તમને બહુ એકલું લાગે છે? તો સાવધાન થઈ જજો!

દેશ અને દુનિયામાં એકલતા એ
ધીમે ધીમે ગંભીર બીમારીનું રુપ
ધારણ કરી રહી છે. જો તમને સતત
એવું થતું હોય કે ‘આઇ એમ ફીલિંગ લોન્લી’
તો સતર્ક થઇ જવાની જરુર છે.

માણસ ધીમે ધીમે ‘આઇસોલેટેડ’ થતો જાય છે.
લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું હોય તો તમારા
સંબંધોને શ્રેષ્ઠ અને સાત્વિક બનાવો.

સ્વિટ્ઝર્લેન્ડ ગયો હતો ત્યારનો એક કિસ્સો ટાંકવાનું મન થાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ અને આર્થિક રીતે પણ અત્યંત સંપન્ન આ દેશના લોકો તો કેવા સુખી હશે એવો વિચાર આવતો હતો. ફરતાં ફરતાં ત્યાંના એક સ્થાનિક વ્યક્તિના ઘર પાસે પહોંચ્યો. પિસ્તાલીસેક વર્ષનો એક માણસ પોતાના બગીચામાં પાણી પિવડાવતો હતો. હાય-હલો કરીને પૂછ્યું, તમારી સાથે થોડીક વાત કરી શકું? એણે ઘરમાં બોલાવ્યો. વાતો થઇ. મનમાં રમતો પ્રશ્ન પૂછી નાખ્યો. આટલો સરસ દેશ છે, અહીંના લોકો સુખી દેખાય છે. ખરેખર બધા સુખી છે? તમને કઇ વાતનું દુ:ખ છે? એ માણસે નાનકડો નિસાસો નાખીને એક જ શબ્દમાં જવાબ આપ્યો, એકલતા! લોન્લીનેસ! તેણે પછી વાત આગળ વધારી, તમે જુઓ, આખા ઘરમાં હું એકલો છું. મનને મનાવવા માટે બહુ મહેનત કરવી પડે છે!

જાંનિસાર અખ્તરની ગઝલનો એક શેર છે. ‘યે ઇલ્મ કા સૌદા યે રિસાલે યે કિતાબે, ઇક શખ્સ કી યાદો કો ભૂલાને કે લીયે હૈ’. ભલે એવું કહેવાતું હોય કે અકેલે હે તો ક્યા ગમ હૈ… પણ એકલતા જેવી પીડા, વેદના, દર્દ કે દુ:ખ બીજું કંઇ નથી. આઇ એમ ફીલિંગ લોન્લીની લાગણી ખતરનાક રીતે વધતી જાય છે. હું સાવ એકલો છું. મારી કોઇને જરૂર નથી. કોઇ મને પ્રેમ કરતું નથી. કોઇને મારી ચિંતા નથી. હું હોઉં કે ન હોઉં, કોને શું ફેર પડે છે? અમેરિકામાં થયેલો એક સર્વે એવું કહે છે કે, એકલતા એ સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારીનું રૂપ ધારણ કરતી જાય છે. અમુક મનોવિજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ તો ત્યાં સુધી કહે છે કે, સમગ્ર દુનિયામાં ‘એકલતાનો રોગચાળો’ ફાટી નીકળ્યો છે. ગૂગલ ઉપર ‘ફીલિંગ વેરી લોન્લી’નું સર્ચ વધતું જાય છે.

માણસ એકલો રહી શકતો નથી. એકાંત પણ એક હદથી વધુ સહન થતું નથી. આપણને બધાને કોઇક જોઇતું હોય છે. હસવા માટે, રડવા માટે, વાત કરવા માટે અને ઝઘડવા માટે પણ કોઇ જોઇતું હોય છે. અમેરિકામાં 45 વર્ષથી વધુ ઉંમરના 42 મિલિયન લોકો એકલતાની સમસ્યાથી પીડાય છે. આપણે ત્યાં આવા અભ્યાસો ઓછા થાય છે. એકલતાના કારણે માણસ આપઘાત કરવાની હદ સુધી જાય છે.

ડિપ્રેશનનું સૌથી મોટું કારણ એકલતા છે. આપણાં ઘણાં ઘરોમાં એકલતા કણસી રહી છે. અમેરિકાની બ્રિધમ યંગ યુનિવર્સિટીના પ્રોફેસર જુલિયન હોલ્ટ લુનસ્ટૈડ કહે છે કે લોકો સાથે જોડાયેલા રહેવું એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. જીવતા રહેવા માટે કોઇનું હોવું બહુ મેટર કરે છે.

માણસ ધીમે ધીમે ‘આઇસોલેટેડ’ થતો જાય છે. એક સમયે સંયુક્ત પરિવારો હતા. ઘર ખાલી ન રહેતું. વાતો કરવા, ગપ્પાં મારવા કે મજા કરવા કોઇ ને કોઇ મળી રહેતું. હવે જોઇન્ટ ફેમિલી લુપ્ત થતી કેટેગરીમાં આવી ગયું છે. પરિવારો નાના થઇ ગયા છે. એટલું જ નહીં, બધા પોતપોતાનામાં એટલા બધા બીઝી થઇ ગયા છે કે કોઇ પાસે કોઇના માટે સમય જ નથી. પહેલાં પાડોશીઓ સાથે બધાને ગાઢ સંબંધ રહેતો હતો. હવે પાડોશી સાથેના સંબંધો કામ કે નામ પૂરતા થઇ ગયા છે.

એકલા રહેતા લોકોની સંખ્યા વધતી જાય છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં 3.4 મિલિયન લોકો એકલા રહે છે. આપણે ત્યાં પણ આ સંખ્યા નાનીસૂની નથી અને સતત વધતી જ જાય છે. એકલતા સ્ટ્રેસ હોર્મોનને પ્રભાવિત કરે છે અને લોકો જાત જાતના માનસિક વિકારોનો ભોગ બને છે. ટેક્નોલોજીથી લોકો હવે કનેક્ટેડ રહેવા લાગ્યા છે. વોટ્સએપ પર ફેમિલી અને ફ્રેન્ડ્સના ગૃપ બને છે અને લોકો પોતાની લાગણીઓ શેર કરે છે. વિડિયો કૉલથી ચહેરા જુએ છે. આવી રીતે પણ એ જ લોકો ખુશ રહે છે, કનેક્ટિવિટી એન્જોય કરે છે. જોકે, એક હદ પછી વર્ચ્યુલ કનેક્ટિવિટી પણ કામ લાગતી નથી. માણસને છેલ્લે તો રૂબરૂમાં જ કોઇ જોઇતું હોય છે.

હવે તો ગૂગલ પર એ પણ સૌથી વધુ સર્ચ થાય છે કે એકલતા લાગે તો શું કરવું? જાતજાતની ટિપ્સ મળવા લાગી છે. તમને આવું થતું હોય તો કોઇને પણ કહો કે મારે વાત કરવી છે, મને બહુ એકલું લાગે છે. બીજા ઘણા રસ્તા પણ બતાવાય છે. કોઇ ગ્રૂપમાં જોડાવ, પોતાની જાત સાથે ‘સોલો ડેટ’ રાખો, મતલબ કે એકલા જમવા જાવ કે મૂવી જોવા જાવ. મજા ન આવતી હોય તો ટ્રેન, બસ કે પ્લેનમાં બેસી જાવ અને ચક્કર મારી પાછા આવો. કંઇક વાંચો, લખો, ચાલો, નાચો, ગાવ, આવા જાત જાતના નુસખા કહેવામાં આવે છે. હકીકત એ છે કે જો માણસ મનથી મજામાં ન હોય તો એને ક્યાંય મજા આવવાની નથી.

સાચી વાત એ છે કે તમારા સંબંધોને સજીવન રાખો. તમારા અંગત લોકોને સાચવી રાખો. મિત્રોને મળો. પોતાની વ્યક્તિને પ્રેમ કરો. એના જેવું સુખ તમને બીજે ક્યાંય મળવાનું નથી. એના માટે આપણે મોટાભાગે તો એટલું જ કરવાનું હોય છે કે આપણા ઇગો, માન્યતાઓ અને દૂરાગ્રહોને દૂર કરવા પડતાં હોય છે. આપણી વ્યક્તિને પણ આપણી જરૂરિયાત હોય છે, જોકે એને પણ એવું તો લાગવું જોઇએ ને કે આ મારી વ્યક્તિ છે. કોઇ આપણું થાય એ માટે સૌથી પહેલાં તો આપણે કોઇના થવું પડે છે. તમારી પાસે તમારા લોકો અને તમારા મિત્રો છે તો તમે સૌથી વધુ સમૃદ્ધ છો, આવા સમૃદ્ધ લોકોની સંખ્યા સતત ઘટતી જાય છે. જિંદગીમાં થોડાક લોકો, થોડાક સંબંધો એવા રાખો કે એના માટે કંઇ પણ કરી શકાય અને ક્યારેય પણ હાજર રહી શકાય, ખરા સમયે આપણી પાસે માત્ર આપણા અમુક સિલેક્ટેડ લોકો જ હોય છે અને એ જ આપણા સુખનાં સૌથી મોટાં કારણો હોય છે! તમારી પાસે આવા કેટલા લોકો છે? પ્લીઝ ટેઇક કેર ઓફ ધેમ, એ જિંદગીની બહુ મોટી મૂડી છે.

પેશ-એ-ખિદમત
દાસ્તાન-એ-શૌક કિતની બાર દોહરાઇ ગઇ,
સુનને વાલો મેં તવજજોહ કી કમી પાઇ ગઇ,
હમ તો કહેતે થે જમાના કી નહીં જૌહર-શનાસ,
ગૌર સે દેખા તો અપને મેં કમી પાઇ ગઇ.
– આલ-એ-અહમદ સૂરુર

(દાસ્તાન-એ-શૌક=દિલની વાત. તવજજોહ=દાદ. જૌહર-શનાસ=ઝવેરી, માણસને ઓળખનાર).
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 20 ઓગસ્ટ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

ટીપ્પણી