તમને પણ ક્યાંક થાઇરૉઇડ તો નથી ને? જાણી લો અહીં…..

થાઇરૉઇડ એ આપણા શરીરમાં એક પ્રકારનું હૉર્મોન છે, જે પતંગીયાનાં આકારનું હોય છે. થાઇરૉઇડ ગ્રંથી શરીરથી આયોડીન લઈને વિકસીત થાય છે. આ હૉર્મોન આપણાં શરીરમાં મેટૅબલિઝમને બનાવી રાખવા માટે અત્યંત આવશ્યક હોય છે. આ ગ્રંથીનું કામ ખાધેલા ખોરાકને ઉર્જામાં પરિવર્તિત કરવાનું છે, હવે વિચારો કે આ આ ગ્રંથીમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો શું થાય? જ્યારે આ ગ્રંથી કોઈ કારણથી વિકસવા લાગે છે, તો કહેવાય છે કે થાઇરૉઇડ વધી ગયું છે. થાઇરૉઇડનું વધવુ એ ખુબ જ તકલીફ દાયક હોય છે. જે ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળે છે. આનાથી વજન વધવાની સાથે બેચેની, ઉંઘ બરાબર ન આવવી, માસિક સ્ત્રાવ સમયે ન આવવા જેવી અન્ય સ્મસ્યાઓ પણ થતી હોય છે. અત્યારે સ્થિતી એવી છે કે ૧૦ દસ માંથી ૮ દર્દીઓ સ્ત્રીઓ હોય છે. સ્ત્રીઓમાં વજન વધવાનું એક કારણ આપણ હોય છે. થાઇરૉઇડને જો નિયંત્રણમાં રાખવામાં નથી આવતું તો હ્રદય રોગનું જોખમ પણ વધી જાય છે.

આની સારવાર માટે ડૉક્ટરને કંસલ્ટ કરવા અને સમય પ્રમાણે દવા ચાલૂ રાખવી. થાઇરૉઇડ કોઈ એટલી મોટી બીમારી પણ નથી કે જેને કંટ્રોલ ન કરી શકાય. આથી ચિંતા ઓછી કરો અને  થાઇરૉઇડને નિયંત્રિત કરવા માટે ફક્ત અમુક જ વાતોનું ધ્યાન રાખવું જેને કારણે આ સમસ્યા વધી ન જાય.

આપણી થાઇરૉઇડ ગ્રંથિ શરીરમાં આ કાર્ય છે

થાઇરૉઇડ ગ્રંથિ શરીરમાંથી ચેપગ્રસ્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે
બાળકોનાં વિકાસમાં થાઇરૉઇડ ગ્રંથિઓનું મહત્ત્વનું યોગદાન હોય છે.
આ ગ્રંથિઓ શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને પચાવવામાં મદદ કરે છે.
આનાથી શરીરનું તાપમાન અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે છે.
શરીરની માંસપેશીઓનાં વિકાસ સારી રીતે થાય છે.

થાઇરૉઇડ બે પ્રકારનાં હોય છે :

હાયપોથાઇરોડિસમ

આ પ્રકારનાં થાઈરોઈડમાં શરીરનું વજન વધવા લાગે છે, ભૂખ ઓછી લાગે છે અને સાંધાનો દુઃખાવો, હાથ પગમાં સોજા આવવા, કબજિયાત રહેવી અને ઠંડી પણ વધારે લાગે છે. આ સિવાય આળસને કારણે કોઈ કામ કરવામાં પણ મન નથી લાગતું.

હાયપરથાઇરોડિસમ

હાયપરથાઇરોડિસમમાં હાયપોથાઇરોડિસમથી ઉલટી ક્રિયા થાય છે. તેમાં વજન ઓછું થવા લાગે છે, ભૂખ વધારે લાગે, પરસેવો વધારે આવે અને હાથ પગમાં ધ્રુજારી થતી હોય છે.

આ જે માહિતી તમારી સાથે શેર કરવામાં આવી રહી છે તે ખાસ તો  હાયપોથાઇરોડિસમનાં દર્દી માટે છે. હાયપોથાઇરોડિસમમાં શું ખાવું અને શું ન ખાવું તે અંગે માહિતી આપવામાં આવી છે, તો વાંચતા રહો આગળ…

ક્યાં કારણથી થાય છે આ સમસ્યા?

હાઇપોથાઇરોયડિઝ્મમાં થાઇરૉઇડ ગ્લેન્ડ ધીમી ગતિથી કામ કરવા લાગે છે અને શરીર માટે જરૂરી હોર્મોન્સ ટી-૩, ટી-૪નું જરૂરી નિર્માણ થતું નથી, જેથી શરીરમાં ટીએસએચનું લેવલ વધી જાય છે. બીજી બાજુ હાઇપરથાઇરોઇડિઝ્મમાં થાઈરોઈડ ગ્લેન્ડ ખૂબ જ વધારે સક્રિય બની જાય છે. જેનાથી ટી-૩ અને ટી-૪ હોર્મોન્સ વધારે માત્રામાં નિકળીને લોહીમાં મિક્સ થઈ જાય છે અને જેથી ટીએસએચનું સ્તર ઘટી જાય છે. આ બન્ને પ્રકારનાં થાઇરૉઇડ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.

થાઇરૉઇડનાં લક્ષણો આ પ્રમાણે છે :

તમને અમુક સમયે શરીરનું તાપમાન સામાન્ય હોવા છત્તા પણ હાથ-પગ બરફ જેવા ઠંડા લાગતા હોય તો આ વાતને નજરઅંદાજ ન કરતા, કારણ કે આ થાઇરૉઇડનાં લક્ષણો માંથી એક છે. તમને પણ જો આવી કોઈ સમસ્યા થતી હોય તો એકવાર ડૉક્ટર પાસે ભૂલ્યા વગર ચૅક-અપ કરાવજો.

થાઇરૉઇડની રોગપ્રતિકારક શક્તિ ઉપર ઘણી ખરાબ અસર થાય છે, જેને કારણે તમે કોઈને કોઈ બીમારીથી પરેશાન રહો છો. જો તમને વારંવાર કોઈ બીમારી રહેતી હોય અને જલદી સાજા નથી થવાતું તો સર્વ પ્રથમ ડૉક્ટર પાસે જવાનું રાખો.

નખ જો પાતળા થઈ ગયા હોય અને બટકાઈ જતા હોય તો પણ તમને થાઇરૉઇડ હોઈ શકે છે. નખમાં નાની-નાની તિરાડો પણ પડી જાય છે. આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે અને અમુક સમયે જો ધ્યાન ન આપવામાં આવે તો ટકલું પણ થઈ શકે છે. જો આ લક્ષણો તમને દેખાય તમારા શરીરમાં તો ડૉક્ટર પાસે તપાસ કરાવજો.

જે વ્યક્તિને હાઈપોથાઈરોઈડ છે તેમને લાંબા સમય સુધી કબજિયાતની તકલીફ રહે છે, જ્યારે હાઈપરથાઈરોઈડ જે વ્યક્તિને હોય છે તેમને વારંવાર ઝાડાની બીમારી રહે છે. જો તમને ઘણા સમયથી પાચન ક્રિયાને લગતી તકલીફ રહેતી હોય તો થાઇરૉઇડનું ચેક-અપ અવશ્ય કરાવજો

થોડુક પણ કામ કર્યા બાદ થાક લાગતો હોય અથવા નાની અમથી વાતમાં ગભરાહટ થતી હોય તો આ થાઇરૉઇડનાં લક્ષણો માંનું એક છે. હા, ગભરાહટ તો કોઈને પણ થઈ શકે છે અને તે સામાન્ય પ્ણ છે પણ જો જલદી થાકી જતા હોવ કે પછી ગભરાયેલા રહેતા હોવ તો એકવાર થાઇરૉઇડની તપાસ જરુરથી કરાવો.

જો તમને સામાન્ય કરતા અલગ પ્રકારની શરદી થતી હોય તો તે થાઇરૉઇડ બિમારીનું સંકેત છે કારણ કે થાઇરૉઇડ થવા પર વારંવાર શરદીની સમસ્યા રહેતી હોય છે.

શરીરમાં કમજોરી આવવાની સાથે સાથે ઘૂંટણનો દૂખાવો શરૂ થઈ જતો હોય છે. માસપેશિયો નબળી પડી જવાને કારણે શરીરમાં હળવો દુખાવો અને ખાસ કરીને ઘૂંટણનો દુખાવો રહે છે. આ સાથે પગની એડી ફાટી જતી હોય છે. તમે જેટલા પણ પ્રયાસ કરો છો તેની કોઈ અસર નથી થતી તો તમને થાઇરૉઇડ હોઈ શકે છે.

હાઈપોથાઈરોઈડથી ગ્રસ્ત લોકોનું વજન તેજીથી વધે છે, જ્યારે હાઈપરથાઈરોઈડમાં વિપરીત અસર જોવા મળે છે. તેમા વજન તેજીની સાથે ઘટતું હોય છે. શરીરમાં કૉલેસ્ટ્રોલનું સ્તર વધતુ-ઘટતુ રહે છે. જો તમને આમાની કોઈ પણ તકલીફ હોય તો પહેલા થાઇરૉઇડનું ચેક-અપ કરાવો.

તમને જો આમાંથી કોઇ સમસ્યા ન હોય તો પણ વર્ષમાં એકવાર થાઇરૉઇડની તપાસ જરૂર કરાવવી જોઇએ. તેમાં પણ ખાસ કરીને મહિલાઓને તો અચૂક કરાવવી જોઈએ.

તમને જો આ બીમારી છે તો દર છ મહિનાના અંતરે ટેસ્ટ કરાવ્યા પછી ડોક્ટરની સલાહ મૂજબ નિયમિત રૂપથી દવા લેવી, જેનાથી શરીરમાં હોર્મોન્સનું સ્તર જળવાઈ રહે.

તમે જ્યારે પણ બેબી પ્લાન કરો તે પહેલા એકવાર થાઈરોઈડની તપાસ કરાવવી અને જો થાઈરોઈડની સમસ્યા છે તો તેને કંટ્રોલ કરવાનાં પ્રયત્ન કરવા. જો તમે આ બીમારીમાં પ્રેગનેન્સી દરમિયાન કોઈ પણ પ્રકારની બેદરકારી કરશો તો એનિમિયા, મિસકેરેજ, જન્મ બાદ બાળકની મૃત્યુ તથા બાળકને જન્મજાત માનસિક રોગ જેવાં રોગ થઈ શકે છે. ડૉક્ટર જણાવે તે પ્રમાણે દવાનું સેવન કરવું અને સમયે સમયે તપાસ પણ કરાવતા રહેવું.

થાઇરૉઇડમાં આટલી વસ્તુઓ ન ખાવી :

કૉફી

કૉફીથી સીધી રીતે થાઈરોઈડ નથી વધતુ, પરંતુ કૉફી એ મુશ્કેલીઓને વધારે છે જે થાયરોઈડને કારણ ઉદ્ભવે છે. જેમ કે બેચેની અને પૂરતી ઉંઘ ન આવવી. એટલે ડૉક્ટર પણ કહે છે કૉફીથી દૂર રહેવું.

આલ્કોહોલ

આલ્કોહોલ એટલે દારુ, જે શરીરનાં એનર્જી લેવલને ડિરેક્ટલી અસર કરે છે. આનાથી થાયરોઈડ ગ્રસ્ત લોકોને ઉંઘની સમસ્યા વધી જાય છે. દારુ કોઈનાં માટે પણ સારી નથી, તેનાથી શરીરમાં મેદસ્વીતાનું પ્રમાણ પણ વધે છે.

વનસ્પતિ ધી

ભારતમાં સામાન્ય રીતે વનસ્પતિ તેલ એટલે ડાલડા ધી ગણાય છે. આ ધીને ખરેખર તો વનસ્પતિ તેલને હાઈડ્રોજનમાં પસાર કરીને તૈયાર કરવામાં આવે છે. આ ધીનો ઉપયોગ ખાવા-પીવાની જગ્યાઓએ ખૂબ જ થાય છે. આનાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ નાશ પામે છે અને ખરાબ કોલેસ્ટોલનું પ્રમાણ વધે છે. થાઈરોઈડની સમસ્યાને વનસ્પતિ ધી અત્યંત વધારે છે.

લાલ માંસ

જે લોકો નૉન-વેજ ખાય છે તેમણે તો રેડ મીટ (લાલ માંસ) બિલકુલ પણ ન ખાવું જોઈએ. રેડ મીટમાં કૉલેસ્ટ્રોલ અને સેચુરેટેડ ફેટની માત્રા વધારે હોય છે. જેને કારણે વજન ઝડપથી વધે છે. થાઇરૉઇડ વાળા લોકોને આમે વજનની સમસ્યા વધારે નડતી હોય છે. આ સિવાય રેડ મીટ ખાવાથી થાઇરૉઇડનાં દર્દીનાં શરીરમાં બળતરા પણ થતા હોય છે. હા, તેઓ ચીકન વગેરે ખાઈ શકે છે, તેમાં પણ ખાસ ચીકન બ્રેસ્ટમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે અને તેનાથી ફેટ વધાવાની તકલીફ નથી રહેતી.

આ ખોરાક ખાવા ઉપર વધારે ધ્યાન આપો : 

થાઇરૉઇડના દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. માછલીમાં વધુ માત્રામાં આયોડીન હોય છે. સામાન્ય માછલીઓની સરખામણીએ સમુદ્રી માછલીઓમાં આયોડીન વધુ હોય છે. માટે સેલફિશ અને ઝીંગા જેવી સમુદ્રી માછલીઓ ખાવી જોઇએ જેમાં વધુ માત્રામાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે.

લોટ કે પીસેલા અનાજથી તુલનાએ અનાજમાં વધુ માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઇબર હોય છે. અનાજમાં વિટામિન બી અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે જે ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જૂના ભૂરા ચોખા, જવ, બ્રેડ, પાસ્તા અને પોપકોર્ન ખાવા જોઇએ.

ફળ અને શાકભાજીમાં એન્ટીઑકિસડન્ટનું પ્રાથમિક સ્ત્રોત હોય છે જે શરીરને રોગોથી લડવાની ક્ષમતા આપે છે. શાકભાજીમાં ફાયબરનું પ્રમાણ પણ સારું હોય છે, જે પાચન ક્રિયાને મજબૂત રાખે છે, જેનાથી ખાવાનું સારી રીતે પચે છે. લીલા અને પત્તાવાળી ભાજીઓ થાઇરૉઇડ ગ્રંથિની ક્રિયાઓ માટે ઉત્તમ હોય છે. લાલ અને લીલા મરચા, ટામેટા અને બ્લૂબેરી ખાવાથી પણ શરીરને  વધારે માત્રામાં એન્ટીઑકિસડન્ટ મળે છે.

દુધ અને દહીમાં પર્યાપ્ત માત્રામં વિટામિન, મિનરલ્સ, કેલશિયન અને અન્ય પોષક તત્વો હોય છે. દહી ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પ્રોબાયોટિક્સ થાઇરૉઇડ રોગીમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

ચીકન, અખરોટ, ડુંગળી તથા સરસવનાં બીજ પણ ખાવાથી થાઇરૉઇડને કંટ્રોલ કરી શકાય છે. બદામ, ચીઝ મશરુમ, દહી, બાજાર, નારિયેળ, સોયાબીન, મગ, બ્રાઉન રાઈસ, પાલક અને અન્ય લીલા શાકભાજી ખાવાથી પણ ફાયદો થાય છે.

થાઇરૉઇડનાં દર્દીએ ડાયેટ ચાર્ટનું પાલન કરવાની સાથે સાથે નિયમિત રીતે કસરત અને યોગ પણ કરતા રહેવું જોઈએ. આ બીમારીને જડ મૂળથી કાઢવા માટે સૌથી પહેલા તો ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ દવાઓ નિયમિત રુપે લેવી અને ત્યાર બાદ ઉપર જણાવેલ માહિતીને ધ્યાનમાં રાખવી.

આ સિવાય દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ. પાણી વધારે માત્રામાં પીવાથી શરીરમાં જામી રહેલ કચરો બહાર નીકળી જાય છે. થાઇરૉઇડ હોય તે વ્યક્તિ માટે ગાયનું દૂધ પણ બેસ્ટ છે. ક્સરત અને યોગા રોજ કરવાનું રાખો, તેનાથી શરીર ફીટ રહેશે અને થાઇરૉઇડ વધવાની શક્યતા પણ ઘટે છે.

આટલી વાતોનું અવશ્ય ધ્યાન રાખો :

સર્વાંગાસન, વિપરિતકર્ણી, હલાસન, મત્સયાસન, ઉસ્ત્રાસન, સૂર્ય નમસ્કાર, ભૂજંગ આસન, સેતૂબંધ સર્વાંગાસન, સિરશાસન અને ધનુરઆસન પણ કરી શકો છો. આ સાથે પ્રાણાયામ પણ થાઇરૉઇડનાં દર્દીઓ માટે ઉત્તમ છે. હા, પણ જ્યારે તમે યોગ કે પ્રાણાયામ તમારા ઈન્સ્ટ્રક્ટર જે તમને યોગ શિખવાડે છે તેમને થાઇરૉઇડની બીમારી જણાવીને પછી જ આગળ વધજો, કારણ કે અમુક આસનો થાઇરૉઇડનાં દર્દીઓને નૂક્સાન પહોંચાડી શકે છે.

થાઇરૉઇડનાં દર્દીઓ જે અતિવિકાસવાળા, નબળા હૃદયવાળા તથા અતિશય જાડા વ્યક્તિઓ છે તેમણે આસન તો ખાસ અનુભવીનાં માર્ગદર્શન વિના કરવું જ નહીં. કેટલાક લોકો કોઈપણ માહિતી કે જ્ઞાન વિના આસન કે પ્રાણાયામ કરતા હોય છે તેઓને થાઇરૉઇડની સમસ્યા વધી જતી હોય છે અને અમુક સમયે તો ગંભીર પરિણામો પણ ભોગવવા પડતા હોય છે.

જો તમને ગરદનનાં મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો ઈન્સ્ટ્રક્ટર દ્વારા સૂચિત આસન જ કરવા અથવા જો તમે ઘરે જાતે જ યોગ કે પ્રાણાયામ કરો છો તો અમૂક આસનો જ્યાં સૂધી મણકા કે ગળાની તકલીફ છે તે સમય દરમિયાન સુધી ટાળવા.

બાળકનાં જન્મ બાદ ત્રીજા કે પાંચમાં દિવસે બાળકની થાઈરોઈડની તપાસ જરૂર કરાવવી, જેથી સમયે જ બાળકમાં બિમારીનું યોગ્ય ઉપચાર થઈ શકે.

મિત્રો, થાઇરૉઇડની સમસ્યા શરૂઆતનાં દિવસમાં તો સાવ સામાન્ય લાગતી હોય છે, જેમાં ગળાના ભાગમાં એક નાની ગાંઠ હોય છે. પરંતુ બેદરકારીના કારણે આ ગાંઠ વધારે વિકસે છે અને તેને કારણે ગંભીર પરિણામનો સામનો કરવો પડે છે. શરૂઆતમાં જ જો આની સારવાર કરવામાં આવે તો થાઇરૉઇડ ગ્રંથી નિયંત્રણમાં રહે છે. તમે પણ આ માહિતીને ધ્યાનમાં રાખો અને અન્યને પણ મદદ થાય તે માટે શેર કરવાનું ભૂલતા નહીં.

ટીપ્પણી