તમારે સમાજમાં મારી બદનામી કરાવી છે, તમને કમી શું છે અહિયાં… કેમ એક પિતાએ કર્યો આવો નિર્ણય…

“ઓ દિપક ઉઠો હવે !! કેટલું ઉંઘશો?? જુઓ તો ખરા સાડા આઠ થવાના મને તો એમ થાય છે કે હું ના ઉઠાડું તો તમે ક્યાં સુધી ઉંઘ્યા કરશો?? ચા બનાવું છું સાથે પીવી છે કે હું એકલી જ પી લઉ પછી કહેતા નહિ કે એકલા ચા પીવાની મજા ન આવી… આ રીટાયરમેન્ટ પહેલાં તો બહુ જ ડંફાસો મારતાતા એકવાર રીટાયર થઈ જાવ એટલે બધો સમય તારો જાગુ. પણ એમાં ઉંઘવામાં કેટલો સમય લેશો તે તો કહ્યું જ નહિં… સાથે ગાર્ડનમાં વોકીંગ કરવા જઈશું, મંદિરે જઈશું ક્યારેક ક્યારેક સવારની તાજગી માણવા સવારમાં જ લોંગ ડ્રાઇવ પર સુરજની જાહોજલાલી જોવા નીકળી જઈશું. અરે! આવા તો કેટલાં દિવાસ્વપ્ન બતાવેલા, તમને કહું છું ક્યારેક તો ઉગતા સુરજનાં દર્શન તો કરો… ઉઠો જોવો ટેબલ પર ચા રાખું છું.”


પત્નિ જાગુ બહેનનાં રોજનાં આવા મીઠા ઠપકા સાથે ઉઠવા ટેવાયેલા દિપકભાઈ આંખો ચોળી ઊઠી જાય છે પણ આ શું? હજી તો માત્ર ચાર જ વાગ્યા છે આજે ફરી વહેલી ઉંઘ ઉડી ગઈ જેમ તેમ કરી દિપકભાઈ પાછા ઉંઘી ગયા. સવારનાં આઠ વાગ્યે ફરી એ જ અવાજ સંભળાય છે અને દિપકભાઈ ઝડપથી ન્હાયને કપડા બદલીને બહાર આવવા નીકળે છે. ત્યાં જ, “અરે ! દિપક તમે ક્યારેય નહિ સુધરો રોજ રોજ આ ભીનો ટુવાલ બેડ પર કેમ મૂકી દો છો?” આટલું ધ્યાનમાં આવતા દિપકભાઈ ગેલેરીમાં ટુવાલ સુકવીને ચા પીવા ટેબલ પાસે આવે છે અને ખુરશી પર બેસે છે.

બેસતાની સાથે, “જો આજે પાછા એમ જ બેસી ગયા, હમણાં ચા પીતા પીતા મને ઊભી કરશે અને કહેશે, જાગુ… જરા પેપર આપને, હું ભુલી ગયો. ચા પીતા પીતા પેપર વાચવાનો આનંદ જ અનેરો છે અને તે પણ તારા હાથની ચા…. એટલે બસ વાહ…!!” આવા કઈંક શબ્દ કાનમાં ગુંજ્યા અને વળી પાછા પોતાની જાતને દિપકભાઈ પેપર લેવા જાય છે. એક હાથમાં પેપર છે પણ બીજા હાથમાં ચા નથી.


ટેબલ પર પણ ચા નથી, ખુરશી પર જાગુ નથી, ઘરમાં કોઈ ‘જય શ્રી કૃષ્ણ‘ કે ‘ગુડ મોર્નિંગ‘ કહેવાવાળી વ્યક્તિ નથી. ટેબલ પર રોજની જેમ ચિઠ્ઠી પડેલી છે, “ પપ્પા! અમે ઓફિસ જઈએ છીએ. વીર સ્કુલે નીકળી ગયો છે, , ચા બનાવીને પી લેજો, જમવાનું બનાવીને ઓવનમાં રાખ્યું છે બપોરે ગરમ કરીને જમી લેજો, ટેક કેર… સાંજે મળીએ.

“ ચિઠ્ઠી વાંચી આંખમાં ઝળઝળિયાં સાથે દિપકભાઇની કરચલીવાળી આંખો સામી દિવાલે સુખડનો હાર ચઢાવેલ જાગુબેનનો ફોટો જોઈ રહી જાણે ઘરની દરેક બાબતમાં જાગુબેનની હાલતી ચાલતી યાદો દિપકભાઇને એક પળ પણ જાગુબેનને ભુલવા નથી દેતી. દિપકભાઈનો દિકરો દિશાંત અને વહુ દિશા બંને એક જ કંપનીમાં ખૂબ સારી પોસ્ટ પર નોકરી કરતાં હતા. બંને જોબ કરતા હોવાથી દિકરા વીરને શહેરની એક સારી ડે સ્કૂલમાં દાખલ કરેલો જેથી કોઈ અગવડ ન પડે, દિપકભાઈ રિટાયર્ડ સરકારી કર્મચારી હતા.


દિપકભાઈની સવાર જાગુબેનનાં મીઠા ઠપકાનાં વહેમ સાથે થતી બાકી જાગે ત્યારે ઘરમાં હોય ફક્ત દિપકભાઈ, તેમની એકલતા અને જાગુબેનની યાદો. સરકારી નોકરી હોવાથી દિપકભાઈ પોતાના મુળ વતન અને સંબંધીઓથી દૂર રહીને બીજાં શહેરમાં નોકરી કરતા આથી શહેરમાં સંબંધીઓ પણ ખૂબ ઓછા હતાં. આજુ બાજુમાં પણ તેમની ઉંમરમાં, વાતમાં સાથ આપે તેવા વડીલો કોઈ હતા નહિ. આખો દિવસ શું કરવું..? ક્યાં જવું ? કોની સાથે બોલવું ? સમય કેમ પસાર કરવો એ દિપકભાઈ માટે યક્ષ પ્રશ્ન હતો. ચાર પાંચ મિત્રો હતા પણ બધાનાં ઘર વચ્ચે ખૂબ અંતર હતું અને રોજ રોજ કયાં મિત્રને ત્યાં જવું? આખો દિવસ પેપર કે અલગ અલગ પુસ્તકો વાંચવામાં અને હરી ફરી ટી.વી.ની ચેનલો બદલી મન પરોવવાની મથામણમાં દિવસ માંડ નીકળતો.

સાંજે ઘડીક વાર બગીચામાં જતાં અને ટુંકા પરિચય વાળાં અમુક મિત્રો સાથે વાતચીત કરી ઘરે આવી જતાં. સાંજે છ વાગ્યે દિપકભાઈ એમ વિચારી ખુશ થતાં કે બસ, હવે થોડીકવારમાં દિશાંત-દિશા અને વીર આવશે એટલે સમય ખુશી ખુશી પસાર થશે પણ જેવા આ ઘરનાં એ પંખીઓ ઘરે આવે કે સમય સિવાય ઘણું બધું સાથે લાવે. દિશા આવીને સાંજની રસોઈ તથા બીજા નાના મોટા કામ આટોપવામાં લાગી જતી, જેવા દિશાંત સાથે વાત કરવા જાય કે જવાબ મળતો, “ પપ્પા ખૂબ થાકી ગયો છું થોડી વાર પછી વાત કરીએ.” વીરને આવીને હોમવર્ક કે પ્રોજેક્ટ્સ કંઈને કંઈ બીજું કામ હોય છતાં દાદા સાથે થોડીવાર ફ્રેશ થતો. ડીનરનો ટાઈમ ત્રણેય જણ માટે પોતાનાં ડે-આઉટનાં ડિસ્કશનનો હતો એમાં કંઈ બોલવા કે કહેવા ઈચ્છતા દિપકભાઈ ફક્ત સાંભળવાનું જ કામ કરી શકતાં.


જમ્યા પછી ફેમીલી ટાઈમ હતો પણ એ ટાઈમ દિશાંતનાં બેડરૂમમાં દિશા અને વીર માટે હતો તેમાં દિપકભાઇ પોતાને ફીટ ન્હોતા કરી શકતાં. ઘરની આવી રીત પહેલા પણ હતી પણ જાગુબેનની હાજરીના લીધે દિપકભાઇનું ક્યારેય ધ્યાન ન દોરાયું.

શનિ રવિનો વીકેન્ડ છે હૈયે ધરપત છે કે ઘર બે દિવસ તો બોલતું ચાલતું રહેશે, હાશ ! બે દિવસ હું એકલો નથી !! પણ ઊઠ્યા ત્યારથી પરેશાન છે ચશ્મા મળતા નથી એવામાં વેદ આવ્યો અને દિપકભાઈએ કહ્યું, “ અરે ! દિકરા જોને સવારથી મારા ચશ્મા મળતા નથી, પેપર કેમ વાંચુ?”
“તમારા ચશ્માની મને ક્યાંથી ખબર હોય, પપ્પા ? જુઓને તમે જ ક્યાંક મુક્યા હશે અમે તો ઘરે હોતા નથી.” પેપેર વાંચતા વાંચતા દિશાંત બોલ્યો અને સાથે કહ્યું, “ પપ્પા બે દિવસ રજા છે તો અમે નજીકના બીચ પર ફરવા જઈએ છીએ તો બે દિવસ જરા એડ્જસ્ટ કરી લેજો ને !!” દિશાંત બોલ્યો.

બે દિવસના લાંબા બિહામણા સમયનું સાંભળી એકલતાથી ડરી ગયેલા દિપકભાઈ બોલી ઉઠયા “ બે દિવસ !! ઓહ..બે દિવસ એકલો હું શું કરીશ બેટા કોઈ વાંધો ન હોય તો હું પણ આવું બેટા ?” દિપકભાઈ બોલ્યા. અરે પપ્પા અમે બીચ પર જઈએ છીએ, મંદિરે નહિ… જાત્રામાં જતાં હોતતો તમને જરુર લઈ જાત… ત્યાં બીચ પર તમે શું કરશો? સમજોને પપ્પા… તમારી સાથે ફરી ક્યારેક જઈશું. અમારો પ્રોગ્રામ બની ગયો છે બે દિવસ જ તો છે આમ ચપટી વગાડતા નીકળી જશે.” દિશાંત બોલ્યો.


શનિ રવી રજાનો હરખ પાણીના પરપોટાની જેમ ઓસરી ગયો ત્યાં જ અચાનક, “ આમ ગમે ત્યાં ચશ્મા તમે મુકી દો અને શોધવાના મારે, આખો દિવસ બસ.. જાગુ મારાં ચશ્મા ક્યાં ? મારો કુર્તો ક્યાં મૂક્યો છે? મારી પેન મળતી નથી. આખો દિવસ મારે તમારી વસ્તુઓ જ શોધ્યા કરવાની ? જુઓ ચશ્મા ટી.વી.ની બાજુમાં જ પડ્યા છે.” જાણે પોતાની વસ્તુઓ શોધવા ટેવાયેલા જાગુબેન દિપકભાઈનાં માનસપટ પર આવીને હાજરી પુરાવી ગઈ.

બસ આમ જ એકલતા, ઉદાસી અને જીવનસાથીની યાદમાં ઝૂરતા દિપકભાઈ સમયને પસાર નથી કરતા પણ સમયનો ભાર ઉંચકીને ઉંમર ઓછી કરી રહ્યાં છે જાગુબેન વગરનુ જીવન એવા કિનારામાં ફેરવાઈ ગયુ હતુ જયાં તેમની યાદો ભરતીની જેમ અવિરત આવતી તો રહેતી પણ ઓટ બનીને હ્ર્દયમાંથી જતી ન હતી જેવી રીતે ભરતીના મોજા સાથે અથડાઈને કિનારાના પથ્થરો ધીમે ધીમે ચુર ચુર થઈ જાય છે તેમ દિપકભાઈનુ જીવન આ યાદોમા ઝુરી ઝુરીને ક્ષીણ બની રહ્યુ હતુ.

એવામાં જાગુબેનની વરસી આવી . દિપકભાઈ જાગુબેનની વરસી પર દિશાંતને કંઈક સારું કામ કરવા કહે છે. “ પપ્પા શહેરના વૃધ્ધાશ્રમમાં રસોઈ આપીએ તો કેવું?” વેદે સુચન આપ્યુ. દિપકભાઈને સૂચન ગમ્યું અને દિપકભાઈ સપરિવાર વૃધ્ધાશ્રમની મુલાકાતે જાય છે. આશ્રમનાં ગાર્ડનમાં તેમની જ ઉંમરનાં ઘણાં બધા વડીલો સાથે બેસીને વાતચીત કરી રહ્યાં છે, હસી મજાક અને ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે, દિપકભાઈ નજીક જાય છે, અરે..! આ શું ? આ તો નિર્મલ હતો. દિપકભાઈનો જુનો મિત્ર, મિત્રને જોતાં જ વર્ષો પછી મળ્યાનો આનંદ ચહેરા પર છલકી ગયો. ઘણાં સમયે મળ્યાં તો ઘણી જુની યાદો તાજી થઈ ગઈ અને સાથે તાજગી અને આનંદથી ખીલી ઉઠ્યા દિપકભાઈ.


સાથે સાથે દિપકભાઈએ નિર્મલ પાસે અફસોસ પણ વ્યક્ત કર્યો કે નિર્મલને વૃધ્ધાશ્રમમાં રહેવું પડે છે. પણ નિર્મલભાઈને તેનો કોઈ જ અફસોસ ન હતો. તેમણે ખૂબ જ રાજી ખુશીથી દિપકભાઈને કહ્યું, ”દિપક આ ફક્ત વૃધ્ધાશ્રમ નથી પણ પોતાના બાળકોના વ્યસ્ત સમયપત્રકમાં ખોવાઈ ગયેલા, કોઈક મનથી મરી પરવારેલા, તો કોઈ જીવનસાથીના સાથ વગરનાં એકલા અટૂલા ભાંગી પડેલા કેટલાય હૈયાઓનો મેળો છે. આપણે જીંદગી ખર્ચી નાંખીએ સંતાનોને સુખી સંપન્ન બનાવવા પણ આપણું સુખ એમના સમયને આધીન બની જાય છે, તેને જીવનમાં તકલીફ ન પડે એટલે મોટા આલીશાન ઘર બનાવીએ પણ સમય જતાં તેમાં આપણા માટે જ જગ્યા હોતી નથી.

ભૌતિક સુખ સગવડની આંખો આંજી નાખતી એમની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં આપણી ધીમી ગતિ આપણને ક્યાંય પાછળ રાખી દે છે અને કાયમ સમયની ખેંચતાણમાં રહેતા આપણા સંતાનો આપણે માટે કાયમ સમયપત્રક માં પૂરાતી પ્રેઝન્ટનાં P જેવા બની જાય છે જે કાયમ હાજર તો હોય છે પણ એટીટ્યૂડથી હંમેશા એબ્સન્ટનાં A જેવા જ હોય છે. આવા સહવાસનો શો ફાયદો? સાથે રહી એકબીજાના ચહેરા જોયાનો આનંદ જરૂર થાય પણ એ આનંદ તો આઠ દસ દિવસે અહિં પણ મળે છે તો એ 10 મિનિટના મુખ દર્શન માટે આપણા સંપૂર્ણ સમયની બલિદાની શા માટે? આપણે વૃધ્ધ થયા છીએ મૃત નહિ..


હાથ –પગ છે જે ચાલે છે, મગજ છે જે વિચારે છે, હ્રદય છે જે લાગણી ઝંખે છે, તો કેવી રીતે પોતાની જાતને ઘરની ચાર દિવાલોમાં એક મુક પ્રાણી બનીને કેદ કરી લઈએ. અહિં મારા જેવા કેટલાય મિત્રો મળ્યાં જીવન જીવવા માટે, બોલવા, ચાલવા, હસવા રડવા માટે સાથી મળ્યા. જીવનની દરેક ક્ષણનો આનંદ લઉં છું… હાં..! ક્યારેક ઘર પરિવાર યાદ આવે છે ત્યારે રડી પણ લઉં છું પણ એ રડ્યા પછી ફરીથી જીવનમાં આવવાનું કારણ મળે છે, અમે બધા જ દિવસ સુંદર રીતે પસાર કરીએ છીએ વાતો કરીએ, હરીએ ફરીએ, રમતો રમીએ છીએ, ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. જીવનસાથીનાં ગયા પછીનો ખાલીપો તો ક્યારેય નથી ભરી શકાતો પણ સંતાનોની ઊપેક્ષા અને અપેક્ષા જરૂર ભૂલી શકાય છે.”

નિર્મલભાઈની વાતો સાંભળી પોતાનું કામ પતાવી દિપકભાઈ ઘરે આવ્યાં. નિર્મલભાઈની વાતો હજી પણ મનમાં મગજમાંથી જતી નથી બે દિવસ વિચાર કર્યા પછી રવિવારની સાંજે દિપકભાઈએ દિકરા વેદ અને વહુને બોલાવી પોતાનો નિર્ણય સંભળાવ્યો. “હાં.. વેદ… તું સાચુ જ સાંભળે છે મારે વૃધ્ધાશ્રમ જવું છે.” અપેક્ષા પ્રમાણે વેદ ખૂબ ગુસ્સે થયો અને બોલ્યો,” અહીં ઘરે તમને શું કમી છે..? શું અમે તમારુ ધ્યાન નથી રાખતાં..? સમાજમાં મને બદનામ કરવો છે? ઘરે તમને શું કમી છે અને ત્યાં એવા શું હીરા જડયા છે અરે લોકોને તેમના સંતાનો રાખવા પણ રાજી નથી અને તમને આટલુ સુખ છે તો પણ ત્યાં જવુ છે?”


“ના..બેટા… મને કોઈ વસ્તુની કમી છે એટલે કે પછી તમે હેરાન કરો છો એટલે મારે ત્યા જવું છે એવુ નથી તમે તો મારું ખૂબ ધ્યાન રાખો છો. તારી મમ્મીના ગયા પછી તો તમે મને કોઈ વસ્તુની કમી નથી પણ મારે જે જોઈએ છે તેની તમારી પારે ખૂબ તંગી છે. ઉંમરના આ પડાવે જ્યારે તારી મમ્મી મને એકલો છોડીને ચાલી ગઈ છે ત્યારે મને પણ કોઈના સાથની, સહવાસની, બોલવા-ચાલવા માટે સાથીની, મિત્રની જરૂર છે. સમાજને સારુ લગાડવા હું આખો દિવસ ઘરમાં શો પીસની જેમ ન રહી શકુને…? કેટલા પુસ્તકો વાચુ..?કેટલું ટી.વી. જોઉ? આખો દિવસ શું કરું?

ઘરની દરેક ચીજોમાંથી છલકતી તારી મમ્મીની યાદો પળ પળ મને મારે છે, તારી મમ્મી હતી ત્યાં સુધી મારા જીવનમાં હરિયાળી છવાયેલી હતી પણ તેના ગયા પછીનું જીવન એકલતાનું વેરાન વન બની ગયું છે. વાતો છે પણ સાંભળનાર કોઈ નથી, આંસુ છે પણ લુછનાર કોઈ નથી, લાગણીઓ છે પણ સમજનાર કોઈ નથી. મોત આવશે ત્યારે જરૂર મરી જઈશ પણ બાકી છે એટલી જીંદગી ભરપૂર જીવવી છે, રોજ રોજ થોડું થોડું મરવા કરતાં ત્યા મારા જેવા એકાંકી જીવો સાથે જેટલી પણ જીંદગી જીવી શકાય તે આનંદપૂર્વક જીવવી છે.


તારી મમ્મીના ગયા પછી તમે મારી સાથે ટાઈમ પસાર કરો એની વેઈટ જ કરી છે પણ હવે મારા જેવા બીજા સાથીઓ સાથે સેટ થવું છે. મને કહેવામાં, જણાવવામાં જરાય સંકોચ નથી કે, “ હાં… મારે વૃધ્ધાશ્રમમાં જવું છે.”

લેખિકા : નિશા રાઠોડ

શું લાગે છે આ પિતાએ જે નિર્ણય કર્યો એ બરાબર કર્યો કે નહિ ? જણાવજો જરૂર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ