કાયદો કેવો હોવો જોઈએ…? સુલતાન સિંહની કલમેં વાંચો કાયદાની વાત

કાયદો ન્યાય આપે એવો હોવો જોઈએ, પછી ગુનેહગારને ન્યાય અને બેગુનાહને અન્યાય મળે ત્યારે કાયદા પરથી વિશ્વાસ ઉઠવો સંપૂર્ણ સાચો છે. એવી સ્થિતિમાં સંવિધાન પર શંકા કરવાનો આરોપ મુકાય એ ક્યારેય યોગ્ય ન ગણાય. અને શંકા થાય એનો આરોપ અયોગ્ય પણ ન ગણાય.

 કાયદો હંમેશા તટસ્થ હોવો જોઈએ, સ્ત્રી અને પુરુષને એક સમાન સ્થિતિમાં જોનારો, અમીર ગરીબને એક નજરે જોનારો, નેતા અને પ્રજામાં ભેદ ન કરનારો, સામાન્ય નાગરિક અને વિશિષ્ટ નગરિકમાં સમાન વ્યવહાર જાળવનારો, અને જરૂરિયાત મુજબ લચીલો (એટલે કે કાયદો ક્યારેય જડ પણે વર્તન કરતો ન હોવો જોઈએ) પણ હોવો જોઈએ.

 કાયદાઓ અને સંવિધાન પ્રજાને એકસમાન અધિકાર મળે એ હેતુથી બનાવવામાં આવ્યો છે. એટલે જ્યારે જ્યારે કોઈ બેગુનાહ વ્યક્તિ કાયદાઓમાં ગુનેહગાર સાબિત થાય છે, અથવા એને સાબિત કરવામાં આવે છે, ત્યારે કાયદો અને સંવિધાન પોતાનું આત્મ સ્વમાન ગુમાવી બેસે છે.

 કાયદો અને સંવિધાન દેશની સરકાર દ્વારા એવા પરિપ્રેક્ષ્યમાં લેવો જોઈએ જે રીતે એક વ્યક્તિ માટે પોતાનું સ્વમાન હોય છે. કારણ કે જ્યારે જ્યારે કાયદાના નામે ભ્રષ્ટાચાર અને અત્યાચાર થાય છે, ત્યારે ત્યારે સંવિધાન અને કાયદાઓ પોતાના હેતુથી વિરુદ્ધ વર્તન કરે છે. એવું લાગે છે, ત્યારે એનો દરેક વ્યક્તિને સમાન અધિકાર અને ન્યાય આપવાનો હેતુ નષ્ટ થઈ જાય છે. જ્યારે કોઈ પણ તત્વનો મૂળ ધ્યેય જ નષ્ટ થાય, ત્યારે એ તત્વની અસ્તિત્વતા પણ નષ્ટ થઈ જાય છે.

 કાયદો માનવ અધિકારો પર પ્રહાર કરે ત્યારે એવુ લાગે કે અંતર યુદ્ધ થઈ રહ્યું છે. જે દેશનું તંત્ર (પછી એ કોઈ એક નાનકડા સરકારી અફસારના સ્વરૂપે જ કેમ ન હોય) સંવિધાનની મર્યાદાને જાળવી નથી શકતું, ત્યારે એવા વ્યક્તિની કાયદા પાલન કરાવવાની સ્થિતિ પણ સંવિધાન અને કાયદાનો ભંગ જ ગણાય છે.

 જેમ કે… કોઈ પ્રદેશમાં કરોડોનું બે નંબરનું કાઈ પણ કાળું કામ થતું હોય, ત્યારે હપ્તા ખાઈને આખું તંત્ર શાંત બેઠું હોય અને પછી અચાનક હજાર રૂપિયાની ચોરી પર એજ તંત્ર કાયદાની પોક મૂકીને નાટક કરી કરીને પોતાની ફરજ બજાવવાનું જુઠ્ઠું બીગુલ બજાવે. ત્યારે એ તંત્ર કે વ્યક્તિ માત્ર ભ્રષ્ટાચાર નથી કરતો, પણ દેશના સંવિધાન અને કાયદાઓ પર એવી છાપ મૂકે છે કે કાયદો અને સંવિધાન એમના કરતા ઊંચું નથી. એ લોકો જેમ ચાહે સંવિધાન અને કાયદો બનાવી શકે છે, તોડી શકે છે મરોડી શકે છે. એમને રોકનાર કોઈ નથી, પણ જો સામાન્ય વ્યક્તિ જે એમના કરતા નીચું છે એ એને સ્પર્શ પણ કરશે તો એને એ નહીં છોડે. કોઈ પણ ભોગે એ એને કાયદાનો રક્ષક ગણાવી સ્પર્શનારને ગુનેહગાર બનાવી દેશે…

 સંવિધાન અને કાયદાનો વાસ્તવિક ભંગ શુ છે…

  દારૂબંધી વાળા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને દરેક સરકારી ખાતા દ્વારા શ્રેણીબદ્ધ રીતે હપ્તાઓ ઉઘરાવાતા હોય, ત્યાંના મુખ્યમંત્રી દ્વારા દારૂબંધી અને ગાંધીના ગુજરાત જેવા શબ્દો બોલીને મરાતા ફાંકા એ પણ એક રીતે તો સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સરકારી અફસારોની દરેક એવી હરકતો જે એમના અધિકારમાં ન હોવા છતાં આચરવામાં આવતી હોય તો એવી દરેક હરકત સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સરકારી તંત્રો દ્વારા અપાયેલા ચૂંટણી લક્ષી વાયદાઓ પુરા ન થવાની સ્થિતિ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  આરોપ કોર્ટ દ્વારા સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આરોપી સમજાવો, એ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  પોલીસ દ્વારા બોલાતી એક એક અભદ્ર ગાળ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  નિયત વર્ષોની મુદ્દત પર તૈયાર થતા સરકારી પ્રોજેક્ટો એના અડધા સમયના આયુષ્ય પહેલા જ દમ તોડી દેતા હોય, એવી સ્થિતિ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  નેતાઓ દ્વારા થતા ભ્રષ્ટાચારની ભાગીદારી પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સ્ત્રીઓ પર પડતી દરેક ખરાબ નજર સંવિધાન અને કાયદાનો ભંગ છે.

  સરકારી હોસ્પિટલો દરેક શહેરમાં હોવા છતાં કેટલાય ગરીબોની પૈસાના અભાવે થતી મૃત્યુ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સરકારી ઓફિસર દ્વારા લેવાતા ચા પાણી માટેની ઓછામાં ઓછી રીશ્વતના પૈસા પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ દ્વારા થતો ગંદકીનો પ્રયાસ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  દરેક એવો વિચાર કે જે દેશની અસ્મિતાને નુકશાન પહોંચાડવાના પ્રયાસને જન્મ આપે છે, એ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સરકારી તંત્રોમાં થતી ભરતીઓમાં રેફરન્સ, ઓળખાણ, લાંચ રૂશ્વત દ્વારા થતી દરેક વ્યક્તિની ભરતી એ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  દેશના દરેક વ્યક્તિને પડતી સરકારી તંત્ર દ્વારા મુશ્કેલીઓ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  દરેકે દરેક રાજકીય વ્યક્તિઓ તેમજ સરકારી ઉચ્ચ કર્મચારીઓની આવકમાં થતો એક રૂપિયાનો પણ ૨ નંબરી વધારો સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  ભારતના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ નાની મોટી બાબત માટે કોઈ પણ લેવલના માણસને અપાતી ગુસખોરી સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  કોઈ વ્યક્તિના માનને ઠેસ પહોંચાડવાના હેતુથી ઉતારી પાડવો એ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  કોઈ પણ સ્થિતિમાં લોકશાહી અને માનવ અધિકારો ઓર મરાતી સરકાર દ્વારા તરાપ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  સરકારી કર્મચારી પોતાને પ્રજાથી ઉપરી સમજવાનો પ્રયાસ કરે એ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  કોઈકના અંગત જીવનમાં દખલગીરી કરવી એ પણ સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

  આ બધું લખીને વાસ્તવિકતાને તટસ્થ ન વિચારી શકે એવા લોકો સામે છતી કરવી, એ પણ સંવિધાનમાં અપાયેલા અધિકાર ક્ષેત્રમાં આવતી હોવા છતાં ઇચ્છિત પરિસ્થિતિઓમાં સંવિધાન અને કાયદાઓનો ભંગ છે.

 :●■  કટાક્ષ  ■●:-

 ભારતીય સંસ્કૃતિથી જડ પણે જોડાયેલી સરકારના રાજમાં મુક્ત વિચારે જીવવું, કોઈ ધર્મના લેબલને ન લગાવવું, નાસ્તિક હોવું, તટસ્થ વિચારવું, સામાન્ય પરિવારમાં જન્મ લેવો, મધ્યમ વર્ગ અથવા ગરીબ પરિવારના હોવું, અને પોતાના અધિકારોને એક સમાન હોવાના સંવિધાનીક દાવા મુજબ માંગવા એ બધું પણ સંવિધાન અને કાયદાઓનો નૈતિક ભંગ ન હોવા છતાં એને સરકાર અને એના ચાકરો દ્વારા કોઈકને કોઈક સ્થિતિની ઓથ લઈ સંવિધાન અને કાયદાઓનો ભંગ અનૈતિક રીતે ગણવામાં અને ગણાવવામાં આવે છે.

 

લેખકસુલતાન સિંહ

રસપ્રદ માહિતીઓ  વાંચવા માટે આજે જ અમારું પેજ “જલસા કરોને જેંતીલાલ” લાઇક કરો 

ટીપ્પણી