વાર્તા – “સુગંધ પેહલા સ્પર્શની” આયુષી સેલાણીની કલમે લખાયેલ વાર્તા…

“શિવાલી, જો ને જરા મારો ટુવાલ કદાચ પલંગ પર પડ્યો છે.. પ્લીઝ આપ ને.. બહાર હોલમાં બધા જ બેઠા છે.. અને હું કેમ બહાર નીકળું?” શિવાંજે તેની પત્નીને સંબોધીને કહ્યું.. શિવાલી બહાર વરંડામાં બેઠા બેઠા લોટના ધનેડાં સાફ કરી રહી હતી.. શિવાંજનો અવાજ સાંભળી એને સહેજ હસવું આવી ગયું. તરત ઉભી થઈને દોરી પર સુકાતો ટુવાલ લઇ આવી અને શિવાંજને પકડાવી દીધો ને પાછી આવીને ચારણી લઈને ધનેડાં સાફ કરવા લાગી. આ વખતે તેનું ધ્યાન ધનેડામાં નહિ પરંતુ ધનમાં પરોવાઈ ગયું..

ત્રણ વર્ષ પેલા તેના શિવાંજ સાથે અરેન્જ મેરેજ થયા હતા. બપોરે બાર વાગ્યે કોલેજથી આવી ને તરત પપ્પાએ કહેલું તૈયાર થઇ જા દીકરી. આપણા ભાવેશકાકાના સંબંધી રતિલાલભાઈનો શિવાંજ તને જોવા આવે છે..! બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શિવાલી આ સાંભળી પહેલા તો સહેજ ચોંકી ગઈ પરંતુ પછી વિચાર્યું કે એક દિવસ લગ્ન તો કરવા જ છે.. તો આજે પપ્પાની મરજીથી કેમ નહિ..! શિવાલીના પિતાજી એક ખાનગી દુકાનમાં ખાતાવાહીનુ કામકાજ સાંભળતા. હવે તો કમ્પ્યુટર આવી ગયા એટલે એકાઉન્ટ્સ એમાં જ મેનેજ થાય પરંતુ શિવાલીના પિતા સોમેશભાઈ તે પેઢીના સૌથી જુના ને વિશ્વાસુ એટલે માલિકે તેમને નોકરીએ રાખ્યા હતા.. શિવાલીના મમી તે નવ વર્ષની હતી ત્યારે ગર્ભવતી હતા.. ઓપેરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે બાળક અને માતા બંનેએ જાન ગુમાવી દીધી હતી. બસ એ પછી શિવાલી તેના પિતાની માઁ, દીકરી અને પત્ની બનીને રહેતી.. પિતાજીનો પગાર સાવ સાધારણ. ભણવાના જાતજાતના ખર્ચ તો તેઓ પુરા જ ના કરી શકે એટલે શિવાલીએ શહેરની સામાન્ય સરકારમાન્ય કોલેજમાંથી બીએ કરવાનું વિચાર્યું. સાથે સાથે તે સિલાઇનું કામ પણ કરે.. મહિનાના તે ચાર-પાંચ હજાર તેમાં કમાઈ લેતી. છેલ્લા પાંચ વર્ષથી આ સિલાઈકામ કરી તેણે બે લાખ રૂપિયાની બચત કરી હતી.. જે પોતાના લગ્નના ખર્ચમાં વાપરી શકાશે તેવું તે વિચારતી. આજે પિતાજીએ છોકરો જોવા આવે છે તેમ કહ્યું ત્યારે તેણે વિચાર્યું, “આગળ ભણવાની ઈચ્છા છે નહિ અને કોઈ સાથે પ્રેમ પણ નથી.. એના કરતા અત્યારે બચાવેલી બચતમાં સાદાઈથી પ્રસંગ પતી જાય તો પપ્પાને પણ આખી જિંદગીની નિરાંત રહે..” ને તે જલ્દીથી પોતાના ઓરડામાં જઈને તૈયાર થવા લાગી. શિવાલીનો વાન જરા શ્યામ એટલે તેને પોતાના લગ્નની હંમેશા ચિંતા રહેતી. વાને શ્યામ પણ દેખાવે અત્યંત નમણી શિવાલીને ગાલમાં સરસ મજાના ખંજન પડતા જે તેને મનમોહક બનાવતા. “જો અત્યારે આવનારો છોકરો લગ્ન માટે હા કહેશે તો પોતે પણ તેને સ્વીકારીને હા કહી જ દેશે. પછી તે ગમે તેવો હોય..” તેમ વિચારી તે તૈયાર થવા લાગી. જામ્બલી રંગની બાંધણી અને ગુલાબી રંગનું બ્લાઉઝ પહેરી જયારે તે અરીસા સામે ઉભી રહી તો પોતાની જાતથી જ શરમાઈ ગઈ… નજર ના લાગે એટલે કાળું ટપકું પણ કરી લીધું. તેને યાદ આવી ગયું કે તે નાની હતી ત્યારે તેના પપ્પા કેવા તેને કાળું ટપકું કરીને આપતા. બીજું કઈ યાદ રહે કે ના રહે તેના પપ્પાને પણ આ ટપકું કરવાનું હંમેશા યાદ રહેતું.. પપ્પાને થતું માં વગરની દીકરીને કોઈનીયે નજર ના લાગવી જોઈએ.

વિચારોને ખંખેરીને તે નીચે ઉતરી અને રસોડામાં જઈ આવનારા મહેમાન માટે નાસ્તો બનાવવા લાગી. પપ્પાએ કહેલું કે કદાચ સાત-આઠ જણા આવશે એટલે તે પ્રમાણે તેણે બધાને ગણીને ગરમાગરમ પવા બટેટા બનાવ્યા. સાથે જ ગુલાબજામ્બુ પણ બાજુની ડેરીએ જઈને લઇ આવી..પછી તરત જ બે વર્ષ પહેલા બે હજારમાં લીધેલો મેલેમાઇનનો સેટ કાઢ્યો અને તેમાં નાસ્તો ગોઠવવા લાગી. આ સમયે પણ તેને યાદ આવ્યું કે કેવા રોજના 20-20 રૂપિયા ભેગા કરીને બે હજાર બચાવ્યા હતા કે જેથી ઘર માટે મેલેમાઇનનો સેટ વસાવી શકાય. પપ્પાને તો એવો કઈ હરખ નહિ.. પણ પ્રસંગે ક્યારેક કોઈ મહેમાન આવે તો કામ લાગે તેવું વિચારીને લીધેલો આ સેટ બે વર્ષ પછી આ રીતે કામ આવ્યો એ પણ પહેલી વાર એ વાત તેને જરા રોમાંચિત કરી ગઈ.. વ્યવસ્થિત નાસ્તો ગોઠવી અને ઘર સાફ કરી પોતે હોલમાં આવીને બેઠી. પપ્પાને હાથ પકડીને તેમના ખભે માથું ટેકવીને શિવાલી જાણે મમતાની માયા મમળાવતી રહી.. ને ત્યાં જ દરવાજાની ઘંટડી રણકી..

“એ આવો આવો રતિલાલભાઈ. આવોને ભાભી. આવો આવો છોકરાઓ.. બધાનું સ્વાગત છે.. બેસો શાંતિથી બેસો.” દરવાજો ખોલતા જ સામે આઠેક જણાને જોઈને શિવાલીના પિતાજીએ બધાનું સ્વાગત કર્યું.. “હા હા.. સોમેશભાઈ બસ પધાર્યા જુઓ.. તમને પરિચય કરાવું એટલે તમને જરા વાત કરવાની મજા આવશે.. આ અમારા શ્રીમતજી રંજનાદેવી.. આ મોટો દીકરો શિવષ્ય ને તેની પત્ની શિવીકા. તેની ટેણકી અહાના. આ વચેટ શિવત્વં ને તેની પત્ની શિવજ્ઞા અને પેલો તેનો ટેણકો આહવાન.! અને અમારા રાજકુમાર આ શિવાંજ મહારાજ. જે ઘોડે ચડવાની પુરી તૈયારી કરીને શિવાલી વહુને પરણવા આવ્યા છે..!”

રતિલાલભાઈનો મીઠડો પરિવાર જોઈને સોમેશભાઈને સંતોષ થયો કે ખાનદાન તો વ્યવસ્થિત છે.. પણ બીજી બધી તપાસ પણ કરવી પડે તે વિચારી તેમણે બે-ચાર સવાલો પૂછવાનું વિચાર્યું.. અને સાથે સાથે શિવાલીને પણ પાણી લાવવા કહ્યું. શિવાલી પાણી લઈને આવી અને બધાને આપીને પિતાજીની બાજુમાં જઈને બેસી ગઈ.. તેની નજર નીચી હતી પરંતુ હૈયાના ચક્ષુએ ક્યારનોય શિવાંજને હૃદયમાં સમાવી લીધો હતો.. “તો હે રતિભાઈ આ ભાવેશ કહેતો હતો કે તમારે યાર્ડમાં દુકાન છે પણ તમારું રહેવાનું ક્યાં એ કઈ વાત નથી થઇ અમારે….”

સોમેશભાઈએ તેમના રહેઠાણની વિગત જાણવા વાક્ય અધૂરું છોડી દીધું.. રતિલાલભાઈએ સોમેશભાઈની વાતનો જવાબ આપતા કહ્યું, “જો ભાઈ દીકરી લેવા આવ્યા છીએ એટલે જરાય ખોટું નહિ કહું… અમારે દીકરી જોઈએ છે વહુ નહિ એટલે પહેલા જ બધી ચોખવટ કરી દઉં.. તમે તો જાણો જ છો અત્યારે જમીન-મકાનના ભાવ કેવા તગડા હોય છે… નાખી દેવાતાય જોવોને પચાસેક લાખમાં અને એય એરિયા ઠીક ઠીક હો..! એટલે અમે અત્યારે જૂની બજાર પાસે જ રહીએ છીએ. ત્યાં બે ઓરડીનું ઘર છે ને વરંડો તો બહુ મોટો પાછો. જમીન તો એ બસો વાર છે પણ એમાં કઈ ફેરફાર અત્યારે થાય એમ નથી… દુકાનની કમાણી સારી છે. પણ ત્રણેય મારા એ એક જ દુકાનમાં રહ્યા એટલે દુકાનનો ખર્ચોય પાછો વધી જાય સોમેશભાઈ.. બંને ટેણીયાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા મુક્યા છે. ને બીજા ઘરખર્ચ પાછા એટલા ને એટલા.. હમણાં તો ઘરનું ઘર છે એ જ શાંતિ છે. બસ આટલું છે. ઘર અમારું નાનું પણ હૈયા સૌના વિશાળ છે. જો તમારી હા હોય તો શિવાલીને અમારા હૈયામાં વહુ રૂપે સમાવવા અમે સૌ ઇચ્ચછૂક છીએ..! કેમ શિવાંજ.?!

દીકરીને જોઈને જ આ અડધી કલાકમાં તેની ખાનદાનીનો પરિચય થઇ ગયો એટલે અમારે તો બીજી કઈ તપાસ નથી કરવી.. બસ શિવાલીને જો શિવાંજને મળવું હોય તો મળી લે..!” રતિલાલભાઈએ જે રીતે પોતાની દીકરીને લક્ષ્મી સ્વરૂપે અપનાવવાની વાત કરી તે સોમેશભાઇને ખુબ જ ગમ્યું.. હા નાનું ઘર મગજમાં એમને ખુંચ્યુ પણ જો શિવાલીને વાંધો ના હોય તો એ તો થઇ પડે એમ વિચારીને તેમણે શિવાલીની સામે જોયું.! શિવાલી પણ પપ્પાની એ નજરની વાચા સમજી ગઈ હોય તેમ પોતાની પાંપણ શરમથી ઢાળી દીધી.! દીકરીની એ સંમતિ તેના પિતાજી સમજી ગયા અને લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર પણ થઇ ગયો..! બન્ને દીકરા-દીકરીએ એકાંતમાં મળ્યા વગર આ રીતે એક જ મુલાકાતમાં સાથ નિભાવવાનું વચન બાંધ્યું હોય તેવું થયું હતું. કદાચ ભારતદેશમાં વસેલી લગ્નસંસ્થા પરના એક વિશ્વાસની એ જીત હતી..

ને સાદાઈથી પરંતુ રૂઆબથી બે જ મહિનામાં શિવાલી-શિવાંજ પરણી ગયા… ઘર તરફ જ ઈ રહેલા શિવાંજ-શિવાલીની આંખમાં એક સુવર્ણ ભવિષ્યના શમણાંઓ જાણે સજાયેલા હતા. એકબીજાનો હાથ પકડીને બેઠેલા તે બંને સર્વાંગ સંપૂર્ણ યુગલની વ્યાખ્યામાં બંધ બેસતા હતા.. શિવાલીની હરણી જેવી નિર્દોષ આંખોમાં જોઈ શિવાંજે કહ્યું,

“શિવાલી. લગ્ન એક પરંપરા, બંધન કે રિવાજ નથી પરંતુ એક ઉજવણી છે. સાથની, શરીરની, આત્માની, પરસ્પરના સહકારની, મીઠા ઝગડાની, શાબ્દિક અવહેલનાની અને આંતરિકની મનોમંથનની.! હું ઇચછું કે આ ઉત્સવને તું આજીવન ઉજવતી રહે અને તારા અને મારા પ્રેમની પરાકાષ્ઠાને એક નવું તત્વ મળે.. સદૈવ સાથે રહેવાના પ્રયાસને ચાલ આજે આવકારી લઈએ..! એકબીજામાં અસ્તિત્વને ઓગાળી દઈએ..!” પતિની વાત સાંભળી શિવાલીને લાગ્યું કે ફક્ત પ્રેમ, દેખાવ કે આર્થિક સ્થિતિથી જ નહિ, શિવાંજ આત્માથી પણ ધનિક છે. તેના શબ્દે શબ્દે સ્નેહ નીતરતો હતો. એક સાધુની વાણી, અને સંસારીના અનુભવોના એ પડઘા હતા. તેણે શિવાંજની વાતમાં સાથ પુરાવ્યો અને તેના ખભે માથું ટેકવીને જાણે જગતભરને અમુક ક્ષણો માટે ભૂલી જવા માગતી હોય તેમ પતિના સહવાસમાં એકાકાર થઇ ગઈ..

“શિવાલી, એક વાત કહું.!? કદાચ તને નહિ ગમે અને નવાઈ પણ લાગશે.. પણ આ હકીકત છે. આજે કદાચ આપણે મધુરજનીનો આનંદ ના માણી શકીએ. કદાચ એકબીજાને સ્પર્શીને, ભેટીને, એકબીજામાં ઓગળીને સુઈ પણ ના શકીએ.! કદાચ તારે હંમેશ મારાથી અળગું જ સૂવું પડે..!” શિવાલીને શિવાંજની વાતમાં કઈ સમજ નહોતી પડતી એટલે તેણે પ્રશ્નાર્થસૂચક નજરે તેની સામે જોયું.! પણ એ નજર કદાચ તેને છેતરવા માટે જ હતી.. અંતરથી તે સત્ય જાણતી હતી.. તેના જવાબમાં શિવાંજ બોલ્યો, “હા શિવાલી. આ હકીકત છે. અમારું ઘર ખુબ જ નાનું છે. બે ઓરડામાંથી એક હોલ છે એક બીજો રૂમ..! અને એક રસોડું છે.. આમ તો લગ્ન પહેલા યુવતીઓ જ્યાં રહેવાનું હોય એ ઘરને જોઈ જ લેતી હોય છે પરંતુ તારું અહીં આવવાનું સંજોગોવશાત બન્યું જ નહીં. એટલે તને ખ્યાલ જ નથી.

ઘરમાં હવે તો ત્રણ યુગલ છે ને મમી-પપ્પાને ગણીને ચાર. કોઈનો પોતાનો ઓરડો નથી. ભાભીઓએ ક્યારેય હઠ જ નથી કરી.. એટલે રાતના અમે બધા પુરુષો બહાર વરંડામાં ગાદલા નાખીને સુઈએ અને સ્ત્રીઓ એક ઓરડામાં સુવે.!! એક પરિણીત સ્ત્રીને એવી ઈચ્છા હોય કે તેના સાસરે તેનો ઓરડો હશે, પોતાનો કબાટ હશે, ડ્રેસિંગ ટેબલ હશે ને રાતની રળિયામણી વાતો હશે.. કદાચ દરેક ઘરમાં જેના લગ્ન થવાના હોય તે પુરુષને એક ઓરડો અલાયદો ફાળવાય છે. લગ્નના બે મહિના પહેલાથી તેમાં રંગરોગાન થાય છે અને એક સ્ત્રીને આવકારવા તેને સજાવાય છે..!

પરંતુ અહીં તું એ અલાયદા, એ “આપણા ઓરડાની અનુભૂતિથી વંચિત રહી જશે..!” પતિની વાત સાંભળી શિવાલીને આશ્ચર્ય જરાય ના થયું.. તેના મોંની રેખાઓ જાણે હતી તેવી જ રહી ગઈ.. તેણે મુસ્કાન કરી અને શિવાંજને કહ્યું, “શિવ, તમને શું લાગે છે મને આ વાતનો અંદાજ નહીં હોય??? મોટા ભાભીએ મને અમે જયારે પંદર દિવસ પહેલા ખરીદી પર ગયેલા ત્યારે જ વાત કરી હતી. જો હું ઈચ્છત તો કદાચ આ કારણથી લગ્ન તોડી પણ શકું. પણ હું આ પ્રથાને માનું છું અને તમારા માટે ખરેખર મને પ્રેમની લાગણીઓ ઉદભવે છે..! પતિ પરમેશ્વરની વ્યાખ્યામાં તમે અને સંપૂર્ણ પરિવારની વ્યાખ્યામાં તમારો પરિવાર બંધ બેસે છે.. બસ તેથી જ મેં કઈ ના કર્યું.. અને લગ્ન એટલે શું ફક્ત શારીરિક સંબંધો જ?? એટલે પ્લીઝ તમારી જાતને ગુનેગાર નહિ સમજો.! આ પવિત્ર બંધનને અપનાવીને હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું.”

આવી સમજદાર પત્ની પામીને જાણે શિવાંજ ધન્ય થઇ ગયો. બસ હવે જિંદગીમાં કશું જ નથી જોઈતુંઝ શિવાલીનો સાથ અને પ્રેમ તેને હંમેશ ધબકતો રાખશે…! ઘરે આવ્યા બાદ સાસુમાએ શિવાલીનું પ્રેમથી સ્વાગત કર્યું અને તેના પગલાં કરાવી તેના પંજાની છાપ સફેદ સુતરાઉ કાપડમાં લઇ તે કાપડને તિજોરીમાં અકબંધ રાખી દીધું.. જાણે વહુસ્વરૂપ એ લક્ષ્મીને હંમેશ માટે તિજૉરીરૂપી હૃદયમાં સમાવવા માગતા હોય. ઘરના દરેક સદસ્યએ તેને કઈ ને કઈ ભેટ આપી.. શિવાલી બહુ જ ખુશ હતી.. મધુરજનીની તે રાત માટે શિવાંજના ભાઈઓ અને મિત્રોએ મળીને હોટલમાં ઓરડો બુક કરાવ્યો હતો. પછીના દિવસથી તો સાથે સુવા નહોતું મળવાનું એટલે આજની રાત બન્ને માટે બહુ ખાસ હતી.. તે લોકો ઘરેથી જવા માટે નીકળતા જ હતા કે આહવાન રમતા રમતા દાદરા પરથી પડી ગયો.. બધા તેમાં પરોવાઈ ગયા.. શિવાલીને હવે જવું યોગ્ય ના લાગતા બન્ને તે રાત ઘરે જ રોકાઈ ગયા.. સ્પર્શની સંવેદના સુધી પહોંચવાની એ પ્રબળ ઈચ્છાઓને તે રાત માટે શમી જવું પડ્યું.

બીજા દિવસથી બધું એકધારું થઇ ગયું. સવારે શિવાલી છ વાગ્યે જાગી ત્યારે બંને ભાભી નહિ ધોઈને રસોડામાં પહોંચી ગયેલા. શિવાલીને રસોડામાં દસ દિવસ સુધી આવવાની બિલકુલ મનાઈ જ હતી.. તે બીજું કઈ કામ શોધવા લાગી તો પણ ભાભીઓએ તેને ના કહી દીધી. બન્ને પતિ-પત્ની તે રાતે બહાર જમવા ગયા. ત્રણ દિવસ પછી હનીમૂન માટે મનાલી જવાનું હતું.. આજે બીજી રાત હતી.. બધી સ્ત્રીઓ જોડે શિવાલી અંદરના ઓરડામાં સૂતી અને શિવાંજ બહાર. આજ રાત માટે પણ એ સ્પર્શ તેમનાથી રિસાઈ ગયો… ત્રણ દિવસ સુધી તેમ જ ચાલ્યું. હનીમૂન પર જવાના દિવસે સવારે પેકીંગ ચાલતું હતું. ઘરના દરેક સદસ્ય કઈ ને કઈ ભરવામાં શિવાલીને મદદ કરી રહ્યા હતા.. પણ નસીબ હજુ પણ જાણે તેમનાથી રીસાયેલું હતું. સૂટકેસ ભરી રહેલા સાસુમાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. અને તે અસહ્ય થઇ જતા તેમને હોસ્પિટલે લઇ ગયા. સસરાજી અને ભાભીઓના આગ્રહ છતાં પણ શિવાલીએ શિવાંજને જવા માટે ના કહી દીધી. ને પછી તો આ બીમારી ને બધામાં મહિનો વીતી ગયો..

રોજ કઈ ને કઈ કામ આવી જાય એમાં એક મહિના સુધી શિવાલી અને શિવાંજ શરીર સંબંધથી વંચિત રહ્યા. પણ બંનેના મોં પર ક્યારેય એ બાબતની ફરિયાદ નહોતી. દરેક વાતને સમજીને શાંતિથી બન્ને હેન્ડલ કરતા. રોજ રાતના પરિવારના બધા સદસ્યો સાથે હોલમાં બેસીને ટીવી ને જાતજાતના પ્રોગ્રામ્સ જુએ.. પાછા જીંજરા ને સીંગ ને કદીક આઈસ્ક્રીમ તો ક્યારેક બીજું કઈ પણ ખાય.. જોઈન્ટ ફેમિલીનું ઉત્તમ ઉદાહરણ એટલે શિવાંજનો પરિવાર.

મહિનો પસાર થઇ ગયો.. રોજ શિવાંજ કઈ ને કઈ બહાને શિવાલી પાસે જઈને તેને ચુંબન કરી લેતો. એક દિવસ રાતના વરંડામાં બધા સુતા હતા.. અને શિવાંજને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી.. તે ઉભો થઈને રસોડામાં પાણી પીવા ગયો.. તે જ સમયે શિવાલી પણ ત્યાં આવેલી. બંને અચાનક આ રીતે એકઠા થઇ ગયા એ પણ રાતના સમયે એ તેમના માટે આસ્ચ્ર્યજનક હતું. એકબીજાને જોઈને બન્ને હસી પડ્યા.. શિવાલી પણ ત્યારે એકદમ મજાના મૂડમાં હતી એટલે તેણે શિવાંજની નજીક જઈને તેના ગાલ પર તસતસતું ચુંબન ચોળી દીધું. આ આમંત્રણ હતું કે આવકાર તે શિવાંજ સમજી ના શક્યો. પરંતુ એક મહિનાથી વંચિત રહેલા એક પતિને ત્યારે નજર સામે પત્નીનો સ્પર્શ અનુભવાય રહ્યો હતો.. તેની પોતાની પત્ની તેને આવકારી રહી હતી.. લગ્નજીવન બાદનો એ પ્રથમ સ્પર્શ હતો.. પ્રથમ સહવાસ હતો. તે સમયે બંને જગ્યાનું ભાન ભૂલી ચુક્યા હતા. એકબીજામાં એકાકાર થઈને તે બંને પ્રથમ શારીરિક મિલનને માણી રહ્યા હતા.. શિવાલી એ સ્પર્શથી એક મહિના સુધી વંચિત હતી.. તેના કોમાર્યભંગની એ અપ્રતિમ ઘડી હતી.. પહેલા સ્પર્શની એ સુવાસ હતી.. થોડી વાર સુધી બંને તે સ્પર્શનો આનંદ માણી રહ્યા પછી શિવાલી ઉભી થઇ અને પોતાના ઓરડામાં જતી રહી.. શિવાંજને ઊંઘ આવી ગઈ હતી એટલે તે ત્યાં જ સુઈ રહ્યો.

સવાર પડતા જ બંને ભાભી તૈયાર થઈને રસોડામાં આવ્યા તો શિવાંજ ત્યાં સૂતેલો હતો.. તેના ચહેરા પર એક સંતોષની મુસ્કાન હતી. બંને જણાને સમજતા વાર ના લાગી કે એ મુસ્કાન શેની હતી.. તે બંને પણ એક વખત આ જ રીતે પહેલો સ્પર્શ માણી ચુકી હતી. હજુ તો તેને જગાડવા જાય ત્યાં જ શિવાલી આવી એટલે તેમણે શિવાલીને જ કહ્યું કે શિવાંજને જગાડીને બહાર મોકલી દે.. તે દિવસ પછીથી બંને ભાભી હંમેશા શિવાલીની મજાક કરતા રહેતી.

આમ ને આમ ખુશીઓમાં ત્રણ વર્ષ વીતી ગયા પણ એ પહેલા સ્પર્શને આજ સુધી શિવાલી ભૂલી નહોતી. આજે અચાનક ટુવાલની વાત પરથી તેને તે સ્પર્શ યાદ આવી ગયો એટલે મનોમન તે ભૂતકાળમાં સરી ચુકી હતી… વર્તમાનમાં પાછી ફરી ત્યારે તેના ગાલ શરમથી લાલ થઇ ગયેલા. શિવાંજ તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે શિવાલી તેને દરવાજા સુધી વળાવવા ગઈ અને કોઈ ના જુએ તેમ ચુંબન પણ કરી લીધું. પહેલા સ્પર્શની યાદને મમળાવવા શિવાલીએ કરેલું એ ચુંબન શિવાંજને પણ બહુ ગમ્યું. શિવાલીને થયું એ સ્પર્શ બાદ તો તે હનીમૂનમાં પણ જઈ આવી ને ઘણા અવસર મળ્યા પરંતુ તેના જેવો સ્પર્શ આજ સુધી ક્યારેય નથી મળ્યો. આ રીતે એકબીજામાં ઓગળી જવાનો એ અનુભવ જ કંઈક અનોખો હતો..

આમ હસી-મજાકમાં ને સુખ-દુઃખમાં બીજા દસ વર્ષ પસાર થઇ ગયા.. હવે તો શિવાંજ-શિવાલી આઠ વર્ષના અનમ અને ચાર વર્ષની અનામીશાના માતા-પિતા પણ બની ચુક્યા હતા.. અહાના ને આહવાન પણ સોળ અને અઢાર વર્ષના થઇ ગયેલા. બે વર્ષ પહેલા સોમેશભાઈનું ઊંઘમાં જ મૃત્યુ થયું હતું. તેર વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર તે વખતે શિવાલી અનહદ રડી હતી… એ પછી ક્યારેય કોઈ જ દુઃખ નથી આવ્યું. એકબીજા સાથે હળીમળીને રહેતા એ પરિવારનું ઉદાહરણ આખી નાતમાં સૌ હંમેશ એકબીજાને આપતા.

એક દિવસ રતિલાલભાઈ અને ત્રણેય દીકરાઓ દુકાનેથી ઘરે આવ્યા. રાતના દસ વાગ્યા હશે.. બધાના મોઢા સાવ નંખાઈ ગયેલા.. ઘરની ચારેય સ્ત્રીઓને નવાઈ લાગી કે હંમેશ ખુશ રહેતા આ ચારેયને અચાનક શું થયું હશે…! પણ આવા મૂડમાં રહેલા તેમને વતાવા કેમ..? આખરે રંજનાબહેન ડાઇનિંગ ટેબલ પર ગયા.. જમવા બેઠેલા રતીભાઈને સંબોધીને બોલ્યા, “સાહેબ, શું થયું છે?? કઈ તકલીફ છે? કેમ સાવ આવું વિલાયેલું મોઢું છે તમારા બધાનું? જરા અમને વાત કરો તો કઈ ખબર અમને પણ પડે હે સાહેબ…! અમે સુખ-દુઃખમાં સાથે જ છીએ.. તમારી ત્રણેય વહુઓ પણ બહુ સમજુ છે હો.. ચિંતા ના કરો.. બસ અમને કહો..”

પત્નીની વાત સાંભળી રતિભાઈ અચાનક હસી પડ્યા. પપ્પાને હસતા જોઈ શિવષ્ય, શિવત્વં અને શિવાંજ પણ હસી પડ્યા. ત્રણેય વહુઓ પણ રસોડામાથી બહાર આવી.. તેમને અને રંજનાબહેનને નવાઈ લાગી કે અચાનક ચારેયને શું થયું? બધાના મોઢાના હાવભાવ જોઈ રતીભાઈને લાગ્યું કે હવે કહી જ દેવું પડશે. ચારેય સ્ત્રીઓને સંબોધીને તે બોલ્યા, “અરે બાપા કઈ નથી થયું. અમે તો તમને હેરાન કરવા માગતા હતા.. મારાથી હસી પડાયું એટલે નાટક લાંબુ ના ચાલ્યું બાકી તો હજુ પણ આ ઘણું લાંબુ ચાલવાનું હતું. કેમ છોકરાઓ?” સસરાજીની વાત સાંભળી શિવીકા બોલી, “શેનું નાટક પાપાજી?”

“કહું છું બેટા. આજે આપણી દુકાનમાં એક બહુ મોટો સોદો પાર પડ્યો છે.. વાત તો છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી.. પરંતુ આજે ફાઇનલ પેમેન્ટ મળી ગયું છે.. પેમેન્ટ લઈને સીધા અમે એસ.જી.હાઇવે ગયેલા.. શપથ સિક્સની આગળ ઇન્દ્રપ્રસ્થ ઈલેવન હમણાં જ નવા બિલ્ડીંગ્સ બન્યા છે… તેમાં પાંચ અને છ બેડરૂમના ફ્લેટ્સ છે… લગભગ પાંચ હજાર સ્કેવર ફિટ જેટલી જગ્યા છે.. મોટાના લગ્ન થાયે વીસ વર્ષ થયા અને ત્યારથી ઘરમાં વહુ છે.. કોઈ જ દિવસ તેમણે પોતાના ઓરડા ના હોવાની ફરિયાદ નથી કરી.. આજે બસ એનું જ ઋણ ઉતારવાનો સમય હતો.. પાર્ટીએ એડવાન્સમાં એક કરોડ જેટલું પેમેન્ટ આપ્યું છે.. છ કરોડના આ ફ્લેટ માટે એક કરોડ જેટલું ડાઉન પેમેન્ટ બરોબર હતું. પેમેન્ટ મળ્યા બાદ સીધા જ અમે ત્યાં ગયા અને ડાઉન પેમેંટ ભરીને આવીએ છીએ.. કેટલા સમયથી ઈંદ્રપ્રસ્થ જોઈ રાખેલું પણ લેવા માટેની કઈ વ્યવસ્થા નહોતી. આજે એકસાથે આ બહુ મોટો વિદેશનો ઓર્ડર મળ્યો એટલે શુભ કાર્ય કરી જ લીધું.. બસ હવે આ જગ્યા છોડીને જવું પડશે એનું દુઃખ છે.. આ જમીનના પણ લગભગ એશી લાખ જેવા મળી જશે.. તમને આ વાત કહેવી નહોતી સીધા ત્યાં જ લઇ જવાના હતા.. પરંતુ મારાથી જ ના રહેવાયું.”

સસરાજીની વાત સાંભળી ચારેય સ્ત્રીઓ નક્કી ના કરી શકી કે શું બોલવું. ઘડીક તો આશ્ચર્યમાં જ રહીને બધાના મોઢા જોયે રાખ્યા પછી કંઈક ભાન આવતા સહેજ સ્વસ્થ થયા અને રંજનાબહેન જ બોલ્યા, “પણ સાહેબ આ બધું આ રીતે..” તેમની વાતને અધવચ્ચેથી કાપીને રતિલાલભાઈ બોલ્યા, “પણબણ કઈ નહિ.. તૈયારી કરો.. ફર્નિચર બધું જ છે આપણે ફક્ત કપડાં લઈને જવાનું છે.. વાસણ પણ નહિ.. આવતી અગિયારસે ચાર દિવસ પછી આપણે ત્યાં શિફ્ટ થઈએ છીએ..” ને બધા જ ખુશખુશાલ થઇ ગયા.. લગ્નના આટલા વર્ષો પછી વહુઓને પોતાનો, એક અલાયદો ઓરડો મળવાનો હતો.. અને એ પણ જેવોતેવો તો નહિ જ હવે.. હવે જે મળી રહ્યું હતું તે સર્વોત્તમ હતું. શિવાલી કબાટમાં રાખેલા પોતાના અને શિવાંજના કપડાં કાઢીને પેક કરવા લાગી. અહીં આ જ કબાટમાં બધાના કપડાં રહેતા. તે બેગ ભરી રહી હતી ત્યાં જ શિવાંજ આવ્યો.

“શિવી, હું બહુ ખુશ છું આજે.. હવે મને સાચો સંતોષ મળ્યો. આજે લગ્નના આટલા વર્ષો પછી હું તને તારો અલાયદો ઓરડો આપવામાં સફળ થયો.. તે આટલા વર્ષો સુધી સંયમથી મારા દરૅક કાર્યમાં સાથ આપ્યો. મને ડગલે ને પગલે તારો સહકાર સાંપડ્યો. આપણા સફળ અને સુખી લગ્નજીવનની નિશાની એટલે આપણા બે બાળકો તેવું જ સમગ્ર સમાજને લાગે છે.. પરંતુ મારા મતે આપણા સુખી લગ્નજીવનનું એનાથી પણ વધારે આ સફળ લગ્નજીવનનું કારણ તું અને ફક્ત તું છે.. તારો સાથ, તારી સહનશક્તિ, તારી સાધના, તારા સંસ્કાર આ બધાનો સરવાળો કરીએ ને તોય મારું પલડું નીચું જ રહે..!! થેક્યું સો મચ મને આટલો બધો અનહદ પ્રેમ કરવા માટે. તું છે તો હું છું અને હું છું કારણકે તું છે..!!!”

પોતાના પતિની વાત સાંભળી શિવાલીને તેને ચુમવાનું મન થઇ ગયું. પરંતુ ત્યાં જ મોટા ભાભી આવી ગયા.. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. ઈંદ્રપ્રસ્થમાં આવીને સત્યનારાયણની કથા કરીને સઘળા મહેમાનોને વળાવીને ઘરના સભ્યો રાતના અગિયાર વાગ્યે નવરા પડ્યા. અહીં તો ત્રણેય દીકરાઓનો એક અલગ અલગ એમ અને એક રતિલાલભાઈનો અને બાકીના છોકરાઓના અહાના, આહવાન,અનમ અને અનામિષાના ઓરડા હતા…

શિવાલી તો પોતાના ઓરડાને જોઈને આભી જ બની ગયેલી. સપનેય ના વિચાર્યું હોય તેવો અનુપમ ઓરડો જોઈને તે જાણે સ્વર્ગમાં હોય તેવું અનુભવી રહી હતી.. તે દિવસે બંને પતિ-પત્ની પહેલી વખત પોતાના અલાયદા ઓરડામાં સાથે રાત વિતાવવાના હતા, સહવાસ માણવાના હતા.. શિવાલી નાઇટી પહેરીને આવી ત્યારે શિવાંજ પલંગ પર સૂતેલો હતો.. તેની પાસે જઈને શિવાલી સૂતી. બંને એકબીજામાં આલિંગનમાં પરોવાઈ ગયા.. તે રાત ઘણા વર્ષે આવેલી, એક યાદગાર રાત હતી.. સવારે ઉઠતાવેંત શિવાલીએ જોયું તો શિવાંજ તૈયાર થઈને ઓફિસે જવાની તૈયારી કરી રહેલો. પત્નીને જાગેલી જોઈ તે બોલ્યો. “ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ. કાલનો સ્પર્શ અદભુત હતો.. સુવાસ પણ અનોખી હતી.. પણ સાચું કહું એ પહેલા સ્પર્શ જેવી સુગંધ નહોતી. બધાથી છુપાઈને રસોડામાં મળવું, અને ત્યાં સંબંધની શરૂઆત કરવી એ સુગંધ જેના શ્વાસમાં વણાઈ ગઈ એના માટે આ સુવાસ ફિક્કી લાગે નહિ?”

શિવાલીને લાગ્યું પતિ જાણે પોતાની જ વાત બોલી રહ્યો હતો.. તેણે પણ તેની વાતમાં સુર પુરાવતા કહ્યું, “હા.. એ સુગંધ હતી. પહેલા સ્પર્શની અનોખી સુગંધ….! જે હંમેશા આ હૃદયમાં જળવાઈ રહેશે…! આઈ લવ યુ શિવાંજ…” ને એ સ્પર્શને યાદ કરી ફરી બેય એકબીજામાં એકાકાર થઇ ગયા….

લેખક : આયુષી સેલાણી