ઉછેર – અને તમે ધડકતા હૈયે તમારી દીકરીના લખેલા પત્રને ઉઠાવ્યો અને તેમાં લખેલું હતું કે…

તમે હેરત પામી ગયાં ને જેનબ ? જ્યારે એક દિલ બીજા દિલ સાથે ટકરાય છે ત્યારે કેવા હાલ થાય છે? સિત્તેરના દાયકામાં તમે પણ કોલેજીયન કહેવાતાં હતાં. ઘરથી કોલેજ દોઢથી બે કિલોમીટર દૂર, મોટાભાગના કોલેજીયનોની જેમ તમે પણ ચાલતાં કોલેજ જતાં. એક બે બહેનપણીઓ ખરી પણ તેઓ સાઈકલ પર જતી અને તમે ઘરેથી નીકળી નીચું મોં રાખી રસ્તામાં કોઈની સામે નજર નાખ્યા વગર એક ધારી ચાલે કોલેજ પહોંચી જાતાં.

કોલેજમાં ફ્રી પિરિયડ કે રિસેશમાં તમારી કેટલીક ફ્રેન્ડઝ કેન્ટીનમાં મજા માણતી હોય , કોલેજના બોટની-ગાર્ડનમાં તેમના બોય ફ્રેન્ડ સાથે બેઠી હોય કે લાયબ્રેરીમાં બેઠી હોય ત્યારે તમે લેડીઝ-રૂમમાં બેસી રહેવાનું પસંદ કરતાં જેનબ. તમારા આવા રિઝર્વ સ્વભાવને કારણે કોલેજના વાર્ષિક ઉત્સવના ફિસપોન્ડના કાર્યક્રમમમાં તમને ” ફાધર ઓફ ધ લડિઝ રૂમ”,ની કોમેન્ટ મળેલી. ખરુંને જેનબ ? યાદ છે ?આ કાર્યક્રમના સંચાલક કોણ હતા ? જી હા તે ! ગુજરાતીના ટ્યુટર મી.અસદુલ્લાખાન હતા.

હા. આ , એજ ટ્યુટર જેનો એક પણ પિરિયડ એટેન્ડ કરવાનું તમે ચૂકતાં નહીં.એમનો ગુજરાતી કવિતા કે ગઝલનો રસાસ્વાદ ચાલુ થાય ત્યારે આખા વર્ગમાં પિનડ્રોપ સાયલન્સ છવાઈ જતી અને તે વખતે તમે ..જેનબ તમે જાણે કયાં ખોવાઈ જતાં જેનબ ! એક અદ્ભૂત ભાવ જગત ખડું થઈ જતું ! અને એ જગત તમને ક્યાં ને કયા ખેંચી જતું .

જેને ચોકલેટી બોય કહેવાય તેવું સોહામણું વ્યક્તિત્વ ધરાવતો એ યુવાન નોકરીમાં નવો જોડાયેલો હતો. વિશાળ પહોળું કપાળ, સાદી હેરસટાઇલ, ગોરો વાન અને છ ફૂટની ઊંચાઈ, કોટ-પેન્ટમાં સાયકલ સવારી કરી નોકરી આવતો . ક્યારેક રસ્તામાં તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે તેની સાયકલની ગતી આપો આપ ધીમી પડી જતી અને હવામાં માઇલ્ડ અત્તરની માદક સુગંધ પ્રસરી જતી. એ તમારી યાદ શક્તિમાં સચવાયેલું છે . જેનબ.

એ સોહામણા યુવાન માટે જાણે અજાણે તમારા દિલના ખૂણામાં થોડી જગ્યા ઊભી થઈ ગયેલી. એની ગેરહાજરીમાં પણ ક્યારેક તેની યાદ તમને આવી જતી. તેમ છતાં તમારા દિલમાં ઉઠેલાં સપંદન તમારા મનોજગત પુરતાં મર્યાદિત રહી જાતાં , જેનબ. હા એટલું ખરું કે કોલેજના સાહિત્ય મંડળે વરસ અંતે પાડેલ ગ્રુપ ફોટો આજેય તમારી પાસે સચવાયેલો પડ્યો છે ,એમાં ક્યારેક તમે ચુપકેથી અસદની તસ્વીર પર હળવી આંગળી ફેરવી આનંદ અનુભવો છો.

તમારા મનને ભાવતી એ મીઠી ભાવનાઓને તમે ક્યારેય તમારા વર્તનથી કે શબ્દોથી વ્યક્ત થવા દીધી ના હતી તેની પાછળનું કારણ હતું, તમારો ઉછેર, તમારી દીની સાથેની દુન્યવી તાલીમ.

તમારા અબ્બાજાન શહેરના એક પ્રતિષ્ઠિત વેપારી હતા એટલુંજ નહીં પણ એક નેક દિલ મુસલમાન હતા. નમાજ, રોજા, જકાત જેવાં ઇસ્લામનાં અરકાનોના પાબનધી હોવાને નાતે, નાત જાત કે ધર્મ જોયા વગર તે ગરીબ વિદ્યાર્થીઓ અને વિધવા ઓરતોને છુપી મદદ કરતા. આવા કુટુંબમાં તમારો ઉછેર થયેલો હોવાથી આવા નેક દીલ અબ્બાજાન અને અમ્મીજાન માટે તમને ભારોભાર માન હતું. તેઓની આશા-આકાંક્ષાઓને તમે ઇચ્છવા છતાં ક્યારેય ઉથાપી શકો તેવી હાલતમાં ના હતાં જેનબ.નિસ્વાર્થ લાગણીઓના બંધનથી તમે એવાં તો બંધાઈ ગયેલાં કે મા-બાપની લાગણીઓને જરા પણ ઠેસ ના પહોંચે તેનો તમે પુરેપૂરી કાળજી રાખતાં , જેનબ.

મા-બાપની પસંદગી ના અને તમારા નજીકના સગા જનાબ બદરૂદિન એડનવાલા સાથે આપનો નિકાહ થયેલો. એડનવાલા વર્ગ એકના સરકારી અધિકારી હોઈ આપને આપની વ્હાલસોઈ તમન્ના સાથે એક શહેરથી બીજા શહેરની ઓફિસર્સ કોલોનીમાં અને જુદા જુદા માહોલમાં રહેવાની ફરજ પડેલી જેનબ. 

સરકારની નોકરીની ભાગદોડમાં આપના શોહર બદરુદ્દીન એડનવાલા દીકરીના ઉછેરમાં પૂરતું ધ્યાન ના આપી શક્યા પણ તમેતો એની મા હતાં. જેનબ. તમારી વ્હાલસોઈ દીકરીને તમે તમારા જેવી સિત્તેરના દાયકાની કોલેજીયન સમજી લીધેલી. શ્રીમતી જેનબ એડનવાલા.પણ તમન્ના, તમારી દીકરી, એકવીસમી સદીની કોલેજીયન હતી, એનો તમને ક્યારેય ખ્યાલ આવ્યો નહીં. જેવી તમારી લાડલી તમન્નાની ફાઇનલ એક્ઝામ પૃરી થઈ તે પછીના અઠવાડિયે એ એના કોઈ ફ્રેન્ડની સાથે તમારું ઘર છોડીને ભાગી ગઈ.

* * * * * *
બે દિવસ સુધી રડી રડીને તમારી આંખો લાલ ઘુમ થઈ ગઈ હતી. ખાવાનું પણ ગળા હેઠળ ઉતરતું ના હતું . જ્યારે તમારા મિસ્ટર બદરુદ્દીન એડનવાલા તપાસ કરાવીને પણ ક્યાં તપાસ કરાવે .એ ભલાને એમનું સરકારી કામ ભલું એવું હતું એમને. એ પણ બેચેન થઈ ગયા હતા. એક માત્ર સહારો એ હતો કે તમન્નાએ ઘર છોડતાં પહેલાં ચિઠ્ઠી લખી હતી.

એણે સાફ સાફ લખ્યું હતું કે તેણે જે પગલું ભર્યું હતું તે પુખ્ત વિચારણાને અંતે ભર્યું હતું. પપ્પા- મમ્મીને મંજુર હશે તો તે યોગ્ય સમયે તેના પાર્ટનર સાથે એક વખત જરૂર મળવા આવશે. વગેરે…વગેરે . તનો સ્માર્ટ- ફોન તમામ ડેટા સાફ કરીને મૂકતી ગઈ હતી.

શ્રીમતી જેનબ એડનવાલા તમે ક્યાંક ભૂલ કરી હતી . તમારું મન માનતું ના હતું. તમે કેટલીયે રાતો બેચેનીભરી વિતાવી હતી. ઓફિસર્સ કોલોનીમાં ઘરની બહાર નીકળવાનું થતું ત્યારે તમે લાચારી અનુભવતાં હતાં.તમારા શરીરનો એક ટુકડો જુદો પડી ગયો હોય, તેવું દુઃખ તમે અનુભવી રહયાં હતાં. સમાજમાં બદનામી થઈ રહી હતી. પણ જે હકીકત બની ગઈ તે સત્ય હતી તેમાં કોઈ મીનમેખ થઈ શકે તેમ ના હતો. 

ખુબજ સ્માર્ટ કેરિયર ધરાવતી તમન્ના, કોઈ સાધારણ છોકરી ના હતી.ગ્રેજયુંએટ થતાં થતાં એને ત્રણ કોલેજો બદલવી પડી હતી છતાં તેની ક્ષમતામાં કોઈ ફરક પડ્યો ના હતો. તમારી જાણ બહાર તેનું પ્રેમ પ્રકરણ ક્યારથી ચાલતું હશે તેનો તમને અણસાર સુધ્ધાં આવવા દીધો ના હતો. તમન્નાનો પ્રેમજવર્ તમે પારખી શક્યાં ના હતાં. શ્રીમતી એડનવાલા.

તમારી ભુલોની પરંપરાઓનું પોસ્ટમોર્ટમ કરતાં કરતાં તમે એ તારણ પર આવ્યાં હતાં કે – એકતો તેના ઉછેર દરમ્યાન વારંવાર બદલાયેલ આજુબાજુનો માહોલ, પોતાના સમાજના સહવાસનો અભાવ, ધાર્મિક તાલીમની ઉણપ અને છેલ્લે કોમ્પ્યુટર, ટીવી અને સ્માર્ટ-સેલફોન જેવાં ડિજિટલ સાધનો પર સમગ્ર ઘટનાનું ઠીકરું તમે ફોડયું હતું. મિસિસ જેનબ એડનવાલા !

તે દિવસે આપના શોહર મી. બદરુદ્દીન એડનવાલાએ, આપના હાથમાં તમન્ના તરફથી આવેલ એક કવર મૂક્યું અને આપે ધ્રુજતા હાથે અને ભારે હૈયે તે વાંચ્યું હતું જેનબ. તેને ફોન કર્યો ના હતો પત્ર લખ્યો હતો. આવું કેમ કર્યું હતું. તમને પ્રસન થયેલો પણ જવાબ આપનાર કોઈ ના હતું.

પત્રમાં કોઈ પસ્તાવાના શબ્દો ના હતા. માફી માગી હતી.આપની સાથે સબંધ તો ચાલુજ રહેશે.તેનો હસબન્ડ મી. તૈમુરઅલીખાન ફોરેસ્ટ ઓફિસર તરીકે સરકારશ્રીની નોકરી કરે છે. પત્રનો આવો સાર હતો.પણ છેલ્લી કેટલીક લાઈનો થી આપના મનને ઘણી તસલ્લી મળી હતી, શ્રીમતી જેનબ એડનવાલા. એ લાઈનો હતી – ‘ મારા પપ્પાજી યાને કે મારા ફાધર ઇન લો મી.અસદુલ્લાખાન કોલેજના પ્રિન્સિપાલ છે.

તૈમુરને હું કોર્ટમાં લગ્ન નોધણી કરાવીને પપ્પાજી સામે પ્રસ્તુત થયાં હતાં તેથી તેઓ ચાહીને પણ અમારો વિરોધ કરી શકે તેવી હાલતમાં ના હતા . પપ્પાજીતો બસ મારી સામે એક ધારી નજરે જોઈ રહેલા. જાણે મારા ચહેરામાં કાંઈ શોધતા ના હોય ! . અને હા મમ્મી તારી પાસે જે કોલેજના સાહિત્ય મંડળનો ફોટો છે, એજ ફોટો અમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં પણ છે.એટલેકે હરતાં ફરતાં તું મારી નજર સામેજ હોય છે મમ્મી.’ બની શકેતો મને માફ કરજે મમ્મી’

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ