તલ દાળિયા ની સૂકી ચટણી – આ યુનિક અને અલગ પ્રકારની ચટણી કદાચ જ તમે ખાધી હશે, શીખો બનાવતા…

ગુજરાતીઓ ના જમવા માં સાઈડ ડીશ નું મહત્વ ખૂબ વધારે હોય છે. સલાડ , અથાણાં, સંભારા, ચટણીઓ વિના નો ભોજન થાળ અધુરો જ ગણાય. વળી બધા માં નવીનતા તો કરવી જ રહી.

તો આજે આપણે જોઈશું તલ અને દાળિયા ની સૂકી ચટણી. બનાવવા માં ખૂબ જ સરળ અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સૂકી ચટણી આપ ખાખરા, પુરી, ઇડલી, થેપલા વગેરે સાથે ખાઈ શકો. આ ચટણી આપ મહિનાઓ સુધી સ્ટોર કરી શકો. મેં અહીં ખાંડ વાપરી નથી , આપ ચાહો તો સ્વાદાનુસાર ઉમેરી શકો.

સામગ્રી ::

• 1 વાડકો દાળિયા

• 1/2 વાડકો સફેદ તલ

• 5 થી 6 લાલ સૂકા મરચા

• મીઠું

• 1 ચમચી હળદર

• 1 ચમચી લાલ કાશ્મીરી મરચું

• 2/3(પોણી) ચમચી હિંગ

• 1 નાની ચમચી આમચૂર નો ભૂકો

• સ્વાદાનુસાર ખાંડ (optional)

રીત ::

સૌ પ્રથમ જાડા તળિયા વાળી કડાય માં એકદમ ધીરી આંચ પર દાળિયા ને શેકી લો. કોરા જ શેકવાના છે. દાળિયા આછા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ એ જ કડાય માં તલ અને મરચાં પણ વારાફરતી શેકી લો. મરચા શેકતી વખતે ધ્યાન રહે. મરચા બળી ના જાય. બધું શેકી ને એક પ્લેટ માં રાખી લો. બધી સામગ્રી થોડી ઠંડી પડે એટલે મિક્સર જાર માં લઇ લો. મિક્સર માં દાળિયા , તલ અને લાલ મરચા ની સાથે મીઠું , હળદર , લાલ મરચું , હિંગ ,આમચૂર ઉમેરો. જો આપ ખાંડ ઉમેરવા ઈચ્છો તો આ સ્ટેપ પર ઉમેરી દેવી. Pulse રીત થી વાટવું. મને આ ચટણી કરકરી જ ભાવે . આપ ચાહો તો જીણી વાટી શકો. કાચ ની બરણી કે એર ટાઈટ ડબ્બા માં ભરી દો.

આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.