથી ક્યાં ગાયબ થઇ ગઈ ? એ ફાઈલના હાથ પગ તો હતા નહીં કે બારણું ઉઘાડી નીકળી જાય . ” 

” પણ એમાં આટલું બધું ભડકવાનું કેવું ? “

” ભડકવાનું ? સાચેજ ? એ ફાઈલમાં મિટિંગ માટેની દરેક માહિતીઓ હતી . હવે અંતિમ સમયે ….”

” મારો વિશ્વાસ કરો કબીર ફાઈલ આજ ડ્રોવરમાં રાખી હતી . આ ડ્રોવરની ચાવી ફક્ત આપણા બેજ પાસે રહે છે . તો….”

” તો એનો અર્થ એ કે હવે તને કોઈ જરૂરી કામ ન સોંપાય . બેદરકારીથી મને નફરત છે . એક કામ સોંપાયું હોય એ ક્યાં તો વ્યવસ્થિત કરવું અને જો ત્રેવડ ન હોય તો 
રહેવાજ દેવું . “

” એક કામ ? કબીર તને લાગે છે કે આખો દિવસ મારે ફક્ત એકજ કામ હોય ઘરમાં ? “

” નોકરી છોડ્યા પછી તારે હવે શું બહુ મોટું કામ રહેતું હોય છે ? આખો દિવસ ઘરમાં શું કરવાનું હોય ? મારે ઓફિસ જઈ બહારની દુનિયા જોડે લાખ માથાફોડ કરવાની હોય . વર્ક લોડ અને વર્ક પ્રેસર શું હોય એ ઘરની બહાર પગ મુકીયે ત્યારેજ સમજાય . એમાં પણ જો તમારી પત્ની એક ફાઈલ સાચવવામાં સાથ સહકાર ન આપી શકે એટલે શું સમજવું ? ” 

” કબીર મારી નોકરી છોડવાના નિર્ણયને ફાઈલ સાથે શી લેવા દેવા ? રેવતી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મને એના ઉછેર પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું છે અને મમ્મીથી હવે ઓપરેશન પછી ચલાતું પણ નથી . એ બિચારા પોતાની તબિયત સાચવશે કે રેવતીને ? આજે જો મારા મમ્મી જીવતા હતે તો ….”

” ઓહ નો , ફરીથી એ બધા ઈમોશનલ અત્યાચાર શરૂ ન કર . સાચી વાત સીધેસીધી  સ્વીકારી કેમ નથી લેતી ? એક ફાઈલ તારાથી સચવાતી નથી અને ……”

કબીરનું વાક્ય અધૂરું છૂટી ગયું . પોતાની અલમારીના ક્રમબદ્ધ લટકી રહેલા સૂટ ને શર્ટની મધ્યમાંથી લાલ ફાઈલ ચમકતી ડોકાઈ 
રહી . સંવાદ અધૂરો છોડી ફાઈલને એણે અત્યંત ધીરજ જોડે બહાર ખેંચી . શરીરના સ્નાયુઓ જડતા છોડી ઢીલા બની રહ્યા . આંખોનો આક્રોશ પીગળી રહ્યો અને એની વચ્ચેથી આંખની બન્ને કીકીઓ છુપાવવાનો માર્ગ શોધતી અહીં થી ત્યાં ફરી રહી . સામે ઉભી આરતી સ્તબ્ધ હાથને એકબીજામાં સખત વીંટાળતી કબીરની આંખનો સંપર્ક શોધી રહી .

” એક્ચ્યુલી કાલે રાત્રે ડ્રોવરમાંથી ફાઈલ કાઢી હતી . કામ પત્યા પછી અહીં અલમારીમાં ….”

કબીરના શબ્દો ઉપર જાણે વિશ્વાસ ન આવતો હોય એ રીતે દર વખતની જેમ હાથ , ખભા અને ડોકું એકીસાથે ધૂણાવતી આરતી શયનખંડમાંથી બહાર તરફ અન્ય રાહ જોઈ રહેલ કાર્યો અને માનવીઓ તરફ પ્રયાણ કરી રહી . એના શબ્દો એની લાગણીઓ જેવાજ ઉદાસી અને ક્રોધથી સંમિશ્રિત હતા .

” આખો દિવસ ઘરે હું શું કરું છું ? એ તો એકદિવસ હું એ બધા કામ કરવાનું છોડી દઈશ ત્યારેજ તને સમજાશે . “

શયનખંડનું બારણું ધડામ કરતું પછડાયું .

કબીરના કાનમાં મોબાઈલની કોઈ રિંગટોન અત્યંત ધીમા સ્વરથી ધીમે ધીમે ઊંચો સ્વર પકડતી સંભળાઈ રહી . આ સમયે કોનો કોલ ? અચાનકથી આજુબાજુ કમ્પ્યુટરના કી-બોર્ડ અને ફોન પર વ્યસ્ત વાર્તાલાપોએ એને ઢંઢોળ્યો . અરે , પોતે ઓફિસમાં હતો . સામે ઢગલો બની પડેલી પેન્ડિંગ ફાઈલ નિહાળતાંજ વર્તમાનનું વર્કલોડ ટ્રાફિકની લાલ બત્તી જેવું એના શરીરને ભૂતકાળમાંથી ખેંચી લઇ વર્તમાનની ગંભીરતા તરફ સીધું દોરી ગયું . છેલ્લા એક મહિનાનું કામ એક મોટો ગૂંચવાડો બની આંખ અને મગજને પજવી રહ્યું . આટલું બધું પેન્ડિંગ કામ ……

આગળ ચિંતા અને તાણ વધુ ઘેરી બને એ પહેલા સતત વાગી રહેલી રિંગટોનને મૌન કરવા કમને એણે કોલ લીધો . સામે તરફથી સંભળાઈ રહેલો સ્વર કબીરની પોતાની પરિસ્થિતિ સમોજ ધીર ગંભીર હતો . 

” આપ શ્રીમાન કબીર , રેવતીના પિતા ? “

” જી ,હા . “

” હું રેવતીની સ્કુલની પ્રિન્સિપલ બોલું છું . રેવતીને શાળામાં અચાનક ખુબજ તાવ આવ્યો છે . આપ પ્લીઝ શીઘ્ર આવશો . એને ડોક્ટર પાસે લઇ જશો . અને હા , આવતા અઠવાડિયે ફાઇનલ પરીક્ષાઓ શરૂ થશે . આઈ હોપ શી વિલ ગેટ વેલ શુન . “

કોલ કપાયો ને જાણે કબીરના માથે હથોડા પડી રહ્યા . તાણથી મૂર્છા સમા આંખો આગળ અંધારા છવાઈ રહ્યા . પણ એની પાસે  બેહોશ પડવાનો સમય ન હતો . આંખો આગળ પહાડ સમી ફેલાયેલી ફાઈલો ઉપર એક સ્થિર નજર થોભી અને બીજીજ ક્ષણે એ બોસ સામે નજર ઝુકાવી ઉભો હતો .

” આ એકજ મહિનામાં ત્રીજી વાર બન્યું છે . જો આવુજ ચાલતું રહ્યું તો ….હજી અંતિમ મહિનાનો રિપોર્ટ પણ સબમિટ નથી થયો …..આ વખતે હું લિવ આપું છું . જસ્ટ બિકોઝ ઓફ યોર ડોટર …નહીંતર બીજી વખત …તમને તમારી જોબના ટર્મ અને કન્ડિશન હું ન શીખવી શકું …..”

ગાડી ચલાવતા કબીરના હાથ ધ્રુજી રહ્યા હતા . ધ્યાન ડરાયવિંગને બદલે દરેક સ્થળે ભમી રહ્યું હતું . સભાનતા ઊંડો શોક ખાઈ બેઠી હતી . પણ મગજની આ નિષ્ક્રિય હાલતમાં પણ દરેક ફરજ બજાવવાની હતી . 

રેવતીને શાળામાંથી પીકઅપ કરી એ તરતજ ડોક્ટર પાસે પહોંચ્યો . વાયરલ ફીવર હતો . ગળામાં કંઈક ઇન્ફેક્શન થયું હતું . એક અઠવાડિયા માટે તાવ ઉપર નીચે થશે . આરામ અને પરેજીનું ભોજન . એન્ટિબાયોટિક્સ અને દવાના પ્રિસ્ક્રિપશન વચ્ચેથી પ્રિન્સિપલના શબ્દો પડઘો પાડી રહ્યા . 

” એક અઠવાડિયા પછી ફાઇનલ પરીક્ષાઓ શરૂ થશે …”

મોઢા ઉપરથી પરસેવા જોડે ચોંટેલી ચિંતાઓ એણે રૂમાલથી મટાડવાનો તદ્દન નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો . રેવતી જોડે કેમિસ્ટમાંથી બધીજ દવાઓ ખરીદી લીધી . રાત્રીના ભોજન માટે બહારથીજ જમણ પણ ખરીદી લીધું . ઘરે પહોંચ્તાજ રેવતીના કપડાં બદલાવી એને જમાડવાનો પ્રયત્ન કર્યો . તાવને લીધે અને ગળાના ઇન્ફેક્શનને લીધે કશું ગળાના નીચે ન ઉતર્યું . છેવટે થોડું જ્યુસ અને બિસ્કિટ મહેનત કરી, રમત કરી ,મનાવી આખરે ગળાના નીચે ઉતર્યું . પલંગ ઉપર આરામ કરતા રેવતી પોતાના ગમતા કાર્ટૂન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી . 

” પપ્પા , મમ્મી ? “

રેવતીના પ્રશ્નથી કબીરના ચહેરા ઉપરની ગંભીરતા વધુ વેધક થઇ ઉઠી .

” તું આરામ કર બેટા . મમ્મીને જલ્દી લઇ આવીશ . હું દાદી પાસે છું .”

સખત કરેલા હૃદય જોડે એ બાના ઓરડામાં પ્રવેશ્યો . પોતાનું જમવાનું પણ બાના ભોજન જોડે એમના ઓરડામાંજ લઇ લીધું . પણ પોતે બહુ કાંઈ જમી શક્યો નહીં . ઓરડાને પોતાના તરફથી થોડો વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો . 

” તું ચિંતા ન કર . આજે સુધા સવારે મળવા આવી હતી . એને વાત કરી છે . કોઈ કામવાળી મળી રહે તો …..”

બાના દવાનાં ડબ્બા પર તકાયેલી કબીરની આંખોએ બાના શબ્દોને કોઈ પ્રત્યાઘાત આપ્યા નહીં . ઉજાગરાઓથી એ પણ કબીર જેવી નિઃશબ્દ બની બેઠી હતી .  પ્રિસ્ક્રિપશન લેટર ઉપરથી દરેક ટીકડીના કાગળ ઉપર એણે સમય અને માત્રાની નોંધ કરી લીધી . એની યાદશક્તિ આરતી જેવી ધારદાર થોડી કે ડબ્બો ખોલતાંજ કઈ દવા ક્યારે ,કેટલી આપવી એ માટે આંગળીઓ ઓટોમેટિક મોડ પર આવી રહે ! બાની ભોજન પછી લેવાની ટીકડીઓ ટેબલ પર પાણીના ગ્લાસ સાથે ગોઠવી એ ખરડાયેલા વાસણ જોડે રસોડામાં પહોંચ્યો .

એક દ્રષ્ટિ એણે ઓપન કિચનમાંથી ચારે તરફ ઘર પર ફેરવી . કામવાળી બાઈ એક અઠવાડિયા માટે અન્ય શહેર લગ્ન માણવા ગઈ હતી . હજી બેજ દિવસ થયા હતા . પણ આખું ઘર કોઈ ભંગારની દુકાન જેવું દીસી રહ્યું હતું . કપડાઓ ઢગલા બની ચારે તરફ ફેલાયા હતા . કચરો કોઈએ સમેટયો ન હતો . ધૂળની માત્રા  ધીરે ધીરે વધી રહી હતી . આખું રસોડું અસ્તવ્યસ્ત પડ્યું હતું . સીન્કમાં ભેગા થયેલા ઢગલો વાસણ ચીઢ ઉપજાવી રહ્યા હતા .

એક ક્ષણ માટે ઘરનાં મુખ્ય દરવાજા ઉપર નજર થંભી . બધુજ પડતું મૂકી કશેક ભાગી જવાની વિચિત્ર ભાવના મનમાં ઈચ્છાનું સ્વરૂપ ધારણ કરી રહી .

પણ એ શક્ય ન હતું .

નહીંવત જમેલા શરીર જોડે ઘરને થોડું ઘણું પણ સાફસૂથરું કરવા આખરે પ્રયાસ આદર્યો . તદ્દન એ બાળકની જેમજ જેને ઘરકામ ન કરવું હોય પણ કરવા સિવાય છૂટકો ન હોય . વલોવાયેલું મન , થાકેલું શરીર , ચિંતામાં ફફડી રહેલી આત્મા છતાં ફરજ માટે ઉપડેલા બાહુઓ . 

બે કલાકની સતત મહેનત પછી આખરે ઘર થોડું ઘણું વ્યવસ્થિત તો થયું . પણ પરસેવા અને થાકની મધ્યમાંથી ઘરની અન્ય છબી સ્મૃતિ તટ ઉપર ઉજળી ચમકી રહી . આરતી તો ઘરને કેવું મહેલ જેવું રાખતી ! એક વસ્તુ અહીંની ત્યાં ન થાય . બધુજ એની જગ્યા ઉપર . એના હાથની સાફસફાઈ , એના હાથનું ભોજન , એની નાની મોટી દરેક મદદ અને કાર્યની ચોક્કસતા . બાને રેવતી તો જાણે ઘરમાં હોય એની કબીરને જાણ પણ ન થાય . બધુજ સમય પર પાર પડી જાય ….

સમય ? કબીરના વિચારો પર પૂર્ણવિરામ લાગ્યું . સાત વાગી ગયા હતા . સાડા સાતે પહોંચીજ જવું પડશે . નહિતર એ નીકળી જશે તો …પરત થઇ હજી આખી રાત ઓફિસના કાર્યો વચ્ચે પસાર કરવાની હતી .

વારાફરતી એણે બા અને રેવતીના શયનખંડની તપાસ કરી . બાની વૃદ્ધ આંખો દવાના ઘેનમાં સરી પડી હતી . રેવતી પણ કાર્ટૂન નિહાળતા નિહાળતાંજ ઊંઘી ગઈ હતી . બન્ને શયન ખંડની વીજળી ઓલવી એણે શીઘ્ર ગાડીની ચાવી તરાપ મારતા ઉપાડી લીધી . કાંડા ઘડિયાળ પર ઉતાવળસભર નજર ફેંકી . એક કલાક હતો એની પાસે . એક કલાકના મર્યાદિત સમયમાંજ મુલાકાત સમેટવી પડશે . 

અવાજવિહીન ડગલાં જોડે એ શીઘ્ર ઘરની બહાર નીકળ્યો . પડોશના ઘરની ડોરબેલ વગાડી . પડોશી સુધાબહેને બારણું ઉઘાડ્યું . કબીરની આંખોમાં ફેલાયેલી આજીજી દર વખતની જેમ શબ્દોના આશ્રય વિના એ કળી ગયા . મોટા હ્રદયે ,લાગણીસભર હય્યા જોડે દર વખતની જેમ એમણે મદદ માટે તત્પરતા દર્શાવી . 

” આપ ચિંતા ન કરો . હું રેવતી જોડે છું . આપ જઈ આવો . “

આંખોથી જ આભાર વ્યક્ત કરતા એણે ઘરની ચાવી સુધાબહેનને થમાવી .

થોડીજ મિનિટોની અતિ ઝડપી ડરાયવિંગ થકી એ નિશ્ચિત સ્થળે પહોંચી ગયો . લિફ્ટ લઇ દર વખતની જેમ પાંચમે માળે આવી પહોંચ્યો . ઘડિયાળમાં સમય તપાસ્યો . ૭ : ૨૫ . સમયસર પહોંચી રહેવાથી જીવમાં જીવ આવ્યો . વિઝિટિંગ આવર્સની વચ્ચે રાહ જોઈ રહેલ લોકો વચ્ચે થોડી પ્રતીક્ષા કરી . આખરે એનો વારો આવ્યો અને કેબિનમાં પ્રવેશ મળ્યો .

એ બંધ કેબિનમાં ઉચ્ચારાયેલા શબ્દો આઈ સી યુ ના સૂના ,નીરવ ઓરડામાં પણ ગુંજવા લાગ્યા , જ્યાં એ જડ આંખે આરતીને તાકી રહ્યો હતો .

” લેટ મી ટેલ યુ ફેરલી . પરિસ્થિતિ ન વણસી રહી છે , ન સુધરી રહી છે . તટસ્થ છે . પણ આ તટસ્થતાની કોઈ પ્રમાણભૂતતા નથી . તમે જાણો છો કે અકસ્માત સમયે ઘણું લોહી વહી ગયું . માથાનો ઘા પણ ઊંડો છે . કોમા ના આ સ્ટેજ ઉપર હું ભવિષ્ય અંગે કોઈ પણ આગાહી કરવા અસમર્થ છું . ફક્ત એટલુંજ કહી શકું કે હેવ ફેઈથ . “

આઈ સી યુ નો શાંત ઓરડો જાણે કોઈ ચર્ચનો કન્ફેશનરૂમ હોય એ રીતે આરતીના શરીર જોડે એકાંતમાં બેઠા કબીરની આંખો નિયમિત પશ્ચાતાપમાં કળી રહી . માથું નમાવી ફરીથી આજે એજ માફી શબ્દેશબ્દ પુનરાવર્તિત થઇ .

” તું સાંભળે છે ને આરતી . આમ સોરી . મને માફ કરી દે . હું સમજી ચુક્યો છું તું આખો દિવસ શું કરતી હતી ? મારા માટે પણ અને ઘર માટે પણ …..”

મૌન ધ્રૂસકા એક કલાક સતત વહેતા રહ્યા .

સમય સમાપ્ત થયો અને એ ભાગતે ડગલે ઘર પહોંચી ગયો .

થોડા મહિનાઓ પછી ઓફિસના એજ ટેબલ ઉપર કબીર શુન્ય મનસ્ક બેઠો હતો . ફાઇલોના થર મનને હતાશ કરી મુકવા પર્યાપ્ત હતા .  મોબાઈલની રીંગ રણકી . યાદોમાં ખોવાઈ ચૂકેલો કબીર સતર્ક થયો . આજુબાજુના ટેબલ ઉપરથીજ એજ કી-બોર્ડના કર્કશ અવાજો અને લોકોના વાર્તાલાપ કાનમાં દુઃખાવો આપી રહ્યા હતા . હતાશ મન હારીને મેદાન છોડીને ભાગવા ઇચ્છુક યોદ્ધા જેવું બેભાન હતું . આ સમયે કોનો કૉલ ? ફરી પાછું શું થયું ? કઈ નવી સમસ્યા ? બોસનો કડવો ચ્હેરો આંખ આગળ સ્પષ્ટ ડોકાયો . આ વખતે લિવ નહીં ઓફિસમાંથી હંમેશ માટેની છુટ્ટી મળશે , એ માટેની માનસિક સજ્જતા જોડે એણે કોલ ઉપાડ્યો . 

સમાચાર સાંભળતાજ આંખોમાંથી અખૂટ ધોધ વરસ્યો અને ધ્રૂજતું શરીર ટેબલ ઉપરની ફાઈલો ઉપર પછડાઈ પડ્યું . 

કોલ હોસ્પિટલથી હતો .

સમાચાર ખુશીના હતા …..

લેખક : મરિયમ ધુપલી

તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.