મૃત્યુ વિષે ઘણી બધી ફિલસુફીઓ ઠોકાઈ ચુકી છે…..પણ છતાં એય કહેવાયું છે કે, “જાન હૈ તો જહાન હૈ”

જાન હૈ તો જહાન હૈ…

મૃત્યુ વિષે ઘણી બધી ફિલસુફીઓ ઠોકાઈ ચુકી છે. શેરોશાયરીઓના ઢગલાઓ થઇ ચુક્યા છે. બક્ષી કહેતા એમ સૌથી વધારે સેક્સ અને મૃત્યુ વિષે લખાયું છે.. અને લખાતું રહેવાનું છે. સેક્સ વિષે તો ‘ના ના’ કરીને ફોટાથી લઈને ફીલ્મો સુધી બધું જ જોવાય છે, વેંચાય છે. હળીમળીને ચાલુ અધિવેશન કે પ્રોગ્રામ્સ કે મીટીંગોમાં પણ પોર્ન ક્લિપ્સ જોવાતી હોય છે અને ‘બેડરૂમમાં પોર્ન મુવીસ બહુ જોવાઈ રહી છે’ કહીને યુવાનો પર બળાપો કાઢવામાં આવે છે! વિચિત્રતા છે.. લોકો સેક્સ શબ્દ પ્રત્યે એટલો બધો છૂપો આકર્ષણ અનુભવે છે કે એ શબ્દ સાંભળીને જ ભડકી ઉઠે છે! અલબત્ત, એમને ભડકવું પડે છે! ખેર, ‘સેક્સ’ શબ્દ આવતા જ વાત ફંટાઈ ગઈ!

વાત હતી મૃત્યુની. ‘સંભોગથી સમાધિ’ સુધી પહોંચવું એમ ઓશોએ કહ્યું છે. જ્યાંથી તમે આવ્યા છો ત્યાંથી જ તમને મોક્ષ મળશે એમ ઓશો કહેતા. મૃત્યુ શું છે? કાચબો જેમ ધીમેકથી ચાલીને સસલાને હંફાવી નાખે છે એમ મૃત્યુ જીવનને હંફાવી નાખે છે! ઊંચકીને ધીમેકથી ધક્કો મારી દે છે. મૃત્યુ માંગવું, મૃત્યુ લઇ લેવું, સ્વીકારી લેવું, ‘હું તો વાટ જોવું છું’-આવી બધી વાતો બહુ થતી હોય છે. ખાસ કરીને પાછલી ઉંમરમાં; પણ ખરેખર સૌ મૃત્યુથી ભાગે છે. કોઈને મરવું નથી. અહીં ‘સેક્સ’ શબ્દથી ઉલટું છે, ‘મૃત્યુ’ શબ્દ સૌને ગમે છે, બોલવો, વહેંચવો, ફેલાવવો; પણ અંદરખાને ડર લાગે છે, ફડક રહે છે. તમે પૈસા કમાઓ નહિ ત્યાં સુધી પૈસા નથી એની ચિંતા હોય અને પૈસા કમાવાની શરૂઆત થાય એટલે એ જતા ન રહે એની ફિકર રહે-એના જેવું છે બધું! જીવનમાં બધું જ બરોબર હોય ત્યારે ‘મૃત્યુ તો શું કરી લેવાનું છે’ની ફિશિયારી મરાતી હોય છે અને પછી જયારે મૃત્યુ ‘નોક નોક’ કરે ત્યારે બધી જ ફિલસુફીઓ અને ફિશિયારીઓ અને હોશિયારીઓનો ડૂચો વળીને ડસ્ટબિનમાં ફેંકાઈ જતો હોય છે.

આટલી ‘મૃત્યુથી ડરવાની કે ન ડરવાની’ વાત પછી કહેવું-પૂછવું છે કે તો પછી લોકો આત્મહત્યા કેમ કરતા હશે? આટલી ‘મરવાની હિંમત’ કે ‘જીવવાની ના-હિંમત’ ક્યાંથી આવી જતી હશે? જીવનથી નાસી જવું, ભાગી જવું, તૂટી પડવું, પીછે હઠ.. શા માટે? લોકો કહેતા હોય છે કે આત્મહત્યા કરનાર તો બહાદુર હોય છે, પણ જો ‘જીવવું’ મૃત્યુથી પણ અઘરું લાગતું હોય તો જીવવું એ વધારે બહાદુરીનું કામ છે. હૈદરાબાદના રોહિત વેમુલા નામના દલિત વિધાર્થીના દુઃખદ સમાચાર હોય કે રાજકોટના અગ્યારમાં ધોરણમાં ભણતા બે વિધાર્થીઓની વાત હોય કે અમદાવાદની ૧૦માં માળેથી કુદેલી યુવતીની કરુણ ઘટના હોય; કારણ શું હતું, તકલીફો શું હતી-એ વાતમાં નથી પડવું પણ પ્રોબ્લેમ્સ બધા પાસે બેશુમાર છે, જેમને કશો જ પ્રોબ્લેમ નથી એમને એ પ્રોબ્લેમ છે કે ‘મારી પાસે પ્રોબ્લેમ નથી’! તો પછી શા માટે બધું જ છોડીને મરી જવું?

શૌમ્ય જોશીના અલાતારીન અને અફલાતુન પ્લે ‘૧૦૨ નોટ આઉટ’માં એક જગ્યાએ ૧૦૨ વર્ષનો બાપ દીકરાને કહે છે કે, ‘જ્યાં સુધી પૂરેપૂરા જીવીએ છીએ ત્યાં સુધી મરવાનું તો નહિ જ! મરવાની વાત જ નહિ કરવાની.’ મરનારના સ્વજનો માટે એ મૃત્યુ કરતા પાછળ છોડી ગયેલા મૃત્યુ માટેના કારણો જીરવવા વધારે દુષ્કર હોય છે. કેટલાક આત્મહત્યાના કારણો જ ખબર નથી પડતી આખી જિંદગી, પછી એને ખાલી વેંઢારવાના હોય છે… એ તળાવ કે બિલ્ડીંગ કે એ ઘરની છત જોઇને હદયમાં પડેલા ઘાને વધારે ને વધારે કોતરવાના હોય છે..

બ્રેન હેમરેજથી મૃત્યુને ભેટેલા અમારા અંગ્રેજીના સર કહેતા કે જો જિંદગીને તકલીફોના કાંચમાંથી જોશો તો જિંદગીનું બીજું નામ જ પ્રોબ્લેમ છે. નહિંતર નકરો જલસો છે! બીજું કશું છે જ નહિ, મજા કરવાની છે. કશુંક એક છૂટે છે અને બીજું મળે છે. હેપિનેશ, આનંદ, મૌજ- બધું ઇર્દગીર્દ જ છે. જરૂર છે ફક્ત એ તરફ જોવાની. અને આજ સુધી ક્યાંય એવું જાણ્યું નથી કે આત્મહત્યા કર્યા પછી એ માણસ સુખી થયો હોય. કે એને કે એના પરિવાર કે સમાજને ભોગવવી પડતી તકલીફોનો એકસામટો અંત આવી ગયો હોય. નિરાકરણ કે રસ્તો જીવ હશે તો મળશે-નીકળશે. ઇફ ધેર્સ લાઈફ, ધેન ધેર્સ ધ વર્લ્ડ. ભારતીય કહેવત છેઃ ‘જાન હૈ તો જહાન હૈ..’

લેખક : પાર્થ દવે 

નવી ને રસપ્રદ નવલિકાઓ વાંચવા માટે  લાઇક કરો  અમારું પેજ : જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી