સુકી ડાળીએ લીલું પાન – ભૂતકાળમાં બનેલ એક બનાવને કારણે થઈ ગઈ હતી નિરાશ, મળ્યો સાચો પ્રેમ…

સવારે ૧૦ વાગ્યામાં આશ્રય ટીપ-ટોપ તૈયાર થઈને લાઈબ્રેરી પહોંચી જાય છે ત્યાં પહોચતાજ ચારેય બાજુ નજર ફેરવીને અનન્યાને શોધવા માંડ્યો. અનન્યાને જોતાજ તેના ટેબલ પાસે પહોંચી તેની બાજુની સીટ પર બેઠો.. “ હેલ્લો…ગુડ મોર્નિંગ…અનન્યા,” “ગુડ મોર્નિંગ…” “હાઉ આર યુ?.” “ફાઈન” “અનન્યા એક વાત પુછું?…તને રીડીંગનો આટલો બધો શોખ કેમ છે?” “બસ છે., કદાચ તારી જેમ…”

“ ના હોં.. મને પહેલા બિલકુલ ના હતો, પણ એકવાર લાઈબ્રેરી આવ્યો અને તને વાંચતા….” અનન્યા તરત બુકમાંથી નજર ઉંચી કરી આશ્રય સામે જોવે છે.. એટલે કે તમને બધાને વાંચતા જોયા ત્યારથી હવે રોજ લાઈબ્રેરી આવવાનું મન થાય છે … હા, મને પણ હવે વાંચન ગમવા લાગ્યું છે પણ એટલું બધું નહીકે બાજુમાં બેસેલી વ્યક્તિ સાથે વાતચીત પણ ના કરું… અનન્યા જાણતી હતી કે આશ્રય પોતાને કહી રહ્યો છે “અ…અ. આશ્રય મારે લેઈટ થાય છે .. બાય.” અને અનન્યા ત્યાંથી ઉભી થઇ ચાલી જાય છે…


અનન્યા એક સંસ્કારી ખાનદાનની દીકરી તેમજ તેના માતા-પિતાની એક માત્ર સંતાન. રૂપાળી તો એટલી કે સુંદરતાનું બીજું નામ કહીયેતો ખોટું નહી, તેમાંય એની સાદગી એના રૂપમાં ચાર ચાંદ લગાવી દેતી. આશ્રય એક સંસ્કારી શ્રીમંત કુટુંબનો દીકરો દેખાવડો, સ્માર્ટ, સ્વભાવે નમ્ર, વિવેકી અને ચંચળ.

અનન્યા અને આશ્રય પહેલીવાર લાઈબ્રેરીમાંજ મળ્યા હતા અનન્યા રોજ લાઈબ્રેરી આવતી તેને ગમે તે પુસ્તક વાંચતી..પહેલીવાર જોતાજ આશ્રયને અનન્યા ગમી ગયેલી..આશ્રય પણ રોજ લાઇબ્રેરી આવવા લાગ્યો આશ્રય અનન્યા સાથે વધારે સમય બેસવા ઈચ્છતો… તેની સાથે વધારે સમય વાત-ચિત્ કરવાની કોશિષ કરતો પણ અનન્યા ક્યારેય તેને એવી તક ના આપતી આશ્રય જયારે પણ આગળ કંઈ વાત કરવા જાય તો અનન્યા તરતજ કોઈ ને કોઈ બહાનું કાઢી તેને અટકાવી દેતી.


અનન્યા એકલી આવતી ને એકલી જતી, કોઈની સાથે વાતચીત પણ ના કરતી માત્ર કામ પૂરતું જ બોલતી. આશ્રય રોજ આવતો ને તેની સામેના ટેબલ પર બેસી અનન્યાને જોયા કરતો. ધીરે ધીરે અન્ન્યા, તેની સાદગી તેની નજાકતતા બધુજ આશ્રયને ગમવા લાગ્યું જેમ જેમ તેને જાણતો ગયો તેને પ્રેમ કરવા લાગ્યો… આશ્રય ઘણી વાર અનન્યાને આ વાત કહેવા જતો પણ ના કહી શકતો… હવેતો આશ્રયે નક્કી કરી લીધું કે ગમે તે થાય એ અનન્યાને કહીજ દેશે કે પોતે તેને ચાહે છે..

આશ્રયની વાતો અને તેના વર્તન પરથી અનન્યા પણ સમજી ચુકી હતી કે આશ્રય પોતાને ચાહે છે. “હેલ્લો!.. અનન્યા કેમ છે?..” “ફાઈન..”
થોડીવાર પછી થોડા ખચકાટ સાથે આશ્રયે ધીમેથી પૂછ્યું.. “અનન્યા મારે તારી સાથે એક ખાસ વાત કરવી છે તું થોડીવાર માટે મારી સાથે બહાર આવીશ?” અન્ન્યા જાણતી હતી કે આશ્રય શું વાત કહેવા માંગે છે…

“ અરે … આજે તો મારે જરૂરી કામથી બહાર જવાનું છે ..સોરી..ફરી ક્યારેક..બાય..” અનન્યા સહેજ પણ સમય લીધા વિના તરત જ ત્યાંથી ચાલી જાય છે આશ્રય નિરાશ થઈ જાય છે પણ પોતેજ મનને મનાવે છે કે આવતી કાલે કહેશે .. બીજા દિવસે મોકો જોઈ આશ્રયે ફરી અનન્યાને પૂછી લીધું ..”આજે સાંજે મળી શકીશ? મારે તારું ખાસ કામ છે ..” અને વળતા જવાબમાં ફરી પછી એજ નિરાશા, અનન્યાએ ફરી આવી કોઈ વાત કહી તેની વાત ટાળી દીધી. આશ્રયે ફરથી બે-ચાર વાર કહેવાની કોશિષ કરી પણ અનન્યા આવાજ બહાના કરીને તેને અટકાવી દેતી ને આશ્રય નિરાશ થઈ જતો.


આશ્રયને થતું કે કદાચ અન્ન્યા જાણે છે કે પોતે તેને પસંદ કરે છે છતાંય તે આ બાબતે વાત કરવા તૈયાર કેમ નથી હોતી? તે પોતાનાંથી ભાગી કેમ રહી છે? આશ્રયે આખી રાત વિચારોમાં પડખા ફેરવતા કાઢી અંતે નક્કી કરી લીધું કે આવતીકાલે અનન્યાને સીધી વાત કરી જ દઈશ..

સવાર પડતા જયારે આશ્રય અનન્યા ને મળવા ગયો ને જોયુતો લાઈબ્રેરીમાં અનન્યા આવી જ ન હતી..એણે એ આખોય દિવસ એની રાહ જોઈ પણ અન્ન્યા ન આવી.. આશ્રયને થયું કદાચ બહાર ગઈ હશે..ને આમને આમ સાત આઠ દિવસ થઈ ગયા…આશ્રય આદત મુજબ રોજ આવતો ને સાંજ સુધી તેની આમજ રાહ જોયા કરતો પણ અનન્યા ન આવતી…

હવે આશ્રયની ધીરજનો અંત આવી રહ્યો હતો એ ખુબજ બેચેન થઈ ગયો… હવે એક પણ દિવસ અનન્યાને જોયા વિના જીવવું આશ્રય માટે મુશકેલ બની ગયું હતું.. પહેલા અનન્યા મારાથી દુર ભાગતી, હવે તેને લાઈબ્રેરી આવવાનું બંધ કરી દીધું, તે આવું શા માટે કરી રહી છે?, આવા વિવિધ સવાલો આશ્રયના મન-મગજ માં તોફાન પેદા કરી દેતા.


આખરે આશ્રયે લાઈબ્રેરીના મેમ્બર્સ લીસ્ટમાંથી અનન્યાનું સરનામું અને ફોન નંબર મેળવી લીધા. આશ્રયે ઘણીવાર તેના ઘરે ફોન કર્યો પણ અનન્યા દર વખતે રોંગ નંબર કહી મૂકી દેતી. આશ્રયને કાંઈ સમજાતું ન હતું બે દિવસ બાદ આશ્રય અનન્યાના ઘરની સામે થોડે દુર ઉભો રહ્યો અને રાહ જોતો કે અન્ન્યા બહાર નીકળે તો તેને મળી શકાય…

અને બીજા દિવસે સાંજે અનન્યા ગાડીમાં બેસી બહાર જવા નીકળી આશ્રયે ગાડીનો પીછો કર્યો. જયારે અનન્યાની ગાડી થોભી કે તેને તેનાથી થોડી દુર પોતાની કાર ઉભી રાખી અ અનન્યા ગાડી માંથી ઉતરી તળાવના કિનારે જઈને બેઠી અને ડ્રાઇવર ગાડી લઈને નીકળી ગયો. આશ્રય ખાસી વાર સુધી અનન્યાને જોઈ રહ્યો. તે એકલી જ હતી તેની આંખોમાં ઉદાસી ભરી ઢળતા સુરજને જોઈ રહી હતી. આશ્રયને એજ સમય યોગ્ય લાગ્યો તેની નજીક જવાનો.


“અનન્યા….” અનન્યા આશ્રયને જોઇને આશ્ચર્યચકિત થઈ ગઈ… “આશ્રય તું !..તું…અહિયાં?” અનન્યા કેમ છે તું ? મને જોઇને આટલી આશ્ચર્યચકિત કેમ થઈ ગઈ? અને હવે લાઈબ્રેરી કેમ નથી આવતી?હું દરરોજ તારી રાહ જોવું છું, તારા ઘરે કેટલા ફોન કર્યા મે.. અને મારો ફોન છે જાણતી હોવા છતાંય તું રોંગ નંબર કહીને મૂકી દે છે, તું વાત જ નથી કરતી મારી કેવી હાલત છે ખબર છે તને? શા માટે આવું કરે છે તું? શા માટે દુર ભાગ્યા કરે છે? આટલા દિવસથી બેચેન બનેલા અને ધીરજ ખોઈ બેસેલા આશ્રયે અનન્યાને મળતાજ એકી શ્વાસે બધા સવાલોની ઝડી વરસાવી દીધી.

આશ્રય અત્યારે મારે નીકળવું પડશે ફરી ક્યારેક મળીશું..બાય.. અનન્યા ઉભી થઈ ચાલી જવા માંગે છે પણ આવેશમાં આવેલો આશ્રય ત્યાંજ એનો હાથ પકડી તેને અટકાવે છે અને કહે છે..

“અનન્યા આજે તારું એક પણ બહાનું નહી ચાલે તારે મને જણાવવું જ પડશે.. હું જયારે પણ તારી નજીક આવવા કોશિષ કરું છું તું એટલીજ દુર ભાગે છે હું તને કહેવા માંગું છું કે “ હું તને ખુબજ ચાહું છું” અને કદાચ તું એ જાણે પણ છે છતાંય તું શા માટે આમ વર્તે છે ? શું હું તને તારા લાયક નથી લાગતો કે શું તને બીજું કોઈ ગમે છે? તો મને કહી દે હું ક્યારેય તારા રસ્તામાં નહી આવું કે ના તને ક્યારેય મળવાની કોશિશ કરીશ.

અનન્યા હોઠોં પર મૌન ધારણ કરીને કાંઈ પણ બોલ્યા વિના નજર ઝુકાવીને સાંભળી રહી. અનન્યાનું મૌન જોઈ આશ્રયનો સંયમ ખૂટ્યો..તે જોરથી બુમો પડતો હોય તેમ બોલી ઉઠ્યો.. “અનન્યા જવાબ આપ મને ..કાંઇક તો બોલ..મારી સામે જો…” અનન્યા નજર ઉંચી કરે છે તો તેની આંખો આંસુથી છલકાયેલ છે


આશ્રય કંઈ સમજી નથી શકતો આ સ્થિતિ તેને વધુ ને વધુ આકળવિકળ કરી મુકે છે “અનન્યા અ મારો દંભ નથી હું તારી સાથે લગ્ન કરી તને મારું નામ આપવા માંગું છું, તને દુનિયાની દરેક ખુશી આપવા માંગુ છું જો તને મંજુર હોય મારો પ્રેમ..” અનન્યા કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલવા માંડે છે ત્યારે આશ્રય એને રોકીને કહે છે . “અનન્યા હવે મારે કંઈ નથી કહેવું પણ જો તને મારી આખી વાતમાં થોડું પણ સત્ય લાગતું હોય તો આવતી કાલે લાઇબ્રેરીમાં આવજે હું તારી રાહ જોઇશ..”અન્ન્યા ત્યાંથી નીકળી જાય છે અને આશ્રય પહેલાથી પણ વધુ બેચેન બની જાય છે.

એ આખી રાત આશ્રયના મન-મગજ પર વિચારોનો મારો ચાલે રાખ્યો, અન્ન્યાનું પોતાનાંથી દુર ભાગવું, એના ચહેરા પરની ઉદાસી,એનું મૌન, એના આંસુ, …આ બધા પાછળ શું કારણ હશે?..શું આ બધા સવાલોના જવાબ આપવા અનન્યા આવતી કાલે અનન્યા આવશે કે નહી?”

બીજી બાજુ અનન્યાની હાલત પણ કંઈક એવીજ હતી એની આંખોમાં ભીનાશ,મન ઉદાસ, અને મગજમાં વિચારો … અનન્યાએ આજે જોયું હતું કે આશ્રય તેને કેટલો પ્રેમ કરવા લાગ્યો છે, તેના તરફની આશ્રયની લાગણીને આજે તેને અનુભવી હતી. આશ્રય સાથેના પોતાના આવા વર્તનથી તે હેરાન થઈ રહ્યો છે એ ઠીક નથી. કોઈની જિંદગીનો સવાલ છે પણ, તે હકીકતથી વાકેફ નથી… અનન્યા નક્કી કરે છે કે તેને પોતાના પ્રત્યે વધારે લાગણી થાય ને એ વધુ દુઃખી થાય એ પહેલા એને બધીજ હકીકત જણાવી દેવી. રાતના ૩ વાગે હાથમાં કાગળ અને પેન લઇ તેને લખવા માંડ્યું એ લખેલા કાગળને વાળીને પરબીડીયામાં મૂકી સવાર પડવાની રાહ જોવા લાગી..


સવારે અન્ન્યા લાઈબ્રેરી પહોંચે છે તો જુએ છે કે આશ્રય પહેલેથીજ ત્યાં તેની રાહ જોતો બેઠો હતો અનન્યાને જોતાજ એ ઉભો થાય છે..અનન્યા એક સ્મિત સાથે તેની તરફ જાય છે “આશ્રય તું ખુબજ સારો છોકરો છે તું ભૂલથી પણ ક્યારેય તારા વિષે ઉતરતું નહી વિચારતો,…” અનન્યા તેના પર્સમાંથી પરબીડિયું કાઢી આશ્રયના હાથમાં મુક્તા કહે છે, આ વાંચી લેજે આમાં તારા દરેક સવાલના જવાબ છે…”

આટલું કહી અનન્યા ત્યાંથી ચાલી નીકળે છે અને આશ્રય અચંબા સાથે જોતો રહે છે શું હશે આ કવરમાં તે ઘણા આશ્ચર્ય અને તાલાવેલી સાથે પત્ર ખોલી વાંચવાનું શરુ કરે છે

આશ્રય,

હું તારાથી દુર રહેતી જયારે પણ તુ નજીક આવવાનો પ્રયત્ન કરતો, મારું મૌન રહેવું, લાઈબ્રેરીમાં આવવાનું બંધ કરવું, જેવા વિવિધ સવાલોના જવાબ.. મારા તારા તરફના આ વર્તનનું કારણ આ પત્ર વાંચીને તને સમજાઈ જશે. આ પત્રમાં મારા જીવનની વાસ્તવિકતા છે. જીવનની વાસ્તવિકતા! આશ્રય વિચારવા લાગ્યો એવું તો શું હશે? અને તે આગળ પત્ર વાંચે છે.

“ચાર વર્ષ પહેલાની વાત છે હું અમદાવાદની ખ્યાતનામ કોલેજમાં ભણતી હતી, હું મારા માતા-પિતાની એક ની એક દીકરી તેથી લાડલી પણ ખુબજ, ખુબજ વ્હાલથી ઉછરેલી. હું મ્યુઝીક, ડાન્સ, મુવી, રીડીંગ, અવનવા કપડા, બહાર ફરવું, નવું નવું જમવું, એમ દરેક વસ્તુની શોખીન હતી અને મારા બધાજ શોખ પુરા થતા તેમજ મારી દરેક ઈચ્છાઓ પણ પુરી થતી.


હું યુનીવર્સીટી રેન્કર હોવાની સાથે સાથે મારુ નામ કોલેજની ગ્લેમરસ ગર્લ્સની યાદીમાં સામેલ હતુ. મારે બહુજ બધા ફ્રેન્ડ્સ પણ હતા. હું સેસ.વાય. માં હતી ત્યારે મારી સગાઈ વિશ્વાસ નામના છોકરા સાથે થઈ હતી જે દિલ્લીનો હતો અને એમ.બી.એ. કરી ફેમીલી બીઝનેસ સંભાળતો હતો. મારી જીંદગી દુનિયાના દરેક ખુશીઓના રંગોથી ભરેલી હતી, જે હું ખુબજ મસ્તીસાથે માળી રહી હતી, ઉદાસી અને દુ:ખને મારાથી સૂર્ય થી પુથ્વી જેટલું અંતર હતું.

પણ કહેવાય છે ને કે જીવનમાં કશુંજ કાયમી નથી હોતું. જેમ ધસમસતું વાવાઝોડું વૃક્ષોને જડમુળથી ઉખેડી નાંખે છે એમ મારા જીવનમાં આવેલા એક ભયાનક વંટોળે મારી જિંદગીને વિખેરી નાંખી.

જયારે હું ટી.વાય. માં હતી ત્યારે અમારી કોલેજમાં નેશનલ લેવલે ત્રણ દિવસ માટે ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવેલ હતો જેમાં ભાગ લેવા દેશભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેના છેલ્લા દિવસે ડી.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું પાર્ટીમાં ખુબજ મજા આવી રહી હતી હું તે ઇવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ માટે ટ્રોફી પણ જીતી હતી જેથી હું ખુબજ ખુશ હતી. પાર્ટી અડધી પતી હશે ને હું ઘરે જવા નીકળી. પાર્કિંગમાં સ્કુટી લેવા ગઈ.

હું સ્કુટી સુધી પહોચું એ પહેલા બે છોકરાઓ એ મને પાછળથી ઉઠાવી લીધી એમની કારમાં ઘસડી ગયા ને મારી સાથે શારીરિક બળજબરી કરી. મે બચવાની ખુબ કોશિષ કરી પણ એ બે હતા હું એમના હાથમાંથી ના છુટી શકી, મે ઘણી બુમો-રાડો કરી પણ સ્પીકર્સનો અવાજ એટલો તીવ્ર હતો કે જોઈ સુધી મારો અવાજ ના પહોંચ્યો અને માત્ર ગણતરીની ક્ષણોમાં મારું સર્વસ્વ લુંટાઈ ગયું મને હજી પણ નથી ખબર કે એ બંને કોણ હતા? ક્યાંથી આવ્યા હતા? ને શું નામ હતા એમના? પણ એતો નક્કીજ હતું કે ખુબજ પૈસાદાર ના નબીરા હતા જે તોફાન બનીને આવ્યા મારી જીવનમાં ને મારી જીંદગી તબાહ કરીને ચાલ્યા ગયા.


આ કારણે મારી શારીરિક હાલત સાવ કથળી ગયેલી મને થોડા દિવસ દવાખાનામાં દાખલ કરવી પડેલી મારા બધાજ મિત્રો જે મારી આગળ-પાછળ ફરતા એ મને તિરસ્કારની નજરે જોવા લાગ્યા, બધાએ મારો સાથ છોડી દીધો પપ્પાએ ઘણી તપાસ કરી, કોલેજમાં પણ પૂછ-પરછ કરી પણ એ નરાધમો વિષે કંઈજ ખબર ના પડી શકી. આ વાત ધીરે ધીરે સમાજમાં ફેલાઈ ગઈ મારી સગાઈ પણ તૂટી ગઈ ત્યારબાદ હું ક્યારેય કોલેજ ના જઈ શકી મારું ગ્રેજ્યુએશન પણ અધૂરું રહી ગયું.

અમે ઘરની બહાર પણ ના નીકળી શકતા અમારે માટે હવે આ શહેરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું પપ્પાએ એમનો બિઝનેસ છોડી દીધો અને અમે અહિયા આટલા દુર સીમલા આવીને સેટલ થઈ ગયા નવા શહેરમાં નવે સરથી જિંદગીની શરૂઆત કરી, ધીરે-ધીરે હું ઘરની બહાર નીકળતી થઈ ધીરે ધીરે મન લગાવતી થઈ પણ, હજી હું મારા ભૂતકાળ થી મારો પીછો નથી છોડાવી શકી.

મારા જીવનમાં કોઈજ ખુશી નથી બીજાને આપવા, મારા જીવનમાં કોઈ રંગ નથી બીજાની જીંદગીને રંગીન બનાવા, મારી જિંદગી ભૂતકાળ ના કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલી છે, મારા જીવનનો સુરજ એવો આથમ્યો છે કે જેની સવાર ક્યારેય થવાનીજ નથી. અને આજે આ જ મારી વાસ્તવિકતા છે.

આશ્રય તું એક શ્રેષ્ઠ પાત્ર છે એ છોકરી ખુબજ નસીબદાર હશે જે તારી જીવનસંગીની બનશે. પણ હું તારે લાયક નથી. આ પત્ર સાથે આશા રાખું છું કે તું સમજી જઇશ અને મને તારા જીવનનું નું એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જઇશ અને મને ક્યારેય ફરીથી મળવાની કોશિશ નહી કરે.

-લી. અનન્યા

આશ્રયની આંખો આંસુથી ભરાઈ આવે છે એ પત્ર વાંચીને પાછો પરબીડીયામાં મુકતા મનોમન કહે છે.. “અનન્યા તું જ એ લકી છોકરી છે અને તું જ મારી લાઈફ પાર્ટનર બનીશ.” આશ્રયનો અનન્યા માટેનો પ્રેમ આ પત્ર વાંચીને વધી જાય છે. એ નક્કી કરે છે કે ગમે તે થાય લગ્ન તો અનન્યા સાથે જ કરશે.


આશ્રય ઘરે જઈ એના મમ્મી-પપ્પા જ્યોતિબહેન અને જશવંતભાઈ ને બધી વાત કરે છે અને કહે છે કે મમ્મી-પપ્પા, આજે હું એ જાણીને વધારે ખુશ છુ કે હું જેને પ્રેમ કરું છુ એ જેટલી સુંદર છે એટલું જ સુંદર અને સાફ એનું મન છે.. એ ઈચ્છત તો આ વાત છુપાવી શકત.. પણ એને દરેક વાત મને કહી દીધી.

“બેટા, અમને તારા પર ગર્વ છે કે તું આ છોકરીને અપનાવા માટે તૈયાર છે .. અમને કોઈ જ વાંધો નથી.. જ્યોતિબહેન આશ્રયના માથે હાથ ફેરવતા બોલ્યા. “પણ..” જશવંતભાઈ જરા અટકીને બોલ્યા. “પણ, પણ શું પપ્પા ..??” “આશ્રય બેટા, એ છોકરી એ ઘણી તકલીફો વેઠી છે અને હજી પણ ઘણી તકલીફો સાથે જીવતી હશે. આગળ જતા તારે પણ લોકોનું સાંભળવું પડશે. પછી એવું ના થાય કે તું કંટાળીને એને છોડી દે જો એવું બનશે તો એ સાવ તૂટી જશે. જો તારામાં હિંમત હોય તો જ એને અપનાવજે…”

“પપ્પા હું અનન્યાને બહુ જ પ્રેમ કરતો હતો અને એની હકીકત જાણીને એની માટેનો મારો પ્રેમ વધી ગયો છે.. અને જો મેં લોકોનું વિચાર્યું હોત તો એની સાથે લગ્ન કરવા તૈયાર જ ન થયો હોત. હું દુનિયાની દરેક મુશ્કીલનો સામનો કરી લઇશ અનન્યા માટે જો તમારા આશીર્વાદ હશે…” બેટા.. અમારા બંનેની સંમતિ છે અને આશીર્વાદ પણ.. અને આપણે કાલે જ એના મમ્મી-પપ્પાને મળવા જઈશું.

બીજા દિવસે અનન્યાના પપ્પા ગાર્ડનમાં છાપુ વાંચતા હતા. ત્યાં લાંબી શાનદાર ગાડી આવીને એમના આંગણામાં ઉભી રહી. ગાડીમાંથી ઉતરીને આશ્રય અને એના મમ્મી-પપ્પા તેમની તરફ આવ્યા. સુધીરભાઈ અનન્યાના પપ્પા આશ્ચર્યથી એમની સામે ઉભા થાય છે અને પૂછે છે – “ઓળખાણ ના પડી?” “નમસ્તે અંકલ, હું અનન્યાનો ફ્રેન્ડ છુ અને આ મારા મમ્મી-પપ્પા..” સુધીરભાઈ હાથ મિલાવીને એમને વિવેક-પૂર્વક ઘરમાં આવકાર આપે છે અને બેસાડે છે. સરલાબહેન એમના માટે પાણી લાવ્યા ત્યાં સુધી અનન્યા રૂમમાં આવી અને આશ્રયને જોઈને આશ્ચર્યમાં પડી.


“આશ્રય તું.. અહિયાં..?” “હા, અનન્યા આ મારા મમ્મી-પપ્પા છે.” અનન્યા એમને નમસ્તે કરે છે અને એમની પાસે બેસે છે. જશવંતભાઈ વાતની શરૂઆત કરે છે. “સુધીરભાઈ અમારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે અને અમને પણ અનન્યા પસંદ છે. અમે તમારી સાથે એમના સગાઈની વાત કરવા આવ્યા છીએ…”

“પણ..” સુધીરભાઈ થોડી નવાઈ સાથે દુ:ખી અવાજે બોલે છે.. “પણ બણ કશું નહી અમે દરેક વાત જાણીએ છીએ.. અને જશવંતભાઈ તેમને બધી વાત કહે છે…” “અમે બધું જ જાણીએ છીએ અને અમે તમારી દીકરીને માંગીએ છીએ અમારા માટે.. શું તમે આપશો..?” જ્યોતિબહેન કહે છે…
આ વાત સાંભળી સરલાબહેન અને સુધીરભાઈ રડી પડે છે અને કહે છે .. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરીને કોઈ આવી રીતે સામે ચાલીને માગવા આવશે.. અને એ પણ આટલા મોટા ખાનદાની માણસો..

પણ અનન્યાના મોં પર ખુશી નહોતી દેખાતી. જ્યોતિબહેન અનન્યા પાસે જઈને કહે છે “બેટા, તું ખુશ નથી?” “આંટી, એવી કોઈ વાત નથી. તમે બધા બહુ જ મહાન છો અને હું તમારી કદર કરું છુ, પણ મારે આશ્રય સાથે કંઈ વાત કરવી છે.” અનન્યા અને આશ્રય ઘરના પાછળના ગાર્ડનમાં જાય છે.

આશ્રય, જયારે મારી સાથે આ બન્યું ત્યારે લોકોએ મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું હતું… તું બહુ જ સારો છે… ભણેલો છે.. સ્માર્ટ છે.. તને કોઇપણ છોકરી મળી જશે.. તું મારી સાથે લગ્ન કરવાની જીદ ના કર .. હવે મારા જીવનમાં કંઈ જ નથી રહ્યું તને આપવા માટે.. મારી પવિત્રતા પણ નહીં..”


“બસ, હવે એક પણ શબ્દના બોલીશ.. બસ.. હું માત્ર એટલું જ જાણું છુ કે તારા વિના નથી રહી શકતો.. હું તને બહુ જ ચાહું છુ.. અને તારી સાથે જ લગ્ન કરીશ. ભલે પછી ગમે તે સહન કરવું પડે.. ગમે તે કસોટીમાંથી પાર ઉતરવું પડે…” આશ્રય અનન્યા નો હાથ પકડીને કહે છે- “તું કંઈ જ ચિંતા ના કર.. હું ક્યારેય તને કોઈ ફરિયાદ નહી કરું કે ના ક્યારેય તારી પાસેથી કંઈ માંગું…” અનન્યા રડવા લાગે છે અને એને વળગી પડે છે.. એને પ્રેમથી હાથ ફેરવતા આશ્રય કહે છે – “તારી આંખમાં આ જ પછી હંમેશા ખુશીના જ આંસુ આવશે..”

બન્નેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને મહિના પછી લગ્નનો દિવસ આવ્યો.. આશ્રય વાજતે – ગાજતે જાન લઈને આવ્યો અને લગ્ન કરી અનન્યાને હંમેશા માટે પોતાની સાથે લઈ જાય છે.. લગ્નના બીજા દિવસે સાંજે રિશેપ્શન માટે તૈયાર થઈને જતા ગાડીમાં આશ્રયે અનન્યાને પૂછ્યું.. “અનન્યા તું ખુશ છે ને..??” “હા,,” આશ્રય આવું તો મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા લગ્ન આવી રીતે થશે અને મને આટલો સારો જીવનસાથી મળશે…” આશ્રય એનો હાથ પકડી કહે છે ..


“અનન્યા બસ હવે હું તારા જીવનને એટલી બધી ખુશીઓથી ભરી દઇશ કે તને ક્યારેય તારી પાછળની જિંદગી યાદ નહી આવે..” અનન્યા આશ્રયની સામે જુએ છે અને આંખમાં ખુશીના આંસુ સાથે હોઠ પર સ્મીત ફરકાવે છે. અનન્યા આજે હું તને એક મારા ખુબ જ નજીકના વ્યક્તિ સાથે મળાવવાનો છુ.. એ મારા સારા ફ્રેન્ડ છે.. અને ગાઈડ પણ .. અનન્યા એ મારા માટે બહુજ ખાસ છે…

“પણ એ છે કોણ..?” “મારા મોટા ભાઈ આમ તો પપ્પાના મોટા ભાઈના દીકરા પણ તેમના મમ્મી-પપ્પાના અવસાન બાદ પપ્પા તેમને અહિયા લઇ આવેલા અને અમે નાનપણથી સાથે જ મોટા થયા. ચાર વર્ષથી એ કેનેડામાં બિઝનેસ કરે છે. એમને હમણાં બિઝનેસમાં સફળ થવું છે એટલે એ હમણાં મેરેજ માટે તૈયાર નથી… અને એમને ખાસ કામ હોવાથી એ મેરેજમાં ના પહોંચી શક્યા પણ આજે રિશેપ્શનમાં આવી રહ્યા છે.. અનન્યા એ બહુ સારા છે.. એમને મળીને તો તું ખુબ જ ખુશ થઇશ..


આશ્રય ખુબ જ ખુશીથી કહે છે અને અનન્યા હસીને “હા” કહે છે.. અડધું રિશેપ્શન પતી ગયું.. બધા સગા – વ્હાલા એમને શુભેચ્છા પાઠવતા અને ગીફ્ટ આપી રહ્યા હતા .. ત્યાં જ અનન્યા એ પૂછ્યું .. “આશ્રય તારા ભાઈ ક્યાં છે..??” “બસ આવતા જ હશે…” આશ્રયના મમ્મી અનન્યાને બધા સાથે મળાવી રહ્યા હતા ત્યાંજ થોડી વારમાં આશ્રય ખુશીથી… ભાઈ… કરીને એક વ્યક્તિને વળગી પડે છે.. અને કહે છે.. અનન્યા આ છે મારા મોટા ભાઈ.. “પવન..”

અનન્યા નજર ઉંચી ઉપાડીને એમની સામે જોવે છે એવી એ ત્યાં જ સ્ટેજ પર જાણે તૂટી ગઈ હોય એમ સ્તબ્ધ બની જાય છે… જાણે એક ધ્રાસકો લાગ્યો હોય એમ આંખો પહોળી કરી એ પવનની સામે તાકી રહે છે..


આશ્રય બોલી રહ્યો છે…” ભાઈ આ છે મારી અનન્યા..કેવી લાગી??”.. પણ અનન્યાનું ધ્યાન જ નથી.. એ તો બસ સ્તબ્ધ બની ગઈ .. પવનને પણ અનન્યાને જોતાની સાથે જ પરસેવો છુટી ગયો.. આ એ જ પવન છે જે અનન્યાના જીવનમાં વાવઝોડું બનીને આવ્યો હતો.. અને અનન્યાની પાછલી જિંદગી માટે જ્વાબદાર હતો.. અનન્યા પર બળાત્કાર કરનારમાં એક બીજું કોઈ જ નહી પણ આશ્રયનો મોટોભાઈ પવન જ હતો..”

અનન્યા ત્યાં જ સ્ટેજ પર બેભાન થઈ જાય છે.. જયારે અનન્યા ભાનમાં આવે છે ત્યારે તે ઘરમાં એના બેડરૂમમાં હતી… અને આશ્રય એનો હાથ પકડીને બેઠો હતો.. અનન્યા આશ્રય સામે તાકી રહી હતી અને વિચારી રહી હતી કે.. “આજે સમજાયું કે એક જ ડાળી પર કાંટાઓની સાથે ગુલાબ કેમ ઉગે છે..?? કાંટો જેને ઘા આપે છે.. ગુલાબ તેને પોતાની સુગંધ આપી કાંટાનો ઘા ભુલાવી દે છે..” ને અનન્યા સફાળી બેઠી થઈ આશ્રયને વળગી ક્યાંય સુધી વળગી રહે છે..

“પાલવ મારો નીતરી રહ્યો, આંખોમાં ખૂટી ભીનાશ,

હાથ મારો ઝાલ્યો તે એમ, સુકી ડાળીએ ફૂટી લીલાશ”

લેખક : સ્વાતી સીલ્હર