વસીમ લાંડાની કલમે લખાયેલ લઘુકથાઓ આજે જ વાંચો અને શેર કરો,

લઘુકથા  : 
૧. ફરજ :
હર્ષ મતદાન કરી પરત ફરી રહ્યો હતો. રસ્તા પર ટ્રાફિક વધુ હોવાથી રોગ સાઇડથી બાઇક લઇને ચાલુ ગાડીએ માવાની પિચકારી મારીને ઘરે પરત ફર્યો. પોતાની આંગળી સાથેની સાથેનો ફોટો મુકીને નીચે લખાણ મુક્યું.
“મૈ રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજ બજાવી અને તમે !”
 ૨. મતદાન :
 “જો સમજાવ્યું છે એમ જ કરજે તો તારી દારુની પોટલી પાક્કી, અંદર જઇને પેલી નિશાની પાસેના બટન પર જ આંગળી દબાવવાની… … .” પાર્ટી કાર્યકરે દિનેશને સમજાવતા મતદાન માટે રવાના કર્યો.
 દિનેશ મતદાન બુથ પર પ્રવેશ કરીને બુટીગ મશીન પાસે જઇને સમજાવેલ બટન દબાવવા જઇ રહ્યો હતો ત્યાં જ મનમાં વિચાર આવ્યો કે “ઘરનાને તો કામ ન આવ્યો દેશને તો કામ આવું.” આટલું વિચારીને પોતાની યોગ્ય બટન દબાવી બહાર આવી ગયો.
 ૩. વાવાઝોડું
“અરે મનિયાના બાપા, મનિયો રમવા ગયો છે, એને શોધી લાવી ચાલો ઝુંપડા માં, ઓલી કમલી કૈતી કે વાવાઝોડાં ની આગાઇ શે.”
ધનેશ મનીષને શોધીને ઝુંપડા તરફ જતો હતો ત્યાં જ જોરદાર પવન સાથે ઝુપડુ દુર ફંગોળાઈ ગયું. ત્રણેય એકબીજા સામે જોઇ રહ્યા.
 – વહાલા
 ૪. શહીદ
આજે સાંજ પડવા આવી, નિકિતા ઐયર સવારથી દરવાજા પર મીટ માંડીને ગૃહકાર્ય કરતી જતી હતી. થોડીવાર પછી દમંયતીએ કહ્યું, “વહુ બેટા, હવે કોઇ નહી આવે, દેશનો જવાન શહીદ થાય એટલે બે થી પાંચ વર્ષ સહુ મીડીયામાં ચમકવા માટે મગરના આંસુ પાડવા આવે પછી સહુ વિસરી જાય.” નિકીતા નિરાશ વદને નિઃશબ્દ કામે વળગી પડી.
આજે નૈતિક ને શહીદ થયાને ૪૫ વર્ષ થવા આવ્યા હતા.
 ૫. વિકલાંગતા કે વિવશતા
કશ્યપ છ મહિનાથી નોકરી વગર ઘરે બેઠો હતો, કોઇ કામસર બહાર જવાનું થયું પાછા ફરતી વખતે રસ્તા પર એક ચશ્મા પહેરલ વ્યક્તિએ રોકતા કહ્યું,”ભાઇ અગરબત્તી લઇ લો, સારી ક્વોલિટી ની અગરબત્તી છે.” કશ્યપ આગળ વધતો હતો ત્યાં જ પાસે ઉભેલ વ્યક્તિએ ધીમેથી કહ્યું,”લઇ લો ભાઇ, આ વ્યક્તિ દિવ્યાંગ છે, ભીખ માંગવા કરતાં મહેનત તો કરે છે, લઇ લો.”
કશ્યપને પોતાની જાત પ્રત્યે શરમનો અનુભવ થઇ રહ્યો હતો.
 ૬. ઇદ
ઇદના જુલુસમાં દિલશાદ ભાગ લઇને થેલીમાં ભરી રહી હતી. એક થેલી ભરાય જતા તેણે પોતાના આઠ વર્ષ ના દિકરા સલીમને એક ખુણા પાસે ઊભો રાખી સાચવવા કહ્યું. ફરી બીજી થેલી ભરવા માટે ચાલી ગઇ.
સલીમે એ થેલી પાસે ઉભેલ એક ગરીબ દેખાતા બાળકને આપી દિધી. દિલશાદે આવતા થેલી ન દેખાતા રસ્તા પર જ તાડુકી, “થેલી ક્યાં ?, એક કલાક થી લુંટી રહી હતી આ ભાગ.” સલીમે ભોળપણ થી જવાબ આપ્યો,”અમ્મીજાન, આજે ઇદ છે, નાનીજાને કહ્યું કે ઇદ એટલે ખુશી વહેંચવી એટલે મેં  થેલી ખુશ કરવા આપી દિધી.”
  ૭. ગુલામી
“તમારે તમારા અધિકારીઓ કહે એમ જ કરવું, ક્યારેક પોતાનું ધારેલું પણ કરવાનું હોય તો જ ઉપર આવશો નહીં તો ગુલામી જ કરતા રહેશો” અવંતિકા એ અશોકને સમજાવી રહી હતી ત્યાં જ મોબાઈલ ની રીંગ વાગી. “હા, સર થઇ જશે, ડોન્ટ વરી, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન પણ આપ કહો છો એમ જ થશે.”
અશોક મનમાં હસી રહ્યો હતો.
  ૮. મઝા કે સજા
વિરાટના હાથમાં મેડીકલ રીપોર્ટ હતો. “અરે યાર, ચાલને કંઇ ન થાય, મઝા આવશે.” વર્ષો પહેલાં મિત્રો જોડે મુબંઈ ફરવા ગયો હતો ત્યારે મિત્રો પરાણે રેડ લાઇટ એરિયા માં લઇ ગયેલા.
 રીપોર્ટ માં લખ્યું હતું,”H.I.V. Positive.”
 
 ૯. મેદસ્વિતા
વર્ગમાં ખાલી તાસના સમયમાં દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે રમુજ રજુ કરી રહ્યા હતા.
એક વિદ્યાર્થી એ ઊભા થઇને કહ્યું, “એક હતો ભોપો” આખો વર્ગ ત્રીજા બાંકડે બેસેલ વિજય તરફ જોઇને ખડખડાટ હસી પડ્યો.!
અને સાંજે સરકારી બસમાં બેસીને બધા બાળકો ઘરે જતા હતા.. સહુ બેસી ગયા હતા.. એક વૃદ્ધ માજી જે ઉભા હતા એને જગ્યા આપી ને ભોપો બસમાં ઉભો રહ્યો!!!
 ૧૦. માનસિકતા
આજે પણ અંનતે પોતાના વોટ્સ એપ ગૃપ માં અન્ય ગૃપ ની લિંક મુકનાર અજાણ્યા વ્યક્તિ ને રીમુવ કર્યા અને પોતાના ગૃપ ની લિંક બીજા ૧૫ અન્ય ગૃપ માં “અમારા જ્ઞાનના સફરમાં જોડાવ” ના મેસેજ સાથે સેન્ડ કરી !
 ૧૧ . બાળ દીન 
આઠ વર્ષનો પપ્પુએ ઉકરડામાંથી કચરો વિણીને પોતાના ખંભે રાખેલ થેલામાં ભરી રહ્યો હતો. ત્યાં જ એનું ધ્યાન ઉકરડા પાસેના હોર્ડીગ બોર્ડ માં ગયું. એણે જેવું તેવું વાંચીવા પ્રયત્ન કરી ન સમજાતા ફરી કામે વળગ્યો
“૧૪ નવેમ્બર :- બાળ દિવસ”
“બાળકો પાસે મંજુરી કરાવવી ગુનો છે.” – ભારત સરકાર.
 ૧૨. નોટબંધી
     “અરે, ભાઇ આ નોટ તો બંધ થય ગઇ છે, અડધી કલાક પહેલા જ ટી.વી. પર સમાચાર આવ્યા હતા. છુટ્ટા રુપિયા આપ નહિતર દવાઓ મેલી દે” એમ કહીને મેડીકલ વાળાએ દિનેશ ના હાથમાંથી દવાઓ મુકાવી દિધી. નિરાશ થયને સાતમું મેડીકલ શોધી રહ્યો હતો ત્યાં જ ફોન રણક્યો,” દિનયા, હવે બા નથી રહ્યા તું દવા માટે વધુ ન રખડતો.”
 ૧૩. સહનશીલતા
“બેટા, આ ફોન જોતો, શું થાય છે અને વારે વારે ?, ફરી પાછો બંધ થય ગયો!” મોબાઈલ માં ચલચિત્ર જોતા કાનજીએ અનિલને કહ્યું.
“શું પપ્પા, તમે પણ કામ ન કરે તો એક તરફ મુકી દેવાય, આ ઉંમરે મોબાઇલ નું શું કામ વળી! માળા ફેરવો માળા” ચીડાઇને જવાબ આપ્યો. કાનજી વિચાર કરી રહ્યો હતા કે આ મારું ઘડપણ નથી સહન કરી શકતો જ્યારે એનું બાળપણ તો કેવું સહન કરેલુ!
 ૧૪. ફિલસુફી
અમિતના હાથમાં પ્રોજેક્ટ રીપોર્ટ હતો, એનો પ્રોજેક્ટ કંપનીએ અસ્વીકાર કરતાં કહ્યું હતું કે “આમાં રોકાણ કરવા જેવું નથી.”
અમિતે અંકિતાને કહ્યું,”આ પ્રોજેક્ટ મારા નસીબ જ માં નહીં હોય.” આ સાંભળીને અંકિતા અમિતનો હાથ પકડીને વહાલથી બોલી,”તમારો પ્રોજેક્ટ એમની સમજ બહાર પણ હોય શકે, પ્રોજેક્ટ પાસ થયો હોત તો જશ મહેનત ને હોત, નસીબને નહીં!
 આ બધી લઘુકથાઓ વાંચી ને મગજ હળવું કરવા માટે એક હાસ્ય લઘુકથા
 
  લગ્ન આલ્બમ
આજે લગ્નનો આલ્બમ જોયો, મનમાં થયું લે બહુ શોખ હતો પરણવાનો !
 આભારી :
 મુકેશભાઇ સોજીત્રા
 હર્ષલ બ્રહ્મભટ્ટ
 સુભ્રાતાબેન પટેલ
 લેખક :  વસીમ લાંડા  “વહાલા”
હેલ્થને લગતી, ગ્લેમર, બ્યુટી, ન્યુઝ, જોક્સ, વાર્તાઓ તેમજ અન્ય ઉપયોગી માહિતી બીજી ઘણી બધી તમે અમારા “જલ્સા કરોને જૈંતિલાલ” પરથી મેળવી શકો છો, તો રાહ  કોની જોવો છો ? આજે ફેસબુક પરથી અમારું પેજ લાઇક કરો !  જો ગમે તો તમારા મિત્રોને પણ આ માહિતી તમે લીંક શેર કરી બિન્દાસ પહોચાડી શકો છો, તો રાહ કોની જોવાની છે મિત્રો! 

ટીપ્પણી