સ્ટીવ જોબ્સની અદભૂત સકસેસ સ્ટોરી – તુષાર રાજા દ્વારા લિખિત !! Very Inspiring Article !

એક સમયે કોકા કોલાના ખાલી ટીન અને બોટલ વેંચીને અને સાત સાત માઈલ ચાલીને ઇસ્કોન મંદિરમાં જઈને દર અઠવાડિયે એક વાર મળતું પ્રસાદ ભોજન ખાઈને પેટ ભરવું પડે તેવી પરિસ્થિતિમાંથી અમેરિકાના ટોચના ધનવાનોના લીસ્ટમાં સ્થાન પ્રાપ્ત કરનાર સ્ટીવ જોબ્સની સંઘર્ષગાથા જાણવા જેવી છે. સાવ સાધારણ પરિસ્થિતિમાંથી પસાર થઈને દુનિયાની ટોચની કંપનીઓમાંની એક એવી ‘એપલ’ની સ્થાપના કરવાં,તેમ જ PIXAR અને NeXT જેવી જગપ્રસિધ્ધ કંપનીઓના સહસ્થાપક,ચેરમેન, CEO અને વોલ્ટ ડીઝની ઇન્કોર્પોરેશન જેવી કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં સ્થાન પ્રાપ્ત કરવાં સુધીની ‘સ્ટીવ જોબ્સ’ની સફર એકદમ રોમાંચક છે.
સ્ટીવ જોબ્સનો જન્મ થયો ત્યારે તેના માતા પિતાના લગ્ન નહિ થયા હોવાથી તેમણે સ્ટીવને અન્ય એક દંપતિને દતક તરીકે સોંપી દીધો હતો. પાલક માતા પિતાએ સ્ટીવનો ઉછેર કર્યો. કોલેજમાં ભણતી વખતે ફીના પૈસા ભરી શકે તેવી સ્ટીવની સ્થિતિ નહિ હોવાથી કોલેજ છોડી ને એક ક્રિએટીવ ક્લાસમાં એડમીશન લીધું જેમાં કેલીગ્રાફી જેવા વિષયો શીખવવામાં આવતા હતાં.

આ દરમ્યાન, કોલેજ છોડી દીધી હોવાથી હવે રૂમ પણ નહિ હોવાથી મિત્રોના રૂમમાં જઈને નીચે સુઈને દિવસો પસાર કર્યા. 1973 ની સાલમાં સ્ટીવ જોબ્સ ‘અટારી’ કંપનીમાં ટેકનીશીયન તરીકે કામ કરતાં હતાં. ત્યાર બાદ, 1974 માં મિત્રો સાથે ભારત માનસિક શાંતિ ની શોધમાં આવીને સાત મહિનાઓ સુધી જુદા જુદા આશ્રમોમાં ફરતા રહ્યા. ત્યાર પછી અમેરિકા પરત ફર્યા ત્યારે સાવ પરિવર્તન આવી ગયું હતું. માથું મૂંડાવી નાખ્યું હતું. બૌધ ધર્મ અંગીકાર કરી લીધો હતો, અને ત્યાર પછી જાણે ઈતિહાસ રચવાની શરૂઆત કરી.

1976 માં સ્ટીવ જોબ્સ અને વોજનિયાકીએ સાથે મળીને પોતાના વ્યવસાયની શરૂઆત કરી.અને નામ રાખ્યું-‘એપલ કમ્પ્યુટર કંપની’. શરૂઆતમાં આ કંપનીમાં તેઓ સર્કિટ બોર્ડ બનાવીને વેંચતા હતાં. આ દરમ્યાન તેઓએ સૌ પ્રથમ મેકિન્ટોશ એપલ કોમ્પ્યુટર-1 ની શોધ કરી, અને તેના વ્યવસ્થિત વેંચાણ અને માર્કેટિંગ માટે નિષ્ણાત માણસોની નિમણુક અને તેના ઉત્પાદન માટે ફંડ ની વ્યવસ્થા માટે પ્રયત્નો શરુ કરી દીધા. આ સમયે સ્ટીવ જોબ્સ ની ઉંમર હતી 20 વરસ.  ગજબ નો પુરુષાર્થ અને સતત કાઈક અનોખું કરવાં માટે તનતોડ મહેનતના કારણે ફક્ત બે માણસોથી અને ગેરેજમાં શરુ થયેલી આ કંપની ફક્ત દસ વર્ષમાં 200 કરોડ ડોલર અને 4000 માણસોના સ્ટાફ ધરાવતી કંપની બની ગઈ.આ દરમ્યાન સ્ટીવ જોબ્સે જ જેને ‘એપલ’ કંપનીમાં સામેલ કર્યો હતો તે જ અધિકારી સાથે તેને અમુક મતભેદો થયા હતાં.આ વાત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચતા બોર્ડે આ અધિકારીનો પક્ષ લઈને સ્ટીવને કંપનીના તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો નિર્ણય લઇ લીધો.

વિચાર કરો, જેણે પોતાની મહેનતથી આ સમગ્ર સામ્રાજ્ય ઉભું કર્યું હતું, તેને જ એક ઝાટકે રુખસદ આપી દેવામાં આવે, સ્ટીવ જોબ્સની હાલત ત્યારે કેવી થઇ ગઈ હશે? એક એક ઈંટ ભેગી કરીને બનાવેલો મહેલ એકાએક પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઇ જાય તેવી ભયંકર પરિસ્થતિ માં સ્ટીવ જોબ્સ થોડાં મહિનાઓ સુધી આઘાતના કારણે સાવ સુનમુન થઇ ગયો. ત્યાર બાદ ફરીથી મન મજબૂત કરી ફરીથી ટોચ પર પહોંચવું જ છે તેવો સંકલ્પ કરીને પ્રયત્નો શરુ કરી દીધા. . ત્યાર પછીના પાંચ વર્ષો દરમ્યાન સ્ટીવે NeXT અને PIXAR નામની બે કંપનીઓ શરુ કરી.અત્યારે દુનિયાના સૌથી સફળ એનીમેશન સ્ટુડિયોમાં જેની ગણના થાય છે તે PIXAR કંપનીએ દુનિયાની સૌ પ્રથમ કોમ્પ્યુટર એનીમેટેડ મૂવી “ટોય સ્ટોરી” બનાવી હતી.1996 ની સાલમાં ‘એપલ’ કંપનીએ NeXT કંપની 43 કરોડ ડોલરમાં ખરીદી લીધી. સાથે સ્ટીવ જોબ્સને ‘એપલ’ ના 15 લાખ શેર્સ પણ મળ્યા.અને કન્સલ્ટન્ટ તરીકે કંપનીમાં પુનરાગમન પણ કરવાં મળ્યું. અને બાદમાં ફરીથી CEO પણ બન્યા. . દુનિયાના એક સૌથી સફળ ઉદ્યોગ સાહસિક, બિઝનેસમેન,અને સંશોધનકાર હોવા ઉપરાંત સ્ટીવ જોબ્સ એક અતિ ઉત્તમ ‘મોટીવેટર’ અને વક્તા પણ હતાં. 2005 ની સાલમાં ‘સ્ટેનફોર્ડ યુનિવર્સીટી’ ના દિક્ષાન્ત સમારોહમાં તેમણે આપેલી અદભૂત સ્પીચ “સ્ટે હન્ગ્રી સ્ટે ફૂલીશ’ દુનિયાભરમાં મશહૂર છે.આ સ્પીચમાં તેણે પોતાની જિંદગી અને તમામ અનુભવોનો નીચોડ રજૂ કર્યો હતો, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા ઇચ્છતાં તમામ યુવાનોએ ખાસ આ સ્પીચ વાંચવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે.

આ સ્પીચમાં તેમણે કહ્યું હતું,” હું વિશ્વાસપૂર્વક એમ કહી શકું છું કે હું એટલા માટે સફળ થયો કે હું મારાં કામને પ્રેમ કરતો હતો. તમે એ જ કામ કે વ્યવસાય પસંદ કરો કે જેમાં તમને ખરેખર મજા આવતી હોય.તમારું કામ તમારા જીવનનો એક ખુબ મહત્વનો હિસ્સો છે અને જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે એવો જ વ્યવસાય પસંદ કરો કે જે તમને મહાન લાગતો હોય અને મહાન કામ કરવાં માટેનો એક જ ઉપાય છે -તમારા કામને પ્રેમ કરો, હંમેશા તમારા આત્માના અવાજને અનુસરો. જો મેં કોલેજ છોડી ના હોત તો MAC માં ક્યારેય મલ્ટીપલ ટાઈપફેસીસ’ કે ‘પ્રપોશનલી સ્પેસડ ફોન્ટ્સ’ ન હોત! WINDOWS એ પણ MAC ની કોપી કરી હતી. એટલે તમે સમજો કે હું જો કેલીગ્રાફી ના શીખ્યો હોત તો તમે અત્યારે પર્સનલ કોમ્પ્યુટર્સમાં જે ફોન્ટ્સ જુઓ છો તે જ ના જોવા મળત.” હું જયારે ભણતો હતો ત્યારે આ બધી નાની નાની બાબતોની ભવિષ્યમાં થનાર અસર નો અંદાજ નહોતો લગાવી શકતો પણ આજે દસ વર્ષ પછી જયારે ભૂતકાળમાં નજર નાખું છું તો બધું સાફ નજર આવે છે. તમારે એ વાતનો વિશ્વાસ રાખવો જોઈએ કે અત્યારે તમારી જિંદગીમાં બની રહેલી નાની નાની ઘટનાઓ કોઈ ને કોઈ રીતે તમારા ભવિષ્ય સાથે સંકળાયેલ હોય છે. તમારે તમારી ગટ્સ,તમારા નસીબમાં, તમારી જિંદગીમાં કે તમારા કર્મમાં-કોઈ ને કોઈ ચીજ પર તો વિશ્વાસ કરવો જ પડશે, કારણકે આ જ વસ્તુ તમને તમારા દિલનો અવાજ સાંભળવાની હિમ્મત આપશે, અને તમે બિલકુલ અલગ રસ્તા પર આગળ વધતા હશો. ’એન્ડ ધેટ વિલ મેક ધ ડીફરન્સ’

લેખક : તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી