રંગની પરિભાષા – સહજીવન વિતાવ્યા વગર બની ગઈ હતી એ વિધવા…

“રંગ ની પરિભાષા”

*******

‘ફિયા એય ફિયા’

નાનકડી તૃષાએ હાથે ઝાલીને ઢંઢોળી અને તૃપ્તિની તંદ્રા તુટી.
ઝબકીને જોયું, તૃષા સામે ઉભી હતી. એના નાના ભાઈની પાંચ વરસની દીકરી.

શું છે બેટા?’
‘ફિયા પેલાં ઉમંગ અંકલ છે ને?’
‘હા ..તો શું છે એનું?’
તૃપ્તિ એ પુછ્યું …
એમને લેવા એમબ્યુંલેન્સ આવી છે… .”
“ હેં એએએ.!, તૃપ્તિના મુખેથી એક ઉદગાર સરી પડ્યો”.

તૃપ્તિ દરવાજા તરફ ભાગી, મોટી ભીડ હતી, ઉમંગના ઘરના દરવાજે જઇ જોયું તો, ઉમંગની પત્ની માથું કૂટી રહી હતી, ને સામે ઉમંગ સાવ નિશ્ચેતન પડ્યો હતો. એક જ હાર્ટઅટેક અને ખેલ ખલાસ.!

તૃપ્તિ અવાચક્ બની નિહાળી રહી હતી.
સૌ અંતિમ યાત્રાની સગવડ કરવાની તજવીજ કરવા લાગ્યા.
તૃપ્તિ એના ભાભી સાથે, ઉમંગની પત્ની પાસે બેસીને, વિચારોમાં લીન થઈ ગઈ.

“એય તરપતી, એના કાનમાં કોઇએ હળવેથી કહ્યું, ને તૃપ્તિ ગુસ્સાથી લાલચોળ થઈ પાછળ વળી જોયું , તો ઉમંગ દાંત કાઢતો હસતો ઉભો હતો. નાની હતી ત્યારે શરદી રહેતી …તૃપ્તિનું નાક વહેતું રહેતું. ને ઉમંગ એને તરપતી કહી હંમેશાં ચીડવતો. “જાને ઉમંગિયા,પતંગિયા”, કહીને તૃપ્તિ બદલો વાળતી… પછી બંનેએ એકબીજાને કાન પકડી મનાવી લેતાં. આ તો બચપનથી ચાલ્યું આવતું હતું.
ઉમંગ ને તૃપ્તિ પાડોશી, સાથે મોટા થયા, કોલેજ દરમિયાન દોસ્તી પ્રેમમાં પરિણમી. હવે તૃપ્તિના માંગા આવવા લાગ્યાં હતાં, એટલે બંને લગ્નની વાતે જરા ગંભીર હતા.

ઉમંગના ઘરે તો વાંધો નહોતો, પણ તૃપ્તિ ઘરની મોટી દીકરી ને પપ્પાને વહાલી, એટલે એમનો વિશ્વાસ કેમ તોડવો…
એક દિવસ અચાનક ઉમંગ તૃપ્તિને રજીસ્ટારની ઓફિસે લઇ ગયો, લગ્નની બધી જ તૈયારી હતી ને તૃપ્તિ પણ ખૂશીથી તૈયાર થઈ, આર્ય વિધિથી મંદિરમાં પણ લગ્ન કર્યાં, અને હવે ઘરે કેવી રીતે વાત કરવી એનું આયોજન કાલ કરવું કહી છુટા પડયા.
તૃપ્તિ ઘરે આવી બધા ખૂશ હતા મમ્મી પપ્પા, ભાઈ બેન, સાથે બેસીને જમ્યા. તૃપ્તિના પપ્પા હાથ ધોવા ઉભા થયા ફર્શ પર પાણી ઢોળાયેલ હતું. એમનો પગ લપસ્યો ને તૃપ્તિના પપ્પાને માથામાં ગંભીર ઇજા થઈ હેમરેજ થવાને કારણે બીજા દિવસે એમનું અવસાન થયું.

તૃપ્તિના શમણાં હવે રોળાઈ ગયાં.

ઘરની જવાબદારી બધી એના માથે આવી. પિતાની જગ્યાએ નોકરી તો મળી પણ, ઉમંગની દુલ્હન બની જવાનું સ્વપ્ન હવે પુરું થાય એમ નહોતું..

પિતાની ગેરહાજરીમાં બધું એને સંભાળી લેવાનું હતું. તૃપ્તિએ ઉમંગને મનાવ્યો, પોતાને ભૂલવા માટે.

સાથે સજાવેલા સહજીવનના શમણાંને હવે ભૂલીને આગળ વધવાનું હતું. કયારેય મળ્યા નહોતા એવા ભાવ સાથે જીવવાનું હતું.
વીસ વરસની તૃપ્તિ અચાનક મોટી થઈ ગઈ સમય વીતતો ચાલ્યો. પંદર વરસનો લાંબો સમય ઘણું બધું પાછળ છોડી આવ્યો હતો.

તૃપ્તિના ભાઈ બેન પણ પરણી ને સેટલ હતાં.

ઉમંગ પણ લગ્ન કરી એના જીવનમાં વ્યસ્ત હતો. કયારેક દૂરથી તો કયારેક છાનામાના તૃપ્તિના ખબર અંતર મર્યાદામાં રહી પૂછી લેતો હતો.

આજ અચાનક આ બનાવ બન્યો ને તૃપ્તિની નજર સમક્ષ લગ્નની એ વિધિનું દ્રશ્યતાદ્રશ્ય થયું.. એક એક વચન સપ્તપદીના, સાત ફેરાં, સિંદુર અને મંગળસુત્ર, મૂકેલા એ યાદોનો પટારો યાદ આવ્યો …ઉમંગની સ્મશાન યાત્રા નીકળી ત્યારે સૌની આંખોમાં આંસુ હતાં, ને તૃપ્તિની આંખે દરિયો છલકાતો હતો, ઉમંગની પત્ની તો હવે વિધવા હતી. પણ તૃપ્તિ?

ના તો લગ્ન કરીને સુહાગણ રહી શકી ને આજે ઉમંગ ના ગયા પછી વિધવા થઈ શકી..!
હવે એના મનમાં એક જ પ્રશ્ન છે, કયો રંગ ધારણ કરે? પ્રેમનો લાલ કે વિધવાનો સફેદ?

લેખક : આર.આર.સોલંકી “તૃષ્ણા”

વાર્તા વિષે આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી