ધોરણ ૧૦ ના વિદ્યાર્થીએ ધૂમ મચાવી

16114466_1542202159127934_2947196018779145085_n

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો અને શાળામાં અભ્યાસ કરતો હર્ષવર્ધનસિંહ ઝાલા નામનો એક વિદ્યાર્થી એક દિવસ ટેલિવિઝન જોઈ રહ્યો હતો. ટીવીમાં એક કાર્યક્રમ આવતો હતો જેમાં સૈનિકો સુરંગમાં બિછાવેલા વિસ્ફોટકોને શોધીને એનો નાશ કરવાનું કાર્ય કરી રહ્યા હતા. આ કાર્ય દરમ્યાન સુરંગમાં વિસ્ફોટ થયો અને ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. હર્ષવર્ધનસિંહને આ ઘટના જોઈને એક પ્રેરણા મળી. એમને નક્કી કર્યું કે પ્રજા અને સૈનિકોની સલામતી માટે મારે કાંઈક કરવું છે.

હર્ષવર્ધનસિંહે એવું કોઈ સાધન બનાવવાનો સંકલ્પ કર્યો જે સાધનની મદદથી સુરંગમાં બિછાવેલા વિસ્ફોટકોને શોધી શકાય અને તેનો નાશ પણ કરી શકાય. શાળામાં અભ્યાસ કરતા અને વિજ્ઞાનમાં વિશેષ રુચિ ધરાવતા આ વિદ્યાર્થીએ આ માટે એક ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન જમીનથી 2 ફુટ ઊંચે ઉડે અને એમાંથી નીકળતા તરંગો 8 ચો.મીટરમાં ફેલાઈ જાય. જો કોઈ વિસ્ફોટક હોય તો એને ડિટેક્ટ કરે. આ વિસ્ફોટકોનો નાશ કરવામાં ડ્રોન જ મદદરૂપ બને. ડ્રોન 50 ગ્રામ સુધીનો બૉમ્બ લઈને ઉડી શકે અને જ્યાં વિસ્ફોટક બિછાવેલ હોય એના પર એટેક કરે એટલે વિસ્ફોટક ફૂટી જાય અને કોઈ જાનહાનિ ના થાય.

હર્ષવર્ધનસિંહને આ શોધ કરવામાં એના પિતા પ્રદ્યુમ્નસિંહ અને માતા નિશાબાએ તમામ પ્રકારની મદદ કરી. લગભગ 5 લાખના ખર્ચે એણે ત્રણ ડ્રોન બનાવ્યા જેમાં 2 લાખ પિતાએ આપ્યા અને 3 લાખ સરકારે આપ્યા. આ છોકરાએ એની શોધનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું.

હર્ષવર્ધનસિંહ હજુ 14 વર્ષના છે અને 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. અત્યારે 10માં ધોરણના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડ્યા હોય ત્યારે હર્ષવર્ધનસિંહ ગાંધીનગરમાં આંટા મારતા હતા. ગાંધીનગર ખાતે ચાલી રહેલા ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં દુનિયાભરના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આવ્યા હતા એમાં હર્ષવર્ધન પણ સામેલ હતો. ગઈકાલે હર્ષવર્ધનસિંહે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સાથે ગુજરાતમાં પોતે શોધેલાં વિશિષ્ટ ડ્રોનના ઉત્પાદન માટે 5 કરોડના MOU કર્યા.

હર્ષવર્ધનસિંહે આટલી નાની ઉંમરે એની શોધનું પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને એક કંપની પણ સ્થાપી દીધી છે. વાઇબ્રન્ટ સમિટમાં થયેલા જુદા જુદા MOU માં હર્ષવર્ધનસિંહ દ્વારા થયેલા MOUનું મહત્વ સૌથી વિશેષ છે કારણકે સૌથી નાની ઉંમરની વ્યક્તિ દ્વારા થયેલું આ ઐતિહાસિક MOU છે. આથી જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ હર્ષવર્ધનસિંહને રૂબરૂ મળીને શુભેચ્છાઓ આપી.

ગુજરાતના આ ગૌરવને ખુબ ખુબ અભિનંદન.

સાભાર – શૈલેશ સગપરિયા

ટીપ્પણી