સુરતના યુવાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બનાવવામાં આવી આ ઉપયોગી એપ્લિકેશન, જાણો આ ‘કોરેડી’ એપ કેવી રીતે કરે છે કામ

લોકડાઉન ખુલ્યા બાદ પણ તમને આ એપ્લિકેશન રાખશે સુરક્ષિત, ‘કોરેડી’ એપ જે તમને કોરોના વાયરસથી સુરક્ષીત રાખશે, સુરતના યુવાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બનાવવામાં આવી આ ઉપયોગી એપ્લિકેશન

કોરોના વાયરસની મહામારી યથાવત છે, અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે કોરોના વાયરસને નાબુદ કરી શકાય તેમ નથી અને તેવા સંજોગોમાં તમારે તમારી સૂજબુજથી જ આ વાયરસથી સુરક્ષિત રહેવાનું થાય છે. જેમાં સૌથી મોટો ફાળો સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાથે સાથે કેટલાક સાવચેતીના પગલાનો છે.

ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ્લીકેશન બહાર પાડવામાં આવી છે. જે તમને તમારી આસપાસના કોરોના સંક્રમીત લોકોની માહિતી આપે છે. આવી જ એક એપ્લીકેશન સુરત શહેરના ચાર એન્જિનિયરોએ બનાવી છે, જેનું નામ છે કોરેડી એપ્લીકેશન.

આ એપ્લીકેશન બનાવવા પાછળ સ્કેટ કોલેજમાંથી અભ્યાસ કરી ચૂકેલા અક્ષર વસ્તરપરા, પ્રતિક સાંગાણી જય કાકડિયા, અને તુષાર સરધારાએ બનાવી છે. અને તેમણે પોતપોતાના ઘરે રહીને ફોન પર ચર્ચાઓ કરીને નિર્ણયો લઈને આ એપ્લિકેશન તૈયાર કરી છે. તેમાં પણ તુષાર સરધારા પોતે હાલ જર્મની છે અને ત્યાંથી તેમણે પોતાના મિત્રો સાથે મળીને આ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લીકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ જો આ વ્યક્તિ કોઈ પણ વ્યક્તીની 1.5 મીટરથી ઓછા અંતરમાં રહેશે તો તેમના ફોનમાં એલર્ટ વાગશે, તે વ્યક્તિનો ફોન વાઇબ્રેટ થશે અને તેને જેતે વ્યક્તિથી દૂર રહેવા ચેતવશે.

આ એપ્લીકેશનનું નામ કોરેડી એટલે કે કોરોના + રેડી રાખવામાં આવ્યું છે. તેમને આ એપ્લિકેશન બનાવવાનો વિચાર લોકડાઉનની શરૂઆતમાં જ આવી ગયો હતો. તેમને લોકોને કોરોનાથી રક્ષણ આપી શકાય તેવું ડીવાઇઝ બનાવવું હતું. અક્ષર વસ્તપરા આ બાબતે જણાવે છે કે તેમને આ વિચાર આવ્યા બાદ તેમણે પોતાના મિત્રો સાથે ચર્ચાઓ કરી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે તે માટે આ કોરેડી એપ બનાવવાનું નક્કી કર્યું.

માત્ર પાંચ જ દિવસમાં તેમણે એપ્લીકેશન બનાવવા માટેની માહીતી ગુગલના પ્લેટફોર્મ પરથી મેળવી લીધી. આ એપ્લીકેશન બનાવવા પાછળ આ યુવાનોને 40 દિવસ અને 480 કલાકનો સમય લાગ્યો છે. અને હવે જ્યારે આ એપ્લિકેશન તૈયાર થઈ ગઈ છે ત્યારે તેમને વિશ્વાસ છે કે તેના ઉપયોગથી લોકો ખુબ જ સરળતાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી શકશે. અને ધીમે ધીમે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સજાગ બનશે.

આ એપ્લિકેશનની ખાસિયતો

જ્યારે આ એપ્લિકેશન સામસામી વ્યક્તિમાં ડાઉનલોડ કરવામાં આવી હશે. એટલે કે તમે ક્યાંય બહાર જાઓ અને તમારી નજીક કોઈ વ્યક્તિ હોય તેના મોબાઈલમાં પણ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હશે તો જ્યારે ક્યારેય તમે બહાર વસ્તુઓ ખરીદવા ગયા હશો અને તમે જાણે અજાણે તે વ્યક્તિની 1.5 મીટરથી ઓછા અંતરમાં આવશો એટલે તમારો ફોન ઓટોમેટીક જ વાઇબ્રેટ થવા લાગશે અને તમને તે વ્યક્તિથી દૂર રહેવાનો મેસેજ પણ કરશે.

જો ઘરના લોકોના ફોનમાં પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તો આ એપ્લિકેશનમાં એક વ્હાઇટ લીસ્ટ નામનું પણ ફીચર છે જે તમારા ઘરના લોકોની નજીક આવવાના કારણે જો એલર્ટ વાગતું હશે તો તેને બંધ રાખશે. તેના માટે તમારે આ વ્હાઇટ લીસ્ટમાં તમારા ઘરના સભ્યોના નામ ઉમેરવાના રહેશે. અને આમ કરવાથી ફોન વાઇબ્રેટ નહીં થાય.

આ ઉપરાંત આ એપમાં એક બીજું ફીચર પણ છે જે છે કોન્ટેક્ટ ટ્રેસિંગનું ફીચર. આ ફીચરની મદદથી તમે જેટલી પણ વ્યક્તિઓના જાણે અજાણે કોન્ટેક્ટમાં આવ્યા હશો તો તેનો છેલ્લા 14 દિવસનો રેકોર્ડ એપ્લીકેશન દ્વારા રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમીત થઈ હશે અને જો તે તમારા સીધા જ કે આડકતરા સંપર્કમાં આવી હશે તો તમને તે બાબતે એલર્ટ કરવામાં આવશે, જેથી કરીને તમે પણ તમારી રીતે પગલાં લઈ શકો.

આ એપ્લિકેશન ઓટોમેટિકલી કામ કરશે એટલે કે તે તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં આપોઆપ જ ચાલતી રહેશે અને અપડેટ થતી રહેશે. આ ઉપરાંત આ એપ્લિકેશનના ડેવલોપર થર્ડ પાર્ટી એપ જેમ કે આરોગ્ય સેતુ યુઝર્સ પાસેની સૂચનાઓને પણ ભેગી કરવાનું આયોજન કરી રહ્યા છે.

આ એપ્લિકેશન જો તમે હાઇ રિસ્ક ઝોનમાં હશો તો તરત જ તમને એલર્ટ કરશે જેથી કરીને તમે તમારી યોગ્ય સંભાળ લઈ શકો. અને તેનું આ ફિચર આ એપ્લિકેશનને આરોગ્ય સેતુ એપથી અલગ પાડે છે. તમે એવા કોઈ હાઇ રિસ્ક ઝોનમાં પ્રવેશવા જઈ રહ્યા હશો તેના ત્રીસ મીટર પહેલાં જ તમને આ એપ્લિકેશન દ્વારા એલર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત તેનું સેફ ઝોન ફીચર તમને એ જણાવશે કે તમે સુરક્ષિત ઝોનમાં છો કે નહીં. એટલે કે તમે છેલ્લા 14 દિવસમાં એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો જે વાયરસથી સંક્રમીત હોય અથવા તો એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે જેનો કોવીડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોય.

આ એપ્લિકેશન બ્લૂટૂથ બેઝ ટેક્નોલોજી પર કામ કરે છે. તેના માટે બ્લુટૂથ તેમજ લોકેશન ચાલુ રાખવું જરૂરી છે. બીજી ખાસવાત આ એપ્લિકેશનની એ છે કે તમે જ્યારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તમે જ્યારે રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે જ તમારે ઇન્ટરનેટની જરૂર પડે છે. તે સિવાય નથી પડતી. બધી એલર્ટ તમને બ્લૂ ટૂથ ઓન રાખવાથી જ મળી જાય છે. અને બ્લૂ ટૂથ ઓન રાખવાથી જે બેટ્રી લો થવાની સમસ્યા રહે છે તે પણ તમને આ એપ્લિકેશનમાં નહીં રહે. આ ઉપરાંત તમે જ્યારે ઇન્ટરનેટ ઓન કરશો ત્યારે ડેટા એનક્રીપ્ટેડ ID દ્વારા અપલોડ થશે જે માત્ર એપ્લિકેશન માટે જ વાપરવામાં આવશે.

આ એપ્લિકેશનમાં તમારી પ્રાઇવસી સંચવાયેલી રહેશે. આ એક એનોનીમસ એપ્લિકેશન છે. એટલે કે આ એપ્લિકેશન કોઈ પણ વ્યક્તિનો અંગત ડેટા કે જીપીએસ ડેટા ક્યાંય સ્ટોર કે ભેગો નહીં કરશે. આ ઉપરાંત કોરેડી એક એવું યુનિકે IDનો સંગ્રહ કરે છે જેનો ઉપયોગ અન્ય બધા જ પ્રશ્નોને પ્રોસેસ કરવા માટે થશે. એટલે કે કોરેડી ક્યારેય પોતાના યુઝરને તમે કોણ છે તે શોધવા માટે મંજૂરી નહીં આપે, અને તમે કોને મળ્યા છો તમે ક્યાં છો તે વિષે પણ બીજો યુઝર જાણી શકશે નહીં. આ એપ્લિકેશન દરેક વ્યક્તિ માટે ફ્રી રહેશે. અને આ એપ્લિકેશનમાંથી નફો મેળવવાનો કોઈ જ ઉદ્દેશ એપ્લીકેશન ડેવલોપર્સનો નથી. આ એપ્લિકેશનને તમે http://www.coready.org પરથી ડાઉનલોડ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ