પ્રિય પ્રેમ, ડર…ડર…અને ડર… ડર સામે કોણ જાણે પ્રેમ નામનું સનાતન સત્ય આજના યુગમાં હારી જાય છે…

પ્રિય પ્રેમ…

આંખોથી નીચેનો ભાગ સામાન્ય રીતે હાસ્ય અને ભાવનાઓનો પડદો કેવાય છે. જ્યાં તમારા અંદર ચાલતી સળવળાટ જોઈ કે સમજી શકનારને અનુભવાય છે. આજે અચાનક એ ભાગ પર અશ્રુઓનો એક શેરો વહેતો થઈ ગયો છે. આંખોમાં કાઈ રંગ પડવા જેવું કે અન્ય કારણ ન હતું. કારણ હતું ભૂતકાળની યાદોનું…
આજે સાવરના ૮થી ૧૨ વાગવા આવ્યા, પણ એનો રંગે ખરડાયેલો ચહેરો જોવા જ ન મળ્યો. સવારથી ઉઠ્યો ત્યારનો બસ્સો વખત એના વોટ્સએપના ખાલી ચેટ બોક્સને જોયા કરું છું. એના જુના મેસેજ અને શબ્દોને જીવું છું. બેશક એ મરાથી બહુ દૂર છે. પણ એને મેં એના દ્વારા મોકલાયેલા દરેકે દરેક ઇમેજમાં જીવી છે. એની સાથે મારો કોઈ સંબંધ નથી, હતો પણ નહીં, કદાચ દુનિયા ભલે કાંઈપણ માનતી હોય પ્રેમ એ ક્યારેય કોઈ પ્રકારના સબંધનો મહોતાજ નથી જ હોતો. એ મારી સાથે હતી ત્યારે મારા જીવનનો પ્રવાહ આનંદના સાગરમાં આખેટ કરવા જેટલો સક્ષમ હતો અને આજે જ્યારે એ નથી તો એની અછતમાં મુર્જાયેલા રણની સુક્કી ભઠ્ઠ રેતના મેદાનોમાં ફરતા પણ મને ડર લાગે છે. એની યાદો આવીને આંખોમાં અશ્રુ સ્વરૂપે પ્રગટી નીકળે છે. હું એને યાદ નથી કરવા માંગતો, કારણકે હું જાણું છું હવે એ મારી નથી. કોઈ આપણું નથી હોતું, અને સર્વે આપણાજ હોય છે. ગીતાના જ્ઞાનમાં આ વાતને મેં ગાંઠે બાંધી લીધેલી છે. પણ છતાંય ક્યારેક ભૌતિકવાદ આડો આવે જ છે. એના સબંધો નક્કી થયા છે, એ પરણશે અને એ જીવશે પણ ખરા. પણ એનાથી એના પ્રત્યેની મારી લાગણી કે પ્રેમમાં અંશ માત્રનો પણ ફેરફાર નહિ જ આવે. એ ખુશ રહેશે એનાથી વધારે મારા પ્રેમની ઉપલબ્ધી તો કાંઈ નહિ જ હોઇ શકે ને…? પણ, છતાંય એની અવગણના આજે મને ખૂંચે છે… એનો ચહેરો જોવાનો નિખાલસ મોહ હું આટલા લાંબા સમયના અલગાવ વર્તન પછી પણ ત્યજી નથી શકતો. શુ એ કોઈની પત્ની, ફિયાન્સ કે ગર્લફ્રેન્ડ હોય તો એને જોવાનો પણ અધિકાર કોઈને ન મળે…?
હા, બહુ પહેલાજ અમારી વાતચીત બંધ થઈ ગઈ હતી. બહુ પહેલાજ એની પળેપળની વાતચીત કરવાની આદત ભુલાઈ ગઈ હતી. દરેક નવી ક્ષણના ઇમેજ મોકલીને એના સાનિધ્યને માણવાનો અવસર આપવાની એની મંછા પણ વિલુપ્ત થઈ ચૂકી હતી. પણ છતાંય મારા મનમાં એની નિસ્વાર્થ ચાહના સતત પ્રજ્વલિતજ રહી છે. કદાચ અનંત સુધી રહેશે, મારા પ્રેમમાં કોઈ અંત નથી હોતો કારણકે પામવું એ ક્યારેય મારો ઉદ્દેશ્ય હોતોજ નથી. પ્રેમ એ આપવાની વસ્તુ છે અને આપવાનો ક્યારેય અંત હોઈ પણ ન શકે. દરેક નવા પ્રસંગે બીજા કોઈને હોવાની કે ન હોવાની પરવા સામે એનું આતીત્વ મારી હોવાપણાની જીદમાં મોખરે રહે છે. પણ, એ… એ હવે સતત અજાણ બનતી જઇ રહી છે. કદાચ કોઈ ડર… કોઈ એવો ડર જે સ્ત્રી પુરુષના સંબંધને માત્ર અને માત્ર વિકૃત નજરે જ જોતો હોય છે. કોઈ એવો ડર જે આ સંબંધને ન સ્વીકારી શકે અથવા પછી કોઈ એવો ડર જે આના પડછાયા દ્વારા જીવનમાં અંધકાર આવવાના વહેમને રાખીને જીવતો હોય કે પછી કોઈ અન્ય ડર…
ડર… ડર… અને ડર… સામે કોણ જાણે પ્રેમ નામનું સનાતન સત્ય આજના યુગમાં હારી જાય છે…

પણ, હું નહીં હારુ. તું મારી યાદોમાં છે કદાચ રહીશ… અનંત સુધી કારણ કે તારા ચહેરાની છાપ સાથેજ તારો સબંધ મારા દિલમાં વસંતની જેમ ખીલી ઉઠશે. તું કોઈ પણ વ્યક્તિના આધિપત્ય કે સાનિધ્યમાં જઈશ મારો આધ્યાત્મિક પ્રેમ તારા પ્રેમમાં સતત જીવશે. જ્યાં સુધી તારા દિલમાં દુનિયાના કોઈ એક પણ વ્યક્તિ વિશે પ્રેમ હશે ત્યાં સુધી મારો પ્રેમ જીવશે. કારણ કે પ્રેમ તો પ્રકૃતિ અને ઈશ્વરના આતીત્વમાં સમાયેલો છે.

તું સૃષ્ટિના કોઈ પણ જીવને પ્રેમ કરીશ ત્યારે પણ અને કોઈ પણ ઈશ્વરીય તત્વને નમિશ ત્યારે પણ મારો પ્રેમ તારા એ ક્ષણમાં જીવંત બનીને મહેકી ઉઠશે. બસ તું એની એકાદ બુંદને પણ સમજે એવી અભિલાષા અથવા ન સમજે તો સ્વીકારે એવી અભિલાષા…કારણ કે મારે તારો દેહ નથી જોઈતો, તારો સંસાર નથી જોઈતો, તારી સ્વતંત્રતા કે તારી પર આધિપત્ય નથી જોઈતું. મારે તો બસ તારા ચહેરા પર ખળખળ વહેતુ પ્રાકૃતિક સ્મિત અને આનંદ જોઈએ છે. જો એટલું આપી શકીશ તો મારો પ્રેમ સાર્થક થઈ જશે…

તું તો જાણતીજ હોઈશ કે આ તારા માટે છે. એટલે મારે નામ લખવાની પણ જરૂર નથી. કારણ કે આ માત્ર તારા માટે છે અને તારી ખુશી મારા માટે છે. આપણો સબંધ અંગત છે એટલે દુનિયા સામે એને જાહેર કરવાની જરૂરજ નથી. કદાચ શબ્દો એટલ જાહેરમાં મુકું છું કારણ કે અંગતમાં તને કહેવાની હિંમતજ નથી…

તારો ‘જીવન’

લેખક :સુલતાન સિંહ ‘જીવન’

આપને પણ કોઈની યાદ આવી હોય અને જાહેરમાં તેનું નામ લીધા વગર કઈ કહેવા માંગતાહોવ તો કોમેન્ટમાં મેસેજ લખી શકો છો…

ટીપ્પણી