સુખ દુ:ખ બાંટીને સાથે જીવવાનો આનંદ – પતિ અને પત્નીના સંબંધોમાં વિશ્વાસ અને થોડી સહનશીલતા તો હોવી જ જોઈએ…

ઓગસ્ટની એક સાંજે વરસાદ તો ધોધમાર વરસીને અટકી ગયો હતો પણ હજીય ઝરમર ચાલુ હતી. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વાતાવરણમાં ખૂશ્બુ હતી. રાહદારીઓ પૂરેપૂરા ભીંજાઇ ગયા હતા. એટલે જલદી જલદી ઘરે પહોંચવા માટે બને એટલી ઉતાવળ પગમાં ભરીને દોડી રહ્યા હતા. વરસતા ધોધમાર વરસાદને લીધે સીટી બસ સ્ટોપ પર પણ પાંખી હાજરી હતી. કારણ કે માણસો રીક્ષા પકડીને નીકળી ગયા હતા…

સાંજ પડી ગઇ હતી. વાદળને લીધે સૂર્ય અદ્રશ્ય હતો. પણ સમય અંદાઝ પ્રમાણે કદાચ પશ્ર્વિમાકાશમાં ડૂબી ગયો હતો. હવે તો કેવલ અવનિ, રાત્રીનો ઇન્તઝાર કરતી હતી. આવા વરસાદી માદક વાતાવરણમાં સુનિલ પોતાની નવી નકોર કાર ધીરે ધીરે ડ્રાઇવ કરી ઘર તરફ જઇ રહ્યો હતો. ઘરે પહોંચવાની કોઇ ઉતાવળ નહોતી. વરસાદને લીધે ભીની માટીની ખૂશ્બુ તનબદનને પ્રફુલ્લિત કરી જતી હતી. સતત આઠ આઠ માસનાં લાંબા વિજોગ પછી પોતાની પ્રિયતમા ધરતીને પ્રેમથી પૂરેપૂરી ભીંજવી દેવા મેહુલો મન માંડીને પહોંચ્યો હતો…

‘વાતાવરણની અસર તન-બદનને પણ થાય છે…’ સુનિલ કાર ડ્રાઇવ કરતા કરતા વિચારી રહ્યો: વરસતા વરસાદને લીધે દિલ કેવું ઝૂમી ઉઠે છે? રોમરોમમાં અનોખો રોમાંચ ઉછળી આવે છે. બસ, ચોમાસાના ચારેચાર મહીના વરસાદ પોતાની પ્રિયતમાને આમ જ ભીંજવતો રહે…અને પોતે પણ વરસાદી સુખના સાનિધ્યમાં ભીંજાતો રહે…’

અચાનક તેની નજર ચમકી ઉઠી. આનંદનગર બસ સ્ટોપ પર કામિની ઊભી હતી. આટલી બધી ભીડમાં પણ તેની નજર ઊભેલા એટલા બધા મુસાફરોની સોંસરવી થઇને છેક કામિની સુધી પહોંચી ગઇ. સુનિલે જોયું કે ઝરમરતા વરસાદની વાંછટ આમતેમ વિંઝાતી હતી અને બાંકડાની કોરે ઊભી રહેલી કામિની, વારેવારે ચેહરા પર રૂમાલ ફેરવી પાણીથી ભીનો થઇ ગયેલો ચેહરો લૂછતી હતી.

સુનિલ બ્રેક ઉપર પગ મૂકે એ પહેલા તો કાર સો-બસ્સો ફૂટ દૂર નીકળી ગઇ હતી. જવા દો! હવે પાછું ફરવું નથી પણ દિલ માંથી બીજ જ પળે નીકળી ગયું : ‘લઇ લે ને, કામિનીને જયાં જવું હશે ત્યાં છોડી દેવાશે.. સગપણ પૂરા થઇ ગયા પણ હ્રદયનાં એક સોફટ કોર્નર ઉપર તો હજી કામિનીના નામની નદી વહેતી જ રહી છે એ ઝરણું કદિ સૂકાયું જ નથી… ક્યાંથી સુકાય?…કામિની તો પોતાની અર્ધાગિની હતી. એક સમયની હમદમ, હમસફર હતી…પણ પછી?…

સુનિલ આગળ ન વિચારી શક્યો. અંતે, બુધ્ધિ હારી ગઇ, લાગણી જીતી ગઇ. ગાડીનો ગિયર બદલી રીવર્સ લીધી અને બરાબર સ્ટોપ સામે જ ઊભી રાખી. કામિનીનું ધ્યાન નહોતું. સુનિલે એક યુવતીને તેને બોલાવવાનો ઇશારો કરી, બોલાવી.

કામિનીને ક્યાં ખબર હતી કે તે સુનિલ છે ! ઘણીવાર પોતાના સર આવી રીતે, અહીં જ તેને લીફ્ટ આપવા માટે ગાડી ઉભી રાખે છે. પોતાને પેલી યુવતીને બોલાવી. કામિનીએ એ જોયું. પણ તેણે ત્યાંથી જ હાથ વડે ‘ના’ નો ઇશારો કરી ચહેરો ફેરવી લીધો. પણ ફરી વખત તેને બોલાવી ત્યારે ‘ના’ કહેતા છેક ગાડી પાસે જતી હતી પણ ત્યાં જ બ્લેક વિન્ડોગ્લાસવાળું બારણું રિમોટ કંટ્રોલથી ખૂલ્યું.

સુનિલ મંદ મંદ હસતા બોલી ઉઠયો : ‘ આવવું નથી? ચાલો, તમને મૂકી જાઉં… સતત બે-અઢી વરસના લાંબા અંતરાલ પછી સુનિલને જોઇને તેની આંખો ચમકી ઉઠી. અને ચેહરા પર આશ્વર્ય પથરાઇ ગયું. સુનિલની અત્યારની પર્સનાલીટી જોઇને તો તે આભી જ બની ગઇ. તે કશું બોલી ન શકી. બંધ હોઠનાં દરવાજામાં શબ્દો જ થીજી ગયા..

‘ચાલો, આવવું નથી ?’ ‘બસની રાહે ઉભી હતી.’ ‘એ તો ખ્યાલ આવી જ ગયો. કહેવાની જરૂર નથી…. સુનિલ મંદ મંદ હસતા બોલ્યો : ‘આ તો વરસાદને લીધે તમને હેરાન થતાં જોઇ ગયોને ગાડી પાછી વાળી…’ કામિની કશું બોલી ન શકી. ‘ચલો, બેસી જાવ. તમને છેક ઘર સુધી મૂકી જઇશ.’

કામિની અવશપણે આગળની સીટ ઉપર બેસી ગઇ. સુનિલ ગાડી સ્ટાર્ટ કરી. કારના કેસેટ પ્લેયર ઉપર લતા મંગેશકરનાં અવાજમાં કોઇ વરસાદી મધુર મધુર ગીત વાગતું હતું. ગાડીની પોચી પોચી ગાદી પર બેસતા જ કામિનીના રોમેરોમે પ્રસન્નતાના સાગર લહેરાઇ ગયા. ચાલતી ગાડીએ પાછળની સીટ પર પડેલી બેગ ઉઠાવી સુનિલે એમાંથી એક ફૂલસાઇઝ નેપકીન કાઢ્યો.

કામિનીને અંબાવતા બોલી ઉઠ્યો : ‘લ્યો, આનાથી તમારો ચેહરો લૂછી નાખો. પૂરેપૂરા ભીંજાઇ ગયા છો…’ કામિનીને શરમ આવી ગઇ. સુનિલનાં શબ્દો સાંભળીને તેના ચેહરા ઉપર એ શરમનાં ભાવ ગુલાબી રંગ બની પ્રગટી ઉઠયા. ‘ક્યારના ઊભા હતા?’ સુનિલે પૂછ્યું. ‘લગભગ વીસ-પચ્ચીસ મિનિટથી…’ ‘એટલા સમયમાં એકપણ બસ ન મળી?’ ‘ના. બે બસ તો ગઇ પણ…’ ‘ગીરદી હશે.’ ‘હા…વરસાદને લીધે ઊભા રહેવાની પણ જગ્યા ન મળી શકે એટલી ખીચોખીચ હતી એટલે જવા દીધી…’

‘તો સ્કૂટર કે બાઇક… એવું કૈક લઇ લેતા હોય તો…’ કામિની કશું ન બોલી શકી. ‘અચ્છા, એક બાત બતાઓ…’ ‘શું?’ ‘હમણાં મેં ગાડી ઊભી રાખી ત્યારે તમે મને ના કેમ પાડી?’ ‘મને ખ્યાલ નહોતો કે તમે છો..’ ‘અજાણ્યો માણસ ધારી લીધો હતો?’ ‘ના. મારી કંપનીનાં મેનેજીંગ ડીરેકટર મિ. ખન્ના આવી રીતે મને જોઇને ઘણીવાર ગાડી ઊભી રાખી દે છે…’ ‘તો પછી બેસી જતા હોય તો…’ ‘ના.’ ‘કેમ?’ ‘એ… એ… કામિની આગળ ન બોલી શકી.’ ‘કેમ? એમણે તમને…’

‘એ લુઝ કેરેકટરનો માણસ છે, એટલે હું એમને વિવેકપૂર્વક ના પાડી દઉં છું. હું એવું જોખમ ઉઠાવવા નથી માગતી…’ સુનિલને આનંદ થયો : કામિની કેરેકટરમાં હજીય એટલી જ પરફેક્ટ છે! જેવી એણે પહેલી નજરે માપી લીધી હતી… તો પછી પછી દાંમ્પ્ત્યજીવનમાં એવો તો ક્યો ડી-ફોલ્ટ આવ્યો કે બબ્બે વરસનાં લગ્નજીવનમાં આમ અચાનક તિરાડ પડી? હળ્યા, મળ્યા, મળ્યા ને છૂટા પડી ગયા જેવા ત્રિઅંક નાટક જેવી જીંદગીમાં એવો તો ક્યો અંક ભજવાયો કે જીવન નાટકમાં બન્ને પાત્રો એકબીજાથી અલિપ્ત્ત જ થઇ ગયા! અલિપ્ત્ત જ નહીં…વિમુખ!

કામિની વિચારી રહી. ભૂલ મારી જ હતી. સુનિલે તો મને તન-મન-ધનથી સાચવી હતી, પણ મોટી બહેનનાં ભભકાદાર વ્યકિતત્વ અને જુગલકિશોરની સંપત્તિ ઐશ્વર્ય અને તેમના સુખથી પોતે ખરેખર, અંજાઇ ગઇ હતી. ત્યારે ક્યારેક અફસોસ થતો કે પોતાને ક્યાં એવા પતિનો પનારો પડ્યો કે જે મહત્વકાંક્ષાઓ, સ્વપ્નો અને આશાની કલ્પનાઓથી સદાય દૂર જ ભાગતો રહે…

ક્રમશ…પોતાને પોતાની જીંદગી સુખની અધુરપ થી વામણી લાગવા મંડી હતી. અને પછી દીદીના એ સુખની ઇષ્યા, તે જો દ્રેષ બની ગઇ. એ પીડા આખરે દાંમ્પત્યની વચ્ચે આવી અને કામિની-સુનિલની વચ્ચે કડવાશના બી વવાયા, એ કડવાશના બી આખરે વેલા થયા…અને પછી એ વેલા એ દાંમ્પત્યની દિવાલ ઉપર ભરડો લીધો… યુનિવર્સલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનાં એક કલાર્કની હેસિયત એટલી બધી તો નહોતી જ કે જેમ જુગલકિશોર પોતાની પત્ની ઉર્ફે કામિનીની મોટી બહેનને સાચવી શકતો હતો, એવી રીતે સાચવી શકે!

છતાં પણ સુનિલે કામિનીને બને એટલી સુખમાં રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તલભાર પન દુ:ખ નહોતું આપ્યું પણ ધીરે ધીરે કામિનીફલર્ટ બનતી ગઇ. તેનો નિરંકુશ સ્વભાવ સુનિલને રાસ ન આવ્યો અને એક બીજા હરહંમેશને માટે રાજી ખુશીથી છુટા પડી ગયા. પરસ્પર સંમતિપત્ર (મીકચ્યુલ ડાયવોર્સી) ને લીધે કામિની હવે મુકત હતી. કોઇ જુગલકિશોર જેવો રંગીલો પુરૂષ તેને મળી જ જશે એવી પોતાની બહેનનાં દબાણ હેઠળ સુનિલને તેણે કાયમ માટે છોડી દીધો…

પણ સમય સમયનું કામ કર્યે જાય છે. એક દિવસ એક જાણીતી ઇલેકટ્રોનિકસ – કોમ્પ્યુટર સોફટવેર બનાવનારી કંપનીનાં રિજીયોનલ મેનેજર મિ. જહોનસ્મિથ કંપનીનાં ‘સ્ટોર્સ’ માં લાગેલી આગને લીધે નાશ પામેલા કાચામાલની નુકશાનીનાં ક્લેઇમ માટે ઇન્સ્યોરન્સ કંપની ઓફિસમાં રૂબરૂ આવ્યા હતા. અને કંપનીની ફાઇલ સુનિલ પાસે રહેતી હતી એટલે એ કામ માટે જરૂરી ઇન્ફોર્મેશન મેળવવા મેનેજરે સુનિલને ચેમ્બરમાં બોલાવ્યો અને મેનેજર મારફત મિ.સ્મિથનો પરિચય સુનિલ સાથે થયો. સુનિલની ટેલેન્ટ જોઇને તેમણે સુનિલને પોતાની કંપનીમાં આવી જવાની ઓફર કરી. સુનિલે પોતાના સરને પૂછ્યું. સારો રિસ્પોન્સ મળ્યો ને સુનિલ એમાં જોઇન્ટ થઇ ગયો. નસીબ ખૂલી ગયું આકર્ષક પગાર, સારો હોદ્દો.. સુનિલ જામી ગયો. બે વરસ વીતી ગયા. હવે પોતે ‘જાહેર ખબર વિભાગ’ નો આસિસ્ટન્ટ મેનેજર હતો.

કંપની વિકાસશીલ હરણફાળે સુનિલ એકદમ સામાન્ય માણસ માંથી ધનાઢ્ય માણસ બની ગયો. અને છેલ્લે મહીના પહેલા તો પોતે કાર પણ લઇ લીધી… વિચારોનાં ઝૂલા પાછળથી સરકીને કેટલીય ક્ષણો પસાર થઇ ગઇ એ બન્ને માંથી કોઇને ખ્યાલ ન રહ્યો. કામિની પોતાનાથી થયેલી ભૂલનો પસ્તાવો કરતી હતી. તો સુનિલ કાર ડ્રાઇવ કરતા કરતા પોતાના ભાવિ જીવનની કલ્પનાઓ કરી રહ્યો હતો. એકાએક સુનિલે ટેપની સ્વીચ ઓફ કરી. ટેપ રેકોર્ડર અટકી ગયું ને કામિની વર્તમાનમાં ખેંચાઇ આવી.

‘ક્યાં રહો છો?’ સુનિલે મૌન તોડતા પૂછ્યું. ‘પારેખ સોસાયટી, વિઠ્ઠલનગર.’ ‘ઘણી જ દૂર…’ ‘હા.’ ‘દરરોજ બસમાં જ જાઓ છો?’ ‘હા’ ‘એકલા જ રહો છો કે…? ‘હા. એકલી જ છું.’ ‘મમ્મી-પપ્પા.’ ‘એ તો મને છોડીને ચાલ્યા ગયા.’ પપ્પાને એક વરસ થયું, મમ્મીને છ માસ થયા…’ તેનો સ્વર ડુમાઇ ગયો.

‘ઓહ. આઇ એમ સોરી.’ ‘નેવર માઇન્ડ, આપની લાગણી પ્રત્યે માન થયું.’ ‘તમારા દીદી?’ ‘એ તો અમેરિકા જતા રહ્યા.’ ‘એમની પ્રોપર્ટી..’ જુગલકિશોરને એમના પાર્ટનરે દગો દીધો. પોતાનું શ્રોફ હતું. પબ્લીકને શું જવાબ દેવો. જીંદગીનો ખતરો થઇ ગયો…ઇન્ડિયા છોડવું પડયું…’ ‘આવે છે કયારેય ?’ ‘ક્યારેય નહી ફોન પણ નહી. પણ તમને ખ્યાલ નથી કે…’ મને એવી બાબતમાં ક્યારેય રસ નથી પડ્યો. ‘ના…પણ આ બધી વાતો યાદ કરીને મેં તમારૂં દિલ તો નથી દુભાવ્યું ને…કામિની?’

‘ના. ઉલ્ટાનું ગમ્યું સુનિલ! હ્રદયમાં દર્દીની ખટક લઇને ફરતા માણસને કોઇ એના દર્દ વિષે પૂછે તો તેને ગમે છે. કમ સે કમ, એટલું તો તેનું દુ:ખ ઓછું થાય છે…’ ‘તો પછી એકલા જ રહો છો?’ ‘હા.’ ‘મેરેજ ન કર્યા?’ ‘તમારી જેવું પાત્ર ન મળ્યું સુનિલ.’ તમને છોડ્યા એ મારી ભૂલ હતી. મારી ભૂલ મને નડી. હવે મને સમજાય છે કે’ ને તેની આંખોમાં ઝળહળિયા આવી ગયા. કંઠ ડૂમાઇ ગયો…

‘થોડી ભૂલ. અને થોડા અહમ્. આ બન્નેનો સરવાળો એટલે દાંમ્પત્યજીવનમાં તિરાડ. મનમાં દુ:ખ તો વધારે પડતી સુખની અપેક્ષા માંથી જન્મે છે. જેનો ક્યારેય અંત નથી આવતો. જીવનની વિસંગતતાઓ અને અસ્થિરતા દૂર કરવા માટે તો સૌપ્રથમ તો મનુષ્યએ પોતાના ચિત્તને સ્વસ્થ અને સ્થિર કરવું જરૂરી છે…’ ‘હા. એ વાતને હું સ્વીકારૂં છું.’ ‘તું મને રોજને રોજ તારી દીદીનો દાખલો કહ્યા કરતી હતી. યાદ છે તને?…

પણ સમયનું એક અંજળ હોય છે. કોઇનું નસીબ કોઇ ઝૂંટવીને લઇ જતું નથી. અત્યારે મારો પણ સમય આવ્યો છે. પણ ત્યાં સુધી ઇન્તઝાર કરવાની તારામાં ધીરજ નહોતી. તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારે તને આટલું જ કહેવું હતું. પણ હવે નથી કહેતો, સમયે તને ઘણું ઘણું કહી દીધું છે. બાકી પતિ અને પત્નિએ તો દુ:ખ બાંટીને જીવવું જોઇએ. એમાં જ જીવનનો સાચો આનંદ છે. જીવનમાં ધૂપ-છાંવ તો આવ્યા જ કરશે. પણ એને સ્વીકારીને જીવતા શીખીએ તો જીંદગીમાં સાચુ સુખ ક્યારેય નથી ભૂંસાતુ…’

‘તમારી સલાહ સર-આંખો પર છે. મને કબૂલ મંજુર છે…’ ‘તો મારી ક્યાં ના છે જ ! સુખ દુ:ખ સાથે રહીને બાંટીશું. મજા આવશે..’ કામિનીએ વળતી ક્ષણે સુનિલના ખભા પર માથું ઢાળી દીધું અને સુનિલ એક હાથે તેની ભીની ઝૂલ્ફોને સવારવા લાગ્યો…!!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ