૧૦ અદ્ભુત લેખકોની કલમે વાંચો ટચુકડી વાર્તાઓ ફક્ત એક ક્લિક પર…

ઉઝરડા–સંજય ગુંદલાવકર

‘આ પેડેડબ્રા ને આટલો બધો હેવી મેકઅપ? શું ગરજ છે તને આ ધતીંગની?’
‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ.
‘હે ભગવાન, શું થશે આનું?’
‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો ફરીથી ગરજી ઉઠ્યો, ‘મમ્મી..!!’
‘આવી.’ મિજાગરો ખોલતાં જ દરવાજો અથડાયો.. ધડામ.. માથું ફાટી જાય એવું પરફ્યૂમ ગંધાયું,
‘કોણ જાણે તારૂ શું થશે? ભૂલથીય જો ભટકાયો તો તારો બાપેય તને ઓળખી શક્શે નહીં.’

‘એ ભૂતને તો વશમાં કરીશ જ..’

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

‘હા મમ્મી, નહીં તો આ પેડેડબ્રા, ને આટલા બધા હેવીમેક અપની મને ગરજ નથી.’

પહેલી વાર પેડેડબ્રાની પાછળના ઉઝરડા મમ્મીના આંસુ બનીને ટપકી પડ્યા.

ફળિયું – દિવ્યેશ સોડવડીયા

“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું.

“મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું.

“હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.”
“તમારા દીકરાની જોળીદાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા.

ડોસીની આંખોમાંથી દાણા જેવા આંસુઓ દડ.. દડ.. કરતા જોળીમાં સરી ગયા, “મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો કહો કે મારો દીકરો નિત્ય ઘર છોડીને ક્યાં ગયો છે?” ડોસીએ પૂછ્યું.

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?” હિંડોળે બેઠેલ આનંદ ડોસાએ ડોસીને કહ્યું. નિત્યાનંદ સાધુએ પોતાની માના આંસુઓને જોળીમાં છુપાવી પોતાનું ફળિયું છોડ્યું.

રીઅરવ્યુ- ધર્મેશ ગાંધી

“ચીંઈ..ઈ..ઈ…” ઓડી આર-8 ની પુરપાટ ઝડપ અચાનક થંભી. તોફાની સાંજ, વરસાદી વાતાવરણ.. ચક્રવાત ચારે તરફ..!

મિસ વર્લ્ડ જેવું લાવણ્ય ધરાવતી એક ચીંથરેહાલ યુવતી રસ્તા વચ્ચે દોડી આવી.. અને મલ્હારની ગાડી અટકી.
“ઠક..ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ઉતાવળો બન્યો. યુવતી મુસીબતમાં હોવાનો ભાસ થયો… મલ્હારની છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી.. અપશુકનનો અણસાર.. પણ માનવતા મોખરે રહી.

ડોર-લોક ખુલ્યું, મિસ વર્લ્ડ અંદર, મલ્હારની પનાહમાં..

ગાડીએ સ્પીડ પકડી..મિસવર્લ્ડએ ટી શર્ટ ઉતાર્યું.. કામણગારા તન સાથે સાયલેન્સર યુક્ત રિવોલ્વરના દર્શન આપ્યાં.. મલ્હારનો પ્રતિકાર, પોતાનું ધન બચાવવા..
અને ગોળી છૂટી..”ઠક.. ઠક..ઠક..”
વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ચાલુ જ હતો.. મલ્હારની તંદ્રા તૂટી.. ગાડી ન્યુટ્રલ હતી.

છઠ્ઠી ઇન્દ્રિય એ આપેલાં અણસારને અનુસરી મલ્હારે ઓડી હાંકી મૂકી…મિસ વર્લ્ડનાં સૌંદર્યથી અંજાયાવગર..માનવતા મસળી નાંખી..
પરંતુ..

બીજી જ ક્ષણે રીઅરવ્યુ મીરરમાં, ચાર પાંચ પડછાયા ઝાડીમાંથીની કળતાં નજરે પડ્યા.. યુવતીને ખેંચી ગયા, ઝાડીમાં..
મલ્હારનું મગજ ચકરાવે ચડ્યું.. અફસોસ.. પોતાની કાયરતા પર… મદદ માટે આવેલી લાચાર આશાનું ખૂન..
…અને રિવોલ્વરમાંથી ગોળી છૂટવાનો અવાજ… “ઠક..ઠક.. ઠક..”

વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ વેગ પકડતો હતો. મલ્હારની તંદ્રા ફરી તૂટી.. ગાડી ન્યુટ્રલહતી..અને…

સબળા– જલ્પા જૈન

‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’

‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’

‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી જ દેજે મોઢે કે… ‘હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..’ તો જ સુધરશે..

‘સાચુ કહું તો રાજી.. તુ મારી હોસ્પિટલમાં આવી જા, રહેજે, સેવા કરજે, જીવનભરનો ત્રાસ તો છુટશે! પગારની સાથે દર્દીઓની સેવા કરાવાનું પુણ્ય.

રાજી બોલી, ‘વાત તો સાવ સાચી બેન, છૂટી જઉં, પણ મારા આ વૃદ્ધ સાસુ સસરાનું શું થાય? એની સેવા નું શું? પારકાની સેવા કરું એના કરતાં આ વૃદ્ધ લાચાર મા બાપ ની સેવા કરું એ શું ખોટું?’
‘પણ તારો વર તને દારુ પીને મારઝૂડ કરે તેનુ શું રાજી?’
‘આ તો ઘર નું માણસ કો’કદિ’ ગુસ્સો ઉતારેય ખરા! ગુસ્સો ઊતરે એટલે એ પણ શાંત ને આપણે પણ શાંત. તમારા ભણેલા સમાજમાં મેણાંટોણાં સાંભળીને., જીવન આખું ઝૂરી ઝૂરીને મરવા કરતાં ધણીનો કયારેક માર ખાઇ લેવો તે શું ખોટું બેન?’

ગડમથલ – પૂર્વી બાબરીયા

પ્રિયા આજે થોડી બેચેન હતી. ચકકરજેવુ કેમ લાગે છે? દિવસો જતા હતા મહિના પર…

‘આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય ત્રણ ત્રણ! કેવું લાગે? બે બાળકો ટીનએજમાં, ઉપરથી પોતાને ડાયાબીટીસ અને થાઈરોઇડની બિમારી..!

પ્રિયા : આજે ઉલ્ટી જેવું થયુ તો જરા ચેક કરાવી આવું?

પરેશ : તારી મરજી.!”

પ્રિયા : કાલે આવી શકશો સાથે તો ડોકટરની એપોઇમેન્ટ લઉ?
પરેશ : કાલ તો જરાય સમય નથી, બહારથી કલાયન્ટ આવે છે.
નાની દીકરી પ્રિશાની સ્કુલમાં વાર્ષિક પોગ્રામ હતો. પ્રિશાએ ગર્ભમાંની બાળકીનો અભિનય કર્યો. એણે સરસ પરફોર્મન્સ

આપ્યું. પ્રિશાએ પ્રથમ ઈનામ મેળળ્યું.

ઘરે આવીને પ્રિયા સોફા પર વિચારવા લાગી.. “મમ્મી તને ગમ્યું ને?” પ્રિશા બોલી.

અને પ્રિયાએ પોતાના પેટ પર હાથ ફેરવ્યો..

લેડિઝ પરફ્યુમ – મીનાક્ષી વખારિયા.

ટ્રેન પૂરવેગે જઇ રહી હતી. સ્ટેશન છોડ્યાને દસ મિનિટ થઇ હતી અને હવે સ્પીડ પકડાઇ હતી.. રાતના બાર વાગી ગયેલાં. મેં નૉવલ બંધ કરી, કેબિન લોક કરી બર્થ પર લંબાવ્યું, આંખો બંધ કરી સૂવાની કોશિશ આરંભી. કેબિનનો દરવાજો કોઈ જોરજોરથી ખખડાવી રહ્યું હતું. મેં આંખો ચોળતાં દરવાજો ખોલ્યો, અને લેડીઝ પરફ્યુમની સુગંધ કેબિનમાં પ્રસરી ગઇ. એ યુવતી મોર્ડન પણ ખાનદાન ઘરની લાગી, તેનાં હાથમાં પર્સ સિવાય કોઈ સામાન નહોતો. નવાઇ તો લાગી પણ સામેની ખાલી બર્થ તેની હોઈ શકે, વિચારી તેને અંદર આવવા દીધી. કેબિનમાં હું એકલી જ હોવાથી એનું આવવું ગમ્યું.
અમે ‘હેલ્લો’ કહી એકબીજાનું અભિવાદન કર્યું. કોઈપણ પ્રસ્તાવનાં વગર એણે મને છાપાનું કટિંગ વાંચવા આપ્યું. મેં વાંચવા લીધું…. પાંચ વરસ પહેલાનું એ કટિંગ.. તે રાત્રે ટ્રેનની એક કેબિનમાં, એક નવપરિણીત જોડું મુસાફરી કરી રહ્યું હતું. અડધી રાત્રે ચારેક પીધેલા કેબિનમાં ઘૂસી આવેલા, પ્રેમ સંવનન મગ્ન જોડું પરિસ્થિતીનો તાગ મેળવે તે પહેલાં બબ્બે જણાં એમની આજુબાજુ ગોઠવાઈ ગયા. યુવતીની છેડછાડ શરૂ થઈ, પતિએ વિરોધ કર્યો, મારામારી થઈ. ગુંડાઓ એના પતિને બહાર ઘસડી ગયાં, બીજા બે નવોઢા પર પાશવી બળાત્કાર અને તેની હત્યા કરીને પલાયન..
સમાચાર વાંચીને તેને આપવા હાથ લંબાવ્યો પણ ત્યાં.. લેડિઝ પરફ્યુમનીસુંગંધની બદલે…

બોલો પપ્પા – હિરલ કોટડીઆ

“હલો, હા પપ્પા… મજામાં? ..અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજોહોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે..! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. તો વાંધો નહીં.. ના પપ્પા, હમણાં તો કોલેજ ચાલુ છે… પછી આવીશ… ના ના, પૈસાની કાંઈ જરૂર નથી… સારું તો હવે ફોન મૂકું?”

ખબર નહીં કેમ, પણ ઘણું બધું કહેવું હોય તો ય રોજ પપ્પાને આટલું જ કહી શકું છું, ચાર વર્ષ પછી પણ… રોજ આંખ ભીંજાય જાય છે.
નિસ્વાર્થ પ્રેમ – હાર્દિક પંડ્યા

“કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.” ને ઉર્વશી સજાગ થઈ.

“ના ડીયર, કાંઈ નહિ બસ એમ જ… તમે હાથ-મોં ધોઈ આવો. હું જમવાનું પીરસું.”
જમવાનું પુરું થયું. ઉર્વશી વાસણ સમેટવા લાગી. એટલામાં એનો મૉબાઇલ રણક્યો. મોહિતે ફોન ઉર્વશીને આપ્યો,

“કોઈ મનોજનો ફોન છે.” ઉર્વશી ચોંકી ને ધ્રૂજતા હાથે ફોન લીધો ને કૉલ કાપ્યો. મોહિતને અજુગતુ લાગ્યું પણ કંઈ બોલ્યો નહીં. મનોમન નજર રાખવાનું વિચારી લીધું.

આજે શનિવાર એટલે મોહિત ઘરે હતો. છતાં ઉર્વશી બહાર જવા નીકળી. મોહિતે પીછો કર્યો. ‘ઉર્વશી હોસ્પિટલમાં?’

ઉર્વશીની પાછળ મોહિત પણ ગયો. ઉર્વશી ડૉક્ટરની કેબીનમાં ગઈ. મોહિત બહાર દરવાજે ઉભો રહ્યો.
“મનોજ, કેટલી વાર કહ્યું કે સાંજના સમયે ફોન નહીં કરવાનો, એમને બધી વાતની ખબર પડી જાત તો?”

“તમે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરો છો તો તું આ બધું એને કહી કેમ નથી દેતી..”

“ના” ઉર્વશી ભડકી, “એમને ખબર ન પડવી જોઈએ. નહીં તો એ બધું કામકાજ છોડી મારી પાછળ સમય વ્યર્થ કરશે. મારું મોત તો નક્કી છે. પણ એમનું જીવન બરબાદ નહીં થવા દઉં. એમને મારી બીમારી વિશે મારા મોત પછી જ ખબર પડવી જોઈએ..”

ભાવવિભોર આંખો સહ મોહિત અંદર આવ્યો,

“ઉર્વશી…!”

ઉર્વશી મોહિતને જોઈ અચંબામાં પડી ગઈ. પણ મનોજે રાહતનો શ્વાસ લીધો.

હેર-બેન્ડ – નીવારાજ

“સો એક રૂપિયાનું કંઈ નાનું મોટું આપી દો.” કટલરીની દુકાને પહોંચેલી વીણાએ સૂચના આપી. પ્લાસ્ટીકની માળા, બુટ્ટી અને બ્રેસલેટ લીધા અને સાથે એક મોટા ફૂલવાળી હેરબેન્ડ.

નવી નવી રહેવા આવેલી વીણાનાં મોટા ટાવરની નીચેની ખાલી દુકાનમાં એ લોકો રહેતા… હળવું સિલાઈકામ કરતા મુસ્લિમ પરિવાર સાથે “કેમ છો? સારું છે ને?” વ્યવહાર થતો. આજે ઈદ હતી. બહાર રમ્યા કરતી નાની દીકરી માટે આ સામાન ખરીદ્યો.. ઈદી રૂપે.

ફાતિમાબીબી પરાણે હાથ પકડીને અંદર લઇ ગયા. એક તો બહાર વરસાદ અને અંદર ભેજના કારણે શ્વાસ ન લઇ શકાય એવા એક પણ બારી બારણાં વગરના રૂમમાં બેસતા વીણાનો દમ ઘૂંટાઈ રહ્યો હતો. ભેટ મળતા આમતેમ કુદકા મારતી વફાને જોઈ વીણાને મોટું દાન કર્યાનો આનંદ થતો હતો.
“આવામાં કેમ રહો છો? બીમાર પડશો.” વીણા બોલી ઉઠી.

“આ આખું બિલ્ડીંગ અમારી જમીન પર ઉભું છે. અહીં અમારા સાત ફ્લેટ છે જે અમે ભાડે આપ્યા છે. અને દસ ફ્લેટઆપવાનાં વાયદાથી બિલ્ડર મુકરી ગયો એટલે અમે અહીં આમ કબજો રાખવા જ રહીએ છીએ…”
લીફ્ટમાં મૂંગા મોઢે સીતેર લાખ ગુણ્યા સાતનો હિસાબ કરતી વીણાની આંખ સામે એ પ્લાસ્ટીકની માળા અને હેરબેન્ડનું ફૂલ નાચી રહ્યા હતા, ને દસમો માળ આવી ગયો.

જમનામા.. – નીલમ દોશી

“જો ચિંતા નહીં કરવાની… હમણાં તારા બચુલિયા આવી જશે હોં… મોટા થયા તો બહાર તો જાય કે નહીં? કંઇ તારા ખોળામાં જ થોડા જિંદગી આખી પડયા રહે..? એને પણ બહારની દુનિયા જોવી હોય કે નહીં?” જમનામા પોતાની પાળેલી બિલાડીને સધિયારો આપતા હતાં. પણ આજે તો એ પોતે વ્યાકુળ થઇ ગયા હતા. સવારથી ગયેલા બચ્ચા સાંજ થવા છતાં ઘેર પાછા ફર્યા નહોતા. જમનામા વ્યાકુળ થઇને અંદર બહાર આંટા મારતા રહ્યા. એકવાર તો શેરીના નાકા સુધી જોઇ આવ્યા. ચારે તરફ આંટા મારતી, રઘવાયી થયેલી બિલાડીના મ્યાઉં મ્યાઉં અવાજે જમનામા વધારે વ્યગ્ર બનતાં રહ્યાં.
આખી રાત તે સૂઇ ન શકયા. જરાક અવાજ થાય અને ઉઠીને જોઇ લે કે બચ્ચા આવ્યા?

છેક સવારે બચ્ચા દેખાયા. બિલાડી બચ્ચાને જોઇ મ્યાઉં મ્યાઉં કરવા લાગી પરંતુ જમનામાનો ગુસ્સો આજે કાબૂમાં ન રહ્યો,

“સાલાઓ, માને હેરાન કરો છો? રાહ જોવડાવો છો? હજુ તો આવડા થયા છો ત્યાં? મોટા થઇને શું કરશો? તમારી પાછળ તમારી માએ રાત દિવસના ઉજાગરા કર્યા છે એની ખબર છે?”

કેટલું યે બબડતા આજે જીવનભરનો ગુસ્સો ઉતારતા હોય તેમ કોઇ સાનભાન વિના બચ્ચાને સાવરણીથી ઝૂડવા માંડયા.જમનામા બિલાડીના બચ્ચાઓને કહેતા હતા કે પછી ?

થોડી વાર થઇ ત્યારે જમનામાએ મોટેથી ઠૂઠવો મૂકયો….

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર…

ટીપ્પણી