“પાઘડીની કિંમત” પાઘડીની કિંમત તો એને પહેરનાર જ જાણે! વાંચો દિલચસ્પ કહાની

પાઘડીની કિમંત

“ મીરાબાને પરણાવવા નથી કે શું? “, રાજબાએ પોતાના પતિ જોરાવરબાપુને ટકોર કરતા પ્રશ્ન પૂછ્યો.

“કેમ આમ ટકોર કરે? , દીકરી છે તો પરણાવવી જ પડશે ને તને શું લાગે મેં માંડી વાળ્યો હશે આ વિચાર?

“હા, એવું જ વાતાવરણ છે આજકાલ, કોઈ ચિંતા નહિ, કોઈ હલચલ નહિ. તો શું લાગે બીજું”

તમારા સમ ખાઈને કહું છું રાજપૂતાણી….ક્યારેય આવું કઈ નથી વિચાર્યું….કે…..દીકરીના લગન નથી કરવા”

 

“હાય……હાય…..મારા સમ શું કામ ખાવ છો? હું તમારા સમ ખાવાથી કઈ મરવાની નથી  હો” કદાચ મારું તોય તમને મારા જેવી તો બીજી નહિ જ મળે!”, મોઢું મચકોડી લહેકાથી રાજબા બોલ્યા

“બસો વરસની થા, મારે તો સાતે જનમ તું જ મારી ઘરવાળી થા! એવી હરિને પ્રાર્થના…..તું ખે તો હું મારા જ સોગંદ ખાવ બીજું શું …..ભલે હું અત્યારે જ,,,,……”

જોરાવર બાપુને બોલતા અટકાવતા રાજબા બોલ્યા, આવું એલફેલ શું બોલો સવાર સવારમાં, મને આવું આડું અવળું બોલો એ જરાય સહન નથી થતું હો ….આ તમને છેલ્લી વાર કહું છું સીધું બોલવાનું રાખો ને દીકરી જુવાન ઘરમાં બેથી છે એને સાસરે મોકલવાનો વિચાર કરો…..દીકરીની ઉમર હવે ઘર માંડવાની થઇ છે…ક્યાં સુધી આપડે રાખશું…પારકી થાપણ કે’વાય! એને તો સમયસર એના ઘરે વળાવી દઈએ…..બીજું શું ,મને તો રાત દા’ડો ક્યાય ચેન નથી પડતું.

“સાચી વાત છે તારી…..હાલ હું વેવાણ સાથે વાત કરું ને લગનના મુરત જોવડાવીએ બીજું શું? પણ …..”

“શું પણ…….”

“લગન કરવા તો છે….પણ ચાર ચાર વર્ષ થયા ખેતરમાં કોઈ ઉપજ નથી ને આ ઘર પણ માંડ માંડ હાલે છે…એમાં લગન કેમ લેવાય ?”

“એ તો હુય સમજુ પણ આ જુવાન ….”

“તું કે છે તો આ વર્ષે જ લગન લેશું…હાલ હું મારા લંગોટિયા ભાઈબંધ કાન્તિલાલ વાણીયા પાસે જાવ છું…થોડા ઘણા પૈસાની મદદ તો એ કરશે જ “

એ તો અડદિયા જીવના છે…આખા ગામમાં સૌથી વધૂ લોભીમાં લોભી છે એની પાસેથી શું આશા રાખો છો.

અરે રજપૂતાની, તને શું વાત કરું ? તું એને હજી ઓળખે છે જ ક્યાં ? એ મારો બાળપણનો ભેરુ છે. અમે એકબીજાને મળવા કેવા અધીરા રહ્યા કરતા…આ તો આ ઝંઝાળમાં પડ્યા એટલે, બાકી અમે રોજ એકબીજાના ઘરે જઈએ મળવા….એનો એક સ્વભાવ એને જો આપવા હશે તો આપશે નહીતર એ સામેથી જ નાં પાડશે.

“લ્યો ત્યારે ઉપડો જાવ….શુભ કામમાં દેર શેની ?”

જાય તો છે પણ જોરાવરસિંહના એક એક ઉપાડતા પગલે પગલે સંકોચ આવે છે કે, હું શા માટે પૈસા માંગું છું ? મારી એક ને એક દીકરીને પરણાવવા માટે ? હું આખી જિંદગી કમાયો પણ આ તો વિચાર જ ન કર્યો કે ,દીકરી તો પારકી થાપણ કે’ વાય! એને સાસરે સમયસર વળવવી પડશે તો થોડું થોડું ભેગું કરું, મારે મન તો હજી એ મારી કોયલડી નાની જ છે …આ તો એની મા ને ઉતાવળ ઉપડી છે સાસુ બનવાની! આમ વિચારતા વિચારતા હાલે છે ત્યાં જ એક જોરદાર પગે ઠેસ આવી ને બે ત્રણ લથડીયા ખાઈ ગયા. માંડ માંડ ઉભા રહી શક્યા!

“દીકરીને વળાવવાની વાતનાં વિચાર જો  એક બાપને આટલો નબળો પાડી શકે કે એ સરખું ચાલી પણ ન શકે! તો વિચારો વિદાય ટાણે બાપની શું હાલત થતી હશે!”

મારા કાળજાનો કટકો, મારા વ્હાલનો દરિયો, મારી મીઠડી કોયલ …બસ હવે પારકી થઇ જશે? પછી એ ક્યા આવવાની છે આ બાપ પાસે લાડ કરવા, કે કોઈ વસ્તુની માંગ કરવા…ભલે જે ખર્ચો થાય એ હોંશે હોંશે કરીશ. એવું હશે તો  દેવુંય કરીશ પણ મારી લાડુનું કન્યાદાન , મારી વ્હાલીની વિદાય હું ધામધૂમથી કઠણ કાળજે કરીશ!…………ત્યાં પાછી બીજી ઠેસ આવી….!

ચા વાળો બોલ્યો. “ બાપુ આમ ઠેબા કાં’ ખાવ ? આજે નથી ખાધું કે શું ?”

“ખાધું પણ આજે કોળીયો ગળે ઉતર્યો નથી……મારા કાળજાના કટકો હવે મારાથી …..!,” પૂરું બોલ્યા ન બોલ્યા બાપુની આંખ ભીની થઇ ગઈ ને ચાલવા માંડ્યા.

સામે જ કાન્તિલાલ વાણીયાની દુકાન હતી….દુકાનની અંદર જઈને જોયું તો કાન્તિલાલ વાણીયો દેખાયો નહિ….

પૂછ્યું , “ આ કન્તીયો ક્યાં ગયો છે”?

“એ તો જમવા ગયા છે બેસો હવે આવતા જ હશે”, દુકાનમાં રાખેલ માણસ બોલ્યો.

“હા “

દુકાનનો તો ઠસ્સો જ અલગ હતો…બહારથી નાની દુકાન અંદર તો ઘર જેટલી વિશાળ….મખમલથી મઢેલી મરુન ગાદી વાળી ખુરશી……એની બાજુમાં ટેબલ ને ટેબલ પર હું એક બીજી ખુરશી પર જઈને જોરાવરસિંહ બેઠા બેઠા આખી દૂકાન જોવે છે. ત્યાં, જ કાન્તિલાલ પણ આવે છે મલકતાં મલકતાં હળવા સ્મિત સાથે.

“અરે તું વાલા, આવ આવ ઘણાં દિવસે ભૂલો પડ્યો?, એ મોહન, એક ગરમ ગરમ ચા લઈ આવ મારા બાળપણના ભેરુ માટે…આ મારો લંગોટીયો યાર છે હો”

જોરાવરસિંહને જોઈતો મોકો મળી ગયો…..એને લાગ્યું કે, આ સમય યોગ્ય છે દુકાનમાં હતો એ માણસ પણ નથી….

કાન્તિલાલ મોઢામાં સોપારીનો મુખવાસ ખાઈને આરામથી માથે હાથ ફેરવતા ફેરવતા ચોપડાના પાના ફેરવવા લાગ્યા……એનું વધી ગયેલું પેટ જોઈ દુંદાળા દેવ યાદ આવી ગયા…જોરાવરસિંહને હસવું તો આવ્યું પણ સમય હસી શકાય એવોય ક્યાં હતો.

હિમતકરી હળવેથી બોલ્યા, “એલા કાંતિ તારું એક કામ પડ્યું છે. તું મને મદદ કરીશ? “

“હા, બોલને તારા માટે તો તું જે કહે એ કરું…પણ..”

“કાંતિ આગળ બોલવા જાય ત્યાં જ્ બાપુએ પૈસા વાળી વાત કહી જ દીધી, મારા ઘરે દીકરીબાના લગન લેવાય છે…તું તો જાણે છે કે ચાર ચાર વર્ષથી કોઈ ઉપજ નથી થતી ખેતરમાં. તું જો મને કોઈ મદદ કરે તો”

કાંતીએ ચશ્માં ઉતારી મરુન મુલાયમ ગાદી પર બેસતા બેસતા મનના ભાવ જોરાવર જાણે નહી એમ અદા બદલતા બોલતો, “લે તારે વહેલા ન કહેવાય….મેં આજે જ મારા કાકાને બધા પૈસા આપી દીધા …હું વ્યાજ પણ ન લેત! તારી દીકરી એ મારી દીકરી એમાં શું વળી વ્યાજ લેવાનું. હવે એ પૈસા મારા એક વર્ષ પછી જ છૂટા થાય..પણ હા, જો તારે તાત્કાલિક ધોરણે જોતા હોય તો મારા મોટા ભાઈને વાત કરું.” ગમે એમ તોય વાણીયાનો દીકરો….એ એમનામ થોડી પોતાની મૂડી આપે!

“હા….પૂછી જો ને…મારે ઘડિયા લગ્ન લેવા છે “

“પણ એક જ નડતર છે..એ તને વસ્તુ ઉપર પૈસા આપશે….કોઈ કીમતી વસ્તુ મુકીજા ને પૈસા લઈ જા…..પછી પૈસા આપી જા ને એ કીમતી વસ્તુ લઇ જા….જેમજે…”

“કીમતી વસ્તુ ? એટલે હું કઈ સમજ્યો નહી?”

“કોઈ ખેતરનાં કાગળિયા કે પછી મકાન”

“ અરે, એની શું કીમત હોય આ મારી પહેરેલ પાઘડીથી વધારે! ખેતર તો હમણાં લીધા પણ આ પાઘડી મારી ખાનદાની છે…હું રાજપૂતનો દીકરો જમીન જાયદાદ વગર રહી શકું પણ મારી પાઘડી વગર બિલકુલ નહિ..લ્યો આ મારી પાઘડી જ્યાં સુધી હું તમારી લીધેલ મૂડી ન આપી જાવ ત્યાં સુધી જીવની જેમ સાચવજો મારી પાઘડીને …..હું મારો જીવ જ તમને આપીને જાવ છું..આટલું બોલતા બોલતા જોરાવરબાપુ રડી પડ્યા……એક પાઘડીની કીમત તો પાઘડી પેરવાવાળો જ જાણે કાન્તિલાલ શેઠ!”

 

“કાન્તિલાલ શેઠનું હ્રદય પણ આ ખાનદાની  જોઇને પીગળી ગયું…એમને માણસને કહ્યું કે, આ મારા ભેરુને એની દીકરીના લગ્ન માટે પૂરા પાંચ લાખ આપી દો….મારા ખાતે….એક રૂપિયાનું વ્યાજ નહિ ને જ્યાં સુધી એ સામેથી દેવા ન આવે ત્યાં સુધી ઉધરાણી પણ કરવી નહિ……એની જવાબદારી હું લઉં છું.

“આ હોય છે પાઘડીની કીમત….જેને સમજાય એને જ સમજાય!

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

આવી જ રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી