આપણો આ દેશી એન્જિનિયર નીકળ્યો ભારે જુગાડુ – કોરોના વોરિયર્સ માટે બનાવી મેજીક અમ્બ્રેલા, રસ્તા પર કામ કરતા શાકભાજી-ફ્રૂટના ઠેલાવાળાઓએ હવે નહીં ભોગવવી પડે ગરમી – આવી ગઈ છે તેમના માટે મેજીકલ છત્રી

એક સમય હતો જ્યારે દેશમાં એન્જિનિયરોની ભારે માંગ હતી પણ હાલ દેશના એન્જિનયરોની સંખ્યા લાખોમાં વધી ગઈ છે અને સ્થિતિ એવી આવી છે કે મોટા ભાગનાને બેકાર થવાનો વારો આવ્યો છે. તમે અવારનવાર એન્જિનિયરોની બેરોજગારી પર જોક પણ સાંભળતા હશો અને હસતા પણ હશો.

આપણે ઘણા એન્જિનિયરોને બેંકમાં મેનેજર તરીકે કે પછી તેમના ફિલ્ડ બહારની નોકરી કરતા પણ જોયા છે. હાલ તો ટ્રેન્ડ જ ચાલી રહ્યો છે કે એન્જિનિયર બન્યા બાદ એમબીએ કરીને બેંકમાં નોકરિયાત તરીકે જોડાવાનો. ટુંકમાં એન્જિયરો એન્જિનિયરિંગ સિવાયના બધા જ કામ કરી રહ્યા છે.

પણ આપણો આ દેશી એન્જિનિયર ભારે જુગાડુ સાબિત થયો છે. તેણે કોરોરોના વોરિયર્સ માટે એક અત્યંત ઉપયોગી છત્રી તૈયાર કરી છે. એમ કહો કે આ છત્રી ઓછી અને કોઈ ગેજેટ વધારે છે. એક તો મે મહિનો પુરો થવા આવ્યો છે અને આકાશમાંથી રીતસરના અંગારા વર્સી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે. તેમ છતાં આપણા કોરોના વોરિયર્સ એટલે કે આપણી પોલીસ સતત તડકામાં ઉભી રહીને સેવા બજાવી રહી છે. જે પોલીસ માટે એક મોટો પડકાર છે. એક તો તેમના પર સતત કોરોના વાયરસના ચેપનું જોખમ ઝળુંબતુ હોય છે અને બીજી બાજુ પારાવાર ગરમી. તેમને ફરજ નિભાવ્યા સિવાય છૂટકો જ નથી રહેતો.
પણ આ કોરોના વોરિયર્સની મુશ્કેલીઓનો થોડા ઘણા અંશે આ એન્જિનિયરે અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણો આ એન્જિનિયર 23 વર્ષિય અદીબ મંસૂરી છે. તેણે જ્યારે પોલીસને ધોમધખતા તાપમાં ફરજ નિભાવતા જોયા ત્યારે તેને આ વિચાર આવ્યો હતો અને તરત જ તેણે પોતાના વિચારને અમલમાં મુકવાનું શરુ કરી દીધું. તેને મૂળે તો આ વિચાર જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો. તેણે એક ટેબલ ફેનને સૂર્યપ્રકાશની મદદથી ચાલતો જોયો હતો તે વખતે તેને આ વિચાર આવ્યો હતો. તેણે આ અગાઉ કોલેજના ગાર્ડ માટે પણ પ્રોટોટાઇપ છત્રી બનાવવા પર કામ કર્યું છે.

તેણે પોતાના જ્ઞાન અને આવડતથી બે છત્રી ડિઝાઈન કરી છે. જેના પર સોલાર પેનલ લગાવેલી છે. આ છત્રી કોઈ સીધી સાદી છતરી નથી પણ હાઇટેક છતરી છે. આ છતરીની અંદર પંખા પણ ફીટ કરવામાં આવ્યા છે અને ચાર્જિંગ સોકેટ પણ નાખવામાં આવ્યા છે. છત્રી પર લગાવવામાં આવેલી સોલાર પેનલ 20 વોટસુધીની ક્ષમતા ધરાવે છે. અને તેમાંથી છત્રીમાં રહેલી બેટરીને ચાર્જ કરવામાં પણ આવે છે જેનો ઉપયોગ રાત્રીના સમયે પણ થઈ શકે છે.
અદીબ પોતાના આ ઉપકરણ વિષે જણાવે છે કે લોકોની સુરક્ષા માટે પોલીસ આખો દિવસ પોતાના પરિવારથી દૂર રહીને તડકામાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઘણીવાર એવું પણ બન્યું છે કે તડકામાં શહેરના ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કર્મીની તબિયત લથડી હોય. એક એન્જિનિયર તરીકે હું પણ તેમને તેમની ફરજ બજાવવા માટે સહાયક થાઉં તેવો મારો ઉદ્દેશ છે.

અદિબે શહેરના બે વિસ્તારોમાં 1-1 છત્રીઓ રસ્તા પર કામ કરતી પોલીસને ભેટ સ્વરૂપે આપી છે. આવી એક છત્રીની કીંમત 3000 રૂપિયા આસપાસ છે. પોલીસ તરફથી પણ આ છત્રીને હકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. અને પોલીસે તેને આવી બીજી પાંચ છત્રીઓ બનાવવાનો ઓર્ડર પણ આપ્યો છે.
અદીબ એલ જે ઇન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેણે આ છત્રીઓ બનાવવા પાછળ કેટલીક વસ્તુઓ બજારમાંથી ખરીદવી પડે છે અને તેના માટે તેની કોલેજ પણ તેને આર્થિક મદદ કરી રહી છે.

અદીબના જણાવ્યા પ્રમાણે ભારતમાં માર્ચથી જૂન મહિના દરમિયાન અસહ્ય ગરમી પડતી હોય છે અને રસ્તા પર ધંધો વ્યવસાય કરતા લોકો જેવા કે શાકભાજી વેચવાવાળા, નાળિયેર પાણી વેચવા વાળા, જ્યુસની લારી ચલાવવા વાળા અરે પાણી પુરીવાળા તેમજ ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતાં ટ્રાફિક પોલીસ માટે પણ આ છત્રી આશિર્વાદ સમાન સાબિત થઈ શકે છે. પોલીસના સારા પ્રતિભાવના કારણે હવે અદીબ પોતાના આ ઇનોવેશનને ધંધાકીય રૂપ આપવા માગે છે અને મોટા પાયે પોતાના આ ઇનોવેસનને લોન્ચ કરવા માગે છે. અદિબને તેના ઉદ્દેશમાં સફળતા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ