તને નહિં સમજાય – પતિના મોઢે દરરોજ આ વાક્ય સાંભળીને આખરે તેણે નક્કી કર્યું….

“તું ન બોલ વચ્ચે. એ તને નહિ સમજાય !!આમાં તને ન ખબર પડે !! તે કોઈ’દિ આવો મોબાઈલ વાપર્યો છે ?? ” હંમેશની ટેવ મુજબ, નેશભાઈએ સાહજિક જ બોલી નાખ્યું. મનીષાબેન છોભીલા પડી ગયા. જ્યારે ને ત્યારે પતિ કોઈપણ વાત માટે પોતાની પત્નીને, જાહેરમાં એટલે કે છોકરાઓની હાજરીમાં કે સગાંવહાલાં હોય ત્યારે , પતિ એવું બોલતા અચકાય નહિ કે “તને આમાં નો ખબર પડે ??

તું, તારું કર !! તું રસોડા માં જા !! આમાં તારું કામ નહીં !!” મનીષાબેન ને પણ, આવું સાંભળવાની આદત બની ગઈ હતી. એ ઘણીવાર ખાનગીમાં દીનેશભાઈએ કહેતા પણ ખરા !” તમે બધાની વચ્ચે મને ઉતારી પાડો એ મને નથી ગમતું !”ત્યારે પતિદેવ, સિફતથી એમ કહીને વાત ઉડાવી દેતાં કે, ” અત્યારે હવે એ વાતનું શું છે ?? તમે તો બૈરાઓ લીધી વાત મુકો નહિ..!!'”

આમ, રીંગાવેળા કરીને ય ઘણા પતિ પોતાની ટંગડી ઉંચી રાખતાં જોયા છે. મનીષાબેને આજે મનોમન નક્કી કર્યું કે હું સહન કરી લઉં છું એટલે આ બધા બોલે છે.મારી જ ભૂલ કે હું અત્યાર સુધી કાંઈ બોલી નહિ !! મેં પણ સ્વીકારી લીધું કે, ” તને આમાં નહિ સમજાય !!” દિનેશભાઇ, વાત વાતમાં, મનીષાબેનના, દિયર,દેરાણી કે નણંદ ની હાજરીમાં મજાક ઉડાવે અને બધા હસી પડે અને મનીષાબેન એ બધા માટે હાંસી પાત્ર બને !!
ઘરમાં પણ, દીકરા દીકરીની સામે, એમના પપ્પા, મમ્મીને ઉતારી પાડે !! જનરલ નોલેજ બાબતે, કે મોબાઈલ કે કોમ્પ્યુટર બાબતે કે પછી કોઈ ટેક્સ કે ઈન્ટરનેટ ની કોઈ વાતોમાં જો મમ્મી, બોલે તો હવે છોકરાઓ ય કહી નાખે ,

” મમ્મી, તું આમાં તારું માથું ન નાખ !! મમ્મી, આ તને નહિ સમજાય! આ કાંઈ, રસોઈ જેવું સહેલું નથી, કે આમ કાપ્યું ને આમ બાફ્યુ, મમ્મી, તું રહેવા દે હો !!” અને..બધા ઘરમાં જેમ ગૃહિણી મજાકનો ભોગ બન્યા પછી પણ, મોટું મન રાખી હસતાં હસતાં, વચ્ચેથી ખસીને, બોલવાનું ટાળી, પોતાના કામમાં મન પરોવે !! એમ મનીષાબેન પણ, જતું જ કરી દેતાં.

પણ, મનીષાબેન વિચાર કરતાં રહી ગયા.. દિનેશભાઇ, કરતાં તો પોતે કઈ ઓછું ભણેલા ન્હોતાં !! અને આ બન્ને છોકરાઓને પણ, દશમાં ધોરણ સુધી, ઘરના કામમાંથી ગમેતેમ કરી સમય કાઢી જાતે જ પરીક્ષાની તૈયારી કરાવતાં અને બન્ને હમેશા નમ્બર લાવતાં ત્યારે સૌ કોઈ કહેતું, ” એની મમ્મી કેવી છે !! તેના બાળકો તો હોશિયાર જ હોય ને !!” તો પછી, હવે બાળકો એની મેળે પોતાનું વર્ક કરવા લાગ્યા અને પોતે, ઘર,વર અને બાળકોને જ સમર્પિત થઈ, બહારની દુનિયા સાથે છેડો ફાડી નાખ્યો ત્યારે એના બલિદાનનું કોઈ મૂલ્ય નહિ !!

હા, એક લેબલ મળ્યું એમને મેડલ તરીકે.. ” તને નહિ સમજાય !! તું તો રહેવા જ દે , હવે !!” અત્યાર સુધી તો ઠીક, પણ હવે , દીકરા દીકરીના લગ્ન નક્કી કર્યા, આવનાર વહુ ની સામે જ્યારે, દિનેશભાઇ આવું બોલી ગયા ત્યારે મનીષાબેને ગાંઠ વાળી !! “ઘરેલુ અત્યાચાર એ માત્ર શારીરિક માર નથી. આ આત્માને હનન કરતાં, મારા જ વ્હાલા ને મારે જ અટકાવવા પડશે !! પછી ભલે એ માટે, મારે કઈ બહાર જઈ શીખવા જવું પડશે તો જઈશ !!અને નહિ જવું હોય તો નહી જાવ !! પણ, મારા આત્મસન્માનની તો હું જ રક્ષા કરીશ !!'”

દિનેશભાઇ અને હાજર રહેલા સૌ કોઈ સાંભળે એમ, મનીષાબેન બોલ્યા, ” તું રહેવા દે ! તને ખબર ન પડે કાંઈ !! આ વાક્યોથી કોઈપણ ઘરની ગૃહલક્ષ્મીને નવાજવામાં આવે છે.પણ જો ખરેખર એને કશી ખબર ન પડતી હોત ને તો, ક્યારની યે “આ ઘર જા’ત અને ઓસરી રે’ત !! તમે બધા, નિરાંતે જે જિંદગી માણી રહ્યા છો એના પાયામાં, દરેક ગૃહિણીની, પોતાની યથાશક્તિ કુનેહ, ચતુરાઈ, સમજણ અને સહનશક્તિ દટાયેલા છે !!એને બધી જ ખબર કદાચ નહિ પડતી હોય, પણ, કુદરતે દરેકને પુરુષ હોય કે સ્ત્રી, કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ આપી જ છે.એ બન્નેને એકબીજાના પૂરક બનાવ્યા છે. એકબીજાની ખામી શોધવાને બદલે એકમેકના ગુણોને જાણીએ, ઓળખીએ અને સન્માન આપીએ. તો જ ઘરસંસાર દિપી ઉઠશે !!
ભારતીય દંપતિ , જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરતાં શરમાય છે તેના કરતાં, એકબીજાને ઉતારી પાડતાં શરમ અનુભવે તો સારું !!”

મનીષાબેન બોલતાં અટક્યા!! દીનેશભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમણે તાળીઓ પાડી કે તરત હાજર રહેલા સૌ કોઈ તાળીના ગડગડાટથી એક ગૃહિણીને સન્માની રહ્યા !!

લેખક : દક્ષા રમેશ “લાગણી”