જીવવા માટેની એક આશા શોધતા મિત્રોની વાર્તા…

૧) જીવ – મીનાક્ષી વખારિયા

હવે બચ્યા-ખૂચ્યા શ્વાસ ડચકિયા લઈ રહ્યા છે. આપ્તજનો મારી અંતિમક્રિયાની તૈયારીમાં પણ લાગી
ગયા હશે. તોયે હું હજી અગતિયાની જેમ આઈ.સી.યુ.ના દરવાજા તરફ મીટ માંડી રહ્યો છું. મારું દિલ
કહે છે કે મારી હાલતના સમાચાર તારા સુધી પહોંચ્યા જ હશે. તું આવ્યા વગર નહીં રહે એની મને ગળા
સુધી ખાતરીયે છે. બહુ થયું હવે, મારી અંતિમ ઇચ્છાને માન આપી આવી જાઓ એટલે તમારા બંનેની
તસવીર આંખોમાં ભરી નિરાંતે વિદાય લઉં. મન થતું કે મોબાઈલથી તારી સાથે વાત કરી લઉં પણ તું મારો
ફોને ઉપાડે જ નહીં તો? આમેય આઈ.સી.યુ.માં મોબાઈલ રાખવા નથી દેતા. વળી મારામાય ક્યાં ફોન
પકડવાની કે વાત કરવાની તાકાતેય હતી?

મારી પત્ની અને પરિવારજનો બહુ જ પ્રેમથી મારી સેવા કરે છે. બસ..તું નથી, એ ખાલીપો જીરવાતો
નથી. તારી ખોટ પડી છે ત્યાં પસ્તાવાએ અડિંગો જમાવી દીધો છે. આપણી નિર્દોષ મિત્રતાનો, ક્ષણિક
શારિરીક મોહે ક્યારે છેદ ઉડાડી દીધો ને આપણે અક્ષમ્ય ભૂલ કરી બેઠા. એ ભૂલનું પરિણામ ભોગવવા
સમાજની સામે થવા તું તૈયાર હતી પણ હું નપાણિયો મારા માતાપિતાએ કંડારેલી મારા જીવનની
રૂપરેખામાં સમાઈને રહી ગયો. હરફ સુધ્ધાં ઉચ્ચારી ન શક્યો. એ ગુનાનો ભાર વેંઢારી થાકી ગયો છું.
ખરા દિલથી મારે તારી માફી માંગવી છે. ઘણીવાર તારો સંપર્ક કરવાની કોશિશ કરી પણ તે તારાં મનનાં
કમાડ એવા સખત્ત ભીડી દીધેલાં કે મારો એક નિ:સાસો પણ અંદર પ્રવેશી ન શક્યો.
***
મારી અંતિમયાત્રાની તૈયારી ચાલી રહી છે. મારી નજર ટોળામાંથી તમને શોધવા ફરી વળી છે. માંડ તું
દેખાઈ, આપણાં બાળકને વળગીને તું ઊભી હતી. તારી આંખોમાં બાઝેલો ભેજ મને દેખાયો ને મારો
જીવ ફરી સળવળી ઉઠ્યો.

૨) પાઠ – લતા સોની કાનુગા

“આ ઉંમરે તમને શોભે છે આ બધું?”
“કેમ તો તું ને તારી બૈરી છાંકટા બની કલબમાં નાચો છો, એ પણ આધુનિકતાના નામે બૈરાયે બદલો ને
ધણીયે બદલો એ શોભે છે?”
સમીર પગ પછાડતો બેડરૂમમાં જતો રહ્યો.
જીવનના પાત્રીસ વરસ એકલે હાથે દીકરાને મોટો કરવામાં કાઢ્યા. એ પોતાની જિંદગીમાં મશગુલ રહેવા
લાગ્યો ને ચમનભાઈ એકલા પડ્યા. આ વર્ચ્યુઅલ દુનિયામાં એમને મળી ગઈ એક સાથી. એમની મિત્રતા
વધતી ચાલી ને ઘરે આવતી થઈ એ મિત્ર. બન્ને હમ ઉમ્ર, એકમેકમાં લીન એવા કે જાણે ફરી જુદા જ ન
પડવાના હોય. સવાર પડે ને બંગલાના બગીચામાં બન્ને લટાર મારતા હોય કે હીંચકે બેસી એકમેકના હાથ

જાલી કલાકો સુધી વાતોએ વળગ્યા હોય. કે આંગણામાં મોર ને ઢેલ આવી કળા કરતાં હોય એ જોઈ બન્ને
એકમેકની આંખમાં જાણે કશુંક વાંચી લેતા હોય.
ગરાસ લૂંટાઈ જતો લાગ્યો ને વહુનો ચડાવ્યો દીકરો બાપને ન કહેવાના વેણ બોલી ગયો.
છેવટે તેઓ એક નિર્ણય પર આવ્યા.
બીજે દિવસે સવાર પડી ને ઘરમાં બાપાને ન જોયા. એમની રૂમમાં તપાસ કરતા મેડિકલ રિપોર્ટની કોપી
હાથ લાગી, એ સ્ત્રીના નામની. છેલ્લા સ્ટેજનું કેન્સર.
બીજે દિવસે વકીલ દ્વારા બાપાની નોટિસ આવી.

૩) ઠેસ – આરતી આંત્રોલીયા

''મૌસમ હૈ આશીકાના અય દિલ કહીંસે ઉનકો ઐસેમેં ઢૂંઢ લાના..''
વરસાદી મૌસમને માણતા પોતાની પ્રિય એવી ગરમાગરમ કોફીની ચૂસકીઓ લેતો તે બાલ્કનીના ઝૂલા
પર હજુ ગોઠવાયો, ત્યાં જ રેડિયો પર આવતાં ગીતના શબ્દોએ તેને દઝાડી દીધો. દૂધનો દાઝ્યો તે હરેક
પગલું બહુ સંભાળીને, સાચવીને ભરવા ગયો તેમાં જ જિંદગીની રેસમાં પાછળ રહી ગયો ને તેને ગમતી
પરીને કોઈ બીજું ઉઠાવી ગયું. ત્યારથી તે, તેની કોફી અને તેના જેવો સિંગલ બાલ્કનીનો આ ઝૂલો, બસ
પોતાનાં કહી શકાય તેવા આ બે જ બાકી રહ્યા હતાં.

આખરે, ઝૂલાની ઠેસ અને કોફીની વરાળ સાથે ગતિમાન થઈ તેણે સ્મરણોની ગલી-કૂંચીઓમાં ઝંપલાવી
જ દીધું. વર્ષો પહેલાં પોતે જેને ચાહેલો તે ચહેરો આજે પણ એવો ને એવો જ હતો. પણ તો પછી, પોતે
તેમાં પૂરેલા કલ્પનાના રંગ રૂપી લાલ ચટ્ટક ચાંદલો ને કંકુ પૂરેલી સેંથી ક્યાં? તેણે આંખો ચોળી, ચૂંટી
ભરી ખાતરી કરી, હા તે જાગતો હતો..

જીંદગીની ગાડીનું રિવર્સ ગિયરમાં જવું તેને ગમ્યું. તે જાણે હાથ પસારી તેને બોલાવી રહી હતી, અને તે
પળનો પણ વિલંબ કર્યા વગર દોડ્યો તેની તરફ. ત્યાં ફરી એક ઠેસ વાગી ને..નતે વિચારી રહ્યો કે ક્યાંય આ
સપનું તો નથી ને..

૪) ખાલીપો – વિભાવન મહેતા

ટ્રેનમાંથી ઉતરી મેં રોજની જેમ ઓંફીસ જવા માટે ૯.૪૦ની બસ પકડી. કન્ડક્ટર આવ્યો. મેં કહ્યું,"બે
લાલ દરવાજા."

કન્ડક્ટરના ચહેરા પરના હાવભાવ જોતાંની સાથેજ બસનું છાપરું તોડીને મારા માથા પર આભ તૂટી
પડયું. 'હા, હવે એ ક્યાંથી હોય?'

મેં કહ્યું," એક…એક લાલ દરવાજા."

ટીકીટ લઈને સીટ પર બેઠો ને હાથમાં પકડેલી એ ટીકીટમાં મધુરીનો ચહેરો ઉપસી આવ્યો અને પછી
ટીકીટનો એ લંબચોરસ ટુકડો મને ઘસડીને ભૂતકાળમાં લઈ ગયો.

હું અને મધુરી સાથેજ ૯.૪૦ની બસ પકડતાં. રોજ મધુરીજ બારી પાસે બેસતી અને રોજ હું જ બે
ટીકીટ લાલ દરવાજાની લેતો, ઓંફીસ પહોંચીને તરત જ બે મિનિટના અંતરે આવેલી મધુરીની ઓફીસે
ફોન કરીને પૂછી લેતો,'પહોંચી ગઈ ને?'

"આ ટીકીટમાં એવું અને એટલું બધું તે શું લખેલું છે?" બાજુમાં બેઠેલી યુવતીએ પૂછ્યું. મેં કહ્યું," કાંઈ

નહીં." પછી મેં શોલ્ડરબેગમાંથી એક ઝીપલોંક બેગ કાઢી, તેમાં મુકેલી બીજી અસંખ્ય ટીકીટોની થપ્પીમાં
આજની ટીકીટ મુકી દીધી, પછી એક કોરા કાગળમાં ઉપરના ભાગે લખ્યું…

મારી મધુરી,

જત જણાવવાનું તને…

પછી છેક નીચે લખ્યું… તારો (?) અવિનાશ..

યુવતીએ ત્રાંસી આંખે જોયું હશે એટલે પૂછ્યું, "આ વચ્ચે ખાલી કેમ?"

મેં કહ્યું,"એજ ખાલીપો… મારી મધુરી સમજી જશે."

યુવતી બોલી, "મને મારી મોટી બેન યાદ આવી ગઈ. એના લગ્ન અમારા મા-બાપુએ નક્કી કરી દીધાં
છે… આવતે મહીને… એ પણ બિચારી ઓંફીસ જતી નથી અને બારી પાસે સૂનમૂન બેસી રહે છે." હવે
મેં પૂછ્યું," એનું નામ શું છે?" હવે યુવતી ચોંકી ઉઠી,"એનું નામ…"
એ આગળ બોલે ત્યાં તો કન્ડક્ટરની બૂમ સંભળાઈ, "લાલ દરવાજા… છેલ્લું સ્ટોપ."

૫) ખોખલું – ગોપાલ ખેતાણી

“જો ભઈ, સૂરતમાં એમ્બ્રોઈડરીનું કામ જામી ગયું છે. મારે આમેય કોઈને મેનેજર તરીકે રાખવો પડશે. તું
આવતો હોય તો મારા માટે ઉત્તમ.” રોનકનો ફોન મુકાયોને વિનયે સ્વાતિ સામે જોયું.

“કચ્છી બાંધણીઓથી કેટલું કમાઈશું? આમ પણ બે છોકરાઓ મોટા થાય છે. સુરત જવામાં વાંધો નહીં.”
સ્વાતિએ વિનયના વિચારો આંખમાં જ વાંચીને ઉત્તર આપી દીધો.

સૂરત અનુકૂળ ન આવે એવું તો બને નહીં. પાંચ વર્ષમાં વિનયને પોતાનો નિર્ણય સાચો થતો લાગ્યો.
પણ અચાનક જ વિનયે એક દિવસ સ્વાતિને જણાવ્યું. “આપણે જેમ સુરત આવ્યા તેમ હવે એક નિર્ણય
વધુ લેવો પડશે. ફક્ત એક વાર ચક્કર લાગી જાય તો બન્ને છોકરાઓ અને આપણી જિંદગી સુધરી જશે.
પ્લીઝ હા કહેજે. બસ બે–ત્રણ વર્ષની જ વાત છે.”

સ્વાતિ વિનયના વિચારો વાંચવામાં પાવરધી હતી જ!

મુંબઈ એરપોર્ટ પર વિનયને મુકવા રોનક, સ્વાતિ તથા બાળકો આવેલા. “કંપાલા પહોંચીને તરત ફોન
કરીશ.” વગેરે શબ્દોએ સ્વાતિની આંખો ભીની કરી. “ચિંતા ન કરીશ દોસ્ત, ભાભી અને બાળકોનું ધ્યાન
રાખીશું.” શબ્દોએ વિનયના મનને શાતા પહોંચાડી.

વિનયના રવાના થયા બાદ એક અઠવાડીયામાં જ રોનકે ફોન કરી સ્વાતિને કહ્યું,” ભાભી અમે, મુંબઈ
શિફ્ટ થઈએ છીએ. બધું જ મુંબઈ શિફ્ટ કરી નાખ્યું છે. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો.”
ખોખલા શબ્દોનો ભાર સ્વાતિના કાન પર બહુ વર્તાયો.

“આઈ એમ સોરી ટુ સે, મિસ્ટર વિનય. વધુમાં વધુ બે થી ત્રણ વર્ષ.” ડોક્ટરના શબ્દો હજુ પણ વિનયના
કાનમાં ગુંજતા હતા. સ્પિકર ફોન પર સંભળાયેલા આ શબ્દો વિનયની જાણ બહાર રોનકના કાનમાં પણ
ગુંજ્યા હતા.

વિનયે મેડીકલ રિપોર્ટ પરથી, સ્વાતિએ મોબાઈલમાં ઝળુંબી રહેલી ભુજની ટિકીટ પરથી અને રોનકે આ
સંબંધ પરથી; નજર ફેરવી લીધી.

૬) ટીપ – સુષમા શેઠ

પંચતારક રેસ્ટોરન્ટમાં પાછલા બારણેથી દાખલ થઈ તેણે વેઇટરનો શ્વેત ઈસ્ત્રીટાઈટ યુનિફોર્મ ધારણ કરી
લીધો. યુનિફોર્મપર ડાઘ, ધબ્બા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું. કેટલીય વાર થતું,'આ નોકરી છોડી
દઊં.'

મનમાં પડેલી કેટલીયે કરચલીઓ અને જીવનની કાળાશ મનમાં જ ધરબી દીધી. મ્હોં પર બને તેટલી
સ્વસ્થતા અને હસતા હોઠ ચોંટાડી ચુપચાપ તે ગ્રાહકોને સંતોષ પીરસવાની કામગીરી કર્યે રાખતો.
બદલામાં મળતી ગાળો, અપમાન, રોષ ગળે ઉતારી જવા પડતા. થાકી હારીને યુનિફોર્મ ઉતારી ઘરે જાય
ત્યારે ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ.

ફર્ક એટલો જ કે બહાર ટીપ મેળવવા લંબાવેલો હાથ, ઘરે પત્નીના હાથમાં મૂકવા માટે લંબાતો, અને તે
થોડું મલકાતી.

તેને મલકતી જોવાના લોભમાંને લોભમાં તે લાંબો થતો ગયો. પોતાની જાત ક્યારે ટૂંકી થઈ ગઈ તેની
ખબર ન પડી.

ઇસ્ત્રીટાઇટ શ્વેત યુનિફોર્મને તેણે જતનપૂર્વક પસવારીને હેંગરમાં લટકાવ્યો, તેમાં ડાઘ ન પડે તે રીતે.

૭) કૂંપળ – હીરલ વ્યાસ 'વાસંતીફૂલ'

શિખા બાલ્ક્નીમાં રાખેલા આઠ-દસ કૂંડાને ગોટ મારવા બેઠી. નાની ખૂરપીથી કૂંડાની માટીને હળવેથી
ઊંચી-નીચી કરી. માટી ઊંચી-નીચી કરતાં એને લાગ્યું કે એ માટીની અંદર જ ક્યાંક નવી કૂંપળ શોધે છે.

બસ દર વખતે નવા-નવા રિપોર્ટ કરાવતી વખતે જેમ ડોક્ટરો એની અંદર શોધે છે તેમ! કૂંડામાં થોડું પાણી
રેડી કૂંડાને માપસરખો તડકો મળે તેમ ગોઠવ્યા ને એનો ભેજ છેક આંખો સુધી પહોંચ્યો.
બસ, રાહ જોવાની હવે આમાંથી ક્યા છોડમાં નવી કૂંપળ નીકળે તેની.

૮) મહોરાં મહેલ – કલ્પેશ જયસ્વાલ

તંબુની બહાર હોર્ડિંગ વંચાતું હતું, “મહોરાં મહેલ.” આવકારો ગુંજી રહ્યા હતા. “આઈયે… આઈયે…
મહેરબાન…કદરદાન… મહોરાં મહેલ…એક અજાયબ મહેલ.”
કુંતલ ‘પ્રવેશ’ તરફ આગળ વધી. દરવાને ઝૂકીને કુંતલને આવકારી. કુંતલ તો આગળ વધી પણ ઝૂકેલો
દરવાન ભેદી રીતે મલક્યો.

મહોરાં જ મહોરાં…ફરતી ફરતી કુંતલ એક મહોરાં પાસે થોભી,‘તો જ પહેરો, જો ન હોય ચહેરો.’
નવાઈ તો લાગી જ પણ વધુ નવાઈ તો તે વાતની હતી કે મહેલની અંદર તે એક માત્ર હતી જયારે બહાર
તો લાંબી હાર હતી!

ઉત્સુકતાપૂર્વક તેણે મહોરું ઉઠાવ્યું.

બેખબર કુંતલની પાછળ ડોકિયું કરતાં દરવાનની આંખો ચમકી અને તેણે જોરથી આંખો બંધ કરી.
અવાજ ગુંજ્યો,“કોઈને ચહેરો નથી કુંતલ, મોહરાં પાછળ તો જો.”
કુંતલે મહોરું પલટાવ્યું. તે મહોરાંની ઝપટમાં આવી ગઈ. તેની ચીખો બંધ થઈ અને મહોરું નીચે પડ્યું
પણ કુંતલ ન હતી!

ટેન્ટની બહાર વંચાતું હતું, ‘નિકાસ’ અને દરવાન તેના પૂર્વવત પહેરવેશમાં બહાર નીકળ્યો. ‘પ્રવેશ’ પાસે
સ્ત્રેણ સ્વરનો આવકાર તેના કાનમાં પડઘાઈ રહ્યો.

૯) સાંજ – શીતલ ગઢવી

સાંજ પડે રોજની આદત મુજબ સતત ચાર ચક્કર મેં બાગની ફરતે લગાવ્યા. છતાંય એ વડીલ બાંકડાના
છેડે સહેજ નમેલા જ રહ્યા. મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી ગઈ.
"અંકલ.. તમે ઠીક તો છો ને..?"
"શશશ..!"

એક અર્ધ મરેલા જીવડાને પોતાની સાથે લઈ જવા એક તરફથી કીડીઓ અને બીજા છેડેથી બે લાલ મંકોડા
પ્રયત્ન કરી રહ્યા.
"રામ બોલો ભાઈ રામ.."
બગીચા બહારથી સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી.

૧૦) લાલ ટાઈ – પારૂલ મેહતા

“શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન
બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ
આપી એણે જાતને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો. “નાઇસ ડે બેટા” એમ યંત્રવત બોલીને બેડરૂમ તરફ
ધસમસી. વેરવિખેર રૂમમાં શાર્દૂલ સફેદ શર્ટ પર ટાઈ લટકાવી મોબાઈલ પર વ્યસ્ત હતો. “ઓફિસમાં
લાલ ટાઈ, ઓહ ગોડ, કેટલું અજુગતું લાગે છે! અરે નોટ તો સરખી બનાવવા દો!” દોડતાં શાર્દૂલની
પાછળ એણે જરાક અમથું જોઈ લીધું અને તરત કિચન તરફ પાછી વળી. “બોસ જામો છો ને કંઈ
આજકાલ! અમોઘની ટકોરથી એક મસ્ત સ્મિત આપી શાર્દૂલે ગાડી સ્ટાર્ટ કરી. “મૉમ, ડેડી બાય કહે છે.”
“ઓહ, યસ, યસ, બાય બાય.” અમોઘને હાથમાં ટેનિસ રેકેટ પકડાવતાં, વેવ કરી “નાઇસ ડે બેટા” કહી
ઉતાવળાં પગલે બ્રેકફાસ્ટ ટેબલ તરફ ફેંકાઈ. ઓહ ગોડ, સાડા નવ થઈ ગયા! આજે તો વિડીયો ચેટ
કરવાની હતી. શાવર લઈ સરસ તૈયાર થઈ બિલ્વાએ કમ્પ્યુટર “લોગિન” કર્યું. ગઈકાલે જ ડાઈ કરાવેલાં
ખુલ્લાં જૂલ્ફાં રમાડતાં રમાડતાં અધીરા અને વેરવિખેર અવાજને સમેટતાં ધીમેથી બોલી: “હેલો…
હેલો.. સ્વરૂપા હિયર, જુઓ, પૂર્વરાગ સ્ક્રીન.. સ્ક્રીન, કેમેરા ઠીક કરો, હેલો.. આઈ કાન્ટ સી યુ
પ્રોપરલી.” સતત ઉપરતળે થતાં સ્ક્રીન પર એક આછોપાતળો આભાસ ઊપસી જ રહ્યો હતો કે લાલ
રંગની અસ્તવ્યસ્ત ટાઈ જોઈ બિલ્વા સ્તબ્ધ થઈ ગઈ. એક પળનોય વિલંબ કર્યાં વિના એણે લોગઑફ
કર્યું.

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન ગ્રુપ

આપને આમાંથી કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક
વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી