સુરતના ડુમ્મસ દરિયા કિનારે આ ભાઈને થયેલો ભૂતિયો અનુભવ – સુરતીઓ ખાસ વાંચે !

આ એક નિજ નામ ના લેખક ના મિત્ર સાથે થયેલી સત્ય ઘટના છે, વાંચીએ તેના જ શબ્દો માં…

આપણે ત્યાં ‘ફાઈવ ડેયસ અ વીક’ થઇ ગયા પછી ખાસ કરીને નાનીરજાઓનું પણ સાબદું પ્લાનીંગ થાય છે. એમાંય આજુબાજુની રળિયામણી જગ્યાઓ તો કોઈ ભાગ્યેજ છોડે. થયું એમ કે અમે મિત્રો જમ્યાં પછીની ચા પી રહ્યાં હતા અને કોણ જાણે ક્યાંથી હોન્ટેડ જગ્યાઓની વાતો ચાલી. ભૂતિયા બાબતોમાં ખાસ રસ મને ન હોવાથી મેં જરા ટાળ્યું પણ વાત આવીને ઉભી રહી આપણા સુરત શહેરની. એમાંય ડુમ્મસની. તમને ખ્યાલ હોય તો સારી વાત છે પણ મને આ વાર્તાની જરાય જાણ ન હતી. ‘વાર્તા’ શબ્દ એટલે ઉપયોગમાં લીધો કે ખરેખરના અનુભવ વિના હું મહાભારતને પણ ઉચ્ચતમ કક્ષાની વાર્તા જ માનું છું.

વાત એમ ચાલી કે મુંબઈની MBA કોલેજમાં અભ્યાસ કરતા મારા એક મિત્ર તેમના ફ્રેન્ડ્સ સાથે ડુમ્મસ આવી પહોચ્યા. મુંબઈથી સાવ નજીક અને તેઓના એક સુરતી દોસ્તનું પોતાનુંજ ઘર એટલે પલટને ડુમ્મસનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. જો તમે ન જાણતા હો તો તમારી જાણ માટે કહી દઉં કે, ડુમ્મસ એ દક્ષિણ – પશ્ચિમ સુરતની સરહદે આવેલો અરબી સમુદ્રનો દરીયાકીનારો છે. અને પીકનીક સ્પોટ પણ છે.

અહીં અવારનવારની રજાઓમાં સહેલાણીઓનું કીડીયારું ઉભરાતું રહે છે.

હા, તો વાત એમ બની કે, ચાર દોસ્તોનું ગ્રુપ રાતના ભોજન પછી કોલેજની આદતે ચાની ચૂસકી લેવા નીકળ્યું અને એમાંથીજ કોઈએ બાજુમાં આવેલા આ દરિયાકિનારાનો ઉલ્લેખ કર્યો અને સહુ લટાર મારવાના બહાને કાળી રેતીના એ સમુદ્રકિનારે આવી પહોચ્યા. રાતના લગભગ અગિયારનો સમય હતો અને ખાસ કોઈ અવરજવર પણ જણાતી ન હતી. દુર સ્વીફ્ટ ગાડીમાં આવેલું બીજું એક દોસ્તોનું ટોળું શોરબકોર કરી રહ્યું હતું પણ અડધો કલાકમાં તેઓ પણ રવાના થયા.

આ ચાર મિત્રો રેતીના પટ પર આસન જમાવીને તેમની ક્યારેય ના ખૂટતી
રસદાર દલીલોવાળી ચર્ચામાં જામી પડ્યા હતા. એટલામાં જમણી બાજુએ લગભગ 100 મીટરના અંતરે વર્તુળાકારે ઘેરો બનાવી કેટલાક કુતરાઓએ ભસવાનું ચાલુ કર્યું. એકબીજાની દલીલોને ગળાકાપ સ્પર્ધા આપી રહેલા આ ચાર મિત્રોમાંથી એકનું ધ્યાન આ કુતરાઓ પર ગયું. જાણે કોઈ વસ્તુ માટે હક જમાવતા હોય તેમ આ કુતરાઓ એકબીજા પર જ ભોકાણ મચાવી રહ્યાં હતા.

એટલામાં આ કુતરાઓનું ટોળું વર્તુળાકારે એક દિશામાં આગળ વધ્યું.
સહુના અચરજની વચ્ચે આ ટોળું પાણીની દિશામાં દરિયા તરફ આગળ વધ્યું અને લગભગ પગસમાં પાણીમાં જઈ પહોચ્યું. હવે જાણે તેઓ એકસાથે હવામાં કોઈ અદ્રશ્ય પદાર્થને ભસી રહ્યાં હતા એમ લાગતું હતું. ખેર, ચારેય દોસ્તોને આ વાત જરા અજુગતી તો લાગી જ અને મોડું પણ થઇ ગયું હતું એટલે સહુએ પાછા ફરવાનું નક્કી કર્યું.

આ વાતને જો તમે બારીકાઈથી વિચારશો તો અહીં કુતરાઓ પગસમાં પાણીમાં હતા જયારે વાસ્તવિકતાનો વિચાર કરીએ તો કુતરાઓ વરસાદના છાંટા પણ પસંદ નથી કરતા.

ખેર, એકાદ વાગ્યાની આજુબાજુનો સમય અને આ દોસ્તોનું ત્યાંથી બહાર નીકળવું. ચાલતા ચાલતા સહુથી છેલ્લે ચાલી રહેલા મિત્રએ (નામે રવિ) તેઓથી બરોબર આગળ ચાલી રહેલા મિત્રને (નામે અભિષેક) ઝડપથી ચાલવા કહ્યું. અભિષેકે મોકાની મજાક ઉડાવી મસ્તી કરતા કહ્યું, “ડર લાગે છે કે શું? ” સ્વભાવે રમતિયાળ રવિએ અભિષેકની કોણી પકડીને અજુગતી ગરમી સાથે ફક્ત એટલોજ જવાબ આપ્યો કે, “પાછળ ડાફોળિયાં માર્યા વગર સીધે સીધો બહાર નીકળ.”

અભિષેક મનમાં હસીને તથા રવિના ડરને પામી જઈ કોઈ જવાબ આપ્યા વગર ચાલતો રહ્યો. બહાર આવી ચૂકેલો અભિષેક બીજા દોસ્તો સાથે રસ્તે પસાર થતી ઓટો-રીક્ષાની વેઇટ કરી રહ્યો હતો. અને એટલામાં દુરથી એક રીક્ષા સીધી તેઓ તરફ આવીને ઉભી રહી, અભિષેકના આશ્ચર્યની વચ્ચે એ ઓટોમાંથી રવિ બહાર નીકળ્યો અને સહુ એક પછી એક ઓટોમાં ગોઠવાઈ ગયા. ઘરે પહોચ્યા સુધી અભિષેક દોસ્તોની એજ વાતોના કોલાહલને શાંતિથી સંભાળતો રહ્યો.

પણ સુતા પહેલા તેણે બીજા એક દોસ્તને કન્ફયુઝન દુર કરવા પૂછી
નાખ્યું અને જવાબ સાંભળતાજ અભિષેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. રસ્તો સુનસાન હોવાથી રવિ ઓટો શોધવા લગભગ પંદરથી વીસ મિનીટ પેહલાજ ત્યાંથી નીકળી ચુક્યો હતો. ડર અને અવિશ્વાસના બમણા આઘાતથી સુન મારી ગયેલા અભિષેકે આખો બનાવ તેના દોસ્તોને કહી
સંભળાવ્યો. અને સહુના આશ્ચર્યની વચ્ચે સુરતના રહેવાસી દોસ્તે જણાવ્યું કે લોકોના મોઢે અવારનવાર સમુદ્રકિનારાની ભૂતિયા વાતો સાંભળી હતી અને આજે અનુભવ પણ કરી લીધો.

ખેર, આદતથી મજબુર જયારે મેં પરિસ્થિતિની જડ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો ત્યાંના સ્થાનિક લોકોથી જાણવા મળ્યું કે આ જગ્યાના ઢગલાબંધ કિસ્સાઓ છે.

અહીં રાત પછી કોઈ ભાગ્યેજ ફરકે છે. અને નજીકના રહેવાસીઓ
અવારનવાર નવા આવતા સહેલાણીઓને તે અંગે ચેતવી પણ દે છે. ઈન્ટરનેટ પર ખાખાખોળા મારતા જાણવા મળ્યું કે ડુમ્મસ ભારતની પહેલી દસ ભૂતિયા જગ્યાઓમાંથી એક છે.

અને કુતરાઓનું ભસીને સાવધ કરવું તેમજ વિચિત્ર અવાજો એ મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય છે. કેટલાક કિસ્સાઓમાં તો સહેલાણીઓના ઘૂમ થવાની પણ વાતો છે. વળી, અભિષેક સાથે બનેલ કિસ્સા સાથે સામ્યતા પણ જોવા મળી. મોટા ભાગના કિસ્સાઓમાં એક યા બીજી રીતે અહીંથી ચાલ્યા જવાનો ડરાવતો સંદેશો જ સામાન્ય છે.

આ વાત માનવી કે ન માનવી એ તમારા હાથમાં છે, મેં તો ફક્ત મારી સાથે થયેલો અનુભવ અને કિસ્સો તમને જણાવ્યો. એક તથ્ય એ પણ છે કે, ડુમ્મસના દરીયાકીનારે હિંદુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત શરીરને શાતા આપવામાં આવે છે. અને ભસ્મ ને અહીં પાણીમાં વહાવવામાં આવે છે.

જો તમારી સાથે પણ આવી કાંઈ ઘટના ઘટી હોય તો કમેન્ટ માં જણાવશો.

સાભાર – દીપેન પટેલ

ટીપ્પણી