સાલું ધરમ કરતા ધાડ પડી..ઈન્ટરનેટના દાન દેવા ગયા એમાં અમે દેવાઈ ગયા..!..

લગી આજ વોટ્સએપ કી ફિર વો ઝડી હૈ..!!
વહી આગ ફેસબુક પે ભી ફિર ચલ પડી હૈ..!!!

મારું હાહ`રૂ નહિ નહિ તો ય દોઢ હજાર મેસેજ ગઈકાલ રાત થી તે આજ સવાર સુધીમાં આવ્યા છે..વોટ્સ એપમાં પેલી ઈમેજ ડાઉનલોડ ને ઓટો મોડમાંથી કાઢીને આપડે પેહલા જ મેન્યુઅલ મોડમાં મૂકી દીધું છે,ખોટી ખોટી બધી ઈમેજ ડાઉનલોડ કરીએ તો “ભિખારી” થઇ જવાય..
સાલું આમ પણ ઘરમાં એરટેલનો ૧૬૦ જીબા (GB), પ્લસ ઘોડાફોન નો ૧૨ જીબા નો પ્લાન જીવનમાં ઓછો પડતો હોય, અને ઉપરથી ધીરુકાકા સ્પેરમાં રાખવા પડતા હોય ત્યાં બધી વોટ્સ એપ ઈમેજ અને વિડીઓ ક્યા ડાઉનલોડ કરવી ??

ભાઈ હેપા હેપા હો…
કેવી કેવી સમસ્યાઓ થઇ ગઈ છે નહિ જીવનમાં..!!? ઈન્ટરનેટના ગમે તેટલા જીબા(GB) પુરા થઇ જાય છે, આજકાલ તો પેલા રોજના ૨ જીબાના પ્લાન મળે છે, પણ જનતાને એ પણ ઓછા પડે છે..!
મારે ઘરમાં ગમે ત્યારે બ્રોડબેન્ડ ધીમું થઇ જાય અને મેસેજ આવે ભાઈ તમારા ૧૬૦ જીબા ખતમ..!!

બે સમસ્યા આજકાલની બહુ મોટી સમસ્યા છે,એક ગેઝેટીયામાં ચાર્જીંગ ખૂટવું અને બીજું નેટના જીબા..મગજ ગાંડું ગાંડું થઇ જાય..
હાય હાય મારા મોબાઈલનું ચાર્જીંગ પૂરું..? હજી તો અડધો દિવસ બાકી છે,કેમ નો જશે મારો બાકીનો દિવસ..? ઓ મા`ડી રે રે … વેન્ટીલેટર પર હોઈએ અને ઓકસીમીટર સાયરનો મારતું હોય એવી ફીલિંગ આવે,
અને ઈન્ટરનેટના જીબા પુરા થઇ જાય તો તો..જાણે પલ્સ બોતેરમાંથી પાંત્રીસે આવી ગઈ હોય એવી ફીલિંગ આવે..તરત જ પેસમેકર શોધવા નીકળી પડીએ અલ્યા દાકતરીયા ગમે તે કર પણ મારી પલ્સ ઉંચી લાવ નહિ તો હમણા મારું હાર્ટ બેસી જશે ,ટેમ્પરરી તો ટેમ્પરરી પણ “પેસમેકર” ખોસ મારા શરીરમાં અને મને જીવાડ..!

માણસ કા`યો કા`યો થઇ જાય છે એના મોબાઈલના ચાર્જીંગ અને ઈન્ટરનેટના ડેટા ખતમ થતા દેખાય ત્યાં તો..!

હમણાં હમણાં કમુરતામાં લગનો વધારે છે,એક જાનમાં જવાનું થયું હતું થોડાક મુંબઈથી આવેલા મેહમાનો હતા,જાન સેહજ બાપુ ગાડીએ ઉપાડવાની હતી એટલે આપણે તો ટાઈમસર પોહચીને એ મુબઈના કાકાઓ જોડે ગપાટે ચડ્યા હતા.. ગપાટા બધા મારતા હતા પણ દરેક કાકો એના મોબાઈલને ચાર્જ કરવા મૂકી અને દસ દસ મીનીટે ચેક કરે કેટલા ટકા આવ્યું..! અને પછી જાહેરાત પણ કરે ૮૯ ટકા થયું એટલે બીજો કહે..તો મારે ૬૨ ટકા છે મને કરવા દે ને પ્લગ ખાલી કરને..! અને પેલો ૮૯ વાળો કાકો એમ કહે ૯૦ થઇ જવા દે એટલે તને આપું..!!
ત્યારે મને થયું કે યાર કેટલી મોટી સમસ્યા છે ચાર્જીંગની..!

પણ ખરેખર એવું છે, દરેક ઘરમાં અત્યારે પ્લગ ઓછા પડી રહ્યા છે, નાના એક રૂમ રસોડાના ઘર હોય કે મોટા મોટા બંગલા..ઘરના દરેકે દરેક પ્લગમાં એકાદું ગેઝેટ ચાર્જ થવા ભરાવેલું હોય..

મારે તો કારખાને પણ એ જ હાલત છે,સાલા કારીગરો એકેય એમના ઘેરથી મોબાઈલ ચાર્જ કરીને લાવતા જ નથી, કારખાને આવીને જ ચાર્જીંગમાં ભરાવે..!
થોડાક સમય પેહલા મને કારખાને કારીગરોની દયા આવી હતી એટલે એક ચાર્જીંગ સ્ટેશન જેવું કરાવી નાખ્યું જ્યાં ચારપાંચ પ્લગ હોય અને બધાને ઈન્ટરનેટના વાઈફાઈના પાસવર્ડ આપ્યા…

ઈન્ટરનેટના દાન દેવા નીકળ્યા હતા સતવાદીના દીકરા..
એક અઠવાડિયામાં તો બીએસએનએલનું બ્રોડબેન્ડ ફીણ કાઢી ગયું, સાલું ફોર્મ ૪૦૨ અપલોડ ના થાય એવું ધીમું ઇન્ટરનેટ થઇ ગયું..!! ડીસ્પેચ અટકી ગયું..!!
પેલા સોફ્ટવેરવાળાને ઝાલ્યો અને બીએસએનએલમાં ફોન લગાડ્યો જવાબ આવ્યો તમારો બધો ડેટા પૂરો થઇ ગયો એટલે સ્પીડ ઘટાડી દેવાઈ..!! મહિનાનો ડેટા અઠવાડિયામાં ખતમ..!
સોફ્ટવેરવાળાને કીધું જલ્દી પાસવર્ડ બદલ અને બીએસએનએલ નું બુસ્ટર પેક એક્ટીવેટ કર તો..!!

સાલું ધરમ કરતા ધાડ પડી..ઈન્ટરનેટના દાન દેવા ગયા એમાં અમે દેવાઈ ગયા..!
ઘેર પણ એ જ હાલત છે…
ઘરમાં અમેરિકા અને કેનેડાના સગા અને મિત્રોની કૃપાથી ઘરમાં માણસ કરતા ત્રણ ગણા ગેઝેટ થઇ ગયા છે, અને બધા જ ગેઝેટ્સ પેલા વાઈફાઈના રાઉટર જોડે કનેક્ટેડ હોય.. એ બધા ગેઝેટીયા મુ`આ અંદર અંદર વાતો કરતા હોય અને ઉપરથી એમના અમેરિકા અને કોરિયામાં એમને જણનારા માઈબાપ એપલ અને સેમસંગ જોડે પણ વાતો કરતા હોય(અપડેટ લેતા હોય ને..)અને એમા આપણા ડેટા પ્લાનનો ખો નીકળી જાય..!!

એપલવાળો આઇઓએસની નવી અપડેટ મોકલે, અને એ લેવામાં ઘરના બધા આઈફોન અને આઈપેડ વાઈફાઈમાંથી ડેટા જાણે એની એપલીમાં ધાવણ ધવડાવતી હોય એમ ચૂસે, અને એ જ રીતે સેમસંગ્યા પણ દરેક એપ ની અપડેટ દર બીજે દા`ડે ચૂસે..
પછી એક ટાઈમ એવો આવે કે બધા ગેઝેટીયા ડેટા પી પી ને એમની ઓ.એસ(ઓપરેટીંગ સીસ્ટમ) ને એટલી જાડી કરી કરી નાખે કે ગેઝેટીયુ સાવ ધીમું પડી જાય..!

મારા બેટા આઇઓએસ અને એન્ડ્રોઈડવાળા કૈક હરામખોરીઓ કરતા હોય એવું લાગે છે..આટલા વર્ષમાં એન્ડ્રોઈડવાળા ઢગલો ફોન વાપર્યા પણ કઈ જ લાંબો ફેર એકેય નવા ફોનમાં આવતો નથી, અને કોઈ કારણ વિના વર્ષ બે વર્ષમાં દરેક ફોન ધીમા પડે છે..એપલના આઈ ફોનમાં પણ આજ ધંધો ચાલી રહ્યો છે..!

ગજબ લુંટ ચાલી છે આ ડેટાની અને અપડેટસની..!!
ગાંધી વૈદનું સહિયારું ચાલી રહ્યું છે પણ કોઈ બોલનાર જ નથી..!!
પ્રજા પણ સેહજ નવરી પડી કે ગેઝેટ લઈને મચી પડી.. અલ્યા કેટલા રૂપિયાની આ તારા ટાઈમ પાસના ચક્કરમાં તે ઘાણી કરી એનું ક્યારેક ટોટલ તો મારજે..!

મેં તો કોશિશ કરી હતી ચક્કર ચડી ગયા હતા..
૧૯૯૮ થી લઈને આજની ૨૦૧૮ સુધીના મોબાઈલ અને ગેઝેટ્સ ના રૂપિયા પ્લસ ફોનના બીલ અને ડેટાના ચાર્જીસ..ડેટા તો મુ`ઓ લગભગ ૧૯૯૩-૯૪ની સાલથી વાપરીએ છીએ, પેલો “આઈસનેટ” વાળો ત્યારે એ જમાનામાં મહીને બારસો રૂપિયા ઠોકતો હતો..!!

વર્ષનો એક નવો મોબાઈલ આપડો અને એક શ્રીમતીજીનો એટલા રૂપિયાની જો પેલી એલઆઈસીની જીવનશ્રી લીધી હોતને પચ્ચીસ હજાર વર્ષે વાળી , તો ત્રણ જીવનશ્રી આવતે, અને આજે એકવીસ વર્ષે તો.. બાપરે કેટલા રૂપિયા હાથમાં આવતે..!! લગભગ ચાર ગણા આવ્યા હોત..! એક દીકરીના લગન થઇ જાત..!!

સાલું ક્યારેક તો એમ લાગે હો કે આ ગેઝેટ્સ અને ડેટાના ખર્ચા એટલે ગાય દોહીને કુતરી પાવા જેવા ઘાટ છે..!
પણ સ્મશાન વૈરાગ્ય કોને કીધો હે ..!!!??
હમણાં આ પોસ્ટ લખી છે અને તમને પોહચાડવા ગાંઠનું ગોપીચંદન કરીશ..

ડેટા વાપરીશ બીજું તે શું..?
પણ ડાર્લિંગ તું પણ હવે મારી જોડે થોડું ઝુડાવ,પોસ્ટ વાંચી વાંચીને મજા તો લ્યે છે પણ ફોરવર્ડ નથી કરતો તો હવે આ ૨૦૧૮માં વાંચ્યા પછી જરાક ફોરવર્ડ કરવાનું રાખજે બબ્બુ..!! એટલે મને થોડો સધિયારો રહે કે હું એકલો જ ધોતિયા ફાડીને રૂમાલ નથી કરતો તું પણ મારી જેમ જ છે જાન..!

લવ યુ બેબી..

હેપી ૨૦૧૮, મોજ કર..રોજ કર..!!!!!

લેખક : શૈશવ વોરા

દરરોજ અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી