શું આપણે ભારતીયો જ નહિ સમજ્યા, સૂર્ય નમસ્કાર નું મહત્વ ???

સૂર્ય નમસ્કાર એ માત્ર કસરત નથી પરંતુ સૂર્યોપાસના છે. કસરતમાં માત્ર શરીરને ઘડવાનો પ્રયત્ન થાય છે જ્યારે સૂર્યોપાસના દ્વારા સૂર્યના ગુણો આપણા જીવનમાં આવે એ જોવામાં આવે છે. સૂર્ય એ મ્યુનિસિપાલિટીનો ગોળો માત્ર નથી. એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. પૃથ્વી પરનું તાપમાન સૂર્યની ઉર્જાને કારણે જળવાઈ રહે છે આથી તો પૃથ્વી પર જીવન શક્ય છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે. આથી આપણા શાસ્ત્રકારોએ સૂર્યને નારાયણ ઠરાવ્યા. નારાયણ એટલે સૃષ્ટિના પાલક એવા ભગવાન વિષ્ણુ. પૃથ્વી આપણી માતા છે તો સૂર્ય આપણા પિતા છે. સૂર્ય તેજસ્વી છે. એના ઉગમથી ગંદકીનો નાશ થાય છે. કચરો બળી જાય છે. સૂર્ય એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધાકારનો નાશ થાય છે તેમ સૂર્યપ્રકાશ વડે જીવનમાં અજવાળુ પથરાય છે. રાત્રીમાં જે દુષણો ફેલાય છે એ બધા જ દિવસ ઉગતાં જ નષ્ટ થઈ જાય છે. આથી સૂર્યોપાસના વડે આપણે સૂર્ય જેવા તેજસ્વી બનવાનું છે.

એક સૂર્યનમસ્કારમાં દસ સ્ટેપ છે. આવા બાર સૂર્યનમસ્કાર કરીએ એટલે એક રાઉંડ પુરો થયો ગણાય. ક્રમશ: સૂર્યના બાર નામોનું સ્મરણ કરીને બાર સૂર્ય નમસ્કાર કરવાના. આ રીતે પાંચ રાઉંડ એટલે કે કુલ સાઈઠ સૂર્યનમસ્કારથી યુવાનીમાં કસરતની શરૂઆત કરવી જોઈએ. ધીરે-ધીરે વધારતા જઈને એની સંખ્યા હજાર સૂર્યનમસ્કાર સુધી પહોંચે તો ય વાંધો નહિ. સ્વામિ વિવેકાનન્દ દરરોજ બારસો જેટલા સૂર્ય નમસ્કાર કરતા હતા. આપણે બાળ ગંગાધર ટિળકને જોયા છે. તેઓના શરીરનો બાંધો કેવો મજબૂત હતો ! મધ્યમ કદનું કસાયેલું શરીર દિવસના અઢાર કલાકથી વધુ કામ કરે તો પણ થાકે નહિ એવું સ્વસ્થ હતું. પરંતુ તેઓ નાના હતા ત્યારે ખુબ દુબળા હતા. પાતળુ-સાંઠીકા જેવું શરીર હતું. સાથી વિદ્યાર્થીઓ તેમને ખુબ ચીડવતા. આથી એક વાર મક્કમ મન કરીને તેઓએ શરીરને સુદૃઢ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેઓએ સૂર્યનમસ્કાર શરૂ કર્યા અને પોતાની કાયા પલટી નાંખી. એવું કહેવાય છે કે શરીરને કસવા માટે તેઓએ શાળામાં એક વર્ષ ગેરહાજર રહ્યા હતા. પરંતુ તેઓએ સ્વપ્રયત્ને એવો ચમત્કાર કર્યો કે જન્મજાત શરીરનો બાંધો ધરમૂળથી બદલી નાંખ્યો અને અશક્ય લાગતું કામ શક્ય કરી દેખાડ્યું. તેઓ પણ રોજના બારસો-પંદરસો સૂર્યનમસ્કાર કરતા હતા. સારી એવી સ્પીડ આવી જાય એટલે એક સૂર્ય નમસ્કારના દસ સ્ટેપ પુરા કરતા ત્રણ સેકંડ લાગે. અડધી મિનિટમાં એક રાઉંડ પુરો થઈ જાય. પાંચ રાઉંડ પુરા કરતા ત્રણ મિનિટથી વધુ સમય ન લાગે. આ રીતે હજાર સૂર્ય નમસ્કાર કરતાં એક કલાક જેટલો સમય જાય.

એક મહાપુરુષે કહ્યું હતું કે યુવાનીમાં શરીરના અંગો એવા સુદૃઢ હોય છે અને ભુખ એવી લાગે, ઉપરાંત રમવા-કુદવામાં એટલી બધી એનર્જી ખર્ચાય કે લોખંડના ચણા પણ પેટમાં નાંખો તો એ પચી જાય. કોઈ વળી કહે કે યુવાનીમાં તો કાંકરા પણ પચી જાય એવી પાચનશક્તિ મજબૂત હોય છે. પરંતુ પાંત્રીસની વય વટાવ્યા બાદ ઘુંટણમાં દર્દ શરૂ થઈ જાય છે. દાદરા ચઢવા-ઉતરવામાં કષ્ટ પડે છે. ખોરાક-પાણી બદલાય એટલે પાચનશક્તિ મંદ પડી જાય છે. એવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિએ કોઈ પણ કારણસર ગામેગામ ફરવાનું હોય ને દિવસમાં જુદા-જુદા સો કુવાનું પાણી પીવાનું થાય તો એક જ દિવસમાં એ પથારીવશ થઈ જાય/માંદો પડી જાય. પરંતુ જો એણે સૂર્યનમસ્કાર કર્યા હશે તો દિવસમાં ગમે તેટલું બદલાયેલું પાણી પીવે, શરીરને પુરતી ઉંઘ કે આરામ ન મળે તો પણ એની પાચનશક્તિને કોઈ અવળી અસર થતી નથી. સવારે એને પેટ સાફ આવે જ છે. અને એ જ સાચું સુખ છે ને ! કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.

કેટલાક ડોક્ટર્સ કહે છે કે સૂર્યનમસ્કાર એ ભારે કસરત છે પરંતુ સૂર્યનમસ્કારથી એવું કોઈ નુકશાન કોઈને થતું નથી. મને શારીરિક યુવાનીના વર્ષોમાં દરરોજ સિત્તેર સૂર્યનમસ્કાર કરવાનો અનુભવ છે. સૂર્યનમસ્કાર કરતી વખતે એટલો બધો પરસેવો પડે કે તમે ઓગળતી ચરબીની ગંધને હવામાં ફેલાયેલી સુંઘી શકો. આનો એક આડ લાભ એ કે કોઈ વાર દિવસ કે રાત્રી દરમિયાન અચાનક લાઈટ જાય તો સૂર્યનમસ્કાર કરનારને અન્યોની જેમ ગરમી ન લાગે કે પરસેવો પણ ન થાય. શરીર એટલું અનુકૂલન પરિસ્થિતિ સાથે સાધી જ લે. એક વિદ્યાકીય સંસ્થામાં પ્રતિ વર્ષ એક દિવસ સૂર્યનમસ્કારની હરિફાઈ રાખવામાં આવતી. સંસ્થાના સંચાલક કહેતા કે ચોક્કસ સમયગાળામાં ઝડપથી કોણ કેટલા સૂર્યનમસ્કાર પુરા કરે છે એવી સ્પર્ધા હોવી જોઈએ. પરંતુ ત્યાંના વિદ્યાર્થીઓ પોતાની રીતે હરિફાઈ કરતા. જેણે-જેણે સ્પર્ધામાં ભાગ લીધો છે એ વિદ્યાર્થી સમય મર્યાદામાં બંધાયા વિના તેમજ અટક્યા વિના સળંગ કેટલા સૂર્યનમસ્કાર કરે છે એ જોવામાં આવતું. સવારે છ કલાકે શરૂ થયેલી સ્પર્ધા બાર કલાક સુધી ચાલતી. લગભગ પાંચેક વિદ્યાર્થીઓ તો એવા નિકળે જેઓ સતત બાર કલાક સુધી સૂર્યનમસ્કાર કરે. તેઓએ કરેલા સૂર્યનમસ્કારની વ્યક્તિગત સંખ્યા દસ-બાર હજાર સુધી પહોંચે. આખો વિશાળ ખંડ બળેલી ચરબીની ગંધથી ભરેલો હોય. એ દરેક વિદ્યાર્થીએ બાર કલાક દરમિયાન લગભગ પાંચ થી સાત કિલો તો ક્યારેક દસ કિલો વજન ઉતારી લીધું હોય.

વ્યવહારની દૃષ્ટિએ જોઈએ તો પણ સૂર્યનમસ્કાર વધુ યોગ્ય છે. દા.ત. તમે બારે મહિના કસરત કરવા ઈચ્છતા હો અને એ માટે ચાલવા કે દોડવા જતા હો તો વરસાદની ઋતુમાં અથવા ક્યારેક બહુ ઠંડી પડે ત્યારે અથવા કર્ફ્યુ જેવા કારણોસર ઘરની બહાર ન નિકળી શકો તો તમારે કસરત વિના રહેવું પડે છે. બેડમિંટન વગેરે રમત દ્વારા કસરત કરનારને પાર્ટનરની હંમેશા જરૂર પડે છે. પાર્ટનર ન મળે એ દિવસે કસરત ન થાય. ઘરની અંદર જ ચાલવા કે દોડવા માટે યંત્ર વસાવવું એ બધાને પરવડે નહિ. જ્યારે સૂર્યનમસ્કાર ઘરમાં નાનકડી જગ્યામાં પણ થઈ શકતા હોવાથી વધુ પ્રેક્ટિકલ ગણાય. એક મહાપુરુષે તો ત્યાં સુધી કહ્યું છે કે પ્રત્યેક માણસે નિયમ લેવો જોઈએ કે જે દિવસે સૂર્યનમસ્કાર નહિ કરું તે દિવસે જમીશ નહિ. શરીરને પરસેવો પડે નહિ ત્યાં સુધી એને જમવાનું કેવું ? તો તેઓની સંસ્થામાં ભણતો એક વિદ્યાર્થી દલીલ કરતો, ‘ગુરુજી, જમતી વખતે જુઓને, શરીરમાંથી કેટલો બધો પરસેવો નિકળે છે. હું પરસેવો પાડ્યા વિના જમતો જ નથી.’ બદમાશ નહિ તો ! આ મહાપુરુષ રાત્રે ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ સવારે પણ તેઓ ટ્રેનમાં જ હોય તો ડબ્બામાં સૂર્યનમસ્કાર શરૂ કરી દેતા. ગમે તેવી ભીડમાં સાથી મુસાફરો સહકાર આપે જ ! મન મક્કમ હોવું જોઈએ.

સૂર્યનમસ્કાર કરતા પહેલા આ શ્લોક બોલવાના :

હરિ: ઓમ

ઉદ્યનદ્ય મિત્રમહ, આરોહંનુત્તરાન્દિવમ.

હૃદ્રોગમ મમ સૂર્ય, હરિમાણં ચ નાશય.

શુકેષુ મે હરિમાણમ, રોપણા કાસુદધ્મસિ.

અથો હારિદ્રવેષુ મે, હરિમાણં નિદધ્મસિ.

ઉદ્ગાદયમાદિત્યો, વિશ્વેન સહસા સહ.

દ્વિષંતમ મહ્યમ રન્ધયન, મો અહમ દિષતે રધમ.

ત્યારબાદ પ્રત્યેક સૂર્યનમસ્કાર કરતા પહેલા સૂર્યના બાર નામો પૈકી એક-એક મંત્ર બોલવાનો:

ઓમ મિત્રાય નમ:

ઓમ રવયે નમ:

ઓમ સૂર્યાય નમ:

ઓમ ભાનવે નમ:

ઓમ ખગાય નમ:

ઓમ પૂષ્ણે નમ:

ઓમ હિરણ્યગર્ભાય નમ:

ઓમ મરિચયે નમ:

ઓમ આદિત્યાય નમ:

ઓમ સવિત્રયે નમ:

ઓમ અર્કાય નમ:

ઓમ ભાસ્કરાય નમ:

કોઈ-કોઈ યુવાનો બારના બદલે ચૌદ સૂર્યનમસ્કારનો એક રાઉંડ કરે તો તેઓ સૂર્યના બે વધુ નામો બોલે:

ઓમ ભાસ્કરેભ્યો નમ:

ઓમ માતૃપિતૃભ્યામ નમો નમ:

સૂર્યનમસ્કારના રાઉંડ પુરા થાય એટલે અંતમાં બે શ્લોક બોલવાના:

આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર

દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે.

આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને

જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે.

સૌજન્ય : કલ્પેશ સોની

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી