સૂર્યનારાયણની પૂજા સાચી શ્રદ્ધાથી શરૂ કરવાની સાથે જ ચમત્કારનો અનુભવ થવા લાગશે…

શું તમે જાણો છો સૂર્યને જળ ચઢાવવાની શાસ્ત્રોક્ત રીત ? તો જાણી લો આજે જ…

આપણાં ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં 33 કરોડ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી કેટલાકને વેદોમાં પ્રત્યક્ષ દેવતા કહેવાયા છે. એટલે કે એવા દેવતા જે કળયુગમાં પણ સાક્ષાત છે. આવા દેવતાઓમાં સૌથી પહેલું સ્થાન છે સૂર્ય નારાયણનું. સૂર્ય દેવ સાક્ષાત અને પૃથ્વી પરના દરેક જીવનનો આધાર છે. તેમના કારણે જ પૃથ્વી પર જીવસૃષ્ટિના અસ્તિત્વ છે. સૂર્ય દેવ ઊર્જાના કારક છે. તેમના ઉદયથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશ ફેલાય છે.


સૂર્યનું મહત્વ જ્યોતિષ શાસ્ત્રમાં પણ દર્શાવાયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્માનો કારક ગ્રહ ગણવામાં આવે છે. તે સકારાત્મક ઊર્જાને વધારે છે અને નકારાત્મકતાને દૂર કરે છે. એટલા માટે જ શાસ્ત્રમાં સૂર્ય પૂજાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રોનુસાર દરેક વ્યક્તિએ નિયમિત રીતે સૂર્યની પૂજા કરવી જ જોઈએ. સૂર્ય પૂજા ખૂબ સરળ હોય છે તેમ છતાં જો પૂજા કરવી શક્ય ન હોય તો નિયમિત રીતે સૂર્યને અર્ધ્ય એટલે કે જળ તો ચઢાવવું જ જોઈએ. સૂર્યને જળ ચઢાવવાથી વ્યક્તિના પરાક્રમમાં વધારો થાય છે. વ્યક્તિનું તેજ અને સમાજમાં કિર્તી વધે છે. આમ તો સૂર્યને જળ ચઢાવવાની વિધિ સરળ જ છે પરંતુ તેના કેટલાક નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે. આ નિયમનું પાલન કરીને કરેલી સૂર્ય પૂજા તુરંત અસર દેખાડે છે. જો તમે રોજ સૂર્ય પૂજા કરતાં પણ હોય તો આજે જાણી લો કે તમે કરો છો તે પૂજા વિધિસર છે કે નહીં. જો ન હોય તો કાલે સવારે સૂર્ય દેવની ક્ષમા માંગી અને આ વિધિથી કરી દેજો પૂજા શરૂ.


સૂર્ય પૂજાના મહત્વના નિયમો

1. સૂર્ય પૂજા કરનાર વ્યક્તિએ સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી સ્નાન કરી લેવું જોઈએ.

2. સ્નાન કર્યા પછી તાંબાના કળશમાં શુદ્ધ પાણી જે એઠું કરેલું ન હોય તે ભરવું અને તેમાં થોડી સાકર પણ ઉમેરી દેવી. આ જળથી સૂર્યને અર્ધ્ય આપવાથી મંગળ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થઈ જાય છે.

3. સૂર્યોદય સમયે સૌથી પહેલાં સૂર્યને પ્રણામ કરવા અને પછી તાંબાના કળશમાં ભરેલા જળથી ધીરે ધીરે સૂર્ય દેવને જળ ચઢાવવું.

4. જળ ચઢાવતી વખતે ॐ સૂર્યાય નમ: અથવા અન્ય સૂર્ય મંત્રનો જાપ કરવો.


5. અર્ધ્ય આપ્યા બાદ કળશમાં થોડું પાણી બાકી રાખવું અને તેને છેલ્લે જમણી હથેળીમાં લઈ અને પોતાની ચારે તરફ છાંટવું.

6. પાણીનો છંટકાવ કર્યા પછી જે સ્થાન પર ઊભા હોવ ત્યાં જ ત્રણ પ્રદક્ષિણા ફરવી અને સૂર્ય દેવને નમસ્કાર કરી દિવસની શરૂઆત કરવી.

આ રીતે જો તમે નિયમિત રીતે સૂર્ય પૂજા કરશો તો થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે તમારા વિચારોમાંથી નકારાત્મકતા દૂર થવા લાગી છે અને મનની ઈચ્છાઓ એક પછી પૂર્ણ થવા લાગશે. બસ સૂર્યનારાયણની પૂજા સાચી શ્રદ્ધાથી શરૂ કરવાની સાથે જ ચમત્કારનો અનુભવ થવા લાગશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ