“સરકારી શાળા” બાળમાનસ , શિક્ષણ , સરકારી શાળા અને અત્યારના સમાજને આવરી લેતી વાર્તા આજે જ વાંચો

સરકારી શાળા

        “સરકારી શાળા” આ શબ્દ સાંભળતાજ આંખોની સામે એક છબી ઉપસી આવે –જૂની થઈ ગયેલી બિલ્ડીંગ, મોટું માટી વાળું મેદાન અને તેમાં થોડા જર્જરિત થઈ ગયેલા બાંકડા, થોડા તૂટેલા બારી બારણાં, ચટ્ટાઈ પાથરેલા ક્લાસરૂમ, નવરા શિક્ષકો, અને વિદ્ધાર્થીઓ લઘરવઘર વેશમાં સાવ ગરીબ ઘરના બાળકો…. આમ આ નામ સાંભળતાજ મોં ના હાવભાવ બદલાઈ જાય ખરુને? અને જયારે પણ આ વિષય પર ચર્ચા થતી હોય ત્યારે એના શિક્ષકોને અને સરકાર ને દોષ આપ્યા વિના આપણે રહેતા નથી પણ ક્યારેય વિચાર્યું છે કે આ શાળાઓની આવી હાલત શા માટે છે? આ પરિસ્થિતિ માટે ક્યાંકને ક્યાંક આપણો સમાજ આપણે પણ કારણભૂત છીએ.

આજના લોકોને આવી શાળામાં પોતાના બાળકોને દાખલ કરતા શરમ અનુભવાય છે, આ શાળામાં ગરીબ બાળકો સાથે પોતાના સંતાન ભણે એ એમને પસંદ નથી, આમ કરવામાં એમનું સ્ટેટ્સ મેઇન્ટેન નથી થતું. અને આજે લોકો સ્ટેટ્સની ખાતર બાળકના સારા ઉછેર અને વિકાસના નામે તેમને મોટી મોટી ખાનગી શાળાઓમાં દાખલ કરતા થયા છે. પહેલા ઈંગ્લીશ મીડીયમનો ક્રેઝ હતો હમણાં સુધી CBSC અને હવે તો વળી ઇન્ટરનેશનલ સ્કુલ.અને આ બધીજ ખાનગી સંસ્થાઓ ભણતરના નામે જાણે વિદ્યા નો વેપાર માંડી ને બેઠી છે, મોટી-મોટી બિલ્ડીંગસ, એસી ક્લાસરૂમ, મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એક્સ્ટ્રા એક્ટીવીટીઝ ની સવલતો આપી આવી શાળાઓ વિદ્યાર્થીઓં પાસેથી મોટી રકમમાં ફી વસુલ કરે છે.  અને આ બધાનો ક્રેઝ એવો થઇ ગયો છે કે મધ્યમ વર્ગ કે તેથી નબળો વર્ગ એવું માનવા લાગ્યો છે કે જો પોતાનું બાળક આવી સારી કહેવાતી શાળામાં નહી ભણે તો આ જમાનાના બીજા છોકરાઓ કરતા પાછળ રહી જશે અને આર્થિક રીતે ખેંચાયને પણ તેઓ બાળકોને આવી શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખે છે, જોઈતી શાળામાં એડમિશન ના મળતા મોટી રકમમાં ડોનેશન આપવા પણ તૈયાર થઈ જાય છે, અને ઘણી શાળાઓમાં તો હવે કુટુંબની આવકને ધ્યાનમાં રાખીને બાળકને એડમિશન આપવામાં આવે છે”

“એક સંબંધી ના બાબા ને જોઈતી શાળામાં એડમિશન ન મળ્યું અને તે ભારે દુ:ખ સાથે વાત કરી રહ્યા હતા  કારણ પૂછ્યું તો કહ્યું: સ્કુલમાંથી કહ્યું કે તમારી ફેમીલી ઇન્કમ એટલી નથી કે અમારી સ્કુલની ફી તમે ભરી શકો” જ્યાં બાળકના એડમીશનની એલીજીબીલીટી ઇન્કમ પરથી નક્કી થતી હોય ત્યાં બાળકની સારી વિદ્ધાની અપેક્ષા કઈ રીતે થાય..ઘણીવાર હોંશિયાર બાળક પણ શાળા વિના રહી જાય છે, જયારે બીજી બાજુ થોડા મહિનાઓ પૂર્વે રેડીઓ પરથી જાણવા મળેલ સમાચાર મુજબ એક સર્વે અનુસાર દેશની લગભગ ૨૭૦ સરકારી શાળાઓ એવી છે જ્યાં ક્યારેય કોઈ ભણવા આવતું જ નથી, “વિદ્યાર્થી વિનાની શાળા” સાંભળવામાં જ કેટલું અજુગતું ને કરુણ લાગ્યું નહી..?

ઘણીવાર ગ્રુપમાં બેઠા હોઈએ અને ચર્ચા નીકળે તો અચૂક આપણે સરકારને અને શાળાઓના માલીકોને દોષ આપીએ છીએ કે શિક્ષણ કેટલું મોંઘુ કરી નાંખ્યું છે, આ તો વ્યાજબી જ હોવું જોઈએ, પ્રજાને લુંટવાના ધંધા છે નર્યા અને વળી એમ પણ કહી નાંખીએ છીએ કે ફોરેનમાં જુઓં શિક્ષણ સાવ ફ્રી આપે છે ત્યાંની સરકાર, બાળકોને ભણવવાની કોઈ ચિંતાજ નહી,… પણ આમ જોઇએ તો આપણા દેશમાં સરકારે તો આખા દેશને મફત શિક્ષણની સવલત પૂરી પાડીજ છે પણ આપણે જ આપણાં બાળકોને CBSC અને  ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણાવવા છે, વાત રહી શિક્ષકોના ભણાવવાની અને શાળાના મકાનની હાલતની તો જો દરેક બાળક સરકારી શાળામાં જ જાય તો શિક્ષકોને પણ ભણાવવું જ પડે અને શાળાની હાલત પણ સારી થઇ જાય.

ખાનગી શાળાઓમાં એક સાથે બાળકોને વિવિધ વિષયો પર  ભણાવવામાં આવે છે ઉપરાંત તેમનો અભ્યાસક્રમ તેમની ઉમંર કરતા ઉચ્ચ કક્ષાનો હોય છે .આજના બાળકો એ વિષયો સમજવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની આંતરિક શક્તિ પોતાની ક્રિએટીવીટી ખીલીજ નથી શક્તિ. આ ભણતર અને વિવિધ એક્ટીવીટીના ભારથી લદાયેલું બાળક દિવસ પુરો થતા થાકીને લોથ થઈ જાય છે નિર્દોષ બાળ ક્યારે નવું વિચારી શકે કે પોતાની રીતે વિકસી શકે ? આ સ્પર્ધાત્મક યુગમાં બાળકોને જાણે  ભણાવવવામાં નહી પણ ટ્રેઈન કરવામાં આવતા હોય એવું લાગે છે. ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ પર ઉભા હોઈએ અને નજર ડીવાઈડર ની વચ્ચે વાવેલા વૃક્ષ પર પડે જેની ફરતે ગોળ પાંજરું મુકેલું હોય જેમાં વૃક્ષ વુધ્ધિ પામે પણ એ પાંજરાની અંદર રહીનેજ ત્યારે આજના બાળકો યાદ આવી જાય એ બાળછોડની હાલત પણ એવીજ લાગે  જેમાં એ વિકાસ પામે છે પણ વાલીએ અને શાળાએ નક્કી કરેલા પાંજરાની અંદર જ.

બાળક એક કુમળો છોડ છે એને થોડો એની રીતે ખીલવા દઈએ, બાળકોને બાળપણ સાથે પરિચય થવા દઈએ, તેને થોડી પોતાની જીન્દગી પણ જીવવા દઈએ.

સમાજમાં કે દેશમાં જયારે પણ કોઈ પરિવર્તન આવે છે ત્યારે તેની સારી અને વિપરીત બંને અસરો માટે આપણે ક્યાંકને ક્યાંક સરખા ભાગીદાર છીએ સરકાર કે સમાજ પરિવર્તન લાવવા માટે અને આપણે એ પરિવર્તનને અપનાવવા માટે. શિક્ષણ ક્ષેત્રે આવેલા આ બદલાવ માટે પણ માત્ર સરકાર જ નહી આપણે પણ સરખે ભાગે જવાબદાર છીએ જ્યારથી આપણે બાળકોને ખાનગી શાળાઓમાં મોકલતા થયા છીએ ત્યારથી સરકારી શાળાઓની હાલત નબળી થઈ છે અને ખાનગી શાળાઓ મબલક નફો કમાતી થઈ છે

આજના રીટાયર્ડ ઓફિસર્સ, ડોક્ટર્સ, એન્જીનીયર્સ, કલેક્ટર્સ, સીએ તેમજ સફળ બીઝનેસમેન બધાજ આવીજ સરકારી શાળાઓમાંથી ભણીને બહાર આવેલા છે, જેઓંએ આજે આખી  દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે એમનું એક ઉતમ ઉદાહરણ આપણા ગુજરાતના “ધીરુભાઈ અંબાણી” જેમને દેલવાડા ગામની એક નાનકડી સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધેલું, આજે આખા વિશ્વમાં તેમનું નામ બિઝનેસમેન તરીકે મોખરે છે. દેશના ૧૧મા રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક, લેખક કે જેઓ “MISSILE MEN OF THE WORLD”  તરીકે જાણીતા અને  ખુબજ લોકપ્રિય છે એવા “ડૉ. એપીજી. અબ્દુલ કલામ” પણ રામેશ્વરમ ની એક સાવ નાની સરકારી શાળામાંથી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે, આપણા દેશના અત્યારના વર્તમાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પણ વડનગરની એક સામાન્ય કહી શકાય એવી શાળા બી.એન. હાઈ સ્કુલમાંથી ભણીને બહાર આવ્યા છે. આમ, બાળકોના વિકાસ અને ઘડતર માટે સારી કેળવણી અને શિક્ષણ જરૂરી છે પછી એ એસી ક્લાસરૂમમાં અપાય, ઘરમાં અપાય કે સરકારી શાળામાં….

 

હું સરકારી શાળા…

રોજ નવી સવારની સાથે ઉગે છે મારામાં એક નવી આશા…

હું મારામા મસ્ત મગ્ન બની જાઉં…

બાળકો દફતર લઈને હસતા ચહેરે આવે છે અહિયા,

ખુશ થઈને ભણી ગણીને જાણે બનતા એ દેશના ઘડવૈયા…

રીશેષ પડતા આંગણું મારું મીઠી કિલ્કારીઓંથી ગાજી ઉઠે …

તોફાનોમાં પણ વ્હાલા લાગે એવા માસુમ ચહેરાઓથી શોભી ઉઠે…

બપોરે રીશેષ નો ઘંટ વાગે ને અવાજ થી રોજ મારુંઆ સપનું તૂટે …

રાહ જોઈને બેઠેલા ભૂખ્યા બાળકો જમીને તરત ભાગી જાય…

ફરીપાછી હું સાવ એકલી નિર્જન બની જાઉં…

સાંજે ૫ વાગતા શાળા છૂટવાનો સમય,

પણ એ ૫ વાગ્યાનો ડંકો વગાડવો કોની માટે ?..

હું જ તો એક હાજર હોઉં છું ત્યારે..

અને ડૂબતા સુરજની સાથે આશા ડૂબી જાય…

 

લેખક : સ્વાતી સીલ્હર

નવી નવી ને રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

 

 

 

ટીપ્પણી