પાત્ર અદલા બદલી … નિર્દોષ ભાવે રમત રમતમાં આપી દીધેલ દિલની રોમાંચક પ્રેમ કહાની વાંચો

ટ્રીન…. ટ્રીન…. ટ્રીન…. ટ્રીન….

 આજે સાયકલ આવીને ફૂલોના સ્ટોલ પાસે રોકાઈ ગઈ. હજુય એ ફૂલોની સુંદરતા મને મોહી રહી હતી. પણ, જેના માટે હું અત્યારે ફૂલોના ગુલદાસ્તા જોઈ રહ્યો હતો, એનું રૂપ આ દરેકના સ્વરૂપને અને સુંદરતા સાથે ફૂલોની કોમળતાને પણ પડકારે એટલું સોહામણું હતું. ગુલાબની પાંખડી જેવા ગાલોમાં લસરતું હાસ્ય અને લજામણીના છોડ જેવી સ્પર્શ બાદ તરત જ વીંટળાઈ વળતી એની આંખોની અકથ્ય લાગણીઓનું બંધન એનામાં દૂર હોવા છતાં ડૂબાવી રહ્યું હતું. છેવટે, માત્ર એક જ ગુલાબના ફૂલ સાથે મેં પેન્ડલ પર પગ મૂકીને સાયકલ સ્નેહા જ્યાં આવતી એ બાગની શેરી તરફ મારી મૂકી.

સવારની કુમળી ઝાકળ બિંદુઓને સંગ્રહ કરીને બેઠેલા છોડના ખૂણામાં પ્રકાશનું પ્રતિબિંબ પડઘાય એમ એની આંખોમાં મારા સ્વરૂપને હું જોઈ રહ્યો હતો. આજની રમત ફોન પર નક્કી થયા મુજબ જ હતી. ઘટના આજથી 5 વર્ષ પહેલાંની એ રાતની જ હતી, જ્યારે મેં એને પહેલી વખત મારા પ્રેમની પ્રતીતિ કરાવતું મૌન તોડ્યું હતું. શા માટે આખી કોલેજના વિદ્યાર્થીઓને નકારીને પાંગરેલો પ્રેમ એની આંખોની નજરમાં ટૂંટિયું વાળીને છુપાઈ જતો હતો. એનાથી ડરવાનું જો કે કોઈ કારણ તો ન હતું. પણ હા, ચાહવાના કારણો એટલા બધા હતા, કે એને વિચારોમાંથી બે પળ હટાવવા માટે પણ મને કોઈ નિશ્ચિત વિષય નહોતો મળતો. છેવટે એની આંખોમાં નજર નાખીને મેં કહ્યું

 ‘તને રમત તો યાદ છે ને…?’

‘હું આવું…’ એ આટલું કહીને મારાથી સહેજ દૂર સરી ગઈ. એણે પહેરેલો શર્ટ ઇન્સર્ટમાંથી કાઢ્યો અને બાયું સહેજ ઉપર ચઢાવી લીધી. નહિવત મેકઅપ પણ હાથના ભાર વડે દૂર કરીને એ મારી તરફ વળી ગઈ. અહા કદાચ સ્વર્ગ અને આંખો સામેના આનંદમાં મને પસંદગી મળે તો હું જરૂર સ્નેહાને જ પસંદ કરું, આજે એટલી અદભુત લાગતી હતી. ખરેખર વાસ્તવિક સ્વરૂપ બનાવટી દેખાવ કરતી વખતે પણ સહજ જ ખીલી ઉઠે છે.

 ટ્રીન… ટ્રીન… ટ્રીન… એ સાયકલ ચલાવતી હોય એમ મોઢાથી અવાજ કરતા કરતા મારી પાસે આવીને રોકાઈ. ફરીથી ઉતરવાનો દેખાવ કરતા સાઇકલ ફગાવીને એ વાળને છોકરાની જેમ અસ્ત વ્યસ્ત ફેરવવા લાગી. હું બસ એકધારી નજરે મારી સામેના સ્વર્ગને માણી રહ્યો હતો. કદાચ મારી જિંદગી આજ રીતે વીતે એવી દુઆઓ હવે મારુ દિલ પણ માંગી રહ્યું હતું. એણે મને પકડીને પોતાની તરફ ફેરવ્યો ‘સ્નેહા મારી સામે જો ને…?’

 હું એમ જ જડ સમાન મૂર્તિ બનીને ઉભો રહ્યો. આજે અમે જે રમતના અંદર હતો એમાં એ હું બનેલી હતી, અને હું એ એટલે કે સ્નેહા બન્યો હતો. મને આ વાતથી જ રાધાનો એક પ્રશ્ન યાદ આવી ગયો. રાધાએ પણ શ્રી હરિ વિષ્ણુને એકવાર પૂછ્યું હતું કે ‘પ્રભુ, શા માટે હું જ તમારી આસપાસ ફર્યા કરું છું, તમને આટલી હદે ચાહું છું. તમારી પ્રિતમાં મને કોણ જાણે કેમ એટલો આનંદ મળે છે કે સંસારની નીતિઓ અને આ દૈવી નીતિઓ જે મને આપથી દૂર કરે એ પણ અસહનીય લાગે છે. શા માટે હું જ તમારી પ્રિતમાં ઝુરતી રહુ, શુ એવો કોઈ અવતાર નથી આપનો, જેમાં તમે કૃષ્ણના પ્રેમી બનીને એને પામવા માટે આ રાધાની જેમ જ ઝુરતા રહો.’ ત્યારે શ્રી હરિ વિષ્ણુએ હસીને કહેલી વાત પણ આ સમયે યાદ આવી ‘દેવી, તમારા મનની વાત તો નિયતિ સદીઓ પહેલા જ સ્વીકારી ચુકી છે. મારો એ જન્મ પણ આવશે, જ્યારે હિમાલયથી કન્યાકુમારી સુધી હું બસ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને તમારી જેમ જ જીવન પર્યંત ઝુરતો રહીશ.’

 ‘સ્નેહા સાંભળને…’ એણે ફરી મારા હાથે સ્પર્શ કરીને મને જગાડ્યો. ‘આઈ લવ યુ સ્નેહા. હું તને બહુ બધો પ્રેમ કરું છું.’

 એના મુખે આ શબ્દ સાંભળીને હું મારી જાતને સ્વર્ગ કરતા પણ સુખી માની રહ્યો હતો. એના ગુલાબી ફૂલની પાંખડી જેવા હોઠથી સરતા દરેક અમીરસને પીવાનું મન હતું. પણ, આજે હું પાંચ વર્ષ પહેલાંની સ્નેહના રોલમાં હતો. મારે મારા મનને મક્કમ કરવાનું હતું. કદાચ ત્યારે સ્નેહાએ આ વાક્ય કહ્યું હોત તો એને મેં મારી બાહોમાં ઝકડીને કેટલાય ચુંબનો વડે નવરાવી દીધી હોત. પણ… અત્યારે…

 ‘બટ, આઈ હેટ યુ. મેં તને કેટલીયે વાર કહ્યું કે મારા મનમાં તારા માટે માત્ર એક જ લાગણી છે. જે છે આઈ હેટ યુ…’ મેં માંડ માંડ જવાબ આપ્યો.

 ‘આઈ લવ યુ… આઈ લવ યુ… આઈ લવ યુ… સ્નેહા…’ એણે ફરી એક વાર કહ્યું. હું એની આંખોના ભાવોને જોઈ રહ્યો હતો. જે જવાબ મારે ખરેખર આપવો હતો, એ જવાબ આપવા માટે મારી જીભ ઉપડતી પણ ન હતી. તેમ છતાં મારે એને એ જ કહેવાનું હતું, જે એણે આજથી પાંચ વર્ષ પહેલાં મને કહ્યું હતું. હું વારંવાર કોશિશ કરવા છતાં બોલી શકવા અસમર્થ બની જતો હતો. કઇ રીતે કહેવું એનો દ્વંધ મારામાં વધુને વધુ ઉગ્ર બની રહ્યો હતો.

 ‘આઈ લવ યુ… સ્નેહા…’ એની આંખોમાં લાગણીઓની જે સેર ફૂટી, એ સેર હજારો મહાસગરોને પોતાનામાં સમાવી લે એટલી ગહન હતી. છતાં એની આંખોમાં એ નફરત જરાય ન હતી, જે પાંચ વર્ષ પહેલાં મેં જોઈ હતી. એનો અવાજમાં ભળેલી વ્યથા અને દર્દના કારણે આ કહેતા કહેતા એનો સુર રડમસ થઈ ગયો હતો. છતાં એણે ફરી વાર કહ્યું… ‘આઈ લવ યુ સ્નેહા… બોલને સ્નેહા… તું કેમ કઇ નથી બોલતી.’

 ‘તું કેમ મને કહ્યા કરે છે, આ બધું…?’

‘કારણ કે, મારા દિલમાં તારા માટે અઢળક પ્રેમ છે.’

‘તો એણે તારા દિલમાં રાખ, મને શું કામ કે કે કરતો હોઈશ વારંવાર.’ મેં કહ્યું.

‘પણ હું બહુ દિલદાર માણસ છું. હું મારા પ્રેમને ખુલીને જીવવા માંગુ છું. એટલે તો બધાની સામે કહું છું. કે આઈ…. લવ…. યુ….’

 ‘હું તને પ્રેમ નથી કરતી, જા અહીંથી.’ મેં કહ્યું.

‘બોલને…?’ એની આંખોમાં જે ભાવ હતા એ એની ચાહત દર્શાવતા હતા. જ્યારે મારે એની સામે મારી નફરત જ દર્શાવવાની હતી. કેટલું વસમું લાગતું હતું એ શબ્દો બોલતા, જે ન ઇચ્છવા છતાં મારે બોલવું પડતું હતું. પણ એની આંખોમાં હજુય મારા જવાબની બેચેની હું સ્પષ્ટ પણે જોઈ રહ્યો હતો.

 ‘શુ બોલું હું…’ મેં મહામહેનતે એના સવાલોનો જવાબ આપવા પ્રયત્ન કર્યો. એણે ઘરેલુ ગુલાબ મને એના હોઠોની મહેક કરતા સહેજ પણ વધુ કોમળ ન લાગ્યું. છતાં મેં એ ગુલાબ એના હાથમાંથી લઇ લેવા હાથ આગળ ધર્યો.

 ‘આઈ લવ યુ…’ એણે રડતી આંખે છેલ્લે બસ એટલું જ કહ્યું.

‘શુ ક્યારનો આઈ લવ યુ… લવ યુ કરે છે. તને શરમ નથી આવતી…? કેટલી વાર… મને કે તો કેટલી વાર મેં તને કહ્યું છે કે, મારો પીછો છોડી દે. હું અને તને લવ કરું…? માય ફૂટ. તારામાં એવું છે શું, કે હું તને પ્રેમ કરું…?’ મેં ગુસ્સામાં કહેવાનું શરૂ કર્યું. એની આંખોમાં જોઈને બોલવાની મારામાં હિંમત ન હતી. તેમ છતાં અમારી નિયત રમત પ્રમાણે મેં એણે મને જે કાંઈ પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું એ એમજ એના મૂળ સ્વરૂપે એને સંભળાવી દીધું. જેમ એણે મારુ ગુલાબ ફેંક્યું હતું, એ જ રીતે મેં પણ એના મો પર ગુલાબ ફેંકી દીધું.

 ‘સ્નેહા… મને સમજ… હું સાચે જ તને બહુ પ્રેમ કરું છું. આટલો… આટલો… આટલો બધો… અને એનાથી પણ કદાચ આખું આકાશ અંબાય ને એટલો…’ એણે રડતી આંખે કહેવાનું ચાલુ રાખ્યું.

 ‘તો… હું શું કરું… શુ કરું હું…? હું તને લવ બવ કાઈ નથી કરતી. શુ કામ વારે ઘડીયે મને કહી કહીને હેરાન કરે છે. તું પ્રેમ કરે છે તો એ તારો પ્રશ્ન છે.’ મેં નીચી નજરે જ બધુ કહ્યા કર્યું. આ પ્રથમ એવી પળ હતી, જ્યારે બંને જણા એકબીજાનો વિરોધ કરતા હોવા છતાં નિરંતર રડી રહ્યા હતા. બંને આંખોમાં વેદના, વ્યથા અને એમાં તરવરતો લાગણીઓનો હાહાકાર હતો.

 ‘હું તને એટલો બધો પ્રેમ કરું છું સ્નેહા, કે હું મારા દિલમાં લાખ છુપાવવા મથુ છતાં એ છલકાઈ જાય છે.’ એણે જમીન પર ફેંકેલું ગુલાબ ઉપાડીને, જ્યાંથી મેં સ્પર્શ કર્યો હતો ત્યાં પોતાના હોઠો મૂકીને નિસ્વાર્થ પ્રેમની લાગણીઓ સાથે ચુમી લીધું.

 ‘તો કર… મને શું કામ કહે છે. પણ હું તને પ્રેમ નથી કરતી. હું તો તારો ચહેરો પણ જોવા નથી માંગતી, સમજ્યો ને…? શુ કામ મને ટોર્ચર કર્યા કરે છે ‘ મેં પ્રથમ વખત એની આંખોમાં જોવા પ્રયાસ કર્યો.

 ‘આઈ રિયલી લવ યુ…યાર… લવ યુ સો મચ’ એણે આટલુ કહીને હું ઉભો હતો, ત્યાંથી ઉંધી દિશામાં ઝડપભેર દોડવાનું શરૂ કરી નાખ્યું. સ્ત્રીઓ કદાચ પોતાની વેદના છુપાવવાના આવા જ અખતરા કરતી હશે એમ સમજી હું એની પાછળ દોડવાના સ્થાને ત્યાં જ સ્થિર રહ્યો.

 હું એના મારાથી દૂર જતા પગલાં અને એની આહટને સંપૂર્ણ મહેસુસ કરી શકતો હતો. છતાં પણ, એના છેલ્લા શબ્દો બરાબર મારા દિલની મધ્યમાં અર્જુનની ગાંડીવમાંથી છૂટેલા તીક્ષ્ણ બ્રહ્માસ્ત્રની જેમ આરપાર ઉતરી ચુક્યા હતા. મારી આંખોમાં અત્યારે બારે મેઘ ખાંઘા થઈને વરસી રહ્યા હતા. પણ, એની આંખોની વેદના પણ મારા કરતાં ઓછી તો ન જ હતી. સમય બદલાતા ભલે આખું દ્રશ્ય બદલાઈ ગયું હોય, પણ દિલમાં ન દેખાતો પ્રેમ અત્યારે સળગતી જ્યોતિની જેમ એનામાં પણ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. અત્યારે એની જે વેદના હતી, કદાચ આજથી એક વર્ષ પહેલાં મારી સ્થિતિ પણ એવી જ હતી. પણ… આજે જો કોઈ અલગ હતું તો એ હતું મારા દિલમાં બળતું એ દુઃખ, જે મને એની આંખોમાં આંસુઓ લાવવા બદલ અનુભવાઈ રહ્યું હતું.

 ‘સોરી… સ્નેહા મને માફ કરી દે…’ નદીના કીનારે પગ પાણીમાં પલાળીને બેઠેલ સ્નેહાના ખભા પર હળવો સ્પર્શ કરીને કહ્યું. હવે અમે બંને એ રમતની બહાર હતા, એટલે મૂળ વાત પર ચર્ચાને અવકાશ હતો.

 ‘ના… મને ખોટું નથી લાગ્યું. પણ…’ એણે જવાબ આપ્યો. થોડીક વાર એણે એમજ નદીના વહેતા પ્રવાહને જોયા કર્યું. વાતાવરણમાં આવતા બદલાવ સાથે સ્નેહના ચહેરા પરના બદલાવ સમજવા મુશ્કેલ હતા. પણ, આંખોમાં તરવરતી વ્યથા અત્યારે સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી. એણે પણ મારી આંખોમાં કંઇક પ્રવાહિત થઈ રહ્યું હોય એમ થોડી વાર સ્થિર નજરે જોયા કર્યું.

 ‘તો અહીં આવીને… અરે સ્નેહા મારો હેતુ તને દુઃખી કરવાનો જરાય ન હતો. તું જાણે તો છે કે આ બસ પાત્રો અદલબદલ કરવાના આપણા કાલના વિચારેલા ખેલનો જ એક ભાગ હતો.’ મેં એને ઝકઝોળી નાખી.

 ‘શુ આટલું જ દુઃખ તને પણ લાગ્યું હતું…’ સ્નેહાની આંખોમાં અત્યારે અવિરત આંસુઓ વહી રહ્યા હતા.

‘તને અનુભવાયુ એટલું બસ છે. મારે તને એનો અનુભવ નથી કરાવવો. કારણ કે જો તારી આંખો, આજ પછી ક્યારેય આમ મારા કારણે રડશે તો મારા પ્રેમ પરનો ભરોસો મને જ ઉડી જશે.’ મેં એને મારા નજીક તરફ ખેંચતા આલિંગનમાં લીધી. થોડીક વાર બંનેની આંખોમાંથી કંઇક સરતું રહ્યું… યાદો… વ્યથા… વેદના… પછતાવો… અનુભૂતિ… અહેસાસ… લાગણીઓ… ભાવનાઓ… સંવેદના… પ્રેમ… પ્રેમ… અને બસ અવિરત પ્રેમ…

 એણે મારી તરફ ફરીને મને મઝબૂત આલિંગનમાં ઝકડી લીધો હતો. એની આંખોમાં જે પ્રેમની દૈદીપ્યમાન છબી હતી એ સાક્ષાત કૃષ્ણના સ્વરૂપ જેવી વાસ્તવિક હતી. એનું આખું શરીર મારા શરીર સાથે જકડાઈ ગયું હતું, એના શ્વાસ અને ઉછશ્વાસ બંને હું સ્પષ્ટ મહેસુસ કરી રહ્યો હતો. એની ધડકતી દરેક ધબકારના પડઘા મારા દિલમાં અંકિત થઈ રહ્યા હતા. ‘તું હંમેશા ખુશ રહે એવી જ મારી ઝંખના છે…’ આટલું કહ્યા પછી હું વધુ કંઈ બોલવા સક્ષમ ન હતો. એના હોઠ મારા હોઠ પર હતા, અને એનું દિલ મારા દિલના ધબકારમાં એકાકાર થઈ ચૂક્યું હતું.

 લેખક :  સુલતાન સિંહ ‘જીવન’

સાહિત્યને લગતી વાર્તાઓ કે પછી નવલિકાઓ વાંચવા માટે આજે જ અમારું પેજ “જલસા કરો જૈન્તીલાલ” લાઇક કરો 

 

ટીપ્પણી