સુતા રહેવું એ આળસુપણાની નિશાની નથી જીવન જીવવા માટે જેટલું મહત્વ ખોરાક અને વ્યાયામનું છે એટલું જ મહત્વ ઊંઘવાનું પણ છે…

ઊંઘવું કોને ન ગમે ? બપોરે ભરપેટ અને સફાચટ ભોજન કરી 5 નંબર પર પંખો ઑન કર્યા બાદ જે ઊંઘ આવે… ઓહો…. બસ સુતા જ રહીએ..


તમને થશે કે સુતા રહેવું તો આળસુપણાની નિશાની છે. પણ ના, જીવન જીવવા માટે જેટલું મહત્વ ખોરાક અને વ્યાયામનું છે એટલું જ મહત્વ ઊંઘવાનું પણ છે. અને તમે પણ સાચા છો ઊંઘવું અને વધારે પડતું ઊંઘવું એ બન્નેના પરિણામ અલગ અલગ છે. જો વધારે પડતું ઊંઘવામાં આવે તો શરીર આળસુ, એદી, શિથિલ અને ભારેખમ થવા લાગે. જ્યારે જો જરૂર કરતાં ઓછું ઊંઘવામાં આવે તો ચીડિયાપણું, હાઈ બ્લડપ્રેશર અને માથાનો દુઃખાવો થવો જેવી સમસ્યાઓ ઉભી થાય.

માટે આપણે આ બન્ને વચ્ચેનો મધ્યસ્થી રસ્તો અપનાવવો જોઈએ. એટલે કે શરીરને જેટલી ઊંઘની જરૂર હોય તેટલું જ પરંતુ ફરજીયાત ઊંઘવું જોઈએ. હવે તમારી ઉંમર શું છે અને તમારા શરીર માટે દૈનિક કેટલી ઊંઘની જરૂર છે ? આવો પહેલા તે જોઈ લઈએ.

0 થી 3 મહિનાનું બાળક


0 થી 3 મહિનાનું બાળક એટલે કે નવજાત શિશુના શરીરને ઊંઘની સૌથી વધુ જરૂર હોય છે. આ વયના શિશુને દૈનિક 14 થી 17 કલાક ઊંઘવું જરૂરી છે.

4 થી 11 મહિનાનું બાળક


0 થી 3 મહિનાનું નવજાત શિશુ થોડું મોટું થાય એટલે કે 4 મહિના ઉપરાંતનું થાય એટલે તેની ઊંઘ પણ ઓછી થવા લાગે. 4 મહિનાથી 11 મહિનાના બાળકને એક દિવસ દરમિયાન 12 થી 15 કલાકની ઊંઘ પૂરતી છે.

1 થી 2 વર્ષનું બાળક


બાળક જ્યારે 1 વર્ષની ઉંમર વટાવે ત્યારે તેને દૈનિક 11 થી 14 કલાકની ઊંઘ પૂરતી છે. સાથે સાથે આટલી ઊંઘ તેનાં 2 વર્ષ થવા સુધી પણ યોગ્ય ગણાય.

3 થી 5 વર્ષનું બાળક


3 થી 5 વર્ષનું બાળક સામાન્ય રીતે ચાલતું / દોડતું થઈ ગયું હોય છે. અને આ સમય દરમિયાન તેના માટે 10 થી 13 કલાકની ઊંઘ સારી ગણાય.

6 થી 13 વર્ષનું બાળક


6 થી 13 વર્ષનું બાળક એટલે પ્રાથમિક સ્કૂલે જવા લાગેલું બાળક. આ ઉંમરના બાળકોને દૈનિક 9 થી 11 કલાકની ઊંઘ જરૂરી છે.

14 થી 17 વર્ષનો કિશોર

14 થી 17 વર્ષનો સમયગાળો બાળકમાંથી કિશોર / કિશોરી બનવા તરફનો સમયગાળો છે. આ દરમિયાન શરીરને દૈનિક 8.5 એટલે કે સાડા આઠ કલાકથી લઈને 9.5 એટલે કે સાડા નવ કલાક સુધીની ઊંઘ પૂરતી કહેવાય.

18 થી ઉપર


18 વર્ષનાં વયસ્ક વ્યક્તિને દરરોજ 7 થી 9 કલાકની ઊંઘની જરૂર રહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જેમ જેમ જીવન વિતતું જાય અને ઉંમર વધતી જાય તેમ તેમ ઊંઘ ન આવવાની સમસ્યા પણ વધતી જાય છે.

કઈ ઉંમરના વ્યક્તિ માટે દૈનિક કેટલા કલાકની ઊંઘ જરૂરી છે એ તો જાણ્યું પણ હવે ઊંઘ જ આવતી હોય તો શું કરીએ. ઊંઘ ન આવવાની (અનિંદ્રાની) આ સમસ્યા સર્જાય છે કઈ રીતે ? અને તેનાં માટે એવી કઈ કઈ આદતો જવાબદાર છે ? ચાલો એ પણ જાણીએ.

શારીરિક શ્રમનો અભાવ


શરીરને ગાઢ ઊંઘ માટે જરૂરી માત્રામાં થાકવું પણ આવશ્યક છે. જ્યારે આજકાલનું સુખ સુવિધાભર્યું જીવન અને રોજિંદા કામકાજનો સમય તથા શ્રમ બચાવવાના જાતજાતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ આપણા શરીરને કાર્યશીલ રાખવામાં અવરોધ રૂપ બને છે. આ પણ ઊંઘ ન આવવાના કારણો પૈકીનું એક છે.

બેઠાડું જીવન


આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ ઓફિસમાં કે ઘરે કલાકો સુધી એક જ રૂમમાં બેઠા-બેઠા કામ કરતા રહે છે. આની અસર પણ ઊંઘ પર પડે છે. જે લોકોને આવા કામકાજ સાથે રોજનો પનારો હોય તે લોકોએ કામ દરમિયાન વચ્ચે વચ્ચે 10 – 15 મિનિટનો બ્રેક લઈ ખુલ્લી જગ્યામાં થોડું ચાલવાની ટેવ રાખવી જોઈએ જેથી શરીર પણ ન અકળાય અને બહારની તાજી હવા પણ શરીરમાં પ્રવેશે.

ટેંશન અને તણાવ


આ સમસ્યા લગભગ દરેક વ્યક્તિને લાગુ પડે છે. દરેક વ્યક્તિ નાનું મોટું ટેંશન માથે લઈને જ ફરતો હોય છે. તેમાંય ઘણા લોકોને તો રાત્રે ઊંઘવાના સમયે જ આવા વિચારો આવતા હોવાની ફરિયાદ હોય છે. આ પણ ઊંઘ ન આવવાના કારણો પૈકીનું એક મોટું કારણ છે.

બીમારી પણ જવાબદાર

Doctor holding heart

બ્લડપ્રેશર, સંધિવા, ડાયાબિટીઝ જેવી બીમારીઓ પણ સમયસર અને પૂરતી ઊંઘમાં અવરોધ બને છે.

દુનિયાભરમાં ઊંઘ પર થયેલા સંશોધનોથી એ સ્પષ્ટ થાય છે કે માણસને ઊંઘ ન આવવી એ અનાયાસે બનતી આદત નહિ પણ બીમારી જ છે. અને તેનો ઈલાજ તો જ થઈ શકે જો આપણી આદતો બદલાય.

દરરોજ આવી અનેક માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ અને મિત્રોને પણ અચૂક જણાવજો…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ