સુદીપ દત્તા – ૪૦૦ રૂપિયા મહીનાનો પગાર હતો, આજે ૧૬૦૦ કરોડનો છે માલિક…

વ્યક્તિ સામે જો પોતાનું લક્ષ હોય અને જો તેને પોતાના પર વિશ્વાસ હોય, અને તે જીવનમાં ક્યારેય હાર નહીં માને એવું નક્કી કરી લે ત્યારે તેને સફળતાના શીખરો સર કરતા કોઈ નથી રોકી શકતું. “ટુ હેલ વીથ સર્કમ્સ્ટન્સી. આઈ ક્રીએટ ઓપોર્ચ્યુનીટીઝ.” બ્રુસ લીનો આ એક નક્કર ક્વોટ છે તે આ ક્વોટમાં કહે છે કે સંજોગો જાય તેલ લેવા હું જ મારી તકો ઉભી કરું છું. અને મારી સમસ્યાઓનું નિરાકરણ પણ મારે જ લાવવાનું છે.

જીવન જેવું છે તેવું જ રહશે તેમાં કોઈ જ ફરક પડવાનો નથી. અને એવું ન સમજતા કે તે માત્ર તમારા માટે જ અઘરુ છે પણ તે બધા માટે મુશ્કેલ છે બસ તકલીફોના મહોરા અલગ અલગ હોય છે બાકી તકલીફો તો રહેવાની જ. સવાલ એ છે કે તમે પરિસ્થિતિ સાથે સમાધાન કરો છો કે પછી પરિસ્થિતિને પડકારો છો.

આપણી આજની પોસ્ટ પણ એવા જ એક યુવકની છે. તેમનો જન્મ પશ્ચિમ બંગાળના દુર્ગાપુર શહેરમાં થયો હતો. માતાપિતા અને પાંચ ભાઈ બહેન જેટલું વિશાળ કુટુંબ હતું પણ આર્થિક રીતે અત્યંત તંગ હતું. પિતા આર્મિમાં હતા 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં તેમને ગોળીઓ વાગવાથી તેઓ અપંગ થઈ ગયા હતા. આ સંજોગોમાં ઘરની બધી જ જવાબદારી મોટા ભાઈ પર આવી પડી. મોટાભાઈને પણ જીવલેણ બિમારી લાગુ પડી ગઈ અને પૈસાની તંગીના કારણે તેમની સારવાર ન થઈ શકી અને તેઓ મૃત્યુ પામ્યા. પોતાના મોટા દીકરાના મૃત્યુનું દુઃખ નહીં સહન થતાં તેમના પિતા પણ મૃત્યુ પામ્યા. હવે કુટુંબની બધી જ જવાબદારી આપણા યુવાન પર આવી ગઈ. માતા તેને હુંફ સિવાય બીજી કોઈ જ મદદ કરી શકે તેમ નહોતી.

આ સમયે સુદીપની ઉંમર 15-16 વર્ષની હતી. ઘરમાં શોકનો માહોલ હતો મહિનાઓથી ઘરના લોકો નિરાશામાં ગરકાવ થઈ ગયા હતા. પેટ પાળવા માટે ઘરમાં પૈસા નહોતા તેવા સંજોગોમાં તેના મિત્રોએ તેને મુંબઈ જઈ મજૂરી કરવાની સલાહ આપી.તેઓ તેના માટે નોકરી પણ શોધી લાવ્યા હતા. નોકરીમાં તેણે મજૂરી કરવાની હતી. રોજની 15 રૂપિયા મજૂરી અને રહેવા માટે એક જગ્યા. 20 મજૂરોને સૂવા માટે એક નાનકડી ઓરડી આપવામાં આવી હતી.

સુદીપે રોજ મીરારોડમાં આવેલી તેમની ઓરડીથી 40 કીલોમીટર ચાલીને જોગેશ્વરી સ્થિત ફેક્ટરી પર જવાનું. આટલી ટૂંકી આવકમાં તે પૈસો પૈસો બચાવીને પોતાના કુટુંબ માટે ઘરે પૈસા મોકલતો. આમને આમ તેમણે બે વર્ષ મજૂરી કરી. હજુ પણ સમય તેમનો સાથ નહોતો આપતો ફેક્ટરીના માલિકને સતત નુકસાન થતું હોવાથી તેમણે ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. હવે સુદિપે બીજું કામ શોધવાની જરૂર પડી. ઘરે કોઈ પણ સંજોગોમાં પૈસા તો મોકલાવા પડે તેમ જ હતા તો જ ઘરના લોકો બે ટંકનું ખાવાનું પામી શકે તેમ હતા. પણ આ વખતે સુદીપ નોકરી કરવા નહોતા માગતા પણ પોતાના જીવનનું એક મોટું સાહસ ખેડવા માગતા હતા. તેમણે આ ખોટ ખાતી ફેક્ટરીને જાતે જ ચલાવવાનો નિર્ણય લીધો. તેમણે અત્યાર સુધીમાં જે કોઈ નાની-મોટી બચત કરી હતી તે અને સાથી મિત્રો પાસેથી ઉધાર લઈને 16000 રૂપિયા ભેગા કર્યા.

હવે સુદીપ પર મોટી જવાબદારી આવી પડી હતી. તેની જવાબદારી સામે તેની ઉંમર સાવ જ વાંમણી હતી. તેમણે જ્યારે ખોટ ખાતી ફેક્ટરી ચલાવવાનું નક્કી કર્યું ત્યારે તેઓ માત્ર 19 જ વર્ષના હતા. હવે તેણે માત્ર પોતાનું જ ઘર નહોતું ચલાવવાનું પણ બીજા મજૂરોના ઘર પણ ચલાવવાના હતા. સુદીપ કંઈ સોળ હજાર જેટલી નાનકડી રકમમાં ફેક્ટરી ખરીદી શકે તેમ નહોતા પણ તેમણે ફેક્ટરીના માલિક સાથે બે વર્ષ સુધી નફ્ફામાંથી ભાગ આપવાનું નક્કી કર્યું અને આમ તેમણે આ ખોટ ખાતી ફેક્ટરી ચલાવવાનું સાહસ ખેડ્યું. આ સાહસ સાથે તેમને મોટું પદ પણ મળી ગયું હતું ફેક્ટરીના માલિકનું. અત્યારસુધી તે અહીં મજૂરી કરતા હતા હવે તે અહીંના માલિક બની ગયા હતા. પણ આ પદ પર બેસીને તેમણે કેટલાએ મણની જવાબદારીનો ભાર સહન કરવાનો હતો. જે કંઈ સહેલું નહોતું.

તે જે ફેક્ટરીમાં મજૂરી કરતા હતા તે એલ્યુમિનિટમના પેકેટો બનાવવાનું કામ કરતી હતી. આ ફેક્ટરીની હરિફાઈમાં જીંદાલ એલ્યુમિનિયમ જેવી મોટી-મોટી કંપનીઓ હતી અને તેવી મજબૂત કંપનીઓ જ આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકી હતી. નાની મોટી ફેક્ટરીઓ તો કેટલીએ આવીને જતી રહી હતી.
સુદીપે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાના ઉત્પાદનની ગુણવત્તા અને નાવિન્યતા પર કેન્દ્રીત કર્યું. તે બજારમાં પોતાના ઉત્પાદનોને અન્ય ઉત્પાદનો કરતાં સારી ગુણવત્તાના સતત પ્રયાસમાં રહેતા. તેમણે નાની નાની કંપનીઓના ઓર્ડર લઈ પોતાના ઉદ્યોગને ચાલુ રાખ્યો. પણ તેઓ હવે મોટી કંપનીઓ સાથે પણ કામ કરવા માગતા હતા અને પોતાના ઉદ્યોગને વધારવા માગતા હતા. તેઓ મોટી કંપનીના અધિકારીઓને મળવા માટે કલાકો કલાકો રાહ જોતા બેસી રહેતા. તેમની આ ધીરજ રંગ લાવી. ધીમે ધીમે તેમને સિપલા, નેસલે અને સન ફાર્મા જેવી મોટી કંપની પાસેથી નાના ઓર્ડર્સ મળવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જિંદાલ જેવી મોટી કંપની સામે ટકવું શક્ય નહોતું. પણ તેમનો ધંધો ધીમી ગતીએ પણ સ્થિર રીતે ચાલતો રહ્યો.

આગળ જણાવ્યું તે પ્રમાણે આ ક્ષેત્રમાં ખુબ જ કંપીટીશન હતી. સુદિપનો ધંધાએ હજુ તો ગતિ જ પકડી હતી કે તેવામાં વેદાંત ગૃપ કંપનીએ ઇન્ડિયા ફોઈલ નામની બંધ કંપની ખરીદી લીધી અને એલ્યુમિનિયમ પેકેજીંગમાં પ્રવેશ કર્યો. વેદાંત ગૃપના અનિલ અગ્રવાલનો ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ડંકો હતો. આ કપરા સંજોગોમાં પણ સુદીપે પોતાની ધીરજ ન ખોઈ પણ પોતાના ગ્રાહકો સાથેના સંબંધો વધારે મજબૂત કર્યા. વેદાંત ગૃપનો ભલે વિશ્વમાં ડંકો હોય પણ તે ભારતના સ્થાનિક માર્કેટમાં ન ટકી શકી અને છેવટે તેમણે હાર માનવી પડી અને ઇન્ડિયા ફોઈલ કંપનીને સુદીપને વેચવી પડી. હવે પેકેજિંગ ઇડસ્ટ્રીમાં વેદાંત ગૃપનું કોઈ જ અસ્તિત્ત્વ નહોતું રહ્યું. હવે સુદીપને માર્કેટમાં પોતાના ધંધાને વિકસાવવા માટે મોકળુ મેદાન મળી ગયુ હતું.

તેમના ફાર્મા કંપની સાથેના સંબંધો પહેલા કરતાં વધારે મજબૂત બન્યા હતા અને હવે સુદિપને મોટા મોટા ઓર્ડર્સ મળવા લાગ્યા હતા. હવે તે ધીમે ધીમે મૃત પ્રાય કંપનીઓને ખરીદતા જતા અને પોતાનું ઉત્પાદન વધારતા જતા. 1998થી લઈને વર્ષ 2000 સુધી તેમણે પોતાના 20 પ્રોડક્શન યુનિટ ખોલી દીધા હતા.

આજે સુદીપની એસ ડી એલ્યુમિનિયમ કંપનીની માર્કેટ કેપીટલ 1600 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેમની કંપની બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જમાં નોંધાયેલી છે. તેમને એલ્યુમિનિયમ પેકેજીંગના નારાયણમૂર્તિ તરીકે પણ ઓળખવામા આવે છે.

હાલ તેઓ ભારતમા નહીં પણ સિંગાપુરમાં સેટલ છે. તેઓ ત્યાં પોતાની પત્નિ અને બે બાળકો સાથે રહે છે. તેમનું એક આલિશાન મકાન છે. તેમનું મકાન આજે તે ઓરડી કરતાં ક્યાંય વધારે વિશાળ છે જેમાં તેઓ 20 મજૂરો સાથે સૂતા હતા. તેઓ કરોડોની ગાડીઓમાં ફરે છે. તેમના પત્નિ તેમજ બાળકોને એક સંપૂર્ણ આધુનિક જીવન આપી રહ્યા છે. પણ તેમણે આ બધું ખુબ જ સંઘર્ષ કરીને મેળવ્યું છે.


સુદીપ દત્તા સફળ બિઝનેસ મેન હોવા ઉપરાંત સુદીપ દત્તા ફાઉન્ડેશન પણ ચલાવે છે જેમાં તેઓ ગ્રામ્ય યુવકોને કારકીર્દી ઘડવા માટે અવસર પુરા પાડે છે. યોગ્ય માર્ગદર્શન આપે છે. જે યુવાનો જીવનમાં કંઈક મેળવવા માગે છે તેમના માટે એસ ડી ફાઉન્ડેશન હંમેશા તત્ત્પર રહે છે.

આમ તમારો જન્મ ક્યાં થયો છે કેવી પરિસ્થિતિમાં થયો છે તે જરા પણ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે તમે તમારી જાતને કેવી રીતે ઉંચી લાવો છો. એટલે જ બિલ ગેટ્સે પોતાના એક ક્વોટમાં કહ્યું છે, “તમે ગરીબ જન્મો તે તમારી ભૂલ નથી પણ તમે ગરીબ મરો તે તમારી ભૂલ છે.”