ટામેટાં પૌંઆનો સલાડ – આ સલાડ એકદમ લો કેલેરી ને ખાવામાં હેલ્ધી હોવાથી રોજ જમવામાં બનાવો

ટામેટાં પૌંઆનો સલાડ

આપણે ઘણી બધી પ્રકાર ના સલાડ બનાવતા હોઈએ છે. અને આપણા ભોજન માં ચોક્કસ થી કોઈ પણ એક સલાડ રોજ લેવો જોઈએ કેમકે તેમાં ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે અને સલાડ માં કેલરી ઓછી હોવાથી તમને વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે.

ટામેટાં એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાં હાર્ટ પ્રોબ્લેમ અને કૅન્સર સામે રક્ષણ આપે છે..સ્કિન અને વાળ ને પોષણ આપે છે.ટામેટાં ચરબી ઘટાડવા માં મદદરૂપ છે અને બીજા પણ ઘણા ફાયદાઓ છે.

આ સલાડ નાનપણ થી મારો ફેવરિટ છે. બધા સલાડ કરતા અલગ અને સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી એવા ટામેટાં પૌઆ સલાડ ની રેસિપી આજે લઇ ને આવી છું.

સામગ્રી:-

 • 4 નંગ લાલ ટામેટાં,
 • 1 1/2 કપ પૌઆ,
 • 1 ચમચી સૂકા ટોપરાનું છીણ,
 • 4 ચમચી સિંગદાણાનો ભૂકો,
 • ચપટી હિંગ,
 • 1/8 ચમચી હળદર,
 • 1/2 ચમચી મરચું,
 • 1/2 લીંબુનો રસ,
 • 2 ચમચી ખાંડ,
 • 1 ચમચો ઝીણી સમારેલી કોથમીર,
 • ચપટી ગરમ મસાલો.

રીત:-

સૌ પ્રથમ પૌઆને પાણી 2 -3 વાર ધોઈ લો. અને પછી ચારણીમાં નીકાળીને 5 મિનીટ માટે પાણી નિતરવા દો.

ત્યારબાદ આ પૌઆને એક બાઉલમાં લો અને તેમાં મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, મરચું, ખાંડ,લીંબુનો રસ, ટોપરનું છીણ, સિંગદાણાનો ભૂકો અને કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

હવે ટામેટાંનો ઉપરનો જરાક ભાગ નિકાળી દો . બીજી બાજુ પર + આકારનો કાપો ટામેટાં ના 3/4 ભાગ સુધી મુકો. આપણે કટ કરેલા ટામેટાંમાં ઉપર બનાવેલા પૌઆનું સ્ટફિંગ દાબીને ભરવાનું છે. સ્ટફિંગ કરવામાં ટામેટાં ખુલી ના જાય તેનું ધ્યાન રાખો. બધા ટામેટાં ને આવી રીતે સ્ટફિંગ કરી લો. અને બાઉલ માં મૂકી દો.

15 – 20 મિનીટ આ સલાડને રેસ્ટ આપો. આવું કરવાથી ટામેટાં નો રસ પૌઆ માં ઉતરશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની જશે અને આ સ્ટફ્ડ ટામેટાં જોડે થોડા વધારાના મસાલા કરેલા પૌઆ પણ સર્વ કરો.

તૈયાર છે ટામેટાં પૌઆ નું સલાડ.. તમે ઈચ્છો તો આ ખાઈ ને એક ટાઈમ નું જમવાનું પણ સ્કીપ કરી શકો છો.

નોંધ:- ટામેટાં અતિશય કાચા કે પાકા ના લેવા.  પૌઆ અતિશય કોરા કે બહુ પાણી વાળા નહિ લેવાના કેમકે નહીં તો સલાડ કાચો અથવા પાણી વાળો લાગે. તમે ખટાશ કે ગળપણ વધુ કે ઓછું કરી શકો છો. લીલાં મરચાં પણ ઉમેરી શકાય છે. ચોક્કસ થી એકવાર બનાવો આ સલાડ …

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી