જીવન વીમો ….જીવનમાં વ્યક્તિત્વનું મૂલ્ય સમજાવતી નવલિકા આજે જ વાંચો અને શેર કરો.

“સાંભળો છો મારા માટે સાડી લાવવી છે પણ…” સરિતા જાણે કોઈ ઇન્ડ્સ્ટ્રીના ઉપર લગાવેલી ચીમનીની જેમ ગુસ્સાના ધુમાડા ઓંકતી હોય એમ બોલી રહી હતી.

“પણ શું? તને નથી ખબર અત્યારે પૈસાની કેટલી તંગી ચાલે છે.”

“ક્યાં સુધી? હું કહું છું કે ક્યાં સુધી, મારે આમ મરી-મરી ને જીવતા રહેવું પડશે હવે? જરા મને કહેજો કે તમે પાછલા ત્રણ વર્ષમાં એક પણ સાડી ખરીદી લાવ્યા છો. અત્યાર સુધી તો હું મારા પિયરથી આપેલી ૧૫ સાડી છે ને એજ પહેર્યા કરું છું.” સરિતાનો ગુસ્સો એના ઊંચા અવાજમાં ઉભરાતો હતો એની આંખોમાં બળાપો હતો. એણે હાથમાં રહેલી સાડીના લીરા ખેંચીને એના ચીરાઓ ફાડતા કહ્યું. એ ગળી ગયેલી સાડીનો પાલવ અત્યારે એના હાથના અમથા જોરથી પણ ચિરાઈ રહ્યો હતો. કદાચ એટલી જ આસાનીથી જેટલી સહજ આસાનીથી શરદનો પગાર માત્ર ખાવા ખર્ચ અને ઘર ભાડામાં ખપી જતો હતો. લગ્નને એકવીસ વર્ષ વીતી ચૂક્યા હતા. પણ આ છેલ્લા છ વર્ષમાં જ્યારથી એમની આર્થિક સ્થિતિ આટલી હદે પટકાઈ ગઈ હતી, ત્યારે માત્ર બારેક સાડી પોતે આજ સુધી લાવી ને આપી શક્યો હતો. રાત-દિવસના કામ ઉપરાંત પણ માત્ર ઘરની સામાન્ય જરૂરિયાતો પૂરતા પૈસા જ વધતાં હતા. એમાં મકાનના ભાડા અને ખાવા ખર્ચમાં બધું પૂરું થઇ જતું હતું.

મગજમાં ઝીંકાતા હથોડાની જેમ આ યાદો મનમાં પછડાઈ રહી હતી. રોજ-રોજ ઘરમાં હવે નાની વાતો માટે પણ મોટી ચર્ચાઓ થવા લાગી હતી. લગ્ન જીવનનું આ એકવીસમું વર્ષ હતું અને અત્યાર સુધી સુખ-સાયબીમાં જીવતા પરિવારને અચાનક ગરીબીમાં જીવવા મજબૂર થઇ જવું પડ્યું હતું. મોટા ભાઈના આપેલા દગા પછી આ રોજ ઘરના લોકોના મોઢે સાંભળવા પડતા કડવા શબ્દો શરદને હવે ઝેર જેવા લાગવા લાગ્યા હતા. પણ હવે મોટાભાઈ દ્વારા સંપત્તિમાંથી છેતરામણી કરીને કાઢી મુકાયેલા શરદ માટે, આ જીવન લાચારી જેવું જ બની ગયું હતું. એણે જેમ તેમ કરીને ફરી પોતાના પરિવાર માટે કંઈક કરવું હતું. જેના માટે એ હર-હમેશ પોતાના પરિવારના સુખી જીવન માટે સમયની પરવા ના કરીને પણ રાત-દિવસ કામ કર્યા કરતો હતો, પણ એનો પગાર તેમ છતાં માંડ ઘર ખર્ચમાં પૂરો પડતો હતો.

ફરી વખત વિચારોના કાળા વાવટા એના મગજમાં વીંટળાવા લાગ્યા હતા અને પોતે ક્યાં અને શું વિચારમાં હતો એ પણ અત્યારે સમજવું મુશ્કેલ હતું. છેવટે એણે પડખું ફેરવ્યું અને પાસે સૂતેલી પત્ની પર નજર નાખી, નજર પડતાની સાથે જ એની આંખો મીંચાઈ ગઈ. એણે એક પળ માટે પણ પોતાના ભૂતકાળમાં વિશ્વાસ સુધ્ધાં આવતો ના હતો શરદને એ દિવસ, એ જગ્યા અને એ દરેકે દરેક શબ્દો આજ પણ યાદ હતા.

“શરદ મારી સાથે લગ્ન કરીશ ને?” સરિતા એ કોલેજ પૂરી થવાના છેલ્લા દિવસે જ્યારે બાઈકની કિક લગાવી શરદ રવાના થઇ રહ્યો હતો ત્યારે સામે આવીને અચાનક જ પૂછ્યું હતું. એ સમયે એની આંખોમાં જે ભાવ હતા એ દિવસે એ કદાચ આજે દેખાતા પણ ન હતા.

“મારી પાસે તને ખુશ રાખવા માટે કઈ જ નથી સરિતા, માફ કરજે પણ આપણો સાથ હવે શક્ય પણ નથી.” શરદ મક્કમપણે કંઈક ધરબાયેલું અને દુખતું અંગ દાબીને વેદના છુપાવતો હોય એમ બોલી રહ્યો હતો.

“તું આ શું બોલે છે? મારી ખુશી તો માત્ર તારામાં છે શરદ.”

“કોલેજ અને લગ્નજીવન ખુબ જ અલગ વસ્તુ છે, તું સમજે તો છે ને?”

“તારી સાથે હું વાંસના ઝુંપડામાં પણ રહી લેવા તૈયાર છું.”

“છોડને યાર, આ બધી વાતો ફિલ્મોમાં સારી લાગે અને આ વાસ્તવિક્તા છે સરિતા. મારી પાસે નોકરી નથી, પૈસા નથી અને એકલા નું કહી શકાય એવું તો ઘર પણ નથી.” શરદે શાંતપણે સમજાવતા કહ્યું.

“મારે ઘર કે પૈસા નથી જોઈતા શરદ, તારી પાસે ભલે કઈ જ ના હોય તારો સાથ મારા માટે બસ છે. તારી સાથે રહીને હું બધું પામી શકીશ સુખ, ચેન, આનંદ, બધુ જ.” સરિતાની આંખોમાં ભીનાશ હતી અને એ ભીનાશમાં પ્રેમ હતો. દિલના ઊંડાણમાં સળગતો અને તડપતો પ્રેમ…

“તું પાગલો જેવી વાત ન કર સરિતા, તું અમીર ઘરની છોકરી છે અને હું રહ્યો સ્વાભિમાની, તું ગરીબીમાં જીવી નહિ શકે અને હું કોઈની આપેલી દયા સ્વીકારી નહિ શકું. તો પછી તું જ કે, કેવી રીતે તું પામી શકીશ બધું મારી સાથે.”

“બંને જણા જરૂર પડશે તો અલગ ભાડાના મકાનમાં પણ રહી લઈશું અને સાથે કમાઈ સુખેથી જીવીશું.”

“પછી આવા દિવસો નહિ હોય જે આજે અથવા આજ પહેલા કોલેજ કાળમાં છે, જોઈ લે જે સરિતા. આમ, કોલેજ જીવનની જેમ હાથમાં હાથ નાખીને ફરવું, રોજે-રોજ કેન્ટીનમાં બેસીને ગપ્પાં મારવા અને દોસ્તો સાથે મોજ-મસ્તી કરવી. આ બધુજ લગ્નજીવનમાં શક્ય ના પણ બને એટલે…”

“એટલે શું…?”

“આપણો સાથ શક્ય નથી સરિતા, તું સમજતી કેમ નથી આ કઈ પ્રેમ નથી આ તો આકર્ષણ છે. પણ જ્યારે વાસ્તવિક્તા સામે આવશે એટલે તું સહન પણ નહિ કરી શકે, કહેવું, કરવું અને જીવવું બધું જ અલગ વસ્તુ છે સપનાની દુનિયા ક્યારેય વાસ્તવિક નથી હોતી યાર. અને તું તો શ્રીમંત ઘરની રાજકુમારી જેવી છે, પછી તને મારા નાના ઘરની માર્યાદિત લાઈફ કેમ ફાવે…?”

“મને ખબર છે શરદ હું હવે નાનું બાળક નથી રહી કે વાસ્તવિક દુનિયા અને સપનાની દુનિયા વચ્ચે ફરક ના સમજી શકું.” અમસ્તાજ શરદના હોઠે સ્મિત ઊપસી આવ્યું સહેજ વાર માટે એને સરિતાને પોતાના બાહુપાશમાં જકડી લેવાનું મન થઇ ગયું.

“તમારી કમાણી એટલી નથી તો મને પરણ્યા જ શું કામ…?” ફરી વાર એ અવાજ મક્કમપણે શરદની સપનાની દુનિયામાં પછડાયો અને શરદની આંખો ફરી ઉઘડી ગઈ અને આખા ઓરડામાં ફરી વળી. બાજુમાં સુતેલી સરિતા સાથે આંખ મીલાવાની જાણે હિમ્મત પણ ના હોય એમ એણે ત્યાંથી ઊભા થઈને અગાશીમાં જવા પગ ઉપાડ્યા.

વિચારોના વમળ હજુ સુધી એમજ સમુદ્રના પાણીના શાંત સપાટીમાં નીચે ઝપાટાભેર વહેતા વહેણની જેમ દોડી રહ્યા હતા. એ દિવસો હજુય પેલા ધાબાના વચ્ચે પડેલા ખાટલા પર માથું મૂકી સુતી વખતે પણ એમ જ જીવંત બની જતા હતા.

“ક્યાં સુધી મારે આમ જીવવું પડશે…?” સરિતાએ રૂમના અંદરના કાચ પર શરદ કઈ બોલે એ પહેલા જ લોટો પછાડી દીધો હતો.

“મને નથી ખબર ક્યાં સુધી પણ, હું રાત-દિવસ કોના માટે કમાવું છું તમારા માટે જ ને…?”

“મારા માટે…? મારા માટે આજ સુધી તમે લાવ્યા જ શું છો? છેલ્લા ત્રણ વર્ષથી તો સાવ રૂપિયો પણ ઘરમાં આપતા જ નથી, અને જે આપો છો એ બધા ઘરના ભાડા અને ખાવા-પીવાના ખર્ચમાં પતી જાય છે. તમે જ કહો તો પછી, મારા સપના અને મારી અભિલાષાઓ નું શું?” સરિતા જંગલમાં ભસતા હડકાયા કુતરાની જેમ વગર વિચાર્યે કઈ પણ જેમ તેમ બરાડી રહી હતી.

“મારી પાસે તને આપવા માટે પ્રેમ સિવાય કઇ નથી, એ મેં પેલા પણ કહેલું તને… અને આજે પણ એ જ શબ્દો છે મારી પાસે તને કહેવા…”

“નસીબ ના ખેલ છે બધા… નસીબ ફૂટ્યા હશે મારા કે એ દિવસે તારું કહેલું બધું માન્યું મેં પણ, સાચું કહું તો મને શું ખબર કે તને તારા જ ઘરમાંથી ધકેલી દેશે અને એ લાખોની સંપતિ પણ આમ જતી રહેશે? મારે તો સુખ ચેનથી જીવવું હતું પણ હવે તો…”

“હવે તો શું? તું એ વખતે પ્રેમની વાત કરતી હતી ને સરિતા જ્યારે મેં સમજાવ્યું હતું?”

“સાંભળ, પ્રેમથી પેટ નથી ભરાતું શરદ.”

“એ તો મેં પેલા પણ કહેલું તને, અને હા તમારા ત્રણેયના પેટ ભરાય એટલું તો હું કમાઉ છું.”

“સુખ, સગવડ અને શોખ માટે પણ પૈસા જોઈએ, અને આખર ક્યાં સુધી આવી સાડી, આવા ઘર અને ગરીબીમાં દિવસો કાઢવા પડશે?”

“જલ્દી ઠીક થઇ જશે સરિતા, ધીરજ રાખ.”

“હા ધીરજ… સાચી વાત છે શરદ તારી, કે ધીરજ તો અમારે રાખવાની હોય, તારે પોતાના શોખ-મોજ માટે પૈસા વાપરી દેવાના અને ઘેર પ્રેમના નામે આવા જુઠ્ઠા રોદણાં રોવાના એમ જ ને તારે?”

“એટલે તું કહેવા શું માંગે છે?”

“મારી કિસ્મતમાં જ દોષ છે બીજું શું? કોઈ બીજા સાથે પરણી હોત તો આજે કેટલી સુખે જીવતી હોત પણ એના સ્થાને આ જીવનમાં મને મળ્યું જ છે શું? આ ઝુંપડા જેવું ઘર અને ભિખારી પતિ…”

પલંગમાં રાતના ત્રણ વાગી ચૂક્યા તેમ છતાંય હજુ સળવળાટ થતો રહ્યો હતો અને રાત વીતતી રહી. આજે શરદની આંખોમાં માત્ર આંસુ હતા ઊંઘ ક્યાંય દેખાતી પણ ના હતી વારંવાર એ શબ્દો એના દિલમાં પછડાતા જઈ રહ્યા હતા. ‘મને શું મળ્યું ઝુંપડા જેવું ઘર અને આ ભિખારી પતિ?’ બોરડીના કાંટા સાથે ઘસાતા હોય એમ આ શબ્દો એનાં દિલમાં ચુભતા હતા. વીંછીના ઝેરની જેમ એની વેદનાઓ આખા શરીરને જાણે કંપાવી રહી હતી.

***

આજનો દિવસ કાલ રાતભરના વાગેલા વિચારોના કાંટા ખંખેરવાનો હતો. પણ તેમ છતાંય જેમ જેમ એ કાંટાઓ કાઢી ફેંકવાની કોશિશ થતી રહી હતી એમ એની વેદના બેવડાતી જતી હતી. એ છ કલાકની હંમેશની રઝળપાટ આજે શરદ માટે અસહનીય હતી એનું દિલ અંદરથી વલોવાતું હતું. અંદર એક જ અવાજ વારંવાર પડઘાતો હતો જેમાં લાચારી હતી અને સીધા કાળજામાં ભોંકાય એવા તીક્ષ્ણ અને કડવા શબ્દો હતા. જે આ વેદના સામે બમણા લાગતા હતા. ગરીબી ખરેખર એટલી અઘરી નથી હોતી જેટલી અઘરી એને સહન કરતી વખતે સાંભળવી પડતી વાતો હોય છે. છેવટે એની નજર ચાલતા ચાલતા સામે એક વીમા કંપનીના મથાળા પર પડી. એને બધુ જ આજે પણ યાદ હતું એણે માત્ર મહિનો વીતી જવાની જ આજ સુધી રાહ જોઈ હતી અને એક કિસ્ત પણ હવે આજે ચૂકવાઈ ગઈ હતી.

“બેટા ભણવાનું કેવુક ચાલે છે હવે.” શરદે એ દિવસે વહેલા ઘેર આવ્યા હોવાથી દીકરીના માથે હાથ પસવારતા પૂછી લીધું.

“ભણવાનું…? કોલેજ જાઉં છું હું રોજ.”

“તારો ફોન કેમ ઘણી વાર નથી લાગતો.” શરદે દીકરીની ચિંતા સતાવતી હોય એમ આજે શ્રેયાને પૂછી લીધું.

“આ ફોન છે? આ… આના કરતા તો લાકડાનો ટુકડો લઇ જઉ ને તોય ચાલે, આને તો ફોન કહેવાય પણ કેવી રીતે. આ કઈ તમે મને નવો નથી લઇ દીધો કે તમે મારી પાસે દરેક વાર લાગે એવી આશા રાખી શકો. અને એવું પણ કેવી રીતે બની શકે કે દરેક વાર કોલ લાગે જ અને હું એ કોલ રીસીવ કરું જ. આ ડબ્બો છેલ્લા ૬ વર્ષથી આવો જ છે અને હવે તો એને ફોન કહેતા પણ શરમ આવે છે. છેલ્લા દશ મહિનાથી રીપેર કરાવવો છે પણ દરેક વખતે એક જ શબ્દ સાંભળવા મળે છે કે આ મહીને નહી  આગળના મહીને કરાવી લઈશું. તમારી કમાણી સાવ ઓછી છે તો શા માટે આવા ખોટા વાયદાઓ આપો છો. રહી વાત મોબાઈલની તો આ ફોન આપવાના દેખાડા શા માટે કરવાના જ્યારે તમે આપવા ઈચ્છતા જ નથી. કોલેજમાં બધા પાસે કેવા અવનવા અને મોટા તેમજ મોઘા ફોન હોય છે, એમની સામે આ ફોન બતાવતા પણ મને શર્મ આવી જાય છે પણ અમારું નીચું લાગી જાય તો પણ તમારે શું એનાથી… કેમ સાચી વાતને?? આપણે તો ગરીબ છીએ એટલે આપણે બધું ચાલે. તમને તો બસ…” શ્રેયાએ ફોનને છેવટે સામી દીવાલ પર પછાડી દીધો અને એ જુનો ફોન પટકાતા જ કટકે કટકા થઈને વિખેરાઈ ગયો. એના પછડાટ સાથે શરદનું માન, સ્વમાન અને ઈજ્જત પણ હવે દીકરી માટે જાણે પેલા છેલ્લા શ્વાસ લેતા મોબાઈલના જેમ દમ તોડી ગઈ. હવે એ સમ્માન શ્રેયાની આંખોમાં ક્યાંય દેખાતું જ ન હતું જે એક દીકરીની આંખોમાં પિતા પ્રત્યે હોવું જોઈએ. ઓચિંતો આવો વ્યવહાર શરદ માટે હાર્ટ એટેકના હુમલા કરતા જરાયે ઓછો તો ન જ હતો.

“મારે નથી જોઈતો તમારો કોઈ મોબાઈલ હવે અને મને ફોન કરવાની પણ તમારે કોઈ જ જરૂર નથી. સમય પડ્યે તો હું આમ પણ ઘેર આવીજ જઈશ અને તેમ છતાય જો સાચે જ એટલી ચિંતા હોય ને તો આવા ખોટા દેખાડા કરવાની જગ્યાએ ક્યારેક નવો ફોન જ લાવી આપજો.” શરદ પાસે હવે બોલવા શબ્દો ના હતા પણ શ્રેયા પાસે એને સંભળાવવા મેણા ટોણાંની ભરમાર હતી. એનો એક-એક શબ્દ અત્યારે શરદના દિલમાં તેજાબની જેમ છંટાતો જઈ રહ્યો હતો. પણ સરિતા અને શ્રેયાંશ બંને કઈ બોલવાની જગ્યાએ બસ ચુપચાપ કોઈ નાટકની જેમ બધું જોઈ રહ્યા હતા.

“મારે હવે કોઈ ફોન નથી જોઈતો…” એ ભીત પર થયેલો પછડાટ જાણે હજુય હાલ જ સીધો પોતાના ચહેરા પર ઝીંકાયો હોય એમ બાંકડાના કિનારે બેઠેલા શરદના વિચારોમાં ખાબક્યો, અને એની નજર ફરી તડકાથી બળતા રસ્તા પર પડી. એની આંખોમાં એક લીસોટો ઘટ્ટ બની ઉપસી આવ્યો ગુસ્સાનો અને લાચારીનો ભાવ હતો એ નજરમાં એ આંખોમાં હતી ભારોભાર વેદના અને ભેંકાર ખાલીપો તોળાઈ રહ્યો હતો. એણે ફરી વાર નીચું મોં કરીને ચાલવા માંડ્યું.

“જો શ્રેયા આ શ્રેયાંશ પાસેથી કઈક શીખ કે ઓછા પૈસામાં પણ કેમ શાંતિથી જીવી શકાય છે તારે વારે ઘડીએ તારી માંના જેમ રોજ ફરિયાદો કરવાની જરૂર નથી. હું જે કઈ પણ કમાઈ ને લાવું છું એમાં મારી મહેનત રેડીને ઘર ચલવું છું.” શરદે બેગ ટેબલ પર મુકતા કહ્યું હતું.

“હું શું શીખવાડું શ્રેયાને પપ્પા, એજ મારી જેમ મરી મરીને જીવન જીવતા? શ્રેયાએ આમ જોતા પણ ખોટું કહ્યું જ શું છે? રોજ-રોજ તમે મમ્મીને જે બધું કહો છો એ હવે અમને પણ નથી ગમતું. ભૂલ તો તમારી છે તમે પૈસા જ ન આપો તો મમ્મી બિચારી શું કરે? એનાથી સારું કે તમે પોતાની ભૂલો સ્વીકારી જ કેમ નથી લેતા, માત્ર એક સામાન્ય નોકરીના આશરે બેસીને શા માટે અમને આવું ગરીબી ભર્યું જીવન જીવવા મજબુર કરો છો. તમે અમારા માટે અત્યાર સુધી એવું કર્યું જ શું છે કે અમારે તમારી પાસેથી કઈ શીખવું જોઈએ. તમે તો તમારી જવાબદારીઓ પણ ઠીકથી નિભાવી શકતા નથી. તમે એ નિભાવી શકવા સક્ષમ પણ ક્યાં છો હવે? તો પછી કેમ? આખર શા માટે રોજે-રોજ આ ચર્ચા અને બધા દોષોનો ટોપલો લાવીને અમારા ઉપર ઠાલવો છો.”

“મારાથી જેટલું થાય છે એટલું હું કરું છું શ્રેયાંશ.” શરદની આંખોમાં ઝળઝળીયા દેખાઈ રહ્યા હતા. જ્યારે પોતાના ખભે પહોચતો દીકરો બાપને આ પ્રકારે બોલે એટલે એ દિલ પર કેવી વેદના વર્તાય એ તો એક બાપ જ સમજી શકે છે.

“જોઉં છું હું પણ બધું, હવે કઈ નાનો નથી રહ્યો કે તમે કહો એ માની લઉં એક તો માંડ સાત હાજર લાવો છો કમાઈને એનાથી થાય પણ શું? અને ઓછામાં પૂરું ઉપરથી ચાર લાખ માથે કરીને બેઠા છો મારે બરોડા જઈ M.sc કરવું હતું પણ તમારી આ કમાણી ખાતર મારે આર્ટસ સાથે કોલેજ કરવી પડી. એક પિતા તરીકે તમે ક્યાં કોઈ ફરજ નિભાવી છે મને તો ઘણી વાર એ સવાલ થયા કરે કે તમે કેવી રીતે પોતાની જાતને અમારા પિતા પણ કહી શકો. તમે અમારા માટે એવું કર્યું જ શું છે જેથી એવી આશા રાખો કે અમે ચુપચાપ બધું સહ્યા કરીએ. ક્યાં મારા બધા મિત્રો કમાતા પણ થઇ જશે અને હું આ આર્ટસમાં ફાંફા મારીશ. મને પણ જો તમે કમાઈ ને M.sc કરાવ્યું હોત તો હું પણ કઈક થોડું કમાતો થઇ ગયો હોત. પણ આ તમારા કારણે મારે પણ હવે આખી જીંદગી સસ્તા પગારોમાં ભટકતું રહેવું પડશે ને… મારી જિંદગી, મારા સપના પણ તમે તોડી નાખ્યા, મારું જીવન બરબાદ કરીને તમે મારી પાસે એવી અપેક્ષા રાખો છો કે હું તમારા માટે જીવીશ. હું જીવું, પણ જીવવા જેવું હવે છેય શું? મારા સપના રોળીને તમે જ તો મને જીવતે જીવ મારી નાખ્યો છે. જો છેવટે મારા સપનાઓ અને અરમાનો તોડવા જ હતા તો બાળપણમાં આ બધા સપના દેખાડ્યા જ શું કામ હશે. અને જો તમારે આવી જ રીતે જીવન કાઢવું હતું તો અમને લાવ્યા જ શું કામ જ્યારે પરિવાર સંભાળવાની આવડત ના હોય તો પરિવાર બનાવવો જ શા માટે…? નથી જોઈતા હવે મારે તમારા અહેસાન અને નથી જોઈતા આ પૈસા તમારા. રોજ રોજ ઘરમાં આવા નાટકો જોઈ જોઇને થાકી ગયો છું. હું ક્યારેક તો વિચારું કે આવા બાપ હોય એના કરતા તો બાપ ના હોય એ પણ સારું.” શ્રેયાંશ ત્યાંથી ઉઠીને દરવાજો પછાડીને બહાર નીકળી ગયો.

દરવાજો પછાડીને નીકળતો શ્રેયાંશ આજે શરદની આંખો પરના બધાજ પડદા જાણે ઉઘાડી ગયો હતો. એ દરવાજો સીધો જ આવીને શરદના ચહેરા પર પછડાયો હોય એમ પોતે જ્યાં ચાલતો હતો ત્યાંથી ઉછળીને સડકની વચ્ચોવચ પટકાયો. એના માથા અને ચહેરા પર લોહીના રેલાઓ ધોધની જેમ વહેવા લાગ્યા હતા. એ પછડાયેલો અવાજ કાનમાં ગુંજતો હતો એ ટ્રકની ટક્કર વાગતા શરદનું માથું ફાટી ગયું હતું અને એનાથી ઉછળીને પડ્યા પછી બીજી બે કારે કાબુ ગુમાવતા એની કમરનો ખુડદો બોલાવી દીધો હતો. હજુય શરદના દિલમાં એ ત્રણે અવાજો વારાફરથી પડઘાતા જ રહ્યા. ‘તમારા જેવા બાપ હોય એના કરતા ના હોય તો સારું’, ‘મારે તમારા પૈસા કે ફોન નથી જોઈતા મને કઈ કહેવાની જરૂર નથી’, ’જ્યારે મને રાખવાની હિંમત ના હતી તો મને લાવ્યા જ શું કામ.’ એના શ્વાસ આ ત્રણ શબ્દોના અવાજોના ત્રિકોણમાં પડઘાતો રહ્યો અને ક્યારે નીકળી ગયો એને પણ ખબર નાં પડી.

એના મનમાં એક ખુશી હતી અને શરીરમાં પારાવાર વેદના અનુભવાતી હતી. માથું જાણે નારિયેળની જેમ વધેરાયું હતું અને કમર પરથી પસાર થયેલી કારના લીધે આખું શરીર જાણે અસંખ્ય વીંછીઓના ડંખ વાગતા હોય એવી પારાવાર વેદનામા તડપી રહ્યું હતું. એના મનમાં હજુય પેલા શબ્દો પછડાતા હતા અને એ ચહેરા વારંવાર એના મનસપટ પર મુવી પ્લેની જેમ ઉપસી આવી રહ્યા હતા. છેવટે એની આંખોમાં એક વેદના પાણી સ્વરૂપે ઉભરાઈ અને આંખોની દ્રષ્ટિ ઝાંખી પડી રહી હતી ચારેકોર લોકોના ટોળા ઉમટી રહ્યા હતા. એના મનમાં લોકોને જોઇને એક ખુશી  ઉભરવા લાગી હતી આટલી વેદના છતાં હોઠો પર આવેલું સ્મિત અદભુત હતું. અને એ ટોળા વચ્ચેથી ક્યારે શરદના પ્રાણ યમરાજ લઇ ગયા એને ખબર પણ પડી ના હતી.

છેલ્લો સીન :-

છેવટે શરદે પોતાના પરિવાર માટે સુખની ચાવી જતા જતા અકસ્માત વિમાની રકમ સ્વરૂપે આપી દીધી. એનો ૨૦ લાખનો જીવન વીમો અને અકસ્માત વીમો પાસ થયો અને એના પરિવારને મળ્યો પણ હવે એની ગેરહાજરીમાં એમને સમજાઈ ચૂક્યું હતું કે પૈસા ક્યારેય વ્યક્તિથી વધુ નથી હોતા. પણ હવે, હવે આ ‘રાંડ્યા પછીનું ડહાપણ સાવ નકામું હતું’ આ વાત સમજવામાં એમણે ઘણો વખત લગાડી દીધો હતો. કદાચ એ કહેવત એ વાત સાચી જ કહેવાય છે કે “વ્યક્તિની સાચી કિમત તો એના હાજર હોવા કરતા પણ એના ગયા પછી જ નક્કર પણે સમજાય છે.”

 લેખક : સુલતાન સિંહ

શેર કરો આ નવલિકા તમારા મિત્રો સાથે અને દરરોજ આવી વાર્તા વાંચવા માટે લાઈક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેંતીલાલ”

 

 

ટીપ્પણી