જલ્સા કરોને જેંતીલાલ

સૂર્ય પત્ની રન્ના દેની પ્રાગટ્ય કથા અને ઘરમાં લોટા તેડાવવાનીની પૂજા વિધિનો ઇતિહાસ જાણીએ…

રાંદલ માની કૃપાથી રણમાં વરસાદ પડ્યો, રાંદલ માના લોટા તેડાવીને ઘર પરિવારમાં સંતાન સુખ તેમજ ઘન સંપત્તિની કામના કરાય છે, આખી કથા વાંચીને શ્રદ્ધા બેસી જશે… સૂર્ય પત્ની રન્ના દેની પ્રાગટ્ય કથા અને ઘરમાં લોટા તેડાવવાનીની પૂજા વિધિનો ઇતિહાસ જાણીએ…

ઘરના મુખ્ય ઓરડામાં માતાજીના બે ચહેરાવાળી સોળેશણગાર સજાવેલ રાંદલ માની પૂજા વિધિનું સ્થાપન થતાં આપણે જોયું જ હોય છે. રાંદલમાંની કથાનો મહિમા એટલો બધો છે કે તેને અમુક પરિવારમાં તો વર્ષમાં એકવાર તો તેડાવાય જ છે. કે પછી લગ્ન પ્રસંગ પહેલાં અથવા સંતાન સુખની પ્રાપ્તિ સમયે માતાજીના આશીર્વાદ લેવા સૌ કોઈ સહ પરિવાર આ પૂજાને હોંશભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આવો આજે જાણીએ આ અનોખી પ્રથા વિશે સાથે રાંદલ માની પ્રાગટ્ય વાર્તા અને કેમ છે આ દેવીના બે ચહેરા? શું છે તેની પાછળની કથાનું રહસ્ય, આગળ સવિસ્તાર જાણીએ…

રાંદલ માના લગ્ન થયાં સૂર્ય નારાયણ સાથે

રાંદલ મા સાથે ભગવાન સૂર્ય નારાયણને લગ્ન કરવાની ઇચ્છા થઈ. તેમણે પોતાના માતા અદિતીજીને આ મનોરથ કહ્યો. તેમણે સૌ પ્રથમ તો ના પાડી દીધી કે એમ કોઈ સ્ત્રી સાથે લગ્ન ન કરાય. તારે તો કોઈ દૈવિય શક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ. પરંતુ દીકરાના હઠાગ્રહ બાદ તેઓ માની ગયાં. બીજી બાજુ તેઓ રાંદલ માના માતા પાસે તેમની પુત્રીનો હાથ માગવા ગયાં પરંતુ તેમના માતા કાંચના દેવીએ પણ પહેલવહેલાં તો આ સંબંધ માટે ના જ પાડી દીધી હતી. તેમણે કહ્યું કે તમારા દીકરાને તો દિવસ રાત કામ રહેતું હોય છે, મારી દીકરીને કઈ રીતે સમય આપી શકશે? નકારમાં જવાબ મળ્યા બાદ તેઓ પોતાના ઘરે પહોંચ્યાં અને પુત્રને આખી વાત કહી.

ત્યાર બાદ બન્યું એવું કે માતા કાંચના રસોઈ કરતાં હતાં અને સૂર્ય નારાયણે વરૂણ દેવની મદદથી નારિયેળનું ફળ છત પરથી તેમના રસોડાંમાં પડે એ રીતે વાયુનો વેગ આપ્યો. પરિણામે તેમની તાવડી તૂટી ગઈ અને તુરંત રોટલી કરવા માટે તેમને માટીની તાવડીની જરૂર પડી તો તેઓ અદિતી માતા પાસે તેમના રસોડાંમાં જઈને લેવા પહોંચ્યાં. માતા અદિતીએ કહ્યું, “જો મારી તાવડી પરત આપવા સમયે તૂટીને ઠીકરી થશે તો તમારી દીકરી મારી પુત્ર વધુ બનશે, બોલો છે, શરત મંજૂર?” “એમ તે શી રીતે તાવડી તૂટી જાય?” એવું વિચારીને તેમણે હા પાડી દીધી.

પોતાના ઘરે રોટલી બનાવ્યા બાદ, કાંચના દેવી તેને પાછી આપવા ગયાં ત્યારે એક ઘટના બની. સૂર્ય નારાયણને આ શર્ત વિશે ખ્યાલ આવ્યો અને લાગ જોઈને તેમણે કાંચના દેવીના રસ્તામાં સામે બે દોડતા આખલા મોકલ્યા અને ભયથી તેમના હાથમાંથી તાવડી તૂટી ગઈ. શર્ત મુજબ રાંદલ દેવી અને સૂર્ય નારાયણના લગ્ન થયાં.

રાંદલ માનું છાયા સ્વરૂપ

તેમને બે સંતાન પ્રાપ્તિ થઈ, યમ અને યમુનાના માતા છે, તેમજ તેમને અન્ય બે સંતાન છે, શનિ અને તાપી. પરંતુ તેમના સંતાનો વચ્ચે થયો હતો બહુ મોટો વિવાદ.

સૂર્ય નારાયણનું તેજ એટલું બધુ આકરું હતું કે મા રાંદલ તેમની લાંબો સમય સુધી સામું પણ નહોતાં જોઈ શકતાં. એકવાર તેઓ થાકી હારીને રીસાઈ ગયાં. પોતાનું એક છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને પોતાના પિયરે ચાલી નીકળ્યાં. મા રાંદલના પિતાનું નામ છે વિશ્વકર્મા દેવ… તેમણે દીકરીને પતિના ઘરેથી રીસાઈને આવેલ જોઈને તેમને સમજાવ્યાં. તેમણે કહ્યું કે દીકરીની શોભા તો સાસરે જ વધે… એમણે પરત ફરવાની વાત કરી. પરંતુ એ સમયે તેમના છાયા સ્વરૂપને બે સંતાન શનિ અને તાપીનું નિર્માણ થઈ ચૂક્યું હતું. કઈ રીતે પતિ પાસે પાછાં જાય? તેમને પસ્યાતાપ થયો અને તપ કરવાની ઇચ્છા થઈ. તેમણે મૃત્યુ લોકમાં જઈને ઘોડીનું સ્વરૂપ ધારન કર્યું અને એક પગે ઊભીને તપ કર્યું હતું.

બીજી તરફ શનિ મહારાજ અને યમને કોઈ વાતે વિવાદ થયો અને બંને વચ્ચેનો આ વિવાદ વધતાં તેઓ પિતા સૂર્ય દેવ પાસે ગયા. તેમણે કહ્યું કે યમને માતાએ શ્રાપ આપ્યો હતો. ત્યારે સૂર્ય દેવે વિચાર્યું કે માતા કદી પુત્રને આકરો શ્રાપ આપે નહીં. ત્યારે તેમને હકીકતનો ખ્યાલ આવ્યો કે આ રાંદલ દેવીનું છાયા સ્વરૂપ છે. તેઓ ધરતી પર ઘોડ પર સવાર થઈને પહોંચ્યા અને માતા રાંદલના તપથી પ્રસન્ન થઈને તેમનું તપ ભંગ કર્યું.

રાંદલ માના બે લોટાની કથા

રાંદલ માએ પોતે જ તેમનું બીજું છાયા સ્વરૂપ રચ્યું હતું, તેમના ઘોડીના સ્વરૂપે કરાયેલા તપથી પ્રસન્ન થઈને સૂર્ય દેવે તેમને વરદાન આપ્યું કે જે કોઈપણ તેમના બંને સ્વરૂપનું સ્થાપન કરશે તેમને રિદ્ધિ – સિદ્ધિની અસીમ કૃપા મળશે અને સંતાન સુખની પ્રાપ્તિ થશે. ત્યાર બાદ આજ સુધી શુભ પ્રસંગે રાંદલ માના બે ચહેરાવાળી મૂર્તિ સ્થાપિને તેમના આ સ્વરૂપની પૂજા કરાય છે.

રાંદલ માતાએ રણમાં વર્ષાદની કરી હતી મહેર

રાંદલ માએ પૃથ્વી પર રણમાં બાળ સ્વરૂપે અવતાર ધર્યો હતો. તે સમયે તેમણે કુમારી કન્યાનું સૌંદર્યવાન સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમનું ત્યાં પ્રાગટ્ય થતાં જ અકાળગ્રસ્ત વિસ્તારમાં વરસાદ પડ્યો. કુમારીકાની હાજરીથી આ વરસાદનું વરદાન મળ્યું એવી જાણ થતાં સૌએ તેને શકનિયાળ માનીને ત્યાંજ રોકાઈ જવા કહ્યું. માતાજીની કૃપાથી એ ગામના સૌ કોઈને કોઢ તો કોઈનું આંધળાંપણું તો કોઈનું વાંજણાંપણું દૂર થઈને કૃપા થતી રહેતી હતી.

માલધારીઓના આ ગામમાં રાજાના સૌનિકો મહેસૂલ વસૂલ કરવા આવ્યા ત્યારે તેમણે આ ગુણ અને રૂપમાં સુંદર એવી છોકરી જોઈ અને રાજાને જાણ કરી. રાજાએ એક ટૂકડી તેને દરબારમાં લઈ આવવા માટે મોકલ્યા. ત્યારે ગામ લોકોની સામે તે સૈન્યએ ગામની સામે ચડાઈ કરી. મા રાંદલે તેમની અનુકંપા વરસાવી અને રણમાં ધૂળની ડમરી ઊડાડી. સૈનિકો ત્યાં જ દટાઈ ગયા અને માતા રાંદલે એ સમયે સૌ કોઈને પોતાના પ્રગટ્ય સ્વરૂપની વાત કરી. તેમણે વચન આપ્યું કે અહીં હું હાજરા હજૂર રહીશ અને જે કોઈ મનથી મારી ભક્તિ કરશે એ સૌના દુઃખ – દર્દ દૂર કરીશ. એ ગામનું નામ પડ્યું દડવા…

રાંદલ માના ગામના મંદિર તેમજ આરતીનું મહત્વ

રાંદલમાનું આ ગામ સૌરાષ્ટ્રના ગોંડલ શહેર પાસે આવેલું છે. માતાજીની અહીં દિવ્ય મૂર્તિના દર્શન ખૂબ ભવ્ય થાય છે. અહીંના મંદિરની આરતીનો લહાવો લેવા જેવો છે. જે સવારે પાંચ વાગ્યે અને સામૂહિક સાંજની આરતી સાત વાગે થાય છે જે ૩૦થી ૪૦ મિનિટ સુધી ચાલે છે. જેમાં ઢોલ, નગારા અને શંખનો દિવ્યનાદ સંભળાય છે. નવરાત્રીમાં અહીંના હવનના દર્શન ખૂબ જ સારા થતા હોય છે.

પૂજા વિધિ

કોઈપણ મનોરથ વિચારીને કે પછી શુભ પ્રસંગે લોકો ઘરે રાંદલ માના લોટા તેડાવતા હોય છે. સવારે પૂર્ણ શણગાર સાથે માતાના લોટાનું સ્થાપન. પૂજા અને આરતી થાય છે. બપોરે પ્રસાદમાં ગોયણીઓ જમાડાય છે. જેટલા લોટા તેડાવ્યા હોય તેટલી સંખ્યામાં ગોયણી કરવી જોઈએ. તેમને પ્રસાદમાં ખીર અને રોટલી જમાડાય છે. તે સિવાય પણ અન્ય વાનગીઓ પિરસાય છે. તેમને ભેટ સ્વરૂપે સુહાગની બધી નિશાનીઓ, ચાંદલા બંગડી વગેરે અપાય છે. સાંજના ભાગમાં ભજન, ગરબા અને આરતી રાખવામાં આવે છે. આ સમયે ગરબા અને ઘોડો ખૂંદવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે.

માની કૃપા પર આસ્થા રાખનાર સૌ કોઈની આજ સુધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અનેક પરચાઓ અને કિસ્સાઓ આપણે રાંદલ માની કૃપાના સાંભળતાં હોઈએ છીએ. વરસાદ માટે પણ મા રાંદલની કૃપા રહે તેવી પ્રાર્થના કરાતી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version