શિયાળા સ્પેશ્યલ ‘સુખડી’, ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આજે જ બનાવો

શિયાળા સ્પેશ્યલ આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સુખડી ખૂબ જ સરળ , ઝડપી અને સામાન્ય સામગ્રી માંથી બનતી એક ઉત્તમ મીઠાઈ છે. મારા ઘર માં તો સુખડી 12 મહિના હોય જ ..
પણ શિયાળા માં આ સુખડી માં ગુંદર , સુંઠ , પીપરિમૂળ બધું ઉમેરી ખાવાની મજા જ કંઈ ઔર છે .

સામગ્રી :
3 વાડકા ઘઉંનો લોટ,
2 વાડકા ઘી,
1/2 વાડકો ગુંદર , અધકચરો ક્રશ કરેલો,
1.5 વાડકો સમારેલો ગોળ,
3 ચમચી સૂકા નારિયળનું છીણ,
1 ચમચી સૂંઠ,
1/2 ચમચી ગંઠોળા,
1 ચમચી ખાંડનો ભૂકો,

રીત ::

સુખડી બનાવાની શરૂઆત કરીએ એ પહેલા બધી જ સામગ્રી અને ઘી લગાવેલી થાળી તૈયાર રાખો . ગુંદર ને અધકચરો ક્રશ આપ મિક્સર માં કે ખાંડણી દસ્તાથી કરી શકો છો .

જાડી કડાયમાં ઘી ગરમ કરો. ઘીનું પ્રમાણ આપ ચાહો યો ઓછું કરી શકો છો પણ થોડું વધારે ઘી સ્વાદ આપશેને સુખડી મોમાં ઓગળી જશે.


હવે એમાં ઘઉંનો લોટ ઉમેરી સરસ રીતે મિક્સ કરો. ગેસની આંચ ધીમી જ રાખવાની છે. કોઈ ગાઠા ના રહી જાય.

હવે એમાં અધકચરો ગુંદર ઉમેરો. સરસ મિક્સ કરો. અહીં આપણે ગુંદર ને લોટ સાથે શેકી લેશું . આપ ચાહો તો તળેલો ગુંદર ઉમેરી શકો. પણ લોટ સાથે બહુ જ સરસ શેકાય જશે .


ધીમી આંચ પર શેકતા રહો. હલાવતા રહેવું એટલે એક સરખુ શેકાય. ઉતાવળ કરી, ફૂલ ગેસ પર શેકવાની ભૂલ ન કરવી. ધીમી આંચ પર લોટ એકસરખો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે . લોટ કાચો પણ ના રહી જવો જોઈએ. ફોટો મા આપ લોટનો બદલાયેલો કલર જોઈ શકો છો. લોટ શેકાય જાય એટલે એમા સમારેલો ગોળ ઉમેરો અને ગેસ બંધ કરી દો.


થોડી ઝડપથી ખૂબ જ હલાવો જેથી ગોળ ઓગળી જશે અને એકસરખો સ્વાદ થઈ જશે. ગોળનો કટકો રહેવો ના જોઈએ .

હોવી એમાં સુંઠ , પીપરિમૂળ ઉમેરોને મિક્સ કરો. આ બેય સામગ્રી સૌથી અંતમાં જ , ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરવી આપ ચાહો તો બદામના ટુકડા પણ ઉમેરી શકો છો.


હવે આ સુખડીને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. વાડકાથી એકસરખી લેવલમાં કરવી. એના ઉપર ખાંડનો ભૂકો અને નારીયલનું છીણ પાથરવું. વાડકાથી સપાટી સમથળ કરવી. ધારદાર છરીથી કટકા કરી લો. પણ આ કટકા ઉખાડવા નહીં.


સુખડી સંપૂર્ણ રીતે ઠરી જાય પછી , થાળી ને ગેસ પર 3 થી 4 સેકન્ડ માટે ગરમ કરો પછી ઉખાડો..
ડબ્બા માં ભરો અને મહિના સુધી આનંદ ઉઠાવો આ સ્વાદિષ્ટ મીઠાઈનો.

આશા છે આપને પસંદ પડશે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી