અચાનક… ઓચિંતા – દરેક વ્યક્તિ જે પોતાના પરિવારને પ્રેમ કરે છે તેમની માટે…

અચાનક… ઓચિંતા

અચાનક… ઓચિંતા અને સાવ કલ્પના બહાર નું…

શું કામનું જીવું છું, શું કામ મરી જઈશ,
આ અંગે વિચારવાનો વિચાર નહતો,
જ્યાં સુધી પરિવારનો વિચાર નહતો,
મને પણ ક્યારેય મોતનો ડર નહતો,

~ સુલતાન સિંહ ‘જીવન’

સવારની આશા સાથે આજે નિરાશાજ મનમાં ટળવળી રહી હતી. સવાર સવારમાં દૂરના સબંધી એવા સંબંધી ગુજરી જવાના સમાચાર મળ્યા. દુઃખ થયું અને વેદના પણ, પંદરેક દિવસના આઇસીયુમાં ત્રણેક ઓપરેશનનો સામનો કરી અંતે એ મૃત્યુને ભેટ્યા. દસેક લાખના ખર્ચે જે ઈલાજ થયો એ ઇલાજે વર્ષે માત્ર લાખ કમાનાર પરિવારને આવનારા દસ વર્ષો માટે આર્થિક રીતે પણ મૃત્યુને હવાલે કરી નાખ્યા. બે દીકરી અને પત્નીનો સહારો છીનવાયો અને ભવિષ્ય માટે પળપળની દેવા સ્વરૂપી મોતતો ખરીજને…?

આ બધું જોઈને ક્યારેક મને પણ ઘણું કમાઈ લેવાની ઈચ્છાઓ થાય છે, એટલે નહિ કે હું એના દ્વારા અર્થહીન શોખ મોજ કરી શકું. પણ, બસ એટલે કે પરિવારની સુરક્ષાના ભારને પણ સંભાળી શકું. ઘણા અમીરોનેતો આવા ડરની ખબર પણ ન હોય, કારણકે એ માત્ર વ્યક્તિને ગુમાવે છે. જ્યારે મધ્યમ કે ગરીબ વર્ગતો આવા પ્રસંગોમાં વ્યક્તિ સાથે સાથે આખાય પરિવારનું સંપૂર્ણ ભવિષ્ય પણ ગુમાવી દે છે. ખોવાયેલા વ્યક્તિની વેદનાના ઘાવ રૂઝાય ત્યાંજ દેવાના ડામ લાગવાના ચાલુ થઈ જાય છે. હું પણ એવાજ પરિવારમાનો એક છું. બસ મારા પછી આ ડર પરિવાર ન સહે, એજ ડરથી હું ડરી જાઉં છું. હું પણ અમીર બનવા માંગુ છું, એટલો અમીર કે મારા પરિવાર અને આવા અનેકો પરિવારોને આ વેદનામાંથી કદાચ ઉગારી શકું. શું કરું મને એસીમાં બેસવાનો કોઈ ખોટો ઓરો ઓરતોતો કદી મનમાં આવ્યોજ નથી. પણ છતાંય ક્યારેક ક્યારેક જે સ્થિતિઓ સામે આવે છે, એ સાવ લાચાર બનાવી દે છે. પૈસો મને ક્યારેય ખુશીથી વધારે મહત્વનો નથી લાગ્યો, લાગવાનો પણ નથી. પણ છતાંય ક્યારેક એજ ખુશીઓ ટકાવવા પૈસો જરૂરી બની જતો જોયો છે. સપનાઓ, ખુશીઓ અને પરોપકાર ત્યારે કામ નથી આવતો. આ ડરને મેં બહુ નજીકથી અનુભવ્યો છે. સાવ શ્વાસોના ધબકાર પાસેથી પસાર થતો અનુંભવ્યો છે.આજથી થોડાકજ દિવસો પહેલા જ્યારે મોટી બેનને પ્રસવ દરમિયાન અચાનકજ પીડામાં જોઈ. કોઈજ પ્રકારના અસર વગર એને ઓચિંતાજ આંખે દેખાતું બંધ થઈ ગયેલું, અને હોસ્પિટલ ગયાતો ICU માં જવાનું સૂચન થયું, અને સાથેજ ઓપરેશન કરી બાળક લેવું પડે એનું ફરમાન પણ… એના માટે પણ જોઈએ પૈસા, ત્યારે પ્રેમ કામ નથી લાગતો, પ્રેમ શબ્દ ત્યારે દુનિયાની લાલચ સામે બહુ વામણો લાગે છે. ત્યારે આશાઓ, પ્રેમ, અભિલાષાઓ, અભિવ્યક્તિ બધુંજ સાવ શૂન્ય થઈ જાય છે. છેવટે ત્રણેક દિવસે એ હોશમાં આવી અને દેખતી પણ થઈ, હું એક ભાણીનો મામો બન્યો… ફરી ખુશીઓજ ખુશીઓ… પણ આ ખુશીઓ અને પ્રેમને ખરીદવાની જે કિંમત માથે કરેલ આપત્તિઓમાં ચૂકવી એ કિંમતજ બહુ ડર ઉતપન્ન કરે છે. હું ડરું છું માત્ર આ અસ્તિત્વ હીન રૂપિયાના મોહમાં ફસાયેલી દુનિયાથી. હું ડરી જાઉં છું તો માત્ર પરિવારના આર્થિક રીતે મૃત્યુ પામતા અસ્તિત્વથી, હું ડરી જાઉં છું તો મારી માની ભીની આંખોમાં આવી જતી લાલાશથી, હું ડરું છું તો એમને અનુભવાતી પીડાથી, હું ડરું છું તો માત્ર પરિવારની આર્થિક મૃત્યુના વિચારથી. બસ, એના સિવાય કોઈ ડર નથી મોતનો ડર પણ નથી મને. બસ ડર એ છે કે મારી મોત ક્ષણિકન બની તો…? મારી મોત આવતા પહેલા મારા પરિવારને આર્થિક મૃત્યુ શૈયા પર સુવડાવી જાય તો…? હું ધ્રુજી ઉઠું છું આ વિચારથી… કારણકે એ મને મરવા નહીં દે અને દેવાઓમાં ડૂબ્યા પછી મને બચાવી પણ લેશે તો દુનિયા એમને જીવવા નહીં દે… કારણકે મારી પાસે પૈસા નથી. સુખ છે, પ્રેમ છે, અભિલાશાઓ છે, સપનાઓ છે, ભાવ છે, લાગણીઓ છે. પણ પૈસા… જે દુનિયાને જોઈએ એતો મેં કદી એકઠું કર્યુંજ નથી.
ઘણીવાર હું કાનાને પૂછ્યા કરું છું, કે શું કાના હું ક્ષણિક મૃત્યુ પામી ન શકું…? ભલે એ જીવનના અંતની પહેલાજ કેમ ન આવી જાય. હું વધુ જીવીને પણ એવું મૃત્યુ કે જીવન કાઈજ નથી ઇચ્છતો કે જે મારા પરિવારને મારી નાખે. જો એવો પ્રસંગ સર્જાય કે મારી પાછળ એમણે દેવાદાર બની જઈને પૈસા વેરી નાખવા પડે, તો એવું જીવન મારે નથી જોઈતું. મને મરવાનો કોઈજ ગમ નહિ હોય જો હું મારા પરિવારના ભવિષ્યને આબાદ રાખીને જઇ શકીશ. કારણ હું જાણું છું, મારા ઘરની સ્થિતિ અને પરિસ્થિતિ બંને હું બહુ સારી રીતે સમજુ છું. ઘણા બધા કેસ જોયા છે, હોસ્પિટલમાં પડ્યા પડ્યા મોત સામે જૂજતો માણસ આખા પરિવારને આર્થિક રીતે મારી નાખે છે અને અંતે તો મૃત્યુ પામેજ છે, જીવી પણ જાય તો એ જીવન શું કામનું…? જીવીને પણ શું ફાયદો જો મા-બાપને ચહેરે ખુશીઓ લાવીજ ન શકો…? કારણકે એમનું દુઃખ મારા મોક્ષમાં પણ બાધાજ બનવાનું, હું એમની ખુશી સામે સ્વર્ગની માયા મુકિ શકુ એવો છું. પણ, સ્વર્ગની માયા સામે એમની લાચારી જોઈ શકું એમ નથી.

મોતનો ડર એટલો નથી ડરાવી દેતો જેટલો પરિવારને લાચારીમાં મૂકી દેવાનો ડર હોય છે.

લેખક : સુલતાન સિંહ ‘જીવન’

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો અને અલગ અલગ વિષયની વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી